દિવાળીમાં ઘરની સાફસફાઈ કરીને તમને પણ ઘણુબધું પાછળ છુટી ગયેલું મળશે….

- Advertisement -

.”લ્યો આ રૂમાલ નાકે બાંધો.” મેં રમેશ ને કહ્યું..આશ્ચર્ય થી આંખો મોટી કરતા એ મને .કહે..,”કેમ ,શરદી નથી થઈ મને હો..!!!”..

“મને ખબર જ છે ..”એમ હું બોલી એટલે એ સતર્ક થઈ ગયા..”.ઓહ..,અત્યારમાં સફાઈ અભિયાન…??મેં એમના સામે એવી રીતે જોયું કે..એમણે આગળ કહ્યું, “.ઠીક..ત્યારે બીજું શું..??? પણ તું આજે આરામ કર ને..કાલે તો માથું દુઃખવાની ફરિયાદ કરતીતી..!!” છટકવાનો કોઈ માર્ગ ન દેખાવા …છતાં તેમણે પ્રયત્નો કર્યા પણ એ વગર ચોમાસે તેમના પ્રયત્નો હવાઈ ગયા..

“….આ રજા નો ઉપયોગ આખા વર્ષ માં સૌથી સારો આજ થશે. …”એમ કહી ને બધાને કામે લગાડ્યા…”પોતપોતાનો કબાટ આજે સાફ કરો…પછી કોઈ ને.કઈ ન મળે તો એમ ન કેતા. ..કે.. …(જે બધા ઘર માં સામાન્ય રીતે બોલાતું હોય.)…મારુ આ નથી મળતું…ભંગાર માં જ જાવા દીધું હશે…!!બધી ગૃહિણી ને આ તો સાંભળવા મળતું જ હશે ..જેમ કે એ કેમ જે હાથ માં આવે એ ભંગાર માં દઈ ને રૂપિયા કમાવવાનો ધંધો કરતી હોય…!!!!ઘર ની વ્યક્તિ ને એ ખબર નથી કે જો ગૃહિણી આવું જ કરતી હોત તો બધાને…””ઘર જાય ને ઓસરી જ રહી હોત….!!!!””
…કામ ન કરવા ના કોઈ બહાના ન ચાલતા ..ધરારથી.. ને ..મને કમને .પણ બધાએ .શરૂઆત કરી..મેં સેનાપતિ ની જેમ મોરચો સંભાળ્યો!!…લડવાની તાકાત તો લશ્કરના સૈનિક માં જ હોય….પણ સેનાપતિ તો પાનો ચડાવે..જો એ ઢીલા હોય તો…એકેય સૈનિક…લડે તો શું…ઉભો ય ન રહે….અને..”આગે બઢો… હમ તુમ્હારે સાથ હે…!!” ,…”કરેંગે યા મરેંગે “ના નારા ન્હોતા સંભળાતા.. પણ એ જ જુસ્સાથી……..સાવરણી ને મસોતા ને ઘોડા…ને ડોલ ડબલા.. બ્રશ…જેવા શાસ્ત્રો થી સુસજ્જ સેના ઘર ની સફાઈ માટે ..”યા હોમ .”…કરી કૂદી પડી….ને ..સાંજ પહેલા તો…ફતેહ..થયો!!!..આખું ઘર ચકચકિત.!!! બધાય ખુશમખુશ…એલા થાકી ને ઠે થ્યા.હો,!!..ટેવ ન હોય ને આવું કામ કરવાની.. પણ તોય મજા કેવી આવે.!!…બારી ને બારણાં, કબાટ ને અલમારી..જે જોઈ એ આપણી સામે કેવા દાંત કાઢતા હોય એવું લાગે!!! જાણે કે બે ત્રણ દી થી ન્હાયું ન હોય એવું છોકરું ને…ઘસી ને નવડાવી ને ..પાવડર બાવડર છાંટી ને આંજણ આંજી ને રૂપકડું બની જાય.. પછી અરીસો બતાવીએ તો કેવું મસ્ત ખીલખીલાટ કરે..!!! એવું આ આખું ઘર નવુંનકોર બની ગયું..કેમકે દિવાળી તો વર્ષે આવે તી…કેટલો મેલ..sorry નકામો કચરો ને ધૂળ…ને ધપ્પા…બધું સાફ…ઘર તો ઝગમગી ઉઠ્યું..!!..અને ભંગાર…???

….મેં જોયું…બધાના રૂમ માંથી નીકળેલો ભંગાર…બહાર ખડકાયો..જાણે કે ..એક કબાડી ની દુકાન આખી ભરાઈ જશે એવું લાગ્યું…હું તો રાજી થઈ ગઈ …ઘર ની સામે જોયું તો સાવ હલકું ફૂલ થઈ ગયું હોય એવું લાગ્યું…વાહ…બધે મોકળાશ મોકળાશ…જગ્યા જગ્યા…એક દિવસ માં તો ઘર મોટું મોટું લાગવા માંડ્યું…વાહ..

…દર મહિને એક સફાઈ દિન જાહેર કરીને …આ ઘર આવું જ રાખવું જોઈએ એવી ચર્ચા કરતા કરતા અચ્યુતે બહાર થી પાર્સલ કરાવી ને લાવેલી ભાજી પાવ ખાઈ ને મોજ માણી…

 

…બીજે દિવસે સવારે મસ્તી થી હળવા ઘર ને નિહાળતા ..ચા પાણી બનાવવા કિચન માં જતા પહેલા બહાર ભંગાર ના ઢગ ને જોવા ગઈ…તો..બા કંઈક લેતા હતા..મને જોઈ ને કહેવા લાગ્યા…” દક્ષા , આનું ભંગાર વાળો કઈ નહીં આપે ..આ થેલો તો મારા બેન ની યાદગીરી છે..મને તેમની લાગણી જોઈ ને કઈ વિરોધ કરવાનું મન ન થયું..ત્યાં તો ..લે?? એ તો થેલા ની સાથે એક મૂર્તિ ને એક જુના ચશ્મા ને ..બે ડબ્બા ય લેતા ગ્યા… ok.!! કઈ વાંધો નહીં…

..મેં અંદર આવવા પગ ઉપાડ્યો..ત્યાં તો..,”એ…મને આવવું છે..!!” એવો અવાજ સંભળાયો…મારી નજર પડી એક મોટી બેગ જે મારા પિયર થી જ મારી સાથે આવી’તી..એ તો કાલે જ કાકલૂદી કરી ને કહેતી હતી કે મને રેવાદે..હું એક ખૂણા માં પડી રહીશ..પણ કાલે સેનાપતિ ની અદા માં મેં એ અવાજ દાબી દીધોતો ને એ બેગ ને ઉપાડી ને અહીંયા નાખી હતી.પણ આજે.! ..મને યાદ આવ્યું કે નવા ઘર માં રહેવા આવ્યા ત્યારે કઈ ફર્નિચર નહોતું ત્યારે …આજ મોટા પેટ વાળી મારી સુખ દુઃખની સાથીદાર બની ને હું જે આપતી એ પોતાના માં સંઘરતી હતી…. …ચા બનતા પેલા એ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ..ને સાથે એક અરીસો ને એક ફૂલદાની પણ અંદર દોડી ને આવી ગોઠવાઈ ગયા.

…રમેશ ફ્રેશ થઈ ને બહાર ન્યૂઝ પેપર લેવા નીકળ્યા ને …અંદર આવ્યા તો !! નવા પેપર ની આડમાં જુના પસ્તી નો થોકડો !!….
આ સાયન્સ ને લગતી પૂર્તિઓ છે…મારે વિજ્ઞાન મેળામાં..આમાંથી કટિંગ્સ કરી ને..કામ આવશે…ને સાથે સેવિંગ નો સમાન રાખવાનું પાઉચ ને એક ફોટોફ્રેમ પર એમનો પ્રેમ ન છુટ્યો..તે એય ઉપાડતા આવ્યા..

…હું સવાર ના કામ માં વ્યસ્ત હોવાથી….” લાવો…જૂનો ભંગાઆર…..” સંભળાયા પણ થયું કે બપોર પછી બીજા આવશે ને ત્યારે વાત…નિરાંત હોય તો સરખાયે માથાફોડી કરીને કંઇક આ વખતે તો…કમાણી..થશે..આટલું તો પાછું લઈ લીધું નહીંતર તો કેટલા બધા રૂપિયા આવત.પણ વાંધો નહીં..હજુ ય ઘણુ છે…

..ત્યાં બપોર પછી..અચ્યુત ને જાનકી સ્કૂલે થી આવ્યા ને…અચ્યુત તો અંદર આવતા પેલા જ જૂનો બોલ ને એક બેટ સાથે રમકડાઓ પણ વિણતો હતો .આ જોઈ મેં બૂમ પાડી કે…,રેવાદે,…ભંગાર માં શુ જીવ નાખે છે ?? કેટલા નવા રમકડાં છે તારી પાસે..!!.તો એણે જે જવાબ આપ્યો..” મમ્મા, જુઓ ને પ્રોજેક્ટ આવે છે સ્કૂલ માંથી ત્યારે આ ઠોઠિયા રમકડાં ના સ્પેરપાર્ટ કેવા કામ આવે?એના માટે નવી કાર કે પ્લેન થોડા ખોલવા દેશો તમે…??. હું હવે કેમ રોકુ એને ??એણે બે ફેરા કર્યા..મારી નજર સામે…બોલો !!

…જમી ને કિચન સાફ કરી બહાર આવી તો જોયું કે જાનકી …એક જૂની ઢીંગલી ને વાસણ નો રમકડાનો સેટ ..ભેગા કરતી હતી …ને મને કહે “મમ્મા, આ બધું કોઈ નાના છોકરા વાળા મેમાન આવે ત્યારે એમને રમાડવા કામ આવશે.”..હું હસી પણ….બોદુ બોદુ…લાગ્યું…

..”.ભંગાર….લાવો..”.બપોરની નીંદર માણી ને આ અવાજ તરફ કાન ખેંચાયા…” એ ભાઈ….” …બોલાવવા દોડી …” …હા બેન શુ છે બોલો ને !!! ” ત્યાં તો ચા પાણી પી ને બહાર નીકળતા બાપુજી …એમની આરામ ખુરશી ને લાડ થી હાથ ફેરવતા હતા પણ કઈ બોલ્યા નહીં …હા પણ એક હાથ માં જૂની છત્રી લઈ લીધી તી ને સાથે બુટ પણ!! “બેટા આ હજુ ચાલે એમ છે.., વોકિંગમાં સારા રહેશે..”.ત્યાં ભંગાર વાળો કહે, “. બાપા,. આ ખુરશી નું કઈ નહિ આવે …લઈ જાવ તમતમારે.” આ..લે..લે.. બોલો…હવે બાપુજી…મૂકે ??? ખુરશી મારી સામે રોફ થી જોતી જોતી અંદર ગઈ…!!

..મેં મારા ગંજ ખડકેલો ઢગલો …ભંગાર…એક ભરાવદાર…મને કમાણી કરાવવાની આશા આપનાર …કલ્પના નો વેપલો….પીંછા કાઢી ને વેરવિખેર થઇ ગયેલું… બિચારું..ચકલું..તરફડે એમ..જમીન પર થોડો ઘણો સમાન …મને પુછતોતો..કે બસ અમે જ વધારાના ?? એમની લાચાર નજર મારાથી ન જીરવાણી… ભંગાર વાળો મારા સામે જોઈ ને પૂછે કે ,” બેન આટલું જ છે?? હજી કાઢો..તો શું કે .એક સાથે જ લઇ જાવ..આમાં તો કઇ નથી..”.!!!હેં…!!
…”બેન લાવો…કાઢો હજી હોય તો..” શુ કહેવું આને મારે..?? ..””કે પછી આવું ..વળતા ??તમે કાઢી રાખો…” શુ કહેવું ના ગડમથલ માંથી મને એણે જ સહારો દીધો એનો આધાર લઇ મેં કઈ દીધું…”હા હા પછી આવજે, જા …”

…ને મેં ય લાચારી થી મારા સામે જોતા તોરણ ને ટોડલિયા લઇ છાતી સરસા ચાપ્યા…

….બીજે દિવસે સવારે અમારા કામવાળા બેન મને કહે કે , કાલે ભંગાર કાઢ્યો તો ,તી ..આયે એના ભેગું કા ન દઈ દીધું ?? આટલા સારું શુ બાકી રાખ્યું..?? મને એમ કે હું કહીશ કે માસી કઈ જોઈતું હોય તો લઇ લ્યો આમાંથી…ત્યાંતો એ બોલ્યા…મને તો કોઈ કઈ આપે ને તો લેતી જ નથી આવું જૂનું ભેગું કરી ને શુ ઘરને ભંગરખાનું કરવું ?? ઓછું હોય તો હાલે..પણ ભંગાર કોણ સંઘરે…??? એમ બોલી ચાલતા થ્યા…

દૂર થઈ થ્રી ઇડિયટ.. નું સોન્ગ સંભળાતું હતું…” ..જાને નહીં દેંગે તુઝે…જાને તુઝે…હે..દેંગે નહીં….”

નાછૂટકે ને ભારે હ્રદયે ..મેં રામુકાકા ને એમ કહી વધ્યું ઘટ્યું ભેગું કરાવ્યું કે હું નબળી પડું એ પેલા બહાર જ્યાં ગલી ના ખૂણે ભંગાર વાળો અવાજ કરે છે એને આપી આવો …એ જે આપે એ લઈ લેજો તમારે કામ આવશે…ચાપાણી માં.??

ત્યારે રામુકાકા કઈ બોલ્યા નહીં પણ એની નજર માંથી સાફ વંચાતુતું..કે ચાપાણી..ય..મોંઘા છે હો??…પણ..
…હળવા ફૂલ થયેલા ઘર ને ફરીથી ઠસ્સા ભેર બની હસતું જોઈ…હું પણ હસતી હસતી મારા કામે જોડાઈ ગઈ…

લેખક : દક્ષા રમેશ

ખુબ સરસ પ્રસંગ મિત્રો તમને પણ આ વર્ષે ઘર સાફ કરશો ત્યારે ઘણીબધી જૂની વસ્તુઓ સાથે જોડાયેલા પ્રસંગો યાદ આવી જશે.

ટીપ્પણી