સાત + એક = શૂન્ય (પ્રકરણ ત્રણ) આશુ પટેલ

નિશાની બર્થ ડે પાર્ટીમાં આમંત્રિતોની સંખ્યા વધી રહી હતી. જો કે નિશાએ તેની પસંદગીની વ્યક્તિઓને જ પાર્ટીમાં બોલાવી હતી. તમામ આમંત્રિત વ્યક્તિઓ હોંશે હોંશે નિશાની બર્થ ડે પાર્ટીમાં આવે એ સ્વાભાવિક પણ હતું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક જ ભાષા સમજે છે, સફળતાની. અને નિશા સફળતાની ટોચ પર હતી. નિશાનું ભવ્ય પેન્ટ હાઉસ નિશાની સફળતાની સાક્ષી પૂરતું હતું.

‘સિલ્વર ગોલ્ડ’ના એ પેન્ટ હાઉસમાં નિશાનો પોતાનો બેડરૂમ જ બે હજાર સ્કવેર ફીટનો હતો. લાખો મુંબઇગરા પોતાની માલિકીનો પાંચસો ફૂટનો ફ્લેટ ખરીદવાનું સપનું આંખમાં આંજીને જીવન પૂરું કરી નાખતા હોય છે. અનેક સફળ કહેવાય એવા ફિલ્મ સ્ટાર્સ પણ પંદરસોથી બે હજાર ફૂટના ફ્લેટના માલિક હોય છે. એની સામે નિશાનું પેન્ટ હાઉસ જોઇને બોલીવૂડના ભલભલા સ્ટાર્સ પણ ઇર્ષાથી ઊભાને ઊભા સળગી જતા હતા. નિશાના પેન્ટ હાઉસની ટૅરેસમાં વિશાળ સ્વિમિંગ પૂલ, નાનકડો ગાર્ડન અને એક ગ્લાસ હાઉસ નિશાનાં ઐશ્વર્યના પ્રતીક સમાં હતાં. નિશાએ ધાર્યું હોત તો તે જૂહુમાં પોતાનો બંગલો પણ ખરીદી શકી હોત પણ સફળતાની ટોચ પર પહોંચ્યા પછી તેની વિચારધારા બદલાઇ હતી અને તેણે નક્કી કર્યું હતું કે હું પંદરમાં માળે બંગલો ખરીદીશ!અને નિશાએ પંદરમા માળે ‘બંગલો’ એટલે કે પેન્ટ હાઉસ ખરીદીને પોતાનો કક્કો ખરો કર્યો હતો. આવડા મોટા પેન્ટ હાઉસમાં નિશા તેના પિતા સાથે એકલી જ રહેતી હતી. તેની મમ્મી દીકરીની સફળતા જોયા પહેલા જ હાર્ટ એટેકથી મૃત્યુ પામી હતી.

બે મહિના અગાઉ નિશાના પેન્ટ હાઉસની ‘હાઉસ વોર્મિંગ સેરેમની’ના દિવસે નિશાએ પાર્ટી આપી ત્યારે નિશાના ઘરની વિશાળ જગ્યા અને ઇન્ટિરિયર જોઇને બધા આમંત્રિતો દંગ થઇ ગયા હતા. આજે નિશાની બર્થ ડે પાર્ટીમાં પણ આમંત્રિતો નિશાના ડ્રેસની અને તેનાં પેન્ટ હાઉસની પ્રશંસા કરી રહ્યા હતા.પરંતુ, એમાંથી કેટલીક વ્યક્તિઓ એવી હતી કે જેમના મનમાં નિશા માટે છાનો રોષ અથવા નફરતની લાગણી હતી. નંબર વન હીરોઇન ચાંદની અને સુપર સ્ટાર વિજયકુમારની વાગ્દત્તા આશકા મનોમન નિશાને ધિક્કારી રહ્યા હતા. તો સુપર સ્ટાર વિજયકુમારના મનમાં પણ એ વાતનો રોષ છુપાયેલો હતો કે નિશાએ તેના પ્યારને ઠુકરાવી દીધો હતો.

નિશાની પાર્ટીમાં બીજો પણ એક યુવાન હતો જે નિશાને મનોમન ચાહતો હોવા છતાં ક્યારેય નિશા સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરવાની હિંમત દાખવી શક્યો નહોતો. એ રોહન સલૂજા હતો, નિશાનો કોલેજફ્રેન્ડ. નિશાની સાથે મીઠીબાઇ કોલેજમાં ભણતી વખતે રોહન સલૂજા નિશાનો ક્લોઝ ફ્રેન્ડ બની ગયો હતો અને આજ પર્યંત એ બંનેની દોસ્તી ટકી રહી હતી.

