સફળ લગ્ન જીવનના નુસ્ખાઓ – Lovely Story For Lovely Couples !!

રાજ અને મીરાના નવા-નવા લગ્ન થયા હતા. તેમના લગ્નનુ ગાડું કોઈ પણ ખાડામા પડ્યા વગર પ્રેમના પંથે ચાલી રહ્યું હતું.

એક રાત્રે મીરા બેડ પર આરામ કરતા-કરતા મેગેઝીન વાંચી રહી હતી, ત્યારે જ રાજે તેની સામે જોયું અને વખાણ કરતા કહ્યું, “ખુલ્લાં વાળમા સરસ લાગે છે.”

અચાનક જ રાજ તરફથી આવું સાંભળતા મીરા હરખાયી અને હળવું સ્મિત આપી પોતાની ભાવના વ્યક્ત કરી. ત્યાર બાદ, રાજે મીરાના માથા પર ચુંબન કર્યું અને તે બંને સુઈ ગયા.

બીજા દિવસે સવારે રાજ નાસ્તો કરવા ટેબલ પર બેઠો. મીરાએ તેના માટે ગરમ-ગરમ નાસ્તો પરોસ્યો. રાજે નાસ્તો કરતો હતો ત્યારે જ મીરાએ એક ગૃહીણીની આદત મુજબ પૂછ્યું, “કેવો બન્યો છે નાસ્તો?”

રાજે પ્રશંશનીય જવાબ આપતા કહ્યું, “અરે! ખાવા બનાવવા વાળાના હાથમાં જાદુ છે. કહેવું પડે તારુ.”

આ સાંભળીને મીરા ફરી મલકાઈ અને કહ્યું, “શું વાત છે? કોઈ દિવસે અને દિવસે રોમેન્ટિક થઇ રહ્યું છે.”

રાજે કઈ જવાબ ના આપ્યો પણ બસ મુસ્કુરાયો અને ઓફિસ તરફ જવા રવાના થઇ ગયો. દિવસે અને દિવસે તક મળતાં જ રાજ કંઈક આવી રીતે મીરાના વખાણ કરતો હતો. મીરાની ઝીંદગીના આકાશમા રાજે ખુશીયોના વાદળો ઉમેરી દીધા હતા.

બસ આ સમય દરમિયાન, એક દિવસ મીરા કિટ્ટી પાર્ટીમા ગઈ અને ત્યાં તેણે બે લેડીસને આવી વાત કરતા સાંભળ્યા.

“મારા પતિ જયારે ઓચિંતાના જ મારા વધારે પડતા વખાણ કરવા લાગ્યા ત્યારે જ તેમના પર મને ડાઉટ ગયો. બસ મેં જાતે જ જાસૂસી કરી અને એમના અફેરની ખબર પડી.” એક લેડીસે બીજીને કંઈક આવી રીતે ખુદ પોતાની જ ચુગલી કરીને ચેતવી.

આટલું સાંભળતા જ વહેમની વીજળીથી મીરાના ખુશીના વાદળોમા ગાબડું પડ્યું. ઘણાબધા વિચારો એક સાથે તેના મનમાં ચાલવા લાગ્યા.

તે થોડી ચિંતિત થઇ ગઈ હતી. તે દિવસે રાત્રે, રાજે મીરાના ચહેરા પર સાફ ઝલકતી ચિંતા જોઈને વાતને ફેરવતા-ફેરવતા પૂછ્યું, “તને ખબર છે, ચિંતા કરવાથી મોઢા પર ખીલ થાય. ચાલ હવે કહે મને, શું થયું થોડી ટેન્સ લાગે છે?”

મીરાએ પણ રાજના સવાલનો જવાબ કંઈક આ રીતે સવાલથી આપ્યો, “તને ખીલ વિશે આટલી માહિતી ક્યાંથી આવી? કોઈ ખીલવાળું ઓળખાણમા છે કે?”

મીરાના સવાલ પાછળના આશયથી અજાણ, રાજ હસ્યો અને જવાબ કંઈક આવા વખાણ સાથે આપ્યો, “હા છે ને. મારી સુંદર પત્ની.”

આટલું કહીને તેણે મીરાને માથે ચુંબન કર્યું અને સુઈ ગયો. ફરીવાર વખાણ સાંભળીને મીરાનો વહેમ વધુ પ્રબળ બન્યો અને રાત્રે રાજના ઊંઘ્યાં બાદ, તે રાજની વસ્તુઓમાં શોધ-ખોડ કરવા લાગી. રાજનું પાકીટ અને બીજી ઘણીબધી વસ્તુઓ મીરાએ ઝીણવટ પૂર્વક તપાસી પણ કઈ શંકાસ્પદ ના મળ્યું.

આખરે જયારે મીરાએ રાજનું લેપટોપનું બેગ જોયું તો તેમાંથી એક બુક મળી જેનું નામ હતું – “સફળ લગ્ન જીવનના નુસ્ખાઓ”

જયારે મીરાએ બુક ખોલી તો ખુબ જ મોટા અક્ષરે લખ્યું હતું – “પ્રકરણ 1 – વખાણ કરો”

આટલું જોતાં જ મીરાને બધું સમજાઈ ગયું અને તેને હસીને માસુમિયતથી બુક પોતાના જ માથે મારી.

બીજા દિવસે સવારે નાસ્તાના સમયે રાજ તેને કંઇ કહે તે પહેલા જ મીરાએ રાજના વખાણ કર્યા. ઘણાબધા સમય પછી પોતાના વખાણ સાંભળી રાજ પણ હરખાયો અને મનમા વિચારવા લાગ્યો, “લાગે છે કે, બુકના નુસ્ખાઓ પાકવા લાગ્યા.”

બસ કંઈક આજ રીતે રાજે પુસ્તક વાંચીને તો મીરાએ રાજને વાંચીને સફળ લગ્નજીવનની એક વખાણમય શરૂવાત કરી.

લેખક – ધવલ નિર્મળા જીતેન્દ્ર બારોટ

આ સ્ટોરી આપને ગમી હોય તો અચૂક શેર કરી વધાવજો !!

ટીપ્પણી