સાચી સંપત્તિ – એક પ્રેરણાદાયી વાર્તા

ઈંગ્લૅન્ડના મહાન સાહિત્યકાર જેરેમી ટેલરે બહુ ગરીબી જોઈ હતી. એમ છતાં તેમને જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નહોતી. તેમના મિત્રો ઘણી વાર વસવસો કરતા કે તમારા જેવા સાહિત્યકારને આર્થિક તંગી ભોગવવી પડે એ જોઈને અમને દુ:ખ થાય છે. તો વળી ઘણા મિત્રો તેમને આર્થિક મદદની પણ ઓફર કરતા. જોકે જેરેમી ટેલર નિસ્પૃહી માણસ હતા અને તેમની જરૂરત પણ બહુ ઓછી હતી એટલે તેઓ પોતાની ધૂનમાં મસ્ત રહીને જીવતા હતા.

એક વાર જેરેમી ટેલરના ઘરમાં ચોરી થઈ. ટેલર પાસે બહુ પૈસા કે ઘરેણાં કે બીજી મૂલ્યવાન ચીજવસ્તુઓ તો હતી નહીં, પણ ફેરો ખાલી ન જાય એટલે ચોરો ટેલરની બધી ઘરવખરી ચોરી ગયા.

ટેલર ક્યાંક બહાર ગયા હતા એ વખતે ચોરો તેમના ઘરમાં ઘૂસીને ચોરી કરી ગયા. આ વાતની ખબર પડી એટલે ટેલરના મિત્રો તેમને સાંત્વન આપવા પહોંચી ગયા.

મિત્રો ટેલરને આશ્વાસન આપવા માંડ્યા પણ ટેલરના ચહેરા પર દુ:ખની લાગણી વંચાતી નહોતી.

એક મિત્રએ તેમને કહ્યું કે, તમારો બધો સામાન ચોરાઈ ગયો છે અને તમને હસવું આવે છે? કોઈ માણસના ઘરમાં ચોરી થાય તો તેને દુ:ખ થવું જોઈએ.

કેટલાક મિત્રોને એવી શંકા ગઈ કે આઘાતને કારણે ટેલરે ક્યાંક માનસિક સમતુલા ન ગુમાવી દીધી હોય. પણ ટેલર એકદમ સ્વસ્થ હતા.

તેમણે કહ્યું, ‘ચોરો બધી ક્ષુલ્લક વસ્તુઓ લઈ ગયા છે. મારા શરીરની તંદુરસ્તી, મારી બુદ્ધિ, મારું મન, મારો આત્મા એ બધું હજી મારી પાસે જ છે! ઘરવખરી તો પાછી આવી શકશે. આ બધી અમૂલ્ય વસ્તુઓ મારી પાસે છે એટલે દુ:ખ અનુભવવાનું કોઈ કારણ મારી પાસે નથી!

લેખક – આશુ પટેલ
Dealdil.com પરથી કૉકટેલ જિંદગી મેગેઝીન વાંચી શકો છો. લેખક શ્રી એમાં પણ લખે છે.

ટીપ્પણી