રોહન સલૂજા અમીર બાપનો દીકરો હતો. નિશાની દોસ્તીને એ પ્રેમ સમજી બેઠો હતો. મસ્તીખોર સ્વભાવ ધરાવતી નિશા ક્યારેક તેની સાથે નોનવેજ જોક પણ શેર કરી લેતી હતી. રોહન નિશાને પ્રપોઝ કરવાનો મોકો શોધતો હતો. પણ એવો કોઇ મોકો મળે એ પહેલા તો અચાનક નિશાની જિંદગીમાં અણધાર્યો વળાંક આવી ગયો અને નિશા મોડેલ અને પછી હીરોઇન બની ગઇ. નિશાએ મોડલિંગનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો એ દિવસથી રોહન સલૂજા પોતાની મારૂતિ એસ્ટીમ કાર લઇને દરરોજ નિશાની સાથે દરેક જગ્યાએ જવા માંડ્યો હતો. નિશાએ તેને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી હતી. પણ રોહન નિશાના ગળાડૂબ પ્રેમમાં હતો. નિશાએ કારર્કિદી માટે કોલેજ પડતી મૂકી તો રોહને પણ નિશાને કારણે કોલેજને અલવિદા કહી દીધું હતું. એના માટે તેણે અનેક વાર પોતાના બિઝનેસમેન પિતાનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. નિશા હીરોઇન બની ગઇ અને લક્ઝુરિયસ કારમાં ફરવા માંડી એ પછી પણ નિશાએ રોહન સાથે દોસ્તી ટકાવી રાખી હતી.

પણ અચાનક નિશાના જીવનમાં કરણનો પ્રવેશ થયો. ફિલ્મ દિગ્દર્શક કરણે નિશા સાથેની ત્રીજી જ મુલાકાતમાં નિશા સમક્ષ પ્રેમનો એકરાર કરી લીધો. નિશા પણ કરણ તરફ આકર્ષાઇ હતી. કરણે પ્રપોઝ કર્યું ત્યારે નિશા જાણે આસમાનમાં ઉડવા લાગી હતી. નિશા એ જ દિવસે રોહન સલૂજાઅને તેની ક્લોઝ ફ્રેન્ડ મોહિનીને મળી હતી અને તેણે રોહન અને મોહિનીને કરણ વિશે કહ્યું હતું. ‘ઓહ, આઇ કાન્ટ એક્સપ્રેસ, હાઉ મચ આયમ હેપી. આયમ એક્સ્ટ્રીમલી હેપી!’ નિશાએ રોહન અને મોહિનીને કહ્યું ત્યારે નિશાના શબ્દો સાંભળીને રોહનની હાલત કાપો તોય લોહી નીકળે નહીં એવી થઇ ગઇ હતી. કોઇએ તેને જાણે ત્રીસ હજાર ફૂટની ઊંચાઇ પર ઉડી રહેલ પ્લેનમાંથી નીચે ફંગોળી દીધો હોય એવી લાગણી તેણે અનુભવી હતી. પણ નિશા એટલી ખુશ હતી કે તે રોહનના ચહેરાના હાવભાવની નોંધ પણ લઇ શકે એમ નહોતી.

રોહનને એ બધું અત્યારે યાદ આવી રહ્યું હતું. અચાનક તે વાસ્તવિકતામાં આવ્યો. મોહિની તેને નિશા પાસે બોલાવી રહી હતી. નિશા કેક કાપી રહી હતી. નિશાએ કેક ઉપર છરી ચલાવી એ સાથે બધાએ તાળીઓ પાડીને તેને વધાવી લીધી. નિશાએ કેકનો એક ટુકડો કરણના મોંમાં મૂક્યો. કરણે અડધો ટૂકડો પોતાના મોંમાં મૂકીને બાકીનો અડધો ટુકડો જમણા હાથથી નિશાના મોંમાં મૂક્યો અને પછી ડાબા હાથથી નિશાને આલિંગન કર્યું.

રોહન સલૂજા અકથ્ય વેદના સાથે એ દૃશ્ય જોઇ રહ્યો. તેણે ટેરેસના ખૂણે ઊભા કરેલા બાર પાસે જઇને જ્હોની વોકર વ્હીસ્કીનો લાર્જ પેગ ઓન ધ રોક (માત્ર બરફ સાથે) લીધો અને એક ઘૂંટડે પી ગયો. તેને પેટમાં બળતરાનો અહેસાસ થયો પણ તેના હૃદયની આગ સામે એ બળતરાની કોઇ વિસાત નહોતી. તેણે કરણને વળગીને ઊભેલી નિશા સામે જોયું અને એ સ્વગત બબડ્યો, ‘તું મારી નહીં થાય તો હું તને બીજા કોઇનીય નહીં બનવા દઉં!’

(ક્રમશઃ)

— આશુ પટેલ (Credit www.cocktailzindagi.com)

કોકટેલ ઝીંદગી પ્રીમીયમ મેગેઝીનને મેળવવા માટે ક્લિક કરો https://goo.gl/14qRJr અથવા ઘરે બેઠા મેળવવા Whatsapp on 08000057004

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી