સંબંધ (શક્ય અશક્ય ની પરે) – ખુબ લાગણીસભર વાર્તા મરિયમ ધુપીલીની કલમે…

સંબંધ
(શક્ય અશક્યની પરે)

મેડિકલ કેમ્પ પૂરો થયો.પહેલીવાર એને કોઈ ગ્રામ્યવિસ્તાર ની મુલાકાત નો અવસર મળ્યો હતો. પિતાજી એ પણ કદી આવવા ની મંજૂરી ના આપી હોત જો એ તબીબી અભ્યાસ નું ફરજીયાત સોપાન ના હોત ! એની ધારણા અનુસાર તો કાદવકીચડ થી મઢાયેલું, ગાય ના ગોબરો થી લદાયેલું, એવુજ કોઈ પ્રદુષિત ગામ હશે જેનું ચિત્રણ એણે ટીવી કાર્યક્રમો ને ફિલ્મો માં હંમેશા જોયું હતું. પણ આ નાનકડું ગામ તો એની કલ્પના ને પરેજ નિકળ્યું ! કુદરત ને ખોળે ઉછરી રહેલ એક નાનકડા બાળક જેવું. ઇન્ટરનેટ ની માયાજાળ થી સુરક્ષિત.જ્યાં બાળકો હજી માટી ને તળાવો માં બાળપણ વિતાવતા, જ્યાં હજુ ફેકટરીઓ ના ધુંવાડા ફેફ્સાઓ ને બીમાર પાડવા પહોંચ્યા ના હતા, જ્યાં હજુ પણ દાદીમા ની વાર્તાઓ ને માની લોરીઓ સાંભળી જ ઊંઘ નું આગમન થતું. જ્યાં પ્રકૃતિ ને નુકસાન પહોંચાડવા માનવહાથો એ હિંમત કરી ના હતી.ચારે તરફ થી ઘેરી લીલુંછમ વન જાણે આ ગામ નું સુરક્ષા કવચ બની રહેતું! એ સ્વચ્છ હવા ફક્ત શરીર ને નહીંજ આત્મા ને પણ શુદ્ધિકરણ અર્પી જતી .હજી એનું મન ધરાયુ ના હતું આ વાતાવરણ થી. એને થોડો હજી સમય વિતાવવો હતો અહીં પ્રકૃતિ જોડે, સ્વ જોડે. પોતાનો નિર્ણય મિત્રો ને જણાવી જ દીધો.
“તમે નીકળો. હું હજી રોકાઇશ. કાલે સવારેજ સૌથી પહેલી બસ લઇ લઇશ ”
“પણ અંકલ?”

મિત્રો નો પ્રશ્ન પણ વાજબી હતી.એના પિતા નો એના પ્રત્યે નો પ્રેમ ને અનન્ય ચિંતા થી સૌ પરિચિત હતા અને કારણ થી પણ માહિતગાર. જન્મ આપીનેજ માં નું અવસાન થયું. એના સિવાય એમનું હતું પણ કોણ? ૨૩ વર્ષ નો એક નો એક દીકરો એજ એમનું વિશ્વ. તેથીજ ક્યારેક આ ચિંતા ને પ્રેમ માલિકીભાવ તરીકે ઉભરાઈ આવતી. પણ પિતા ની મનોવ્યથા સમજી એ હંમેશા એમના બધાજ નિર્ણયો કોઈ પણ દલીલ વિના સ્વીકારતો.
” આઈ વિલ કોલ હિમ. ડોન્ટ વરી.”

મિત્રો એને છોડી નીકળ્યા. ઘણા વર્ષો પછી સ્વ જોડે એકાંત આપનારી આ તક એણે જીવન પાસે થી માંગીજ લીધી.એની એક એક ક્ષણ પુરેપુરી માણવા ના ઇરાદે એ ગામ માં પ્રવેશ્યો. દાક્તર સાહેબ ના રોકાવાના સમાચાર મળતાજ ઉત્સાહ ની લહેર ચારે તરફ દોડી વહી. કોઈએ જમવાની સગવડ કરી આપી તો ગામ ના સરપંચે તો એક નાનકડી ખોલી જેવો ઓરડો,પલંગ અને પંખા ની પણ વ્યવસ્થા કરી આપી.જેટલું નાનું ગામ એટલાજ વિશાળ અહીં ના માનવ હૃદયો.પોતાનો સામાન એ નાનકડી ખોલી માં ગોઠવી એ આખા ગામ ની મુલાકાત લઇ આવ્યો. આખો દિવસ એ સ્વસ્થ વાતાવરણ અને સાફ હૃદયો ની વચ્ચે જાણે જીવન પણ “ચાર્જ ” થઇ રહ્યું.ગામ ના નાનકડા બજાર માંથી એણે પિતામાટે સુંદર હાથે બનાવેલ હેન્ડમેડ મોજડી ખરીદી.પારંપરિક વ્યવસાય ની છાપ એ મોજડીઓ મા સહજતાથી ડોકાઈ રહી હતી.સાંજ પડતાજ પ્રકૃતિ ને વધુ નજીક થી માણવા ને સૂર્યાસ્ત નો લ્હાવો લેવા એ પોતાની ડાયરી સાથે લઇ ગામ ની સરહદે નીકળી પડ્યો. ડાયરી લખવાની ટેવ બાળપણ થીજ હતી એને. એક માં વિનાનું બાળક સ્વભાવે શાંત ને અંતર્મુખી. જે વાત સરળતાથી ના કહેવાતી એ કેટલી સરળતા થી લખાઈ જતી.ગામ ની બાહ્ય સરહદે પહોંચ્તાજ એક સુંદર તળાવ અને એને કિનારે ઉભેલું એક અતિઆચ્છાદિત જૂનું વૃક્ષ એની દ્રષ્ટિ ને આકર્ષી રહ્યા . ધ્યાન ધરવા માટે આનાથી વધુ સુંદર દૃશ્ય ક્યાં જડે ?લોકો ની અવરજવર પણ નહિવત. અહીં એના અને ડાયરી ની વચ્ચે કોઈ વિક્ષેપ ના પડશે ,એ વિચારે એ વૃક્ષ ની નીચે પગ લંબાવી રહ્યો. જોડા,મોજા ઉતારી લીલાછમ ઘાસ ઉપર બેસી ખમીસ ની બંને બાઈ ઉપર ચઢાવી લાંબા ઊંડા શ્વાસ લઇ એણે ડાયરી ખોલી. આંખો બંધ કરી ને શબ્દો ની શુરાવલી આપોઆપ ગોઠવાઈ રહી. એને કાગળ પર ઉતારવા હાથ માં ઉર્જા પ્રવેશી:
” સંબંધો ના કોઈ ત્રાજવા નથી હોતા,

કોણ આપે કેટલું એવા હિસાબો નથી હોતા.”
લખાયેલા શબ્દો ને સ્વર મળ્યો હોઈ એમ વૃક્ષ ની પાછળ થી એ પંક્તિઓ નો પડઘો સાંભળી એ ક્ષણ ભર ચોંકી ઉઠ્યો.વૃક્ષ ની પાછળ લપાય છૂપેલું યૌવન આગળ આવ્યું ને થોડા સમય માટે એ સુંદરતા ને સાદગી થી મન અંજાઈ રહ્યું.
“આમ ચોરી છુપી કોઈ અજાણ વ્યક્તિ ની રચના વાંચવી એ યોગ્ય કહેવાય?” એ ઊંડી આંખો માં પરોવાતા પૂછી રહેવાયું.
” અજાણ કોણ?” પલક ઝપકાવ્યા વિનાજ સામેથી પ્રશ્ન પરત થયો.
” આપ મને ઓળખો છો ?” પ્રશ્ન ની આપલે અકબંધ રાખતા એ પૂછી રહ્યો.
” માનવી તરીકે જન્મ લઈએ ત્યારેજ વિશ્વ ના દરેક જીવ જોડે જાણ્યે અજાણ્યે સંબંધ માં બંધાઈ જઈએ..ફક્ત કેટલાક સ્મૃતિ માં વસી જાય ને કેટલાક વિસરી જઈએ.”

” શબ્દો ની રમત માં નિપુર્ણ છો . વાર્તાકાર તો નથી?” વ્યંગ ના કટાક્ષ થી એક સ્મિત એ ચંદ્ર જેવા ચ્હેરા ને વધુ ચમકાવી રહ્યું.
” વાર્તાકાર તો એ સર્વજ્ઞાની , અદ્રશ્ય,સતત જીવિત…આપણે તો ફક્ત એની વાર્તા ના પાત્રો ” સુંદરતા ને હોશયારી , બુદ્ધિ ને લાગણીઓ નું એ સંમિશ્રણ પ્રત્યે એક અનન્ય આકર્ષણ એ અનુભવી રહ્યો.
“એક દાક્તર છું . વિજ્ઞાન નો જીવ. જે સામે હોઈ એની પરજ વિશ્વાસ રાખું. તર્ક અને શક્યતાઓ નેજ સ્વીકારું.”એની દરેક દલીલ માટે શબ્દો તૈયાર જ હોઈ એમ સામેથી શીઘ્ર જવાબ આવ્યો.
” શક્ય ને અશક્ય ની વચ્ચે પણ ઘણા રહસ્યો છુપાયા હોઈ છે. કેટલીક વાર્તાઓ શક્ય છે કે અશક્ય એ કળી ના શકાય ”
” દરેક બાબત ના બેજ પાસા . તર્ક થી સાબિત કરો તો શક્ય. તર્ક ના હોઈ તો અશક્ય. એ બંને ની વચ્ચે બીજું કંઈજ નહિ.”
” તો ઠીક હું એક વાર્તા સંભળાવું છું . તર્ક ને દલીલ થી સાબિત કરી આપો કે એ શક્ય કે અશક્ય?” સામેથી મળેલી ચુનોતી થી એ વૈજ્ઞાનિક જીવ ખડખડાટ હસ્યો.
” એમાં શું મોટી વાત. ચેલેંજ એક્સેપ્ટેડ.”
” પણ મારી એક શરત છે. જ્યાં સુધી વાર્તા સમાપ્ત ના થાય વચ્ચે પ્રશ્નો ના પૂછવા . જો વચ્ચે કંઈક બોલશો તો હું ત્યાંજ વાર્તા સમાપ્ત કરી નાખીશ”

“મંજૂર ” એક નાના બાળક સમો એ વાર્તા સાંભળવા તૈયાર થઇ રહ્યો. એ સુંદર શરીર એની પડખે આવી ગોઠવાયું ને વાર્તા શરુ થઇ.
“થોડા વર્ષો પહેલાની આ વાત. આવાજ એક ગામ માં બે મિત્રો રહેતા હતા.રાધા ને …..”થોડો વિચાર કરી એણે વાક્ય પૂરું કર્યું ….”હરિ ”
પહેલાજ વાક્ય થી એ ચોંક્યો. પોતાના હાથ પર પિતા એ કંડારી આપેલ માં ની નિશાની એ ખમીસ ની બાઈ વડે ઢાંકી રહ્યો. એના જન્મ પહેલાજ જો દીકરો જન્મે તો આશિષ નામ પિતાએ વિચાર્યું હતું જયારે માં ને તો હરિ નામજ ગમી ગયું હતું. એના જન્મ પછીજ પોતાની છેલ્લી ક્ષણો માં પતિ ની પસન્દગી નુજ નામ રખાય એજ એમની આખરી ઈચ્છા હતી. પત્ની ની આખરી ઈચ્છા નું માન રાખતા પિતા એ એનું નામ આશિષ તો રાખ્યું પણ માં ની પસંદગી ને હાથ માં કંડારી એક આજીવન ભેટ એને આપી દીધી. વાર્તા ના પાત્ર નું નામ ચપળતા થી ઉંચકેલ એ બુદ્ધિ ની દ્રષ્ટિ એ પામી ગયો.પણ વચ્ચે કઈ પણ ના બોલી શકવાની એ શરત યાદ આવતાજ એ ચુપચાપ વાર્તા સાંભળી રહ્યો.

