સમાજનું ટચૂકડું ‘સેલ્ફી ‘ – અચૂક વાંચજો આ લઘુકથા સંગ્રહ ( માઈક્રો ફિક્શન )

૧ ગર્ભપાત

કોલેજ ના ફોર્મ વહેંચાય રહ્યા. પોતાના ગમતા પ્રવાહ ની પસંદગી કરવાની ક્ષણ આવી ઉભી. સાહિત્ય ની સેવા કરવા જન્મેલ એ જીવ ને મરજી વિરુદ્ધ કૌટુંબિક દબાવ થી અન્ય પ્રવાહ નું ફોર્મ ભરવું પડ્યું. અને સમાજે એજ ક્ષણે પોતાનો એક મહાન લેખક જન્મ્યા પહેલાજ ગુમાવી દીધો. ગર્ભપાત ફક્ત માનવતા નુજ નહિ કલા નું પણ થાયજ છે!?!

૨ અભિનય

એક એક્ટર માંથી એક નેતા બનવાનો નિર્ણય એણે લઇ લીધો. ના,એનો અર્થ એ નથી કે એ હવે અભિનય નહિ કરે. અભિનય તો એ કરશેજ ફક્ત એક જુદા મંચ ઉપર,જુદા પાત્રો જોડે ને જુદા પ્રેક્ષકો સામે !

૩ જીવે તો છે!

બસ સ્ટોપ ઉપર બસ ની રાહ જોતા આકાશ ની નજીક કાર આવી થોભી.કાર ની અંદર ના ઓળખીતા ચ્હેરા ની અશાબ્દિક લિફ્ટ સ્વીકારતો આકાશ કાર માં ગોઠવાયો. ગાડી આગળ વધી ને યાદો પાછળ.

” આકાશ જો હું ના મળીશ તો?”

” હું મરીજ જઈશ , સ્વરા ”

” તો ઝિદ છોડ ને પપ્પા ની દુકાન સંભાળી લે. તું પગ પર ઉભો થાય ને લગ્ન પાક્કા ”

“મરી જઈશ પણ એક નાનકડી દુકાન મા આખું જીવન નાજ વેડફીશ.સ્વરા મારા જીવન સ્વપ્નો બહુ ઊંચા છે. મન માં પાંખો છે ને
તું ઉડવા ની પ્રેરણા . જો તું સાથ આપીશ તો આખું વિશ્વ મારુ. એક શ્રેષ્ઠ સંગીતકાર થવું છે મને. થોડો સમય ને થોડી ધીરજ ની અપેક્ષા રાખું છું . આપીશ ને ? ”

અચાનક લાગેલ બ્રેક થી સ્ટીઅરિંગ તરફ આગળ ધકેલાયેલ સ્વરા ના ગળા માનું મંગલ સૂત્ર હવા માં લહેરાયું.

” તું તો કહેતો હતો મારા વિના મરીજ જઈશ ? જીવે તો છે ! ”

” થેન્ક્સ ફોર ઘી લીફ્ટ ” આકાશે કાર નો દરવાજો બંધ કરી પોતાનો રસ્તો લીધો.

કાર ફરી એની દિશા માં આગળ આવી.
” બાઈ ઘી વે. ક્યાં છે આજકાલ ? શું કરે છે ? ”

કાર ની અર્ધી ખુલ્લી બારી માંથી પોતાનો ચ્હેરો અંદર પરોવી સ્વરા ની આંખો માં જોતા આકાશે જવાબ આપ્યો:

” પપ્પા ની દુકાન સંભાળું છું .”

આકાશ તો ક્યાર નો રસ્તો છોડી ગયો. પણ સ્વરા ની કાર રસ્તા ની વચોવચ અટકી ગઈ ભૂતકાળ ના એ સંવાદ ઉપરજ.

” મરી જઈશ. પણ એક નાનકડી દુકાન માં આખું જીવન ના જ વેડફીશ ”

૪ તરસ ની હેસિયત

સાડી ની દુકાન ના કાઉન્ટર ઉપર ઉનાળા ની ભર બપોરે ગરમી થી બેહાલ સ્ત્રી બિલ ચૂકવવા પહોંચી.
” ઊફ …આ ગરમી.!”
કાઉન્ટર પર થી અવાજ ઊંચો થયો.
“છોટુ મેડમ માટે પાણી લાવ તો ”
છોટુ કૂલર માંથી ઠંડુ પાણી લઇ આવ્યો. ત્યાંજ અન્ય એક સ્ત્રી બિલ ચૂકવવા પહોંચી.
” ઇટ્સ હોટ! ”
કાઉન્ટર પર થી ઈશારો થયો ને છોટુ ભાગતો બાજુ ના જ્યુસ સેન્ટર માંથી એક મોટું ગ્લાસ બરફ વાળું રિયલ ફ્રૂટ જ્યુસ સ્ટ્રો સાથે લઇ આવ્યો. બંને ની તરસ ને અપાયેલ જુદા જુદા પ્રતિસાદ થી મુંજવણ અનુભવતી પહેલી સ્ત્રી પાણી પીધા પછી પોતાનું ૯૦૦ રૂ નું બિલ ચૂકવી જતી રહી. એના જતાજ બીજી સ્ત્રીએ જ્યુસ ની મજા માણી લીધા પછી પોતાનું ૧૫૦૦૦ રૂ નું બિલ ચુકવ્યું.

૫ આજીવન ભેટ

“કોણે કહ્યું મારા માતાપિતા એ મને ઘરેણાં ભેટ માં ના આપ્યા?”
પોતાને પુછાયેલા લાલચી પ્રશ્ન નો ઉત્તર આપવા નવી વહુ ના હાથો બેગ માં કશુંક શોધી રહ્યા.બધી જ લાલચી આંખો એ હાથો પર તકાઈ રહી.
” મારા માતા પિતા એ તો એવો ક્રેડિટ કાર્ડ ભેટ માં આપ્યો છે જેનો ઉપયોગ કરી હું ગમે તેટલા ઘરેણાં જાતેજ ખરીદી શકું ” અને એ ક્રેડિટ કાર્ડ બેગ માંથી નીકાળી એણે ટેબલ પર મુક્યો.
‘ એમ. એસ સી. બી. એડ. ની એની ડિગ્રી ‘

૬ વિકલ્પ

સમસ્યા જીવલેણ બની ચુકી હતી. કોઈ ઉપાય કોઈ ઉકેલ ની આશાજ દેખાતી ના હતી.ના કોઈ ને કઈ કહેવાતું હતું.ના અંદર હવે સહેવાતું હતું. એકજ વિકલ્પ ! કશે થી એક જાડું દોરડું લઇ પંખા પર ગોઠવ્યું. ગળા ને કસી ને દોરડા માં ભેરવ્યું. નીચે ની ખુરસી ને હડસેલી કે તરતજ એક છલાંગ સાથે દોરડું કાઢી નાખ્યું. ધ્રુજતા શરીર ,ધ્રુજતા હય્યા સાથે મિત્ર ને ફોન લગાવી દિવસો થી અંદર સંગ્રહી રાખેલ બધુજ શબ્દેશબ્દ કહી નાખ્યું. મિત્ર દોડતો આવી પહોંચ્યો. થોડા દિવસો, મહિનાઓ, વર્ષો લાગ્યા પણ આખરે સમસ્યા ઉકેલાય ગઈ. આજે જયારે પણ એ ક્ષણ એની આંખો સામે આવે છે ત્યારે જીવન ઠાલવી નાખવા કરતા હ્ય્યુ ઠાલવી નાખવા ના પોતે પસંદ કરેલ વિકલ્પ પર એ ગર્વ અનુભવે છે !

૭ હેતુ

અંકિતા ને જોવા આવેલ વરપક્ષે એની કારકિર્દી અને શિક્ષણ અંગે એકાદ પ્રશ્ન પૂછ્યા પછી એની રસોઈ ની આવડત ને રસોડા ના જ્ઞાન અંગે અગણિત પ્રશ્નો પૂછ્યા . એ બધાજ પ્રશ્નો નો ઉત્તર આપ્યા પછી અંકિતા એ એકજ પ્રશ્ન પૂછ્યો.” આ લગ્ન નો હેતુ શું ?” વરપક્ષ તરફ થી યુવક ની માએ હસી ને જવાબ આપ્યો. ” મારા પછી કોઈ તો જોઈએ ને રસોડું સંભાળવા ” અને તેજ ઘડી એ અંકિતા એ લગ્ન નો પ્રસ્તાવ રિજેક્ટ કરી નાખ્યો એ જવાબ સાથે કે યુવક ને જીવન સાથી ની નહિ રસોઈયા ની જરૂર છે !

૮ કલા ની કદર

પહેલા જે સમય ને ઉર્જા નો વ્યય તરીકે અવગણના પામતી હતી એની એજ કલા ની આજે લોકો અનન્ય કદર કરે છે.અને કરેજ ને કારણ કે પહેલા એ ફક્ત એક કલા હતી પણ આજે આર્થિક સ્પર્શ પામી મોટી આવક નું માધ્યમ પણ બની છે !

૯ મોર ના ઈંડા ચીતરવા ન પડે

આખો દિવસ કામ કરી થાક થી નિધાળ ને ગરમી થી બેહાલ એ ઘર માં પ્રવેશ્યા. દીકરા પાસે એક ગ્લાસ પાણી માંગ્યું.
” પહેલા મને પેટ્રોલ માટે ૩૦૦ રૂપિયા આપો ”
શરત થી છલકાતું એ વાક્ય સાંભળતાજ એમનો પારો ચઢ્યો.
” પોતાની ફરજ પુરી કરવા આમ શરતો મૂકતા શરમ નથી આવતી?”
રસોડા માં થી કામ પડતું મૂકી પત્ની પાણી નો ગ્લાસ લઇ આવી.
” મોર ના ઈંડા ચીતરવા ના પડે ”
પત્ની ના શબ્દો સાંભળી ચુપચાપ એમણે આખો દિવસ ટ્રાફિક સિગ્નલ પર કરેલ ‘ઉપર ‘ ની કમાણી માંથી દીકરા ને ૩૦૦ રૂપિયા આપી દીધા!

૧૦ પીડા

પ્રસુતિગૃહ ના એ ઓરડા માં મધ્યરાત્રિ એ મારી ચીસો થી દીવાલો ધ્રુજી રહી હતી. એ અસહ્ય પીડા મારો જીવ જ લઇ લેશે એ ભય થી હું કંપી રહી હતી. એક સાથે શરીર ના જાણે બધાજ હાડકાઓ ભાંગી રહ્યા હતા. શરીર ના દરેક સ્નાયુઓ ભીંસાઈ રહ્યા હતા. શરીર માંથી લોહી ઉડી રહ્યું હતું. અર્ધ બેભાન અવસ્થા ને સહારો આપવા ગ્લુકોઝ ની સિરીંજ નસોમાં વહી રહી હતી. એક નાનકડો જીવ મારા જીવ માંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યો હતો. પણ મારો જીવ જાણે નીકળી રહ્યો હતો. ના સહેવાય..નાજ સહેવાય એવી વેદના …કોઈ પણ મનુષ્ય થી નાજ સહેવાય…

” હજુ એક છેલ્લો પ્રયાસ ”

ડોક્ટર ના એ શબ્દો અર્ધજાગ્રત કાનો માં પડતાજ શરીર ની બધીજ ઉર્જા છેલ્લા શ્વાસ ને સોંપી દીધી અને શરીર જાણે બે ભાગ માં વહેંચાય ગયું હોઈ એવી કષ્ટદાયક વેદના સાથેજ એક અંતિમ ચીસ પ્રસુતિગૃહ ની દીવાલો ને ધ્રુજાવી ગઈ.પીડા ની ચરમસીમા થી આંખો ભીંજાઈ ગઈ. ને બીજીજ ક્ષણે એ નાનકડો જીવ હાથો માં આવ્યો. નાનકડા હાથો, મીઠા હોઠ, નિર્દોષ ચ્હેરો અને એ નવા જીવ ની મધુર શ્વાસ મારી શ્વાસો માં ભળતાંજ બધીજ વેદના , બધીજ પીડા, બધાજ કષ્ટ એક ક્ષણ માં વિસરી જવાયા . એ પીડા ની ક્ષણ પળ ભર માં મારા જીવન ની સૌથી મોટી આનંદ ને સંતોષ ની ક્ષણ બની રહી.

પણ આજે ત્રીસ વર્ષ પછી એ નાનો જીવ જયારે એક પુખ્ત વય નો પુરુષ બની મારી સામે ઉભો છે, મારી ઉપર અવાજ ઊંચો કરી ગરજી રહ્યો છે ત્યારે એક અન્ય પીડા ઉઠી છે. પણ આ પીડા ની સામે પેલી પ્રસુતિગૃહ ની પીડા તો કંઈજ નથી. આ પીડા તો શરીર ની સાથે મારી આત્મા ને પણ ઘાયલ કરી રહી છે. આ પીડા તો મૃત્યુ થી પણ ઘાતક. આ પીડા હવે કદી દૂર ના થશે કારણ કે આ પીડા ને ક્ષણ ભર માં ભુલાવી દેવા ફરી એ નાનો જીવ મારા ખોળા માં કયાંથી આવશે???

૧૧ તપસ્વી

” પપ્પા તપસ્વી કોને કહેવાય?”
” જે સુખ,સગવડ,આરામ,મોહ,લોભ ત્યજી પોતાનું સમગ્ર જીવન ઈશ્વર ના પ્રેમ માં સમર્પિત કરી નાખે એવા યોગી.”
પપ્પા નો જવાબ સાંભળી દીપુ ની આંખો માં આખો દિવસ આરામ ત્યજી ઓફિસ માં ઉભા પગે કામ કરતા, દાઝતા તડકામાં માં કુટુંબ ની જરૂરિયાતો માટે ફેરા ખાતા, પોતાની અવગણના કરી બધા ના માટે ભેટ લાવતા, રવિવાર નો આરામ જતો કરી બધાની ખુશી માટે ઓવરટાઈમ કરતા પપ્પા ની તસ્વીર ઉપસી આવી.
” એટલે ઈશ્વર ના યોગીઓ તપસ્વી કહેવાય ને બાળકો ના તપસ્વી ને પપ્પા કહેવાય” એ મીઠા શબ્દો એ પોતાના તપ ને આપેલા માન થી સામે ઉભેલા ‘ તપસ્વી ‘ ની આંખો ભીની થઇ ગઈ.

૧૨ આ ઉંમરે ક્યાંથી સમજશે?

“નવું ડી વી ડી પ્લેયર,જુના ફિલ્મો ને ગીતો ની ડી વી ડી નો સંગ્રહ ખરીદી આપ્યો છતાં એજ જુના ટેપ રેકોર્ડર ની પાછળ પડ્યા રહે છે.”
“જવા દેને ગિરીશ હવે આ ઉંમરે ક્યાંથી સમજશે?”
અને અંદર ના અંધારા ઓરડા માં ઊંચું સાંભળતા એ અતિ વૃદ્ધ કાન ફરીથી એજ જુના ટેપ રેકોડૅર ઉપર ગોઠવાય, એની અંદર ફરતી એ ખુબજ જૂની ને ઘસાય ગયેલ ટેપ માં રેકોર્ડ થયેલ પોતાની સ્વર્ગસ્થ પત્ની નો અવાજ સાંભળવા મથી રહ્યા.
પ્રેમ નો એ વિરહ ભાવ એમના બાળકો આ ઉંમરે ક્યાંથી સમજશે?

૧૩ તીખાશ

” જમવામાં આટલું મરચું? એક કામ સીધું નહીં થાય? ”
અવિનાશ નો ગુસ્સો સાંભળી શિખા રસોડા માંથી દોડતી આવી.
” ધ્યાન ક્યાં હોઈ છે તારું? ઈશ્વરે આપેલ બુદ્ધિ નો ક્યારે ઉપયોગ કરીશ? ” શિખા એ ઉતાવળે શાક ચાખ્યું કે ધડ ધડ કરતુ પાણી આંખો માં આવ્યું. ” જોયું કેવું તીખું? નીકળ્યું ને આંખો માંથી પાણી?” જમવાની થાળી ને હડસેલી એ તિરસ્કાર ના ભાવો સાથે જતો રહ્યો. શિખા નો જવાબ સાંભળવા પણ ના રોકાયો. ” હા અવિનાશ આંખો માં થી પાણી તો નીકળ્યું પણ એ મરચાં ની તીખાશ થી નહીં શબ્દો ની તીખાશ થી આવ્યું છે!”

૧૪ દ્રષ્ટિ

“આઈ હેવ ફોલન ઈન લવ વિથ યુ. લવ એટ ફસ્ટ સાઈડ”
કોફીશોપ ના ટેબલ પર બેઠેલ યુવતી ના પગ તરફ ગુથણ પર એ બેસી રહ્યો .
” પણ તમારા લવ એટ ફસ્ટ ‘ સાઈટ ‘ ને નિહાળવાની દ્રષ્ટિ જ મારી પાસે નથી.” પોતાના કાળા ચશ્માં ને વ્યવસ્થિત કરતા યુવતી એ નિસાસો નાખ્યો.
” ઓહ, આમ સૉરી ” કહેતો એ ત્યાંથી ભાગી નીકળ્યો. કાળો ચસ્મો ઉતારી સ્વસ્થ દ્રષ્ટિ થી ભાગી જતા યુવક ને જોતી એ હસી રહી.
” દ્રષ્ટિ તો ખરી મારી પાસે બધું નિહાળવા માટે ની પણ ને પ્રેમ ને પારખવાની પણ !

૧૫ ઘેલછા

એનો ફોટો સૌથી વધુ પ્રખ્યાત થાય ને સોશિઅલ મીડિયા પર સૌથી વધુ શૅર થાય એ ઘેલછા માં એ શહેર ની સૌથી ઊંચી ઇમારત ના ટોચ પર સેલ્ફી ક્લિક કરવા પહોંચી. બીજે જ દિવસે એનો ફોટો દરેક સમાચાર પત્ર , ન્યુઝ ચેનલો ને સોશિઅલ વેબસાઈટ પર મેક્સિમમ શૅર થયો એ સમાચાર સાથે કે સેલ્ફી ની ઘેલછા માં હજુ એક તરુણી નું મૃત્યુ.

૧૬ ઓવરટાઈમ

“પપ્પા કોલેજ માટે ૫૦૦ રૂપિયા જોઈએ …”
દીકરા ને અભ્યાસ અર્થે કોઈ સમસ્યા ના થાય એ માટે વિના વિચારે
એમણે ૫૦૦ રૂપિયા આપી દીધા. હિસાબ બદ્ધ યોજના ફળી. બુકે, ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ, પેટ્રોલ, નાનકડી ટ્રીટ….પ્રોપોઝલ ના દરેક પાસા સચવાઈ ગયા .પણ આટલી મહેનત કર્યા છતાં ને આ સંબંધ ને ઓવર ટાઈમ આપ્યા છતાં ગર્લફ્રેન્ડે સીધીજ ના પાડી દીધી.
સાંજે પપ્પા એ રોજ કરતા બે કલાક માટે દુકાન માં વધુ કામ કર્યું. મહેનત કરી ગ્રાહકો ને સેવા આપી અને ઓવર ટાઈમ કરી સવારે ખર્ચાયેલ ૫૦૦ રૂપિયા કવર કરી નાખ્યા !

૧૭ સંસ્કાર

બસ માં બાજુ ની સીટ પર એક યુવતી આવી ગોઠવાય. જીન્સ, સ્લીવલેસ ટોપ ને બોય કટ વાળ.માજી મનમાંજ ચિડાયા.
‘ આજની પેઢી માં સંસ્કારજ નથી.’
થોડા સમય પછી અન્ય બસ સ્ટોપ ઉપર થી એક બીજી યુવતી એમની બીજી તરફ ની સીટ પર આવી ગોઠવાય.સાડી ને લાંબો ચોટલો નિહાળી વૃદ્ધ મન રાજી થયું.
‘ આજ ની પેઢી માં પણ સંસ્કાર તો ખરા! ‘
છેલ્લું સ્ટોપ આવ્યું ને બધાજ બહાર ઉતરવા અધીરા બન્યા. વૃદ્ધ માજી બસ માંથી નીચે ઉતરતાંજ જમીન પર પછડાયા. હાથ ની થેલી માંથી ફળો ને શાકભાજી વિખરાયા.
“જગ્યા આપજો…..”
સાડીવાળી યુવતી રસ્તો બનાવતી નીકળી ગઈ.ખભા ઉપર એક હાથ મુકાયો.
“આપ રહેવા દો .હું ઊંચકી લઇશ ”
અને જીન્સ વાળી પેલી યુવતી એ ફળો ને શાકભાજી વીણી થેલી ભરી આપી.
“જીવતી રે ”
એ સંસ્કારી યુવતી ને આશીર્વાદ આપી રહેલ વૃદ્ધ હૃદય સમજી ગયું કે સંસ્કાર વસ્ત્રો થી નાજ અંકાય.

૧૮ ગંદવાડ

હોસ્ટેલ ની છત ઉપર રાત્રે હવા ખાતા દીવેશ ની નજર સડક ની સામે તરફ ના બસ સ્ટોપ ઉપર પડી.બે સ્ત્રીઓ. બે જુદી જુદી પરિસ્થિતિ. એક વૃદ્ધ ભિખારણ ને એક જગમગ વસ્ત્રો માં સજ્જ ને સંપૂર્ણ મેકપ માં લદાયેલી સ્ત્રી,એની અદાઓ થી પસાર થતા પુરુષો ને આકર્ષતી.

ભૂખ થી નિધાળ ભિખારણ માં કોઈ ને રસ જ નહિ! પેલી જગમગ સ્ત્રી માટે ગાડી અટકી .કંઈક ભાવતાલ થયો અને એ ગાડી માં બેસી જતી રહી.સમાજ નો ગંદવાડ નિહાળી એને એક ઉબકો આવી ગયો.

થોડા સમય પછી એ જગમગ સ્ત્રી ગાડી માંથી ત્યાંજ ઉતરી.કપડા સરખી કરતી , હાથમાંના પૈસા ગણતી એ ભિખારણ પાસે પહોંચી. સાથે લઇ આવેલ બે પડીકામાંથી એક ભિખારણ ને આપ્યું. અને બંને એકસાથે પડીકા ખોલી પોતપોતાનું પેટ ભરવા લાગી. સમાજ ના અગણિત ગંદવાડ ની વચ્ચે આટલું સ્વચ્છ દ્રશ્ય તો એણે પહેલી વારજ જોયું !

૧૯ શબ્દો ના બાણ

આજે અપેક્ષા ને આરવ વચ્ચે ઝગડો થયો.નાનકડી વાત મોટી થઇ. રાઈ નું પહાડ બન્યું.
“મને તારો ચહેરોજ ના બતાવતો ”
શબ્દો ના બાણ થી વીંધાઈ આરવ ગાડી લઇ નીકળી ગયો. ગુસ્સા માં ગાડી નું નિયંત્રણ ચૂક્યું.જયારે અપેક્ષા એ આરવ નું પાર્થિવ શરીર જોયું ત્યારે એનો ચહેરો સફેદ ચાદર પાછળ ઢંકાયેલો હતો ને કાનો માં એજ શબ્દો ગુંજી રહ્યા……
” મને તારો ચહેરોજ ના બતાવતો ”

૨૦ હેપ્પી મધર્સ ડે

બધા ની નજર થી લુપાઈ છુપાઈ એ નાનકડા પગલાઓ દાદર ચઢી ઓરડા માં પ્રવેશ્યા. ” હેપ્પી મધર્સ ડે ” એ નાનકડા હાથોમાનું ગુલાબ ઝુંટવી ચિંતિત સ્વર એને હડસેલી રહ્યો. ” કોઈ જોઈ લે એની પહેલા જતો રહે ” પાછળ લટકાવેલું શાળા નું દફતર વ્યવસ્થિત કરી એ નાનકડા પગલાંઓ પોતાની ઓળખ છુપાવતા ખુબજ ઝડપે એ રેડ લાઇન ઍરિયા માંથી નીકળી સમાજ ના પ્રતિષ્ઠીત વિસ્તારના એક અનાથાશ્રમ માં પહોંચી ગયા….

લેખક : મરિયમ ધુપલી

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block