સફાઈ

“તો શું આપણે ખરેખર ? ” દયામણા અવાજે સ્મિતા એ એક છેલ્લી વાર સુરેશને પૂછ્યું .
આઠ બાય આઠનાં આ નાના બેડ રૂમના આછા અજવાળામાં સુરેશનો ચહેરો આજે સ્મિતાને કોણ જાણે કેમ પણ બિહામણો લાગતો હતો .

“જો ડાર્લિંગ એક તો આ નોકરી જ ટેમ્પરરી છે, એમાં પાછું આ બાળક …”, સુરેશે હળવે રહીને સ્મિતાના પેટ ઉપર હાથ મૂક્યો . પેટ તો હજુ પણ સપાટ જ લાગતું હતું . મનના એક ખૂણે ઉઠેલો કોલાહલ અચાનક જ જાણે શાંત થઇ ગયો .

હળવે રહીને સ્મિતાએ સુરેશનો હાથ પોતાના પેટ પરથી ખસેડવાનું કર્યું . “શું ક્યાંક ફરક્યું ?..કે એ તો વહેમ ?, હજી તો પાંચ અઠવાડિયા પણ માંડ થયાં હશે .”..બોલતાં તો ના હતાં ,પણ બંને જણા પોતાનાં મનને મનાવી રહ્યાં હતાં .

પવનની એક નાની લહેરખી ,અને ટેબલ પર પડેલાં કાગળ સહેજ ફરફરી ગયાં . સ્મિતાને અચાનક જ થોડી વાર પહેલાં થયેલો પેટનો ફરકાટ યાદ આવી ગયો . ટેબલ પર પડેલાં ગર્ભપાત માટેની સંમતિના લીગલ ડોક્યુમેન્ટસ પર કાલે એમણે સહી કરીને ડોક્ટરની ઓફિસે પહોંચતા કરવાનાં હતાં . “હા ,કાલે આ કાગળનો ફરકાટ સમી જશે અને ત્યાર પછીના દિવસે પેટનો પણ …

” સ્મિતા વિચારી રહી .” ના ,આવું હરગિજ ન વિચારવું જોઈએ . બિચારો સુરેશ એકલો કેટલે પહોંચે ? .. એને પણ આ ગમતું તો નહીં જ હોયને ..હવે આ વિશે સુરેશને વધુ કાંઈ ના કહેવું “..સ્મિતા સુરેશની સોડમાં લપાઈને ઊંઘી જાવાનો પ્રયત્ન કરી રહી .ટૂંટિયું વાળીને સુતેલા સુરેશ તરફ એક નજર અનાયાસે નાખી ગઈ .નાનું બચ્ચું પણ પેટમાં આવું જ ….” ..ધસમસતા આવતા વિચારોને બળપૂર્વક હડસેલી દીધા સ્મિતાએ …

સવાર કાંઇક મોડું જ પડ્યું . બપોરની શિફ્ટમાં નોકરીએ જાતાં પહેલાં ડો .દવેના ક્લિનિક પર કાગળ સહી કરીને પહોંચતા કરવા જરૂરી હતા . સ્મિતા પાસે સહી કરાવવા સુરેશે જોયું .સ્મિતા પોતાની જાતને કામમાં દાટી દેવી હોય એમ રૂમમાંથી બાવા ઝાળાં સાફ કરવામાં મશગૂલ હતી .ટ્યુબ લાઈટ પાછળ સાવરણી ફરતાની સાથે જ એક નાનો સરખો માળો જમીન પર પટકાણો.

ટેબલ પરથી બેલેન્સ ગુમાવીને નીચે પડતી સ્મિતાને છલાંગ મારીને સુરેશે પોતાની બાંહોમાં સમાવી લીધી .માળામાંના ઈંડા જમીન પર પટકાઈને ઘડી ભરમાં ચકનાચૂર થઇ ગયાં .તૂટેલાં ઈંડામાંથી નીકળેલા બચ્ચાઓની ચાંચ એક બે વાર ખુલીને ,છેલ્લે ખુલ્લી અવસ્થામાં જ થીજી ગઈ. મૃત બચ્ચાઓને સુરેશ અને સ્મિતની આંખો સ્તબ્ધ બનીને જોતી રહી.

અને …

થોડી વાર પછી ,કચરા ટોપલીમાં માળાના તણખલા અને ઈંડાના કોચલાં સાથે ,આજે સાથે લઇ જવાના લીગલ ડોક્યુમેન્ટસનાં કાગળોના ફાડી નાખેલા ટુકડા પણ ભળી ગયા હતા…!!

લેખક – હેમલ વૈષ્ણવ
બ્લોગ – http://Bozil.wordpress.com

ટીપ્પણી