” રાધા અને હરિ. બે શરીર એક આત્મા. જ્યાં રાધા ત્યાં હરિ.જ્યાં હરિ ત્યાં રાધા.રાધા ગામ ના સરપંચ ની એક ની એક લાડકવાયી દીકરી. હરિ એક અનાથીયો. કોઈને ખેતર ના ખૂણે બે દિવસ નું બાળક મળી
આવ્યું હતું.ત્યારથી એ બાળક નું નામ અનાથીયો પડી ગયું. આખા ગામે એની જવાબદારી વહેંચી લીધી.ધીરે ધીરે પગલાં પાડતો એ ક્યારે ખેતરો માં કામ કરવા લાગ્યો …..સમય ની પાંખે ઉડતો એ દસ વર્ષ નો ઊંચો લાંબો યુવાન ક્યારે બની ગયો એની જાણ જ ના થઇ. સમય ની સાથે સાથે રાધા ને હરિ ની મૈત્રી પણ વધુ ગાઢ બનતી ગઈ. આખો દિવસ હરિ ખેતરો માં હળ જોડે, સરપંચ ના કાર્યો માં મદદ કરી નાખે ને સાંજે રાધા એને ગામ ને કિનારે તળાવ પાસે બારાખડી શીખવાડે. એક બીજા વિના તો ચાલેજ નહિ. એક શરીર તો બીજો પડછાયો. એક વાર તો રાધા તળાવ માં અકસ્માતે પડી ત્યારે જીવ ના જોખમે એને બચાવી હતી. એને બચાવવા જતા તળાવ ના અણીદાર પથ્થરો થી એની પગ ની આંગળીઓ કચડાઈ ગઈ હતી.”

આ બીજો આંચકો . પોતાની કચડાયેલી આંગળીવાળો પગ એણે સંકેલી છુપાવી દીધો.બાળપણ માં સમુદ્ર કિનારે રમતા પથ્થરો સાથે ઠોકાઈ કઈ રીતે એની પગ ની આંગળીઓ લોહીલુહાણ થઇ હતી એની ઘટના ઘણી વાર પિતા એ કહી સંભળાવી હતી. અજાણી સુંદરી ની વાર્તા શૈલી ને કથન તંતુ થી પ્રભાવિત તો થયો પણ શરત ની મર્યાદા એ એને મૌનજ રાખ્યો.

“આ માથે શું થયું? અજાણી યુવતી નો હાથ પીસાની એ અડતાંજ રોમાંચક ભાવ જાગ્યો .પણ પિતા ના સંસ્કારો ને પોતાની સજ્જનતા ની લાજ રાખતા એણે માથું પાછળ ખેંચી લીધું. બાળપણ ની શરારતો ની એક અન્ય નિશાની . પિતાજી ના શબ્દેશબ્દ યાદ હતા.કઈ રીતે દાદરો ઉપર થી ગબડી માથું ફૂટ્યું હતું.ટાંકાઓ ની એ આજીવન નિશાની. હોસ્પિટલ આવવાજવા નો તો જાણે નિયતક્રમ.પણ એ બધી માહિતી અહીં શું કામ પુરી પાડવી? પોતે રાખેલી શરત અનુસાર એ જવાબ ક્યાંથી આપશે એ યાદ આવતાજ વાર્તા આગળ વધી.

” એક દિવસે શરારત માં બંને એ શરત લગાવી. જો હરિ સાચેજ બહાદુર હોય તો શહેર તરફ જતી બસ લઇ શહેર જાય ને એની માટે લાલલાલ બંગડીઓ ખરીદી લાવે . દસ વર્ષ નાં એ નાનકડા છોકરા માટે કોઈ ની પણ મદદ વિનાજ અજાણ્યા શહેર માં જવું સહેલું ના હતું.પણ પોતાના પ્રેમ ને સાબિત કરવા એ બસ પાછળ લટકાઈ નીકળી ગયો.”તળાવ ને તાકી રહેલ આંખો અન્યજ વિશ્વ માં ખોવાઈ ગઈ. કઈ બોલી ના શકાય એટલે એણે એક ખોંખારાથી એને ધ્યાન માંથી જગાવી.હોંશ માં આવી હોઈ એમ એ આગળ બોલી.

“એ ગયો તે ગયોજ. કદી ફરી પરતજ ના થયો.રાધા એ પિતા ને બધીજ હકીકત જણાવી.એ શહેર નો એક ચક્કર લઇ આવ્યા. પણ કોઈ માહિતી ના મળી.રાધા એના હરિ વિના અધૂરી અપૂર્ણ ભાસવા માંડી . રોજ સાંજે એ અચૂક ગામ ને કાંઠે તળાવ પાસે એની રાહ તાકી બેસી રહેતી. ભીડ ની વચ્ચે પણ એનું જીવન એકલું ને ખાલી. હરિ વિનાની રાધા જાણે આત્મા વિનાનું શરીર ”
એની પડખે થી ઉભી થઇ તળાવ તરફ ભરી રહેલ પગલાં સાથે શબ્દો પણ જાણે ગતિ પકડી રહ્યા.

“દિવસો મહિનાઓ માં ને મહિનાઓ વર્ષો માં વીતવા લાગ્યા. એ દસ વર્ષ ની રાધા યુવાની ના ઉંબરે આવી ઉભી.પિતા ની ચિંતાઓ વધતી ચાલી.લગ્ન માટે આવતા એક થી એક સારા પ્રસ્તાવો એ ઠુકરાવતી ચાલી.પિતા એ બહુ સમજાવી આટલા વર્ષો માં કોણ કોને યાદ રાખે?પણ એનું તો એજ રટણ મારો હરિ આવશે ને મને લઇ જશે. એની એ ઝિદ ને મક્કમતા આગળ એમણે પણ હાર માની લીધી. પછી એક દિવસ અચાનક હરિ આવ્યો.પણ એની રાધા ને લીધા વિનાજ જતો રહ્યો.”
“અશક્ય….તદ્દન અશક્ય !!!!” વાર્તા માં આવેલા એ અણધાર્યા નાટકીય વળાંક ને ના સ્વીકારતા શરત થી વિરુદ્ધ એ અધવચેજ બોલી પડ્યો. વાર્તા અટકાવી એ ગામ તરફ જવા ઉપડી.સૂર્યાસ્ત ની સાથે ઘેરાઈ આવેલ આછા અંધકાર માં ખોવાય રહી.
“અરે નામ તો કહેતી જા.”
અધવચ્ચે રસ્તામાંથી એ ફરી વળી. એની આંખો માં તાકી બોલી :
“રાધા ”
“ને હું હરિ ” વ્યંગ ને કટાક્ષ થી લદાયેલું હાસ્ય એ સૂના વિસ્તાર માં ગુંજી રહ્યું.એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ એ ગતિ પકડી દૂર જવા લાગી. વૈજ્ઞાનિક જીવે પોતાની જીત નિશ્ચિત કરવા ઊંચા અવાજે શબ્દો પહોંચાડ્યા.
“જ્યાં તર્ક ત્યાં શક્યતા નહીંતર બધુજ અશ્ક્ય ”
પરત જવાબ માં એણે આરંભેલી પંક્તિઓ ને પૂર્ણ કરી એ જતી રહી:

“સંબંધો ના કોઈ ત્રાજવા નથી હોતા,
કોણ આપે કેટલું એવા હિસાબો નથી હોતા,
માનો તો શક્ય ,ના માનો તો અશક્ય,
લાગણીઓના કશે પુરાવાઓ નથી હોતા ”

અંધકાર ગાઢ થયું ને સન્નાટો વધુ ઘેરો. વહેલી સવારે બસ લેવાની હતી.શીઘ્ર એ પોતાના આવાસ સ્થળે પહોંચ્યો ને થાક થી નિધાળ જમ્યા વિનાજ ઊંધો પડ્યો.આંખો ક્યારે મીંચાઈ એની જાણ પણ ના થઇ!
બારણે પડેલા ટકોરાઓ થી ગાઢ નિદ્રા તૂટી.હજી અર્ધી રાત્રીજ થઇ હતી.આમ આવી રીતે કોણ ખટખટાવે? અર્ધી ઊંઘ ને અર્ધી ચીઢ સાથે એણે બારણું ખોલ્યું.

“ધેર ઇઝ લિમિટ ઓફ એવરીથીંગ!”
“ડેડ????”
પિતા ને સામે જોતાજ એની ઊંઘ ઉડી ગઈ.એમનો ગુસ્સો વાજબી હતો .પિતા ને કોલ કરવાનો વાયદો મિત્રો ને આપ્યો તો હતો.પણ સાંજે એ બધુજ વિસરી અન્યજ વિશ્વ માં વિહરી રહ્યો. સ્વાર્થી બની પિતા ની લાગણીઓ દુભાવી તો હતી. એની ચિંતા માં આટલા કિલોમીટર દૂર ડ્રાયવીંગ કરી આમ અર્ધી રાત્રીએ આ નાનકડા ગામ માં પહોંચી જવું એ એક પિતા ની ચિંતા ને અનન્ય પ્રેમ ની નિશાની નહિ તો બીજું શું?
” ટેક યોર બેગ . તું હમણાંજ મારી જોડે નીકળીશ ”
“પણ….”
“એક શબ્દ નહિ…………નાઉ…………”

બેગ લઇ એ સીધોજ ગાડી માં ગોઠવાયો. કોઈ ને કઈ પણ કહ્યા વિના કે મળ્યા વિનાજ એ રાત્રી ના અંધકાર માંજ એ ગામ છોડી નીકળી ગયો.
શહેર પહોંચતા ફરીથી જીવનક્રમ માં ઢળતા અઠવાડિયું નીકળી ગયું. હોસ્પિટલ,ઘર,પિતા ,એજ નિત્ય ક્રમ ને એજ નિત્ય જીવન. આ બધાની વચ્ચે પણ જો કંઈક નવું ઉમેરાયું તો એ રાધા,એની અશક્ય વાર્તા,એનો એ ચ્હેરો ને પેલી અદભુત સાંજ. એક અજાણી સુંદરી કઈ રીતે એના મન માં વસી ગઈ? એના વિચારો મન માં કઈ રીતે ઘર કરી રહ્યા? એની સાથે કોઈ પણ સંબંધ માં બંધાવું તો અશ્કયજ.તો પછી એની એ વાર્તા શબ્દેશબ્દ રગો માં કેમ વહી રહી? રાધા નો હરિ કે હરિ ની રાધા,બે શરીર એક આત્મા!!મન માં ગુંજી રહેલ એ અવાજો શાંત થવાનું જાણે નામજ ના લઇ રહ્યા.એની બેચેની ને વિહ્વળતા એને થકાવા લાગી.
“તૈયાર?”
દર રવિવારે પિતા જોડે ટેનિસ રમવા જવાનો ક્રમ આજે એણે તોડ્યો.
“તમે જાઓ. આઈ નીડ સમ રેસ્ટ.નેક્સ્ટ ટાઇમ ”
“ઓકે માઇ સન .હેવ રેસ્ટ.ટેક કેર ”

પિતાના જતાજ એણે પથારી માં લંબાવ્યું.એક પડખે,બીજે પડખે,ઊંઘ પણ જાણે રિસાય રહી.હરિ,રાધા,લાલ બંગડીઓ વિચારો એ વિચિત્ર સ્વરૂપ ધારણ કર્યું.પથારી છોડી એ ઉભો થઇ ગયો.બાજુના ટેબલ પર થી માની તસ્વીર લઇ એ નિહાળી રહ્યો.એક આંસુ ધીરે થી આંખ ના ખૂણા માંથી સરી પડ્યું.તસ્વીર ટેબલ પર ગોઠવી એ પિતા ના ઓરડા માં ગયો.એક નાની અલમારી માં એમનું ફોટાઓ ની આલબમ નો વિશાળ સંગ્રહ સચવાયો હતો. ફોટોગ્રાફી ની એ કલા માં એને પિતાની જેમ બહુ રસ ના હતો. પણ આજે અચાનક એને બાળપણ ની તસવીરો નિહાળવાની તીવ્રતા થઇ . એના માટે ખાસ મોટી મોટી આલબમ પિતા એ તૈયાર કરી હતી. માં ની જોડે તો એક પણ તસ્વીર નહિ અને હોઈ પણ કેમ? એની તસવીરો પણ દસમી વર્ષગાંઠ પછીનીજ હતી.પિતા ને જયારે પણ પૂછતો તર્ક યુક્ત ઉત્તર મળતો.પત્ની ના અવસાન પછી અચાનક પુત્ર ને એકલા હાથે ઉછેરવાની આવી ગયેલ એ અણધારી નવી જવાબદારી ની વચ્ચે આ પ્રવૃત્તિ ઓ અજાણ્યેજ પાછળ છૂટી ગઈ.
“દસ વર્ષ નો નાનકડો છોકરો ……….”
અચાનકજ રાધા ની વાર્તા ના શબ્દો એના ભૂતકાળ જોડે ભળવા માંડ્યા .
“આશિષ…………..હરિ… ”

“પગ ની કચડાયેલી આંગળીઓ ………….પીસાની ના ટાંકાઓ?!?”
એના જીવન ની વાસ્તવિકતા ને રાધા ની વાર્તા ને કંઈક ખૂટતું હોવાની એ વિસ્મય થી ભરપૂર ભાવના.એના હાથો આખી અલમારી ને ખૂંદી વળ્યાં.એક એક આલબમ એ ટટોલી રહ્યો.એક છેલ્લી આલબમ પણ અલમારી ના એકદમ અંદર ના ખૂણે થી ખેંચી કાઢી.એની સાથેજ એક જૂની પ્લાસ્ટિક ની કોથળી બહાર ખેંચાઈ આવી .એને ધીરે થી ખંખેરી એણે સાવચેતી થી ખોલી જોઇ .એના બાળપણ ની મોજડી. પિતા એ એની યાદો ને કેવી પ્રેમ થી સંગ્રહી હતી ! સાચવી ને ફરીથી એને કોથળી માં સરાવી અલમારી માં સચકવા ગયો કે આંખો પહોળી થઇ રહી.કોથળી ફરી થી બહાર ખેંચી મોજડી હાથ માં લીધી. સીધોજ દોડી એ પોતાના ઓરડા માં પહોંચ્યો. કેમ્પ માંથી પરત થઇ થાક ને આળસે હજી બેગ અનપેક કરી ના હતી.ઉતાવળે એણે બેગ માંથી પિતા માટે ભેટ માં લાવેલ મોજડી બહાર નીકાળી . બંને મોજડીઓ ને એણે એક સાથે ઉઠાવી. એજ દોરીઓ,એજ તાણાવાણા, પારંપરિક વ્યવસાય ની સમાન છાપ ને બંને મોજડીઓ ને તળિયે કારીગરી ની છાપ છોડતો એ સિંહ નો મોહર. એના હૃદય ના ધબકારા જાણે બહાર સંભળાવા લાગ્યા.
“હું રાધા ” ફરીથી કાન રણકવા માંડ્યા . ને હું કોણ?????
“આમ હોમ”

ઓરડા માં પ્રવેશતા પિતા એ એના હાથ માની મોજડી જોઈ અને એક મૂર્તિ સમાન સ્તબ્ધ થઇ રહ્યા.
“હું કોણ ડેડ? આશિષ ? કે હરિ?”આંખો ના અશ્રુ ઉત્તર મળવાની રાહ ના જોઈ શક્યા .પુછાયેલા પ્રશ્ન થી એ સ્તબ્ધ મૂર્તિ અશ્રુ થી ભીંજાવા માંડી .એકજ ક્ષણ માં પોતાનું સાચવી રાખેલ વિશ્વ કોઈ છીનવી રહ્યું હોઈ એમ એ વિખરાય રહ્યા:

