સાબુદાણા – ટમેટાનાં પાપડ – લાલ-લાલ ટામેટા જેવા જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે આ પાપડ, તો નોંધી લો અને બનાવો……

સાબુદાણા – ટમેટાનાં પાપડ.

સામગ્રી :

  • એક વાટકો (રેગ્યુલર જમવાનો) સાબુદાણા,
  • ત્રણ વાટકા પાણી,
  • ત્રણ થી ચાર પાકા ટમેટા,
  • ફટકડી (જેનો ઉપયોગ પાપડ, કાતરી વિગેરેને સફેદ થાય એટલા માટે વાપરવામાં આવે છે),
  • મીઠું સ્વાદ અનુસાર,
  • આખું જીરું (ઓપ્શનલ),
  • કાળા મરી ઝીણા વાટેલા,
  • તેલ ,
  • થાળીઓ અથવા પ્લાસ્ટિક …

રીત :

સૌ પ્રથમ જે દિવસે સાબુદાણાના – ટમેટાના પાપડ બનાવવા હોય, એની આગલી રાત્રે એક વાટકી સાબુદાણા લેવાના. ત્યારબાદ તેમાં ત્રણ વાટકી પાણી ઉમેરી તેમાં ફટકડી ત્રણ વખત ફેરવવી. ફટકડી ફેરવવાથી સાબુદાણાના ચમચા સફેદ થાશે.હવે તેને આખી રાત પલળવા દેવું અને બીજે દિવસે સવારે સાબુદાણા ફૂલી ગ્યા હશે.

પછી તેમાં છ ગણું પાણી, એટલે કે એક વાટકીએ છ વાટકી પાણી, ઉમેરી તેને ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં મીઠું, સ્વાદ મુજબ નાખવું. કારણ કે વધારે મીઠું તબિયત માટે પણ નુકસાનકર્તા છે.

હવે, ધીમે ધીમે તેને હલાવતા રહેવું. સાબુદાણાને ગરમ કરવા માટે પિત્તળનું વાસણ વધારે હિતાવહ છે, કેમ કે પિત્તળનું વાસણ વાપરવાથી સાબુદાણા ચોંટશે નહીં અને એકરસ ઝડપથી થશે. સાબુદાણામાં આખું જીરું અને કાળા મરી વાટેલા નાખવાથી વાયુ પ્રકૃતિ ધરાવતા લોકો પણ એને ખાઈ શકે છે અને સ્વાદ પણ સરસ લાગે છે. જોકે મેં આમાં એડ કર્યું નથી. એમાં આદુ અને લીલાં મરચાં પણ નાખી શકાય છે. બીજી તરફ, ટમેટાની છાલ ઉતારી, તેને મિક્સરમાં ક્રશ કરી નાખવા.

ત્યારબાદ ચાળણીમાં ક્રશ કરેલ પેસ્ટને નાખી બી અને ટામેટા પ્યુરી અલગ કરી ફિલ્ટર કરવા…

પછી તેની પેસ્ટને એક વાસણમાં ગરમ કરવા માટે મૂકવી. ખૂબ જ ગરમ થતાં, આ ટમેટાની પેસ્ટ ઉકળશે. તેને બે મિનિટ ઉકળવા દેવી જેથી પાપડ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ પેસ્ટને ગરમ થતાં સાબુદાણામાં એડ કરી સતત હલાવતાં રહેવું.ત્યારબાદ આ મિશ્રણ એકરસ થાય અને સાબુદાણા ટ્રાન્સપેરંટ થઈ જાય ત્યાં સુધી ગેસ પર ગરમ થવા દેવાનું. એને સતત હલાવતા રહો જેથી કરીને ચોંટવાની શક્યતા રહે નહીં.આ પ્રોસેસને આશરે 10 થી 15 મિનિટ લાગે છે. હવે આ મિશ્રણ ઘટ્ટ બનશે. પછી એક થાળી કે મોટા પ્લાસ્ટિક પર તેલ લગાડી તેના પર ગોળ ચમચા વડે સાબુદાણાનું ઘટ્ટ મિશ્રણ નીચે દર્શાવેલ પિક્ચર મુજબ પાથરી લેવું. હવે, તેને તડકામાં સુકવવા મૂકી દેવું. સવારથી સાંજ સુધીમાં આ પાપડ સુકાઈને તૈયાર થશે. બે થી ત્રણ દિવસ સુધી તેને તડકામાં તપાવવાથી સાબુદાણામાં રહેલી કચાશ દૂર થશે અને કડક બનશે.

બસ, એને તેલમાં તળીને તમે પણ ખાઓ અને તમારા બાળકોને પણ ખવડાવો. સ્વાદિષ્ટ સાબુદાણા – ટમેટાના પાપડના તૈયાર. ખાસ નોંધ : આ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા મિશ્રણને ચકરી પાડવાના સંચામાં ભરીને એની ચકરી અથવા જાડી સેવ પણ બનાવી શકાય છે.  જો તમને આ રેસિપિ ગમી હોય તો જરૂરથી સાબુદાણા – ટમેટાના પાપડ બનાવજો અને વધુમાં વધુ આ રેસિપિ શેર કરજો.

રસોઈની રાણી : પ્રાપ્તિ બુચ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી