ક્યાં લંડન અને ક્યાં પાયાની સુવિધા પણ ના હોય એવું ગામડું પણ સુવજીતે ગામડાના વિદ્યાર્થીઓ માટે કામ ઉપાડ્યું

કોલકતાની પ્રેસિડેન્સિ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએટ થનાર સુવજીત પાયન નામના યુવકનું IIMમાં એડમિશન લેવાનું સપનું હતું. IIMની પ્રવેશ પરીક્ષા માટે એણે ખૂબ મહેનત કરી અને પરીક્ષા પાસ કરી. સુવજીતને IIM લખનૌમાં એડમિશન મળી ગયું. ભણવામાં ખુબ તેજસ્વી એવા સુરજીતને MBA પૂરું કરતાંની સાથે જ આંતરરાષ્ટ્રિય કંપની IBMમાં ખુબ સારા પગારથી લંડન ખાતે જોબ મળી ગઈ.

એક યુવાન જે ઇચ્છે એ બધું જ સુવજીત પાસે હતું. ગમે તેમ વાપરવા છતાં ના ખૂટે એટલો મોટો પગાર, લંડનની વૈભવી જીવન શૈલી, તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ, વિદેશ પ્રવાસો, આ બધું હવે સુવજીતને હસ્તગત હતું. IBMમાં 5 વર્ષ નોકરી કરી પણ સુવજીતનું દિલ કંઈક બીજું ઇચ્છતું હતું.

ભણીગણીને જો માત્ર અને માત્ર મલ્ટિનેશનલ કંપનીને વધુ ધનવાન બનાવવાનું જ કામ કરવાનું હોય તો એ ભણતર શું કામનું ? સુવજીતે નક્કી કર્યું કે મલ્ટિનેશનલ કંપનીની આવક વધારવાનું કામ કરવાને બદલે માટે ભારતના ગ્રામ્યવિસ્તારમાં રહેતા લોકોનું જીવનધોરણ સુધરવાનું કામ કરવું છે. આ વાત જ્યારે માતા-પિતા અને મિત્રોને કરી ત્યારે બધાએ સુવજીતને પાગલ કહ્યો. લંડનમાં 5 વર્ષ રહ્યા પછી ગામડામાં રહેવું જ શક્ય નથી તો પછી કામ કરવાનું કેમ શક્ય બને.

સુવજીતે ઈચ્છા મુજબનું કામ કરવા માટે IBMની નોકરી મૂકી અને ભારત પાછો આવ્યો. SBIના યુથ ફોર ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત એણે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના અંતરિયાળ ગામડામાં કામ કરવાનું શરુ કર્યું. ક્યાં લંડન અને ક્યાં પાયાની સુવિધા પણ ના હોય એવું ગામડું પણ સુવજીતે ગામડાના વિદ્યાર્થીઓ માટે કામ ઉપાડ્યું. ખેડૂતોને સમજાવી સમજાવી એના સંતાનોને ભણાવવા માટે તૈયાર કર્યા. ગામડાના વિદ્યાર્થીઓને સુવજીતે મોટા મોટા સપનાઓ બતાવીને ભણવા માટે પ્રોત્સાહિત કર્યાં.

શરૂઆતમાં સુવજીતને ખૂબ તકલીફ પડી પણ ધીરે ધીરે એની મહેનત રંગ લાવવા લાગી. આજે સુવજીતના ઘણા વિદ્યાર્થીઓ નાની મોટી નોકરીએ લાગી ગયા છે. ગામડાના લોકોના આચાર અને વિચાર પણ બદલાય છે.

મિત્રો, આપણે ખુદ આપણા માટે પણ નોકરી કરવા દૂર જવા તૈયાર નથી અને સુવજીત લંડનથી IBMની નોકરી છોડી બીજા રાજ્યના ગ્રામ્યલોકો માટે સેવાની ધૂણી ધખાવીને બેઠો છે.

લેખન : શૈલેશભાઈ સગપરીયા 

ખુબ સિંદર અને સાહસ વાળું કામ કર્યું છે આ મિત્રે, એક શેર કરીને બધાને વાંચવો… 

ટીપ્પણી