” આઈ લવ યુ માઇ સન .હું તારા વિના જીવી ના શકીશ. હું તો મરી જ જઈશ…..”જમીન પર ઢળી પડેલ પિતા ને એણે ગળે લગાવી દીધા.
” આઈ લવ યુ ટૂ ડેડ,હું તમને છોડી ક્યાંય ના જઈશ. યુ આર ઘી બેસ્ટ ડેડ ઓફ ઘી વર્લ્ડ.”જમીન પર થી ઉઠાવી પાસે ના સોફા પર એ પિતા ને ગોઠવી પોતે એમના ગૂંથણનો સ્પર્શ કરતા નીચે બેસી પડ્યો.
” એક વાર બધુજ કહી દો પ્લીઝ.મારા અસ્તિત્વ ની વાસ્તવિકતા શું?”
આંખો લૂછી દીકરા ના હાથ હાથમાં લઇ એમણે વાસ્તવિકતા પર થી પરદો ઉઠાવ્યો.

“એક દિવસ અચાનક એક બાળક ગાડી આગળ આવી ગયું. લોહીલોહાણ હાલત માં એને હોસ્પિટલ લઇ ગયો. એની સારવાર માં કોઈ કસર છોડી નહિ. માથા ના ભાગે ઊંડો ઘા થયો હતો. હોશ માં આવતાજ ડોક્ટર એ કહ્યું એની યાદશક્તિ જતી રહી.પુલીસ સ્ટેશન માં માહિતી આપી, લોકલ ટીવી પર જાહેરાતો કરાવી,સમાચાર પત્રો માં છપાવ્યું.પણ બધુજ વ્યર્થ. પત્ની ના અવસાન થી જીવન માં વ્યાપેલ એકલતા માં સાથ આપવા ઈશ્વરે જાણે એક ફરિસ્તો મોકલી આપ્યો. ને હરિ માંથી એ મારો આશિષ બની ગયો. ” પિતાની ભીંજાયેલ આંખો ને સાફ કરતા એ ખુશી થી ઉછળી પડ્યો.

” લેટ્સ ગો ડેડ ”
“અરે પણ ક્યાં???”
” મારે ગામ!!”
ગાડી લઇ બંને શીઘ્ર નીકળ્યા. રસ્તા માંથી હરિ એ પોતાની રાધા માટે લાલ લાલ બંગડીઓ ખરીદી લીધી . પહોંચતા પહોંચતા સાંજ થઇ .સીધાજ સરપંચ ને મળી બધી વિગતો આપી.
“એ કહેતી હતી મારો હરિ જરૂર આવશે ને મને લઇ જશે ” અને વૃદ્ધ પિતા નું હૃદય ફાટી પડ્યું.

” રાધા ક્યાં છે???????” મન માં ઊંડો ધ્રાસ્કો ઉઠ્યો.
ફાટેલા હૃદય ને સંકેલતું વૃદ્ધ શરીર પણ ફસડાઈ પડ્યું.
“આપ અહીં થી ગયા એ સાંજે જ નિત્ય ક્રમ અનુસરતા એ તળાવ કાંઠે જતી રહી. જતા જતા કહેતી ગઈ કે બાપુ સાચેજ હરિ મને વિસરી ગયો. અને મારી દીકરી પરતજ ના થઇ. તળાવ માંથી એનું શબ…..”
એક પણ શબ્દ આગળ સાંભળવો ના હોઈ એમ હરિ એ દોડ મૂકી . આંખો ના પૂર ને ઊંડા સ્વાશછોશ્વાસ સાથે એ તળાવ ને કાંઠે ઊંધો પડ્યો .હાથો માની લાલલાલ બંગડીઓ એક એક કરતી તળાવ માં વહી રહી ને એક પરીચિત અવાજ ચારે તરફ ગૂંજી રહ્યો:

“સંબંધો ના કોઇ ત્રાજવા નથી હોતા ,
કોણ આપે કેટલું એવા હિસાબો નથી હોતા ,
માનો તો શક્ય , ના માનો તો અશ્ક્ય ,
લાગણીઓ ના કશે પુરાવાઓ નથી હોતા. ”

લેખક : મરિયમ ધુપલી

ખુબ લાગણીસભર વાર્તા છે મિત્રો શેર કરો તમારા મિત્રો સાથે દરેકને વાંચવી ગમશે.. વધુ વાર્તા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી