શાહબુદ્દીન રાઠોડના જીવનની સત્યઘટના – A Must Read !!

વર્ષો પહેલા રાજકોટમાં કાર્યક્રમ હતો. શાહબુદ્દીન રાઠોડનો વારો આવ્યો એટલે એમણે બોલવાની શરૂઆત કરી. હળવી વાતો રજુ કરવા તેઓ પ્રયાસ કરતા હતા પણ અનાયાસે માતા અને પુત્રના પ્રસંગો આવ્યે જતા હતા. શિવાજી મહારાજ, ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી, થોમસ આલ્વા એડિસન વગેરે મહાનુભાવોના પોતાની માતા સાથેના પ્રસંગો રજુ થતા ગયા.

રાઠોડ સાહેબ સ્વસ્થ થવા મથામણ કરતા હતા પરંતુ જાણ્યે-અજાણ્યે માતા અને પુત્રોના પ્રસંગો આવતા હતા.
છેલ્લે વિશ્વવિખ્યાત ચિત્ર મોનાલિસાની નીચે લખેલા એક વાક્ય સાથે એમણે વાત પુરી કરી : “માં, જેના હાથો વડે સંસ્કૃતીઓ પારણે ઝૂલી અને જેની છાતીએથી માનવતા પોસણ પામી.”

 

શાહબુદ્દીન સાહેબ સ્ટેજ પરથી નીચે ઊતર્યા અને સાથી કલાકારોને જણાવ્યું કે મારે ૧૨.૫૦ની રાતની કીર્તિમાં થાનગઢ જવું છે.
પણ ત્યાં દરબારશ્રી પૂજા વાળા અને બીજા મિત્રો તેમની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા “આજે આ માતા અને પુત્રોના પ્રસંગો આવ્યા તેનું કારણ સમજાતું નથી. કોઈ અમંગળ ઘટના…?”

અત્યાર સુધી રાખેલો લાગણી પરનો કાબૂ હવે શાહબુદ્દીન રાઠોડ રોકી ન શક્યા. આંખમાં આંસુ સાથે તેઓ બોલ્યા “આજે સવારે મારા માતુશ્રી ગુજરી ગયા. શાબા, હવે ક્યાં સુધી દોડધામ કરીશ ? – આવું હવે મને કોઈ નહીં કહે.”

રીક્ષા આવી. સાહેબ ગોઠવાણા અને જીતુદાનને કહું: ‘કાર્યક્રમનું સંચાલન સાંભળી લ્યો’.
રીક્ષા ચાલતી થઇ એટલે છેલ્લું વાક્ય શાહબુદ્દીન રાઠોડ બોલ્યા : ‘Show Must Go On’

 

“કરુણતાની ચરમસીમાએ હાસ્ય પ્રગટ થાય છે”

લેખક ~ મૌલિક જગદીશ ત્રિવેદી

ટીપ્પણી