સાત + એક = શૂન્ય (પ્રકરણ બે) આશુ પટેલ

મુંબઇના લોખંડવાલા કૉમ્પલેક્સના ‘સિલ્વર ગોલ્ડ’ એપાટર્મેન્ટના પેન્ટ હાઉસની ટૅરેસમાં ધીમા મ્યુઝિક સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હિરોઇન નિશા નારંગની બર્થ ડે પાર્ટી જામી રહી હતી ત્યારે સુપર સ્ટાર વિજયકુમાર તેની ફિયાન્સી આશકા સાથે આવી પહોંચ્યો. વિજયકુમાર નિશા સાથે ચાર ફિલ્મમમાં અભિનય કરી રહ્યો હતો. નિશા એને તેના પ્રેમી કરણે વિજયકુમાર અને આશકાને આવકાર્યા. વિજયકુમાર જૂહુની જે.ડબ્લ્યુ.મેરિયેટ હૉટેલમાં એક વિખ્યાત ઉદ્યોગપતિની પાર્ટીમાં હાજરી આપીને નિશાની પાર્ટીમાં આવ્યો હતો. તેના પેટમાં તેની ફેવરિટ બ્લ્યુ લેબલ શરાબના બે પેગ પડી ચૂક્યા હતા.

નિશાની ટેરેસ પાર્ટીમાં આમંત્રિતોને કૃત્રિમ ઉમળકાથી મળ્યા પછી વિજયકુમારે બ્લ્યુ લેબલનો ત્રીજો પેગ હાથમાં લીધો. નિશા વિજયકુમારની ફિયાન્સી આશકા સાથે વાતે વળગી હતી. આશકા શરાબથી સો જોજન દૂર રહેનારી યુવતી હતી. નિશાએ તેના માટે મોકટેલનો ગ્લાસ તૈયાર કરાવ્યો.

આ દરમિયાન વિજયકુમાર નંબર વન હીરોઇન ચાંદની પાસે પહોંચી ગયો હતો. વિજયકુમારના આગમનથી ચાંદનીને થોડું સારું લાગ્યું. ચાંદની વિજયકુમાર સાથે એક ડઝનથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી હતી. અને એ દરમિયાન તે વિજયકુમારની સારી ફ્રેન્ડ બની ગઇ હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક માંધાતાઓ વિશે ચાંદની સાથે કૂથલી કર્યા પછી વિજયકુમારે ચાંદની પાસે દિલ ખોલ્યું, ‘નિશા ઇઝ લુકિંગ સો ક્યુટ ટુ ડે, ઇઝન્ટ?’ તેણે ચાંદનીને કહ્યું.

વિજયકુમારના અવાજ પરથી ચાંદનીને સમજાઇ ગયું કે આ સુપરસ્ટાર વિજયકુમાર નહીં પણ તેના પેટમાં પડેલો શરાબ બોલી રહ્યો છે. ચાંદનીએ તેને ટૂંકો જવાબ આપ્યો, ‘યસ.’ જોકે વિજયકુમારના શબ્દોથી તેના પેટમાં જાણે ઉકળતું તેલ રેડાયું હતું. વિજયકુમાર શરાબ પીને કંઇ પણ બોલવા માટે અને ધમાલ મચાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુખ્યાત હતો. અને ક્યારેક તો તે શરાબ પીને હિંસક પણ બની જતો હતો. પણ ‘સમરથ કો નહીં દોષ ગુંસાઇ’ એ પ્રમાણે તેની સાથે કોઇ ભેજાફોડી કરવાની હિંમત બતાવે એ વાતમાં માલ નહોતો.

‘આઇ લવ નિશા મોર ધેન માય લાઇફ, બટ શી લવ્સ ધેટ બાસ્ટડૅ…’ વિજયકુમારે નિશાના પ્રેમી કરણના નામનો ઉલ્લેખ કર્યા વિના ચાંદનીને કહ્યું. વિજયકુમાર આગળ કંઇ બોલવા જતો હતો પણ, ચાંદની તેને આંખના ઇશારાથી પાછળ જોવા કહ્યું. જો કે વિજયકુમાર એ ઇશારો સમજ્યો નહીં એટલે ચાંદની સહેજ ઊંચા અવાજે બોલી, ‘હાય આશકા.’ વિજયકુમાર થોડો અચકાયો. તેનો નશો એક ક્ષણ માટે ઉતરી ગયો. તેની ફિયાન્સી આશકા તેની લગોલગ આવીને ઊભી રહી હતી.

બીજી ક્ષણે વિજયકુમારે તેના ચહેરા પર મહોરું પહેરી લીધું અને આશકાને કહ્યું, ‘આઇ વોઝ ટેલિંગ ચાંદની જસ્ટ હાઉ ઇમ્પોર્ટન્ટ યુ આર ઇન માય લાઇફ, ડિયર.’

પણ વિજયકુમારને ખબર નહોતી કે તેણે નિશા વિશે ચાંદનીને કહેલું છેલ્લું વાક્ય આશકાએ સાંભળી લીધું હતું.

* * *

નિશા, ચાંદની, વિજયકુમાર, વિજયકુમારની ફિયાન્સી આશકા અને નિશાનો પ્રેમી કરણ ટૅરેસના એક ખૂણે ગપ્પાં મારી રહ્યાં હતાં. વિજયકુમારે વચ્ચે જોક કહીને બધાને હસાવવાની કોશિશ કરી. વિજયકુમાર નિશાને ઇમ્પ્રેસ કરવા માટે હાસ્યાસ્પદ પ્રયાસ કરી રહ્યો હતો એવું ચાંદનીને સમજાતું હતું. તેને વળી એક વાર નિશાની ઇર્ષા થઇ આવી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપર સ્ટાર વિજયકુમાર નિશાની ખુશામત કરતો થઇ ગયો હતો. નિશાને ટોચની હીરોઇન બનાવવામાં વિજયકુમારનો ફાળો નાનોસૂનો નહોતો. નિશા સાથે દોસ્તી થયા પછી વિજયકુમાર ફિલ્મ પ્રોડ્યુસર્સને આગ્રહ કરતો, કહો કે શરત મૂકતો, થઇ ગયો હતો કે, મારી સામે હીરોઇન તરીકે નિશાને સાઇન કરો.

વિજયકુમારે નિશા પાસે પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો હતો. ‘મુઝે પ્યાર ચાહિયે’ ફિલ્મનું શુટિંગ મહેબુબ સ્ટુડિયોમાં ચાલતું હતું ત્યાંથી વિજયકુમાર નિશાને પોતાની, અઢી કરોડ રૂપિયાની પોર્શ કારમાં લોન્ગ ડ્રાઇવ પર લોનાવાલા લઇ ગયો હતો. અને તેણે લોનાવાલાની માદક વરસાદી મોસમમાં નિશા સામે પોતાના દિલની લાગણી વ્યક્ત કરી દીધી હતી. પણ નિશા એ લાગણીમાં ભીંજાઇ નહીં.

એ વખતે લોનાવાલાથી મુંબઇ પાછા ફરતી વખતે વિજયકુમાર મોટેભાગે ચૂપ રહ્યો હતો. નિશાએ તેને હસાવવાનો, તેની સાથે વાતો કરવાનો નિરર્થક પ્રયત્ન કર્યો હતો. પણ વિજયકુમાર ઉદાસ થઇ ગયો હતો. તેણે ધાર્યું હોત તો તે નિશાને ગમે ત્યારે હોટેલમાં બોલાવીને તેની મારકણી કાયાને માણી શક્યો હોત. ચાંદની સહિત અનેક હિરોઇનો સાથે તેણે પોતાના બેડરૂમમાં કે હોટેલના સ્વીટમાં રાતો ગાળી હતી. પણ નિશાને તે સાચા દિલથી પ્રેમ કરતો હતો અને નિશાના હૃદયમાં પોતાના માટે કોઇ ખરાબ લાગણી જન્મે નહીં એની તકેદારી તે રાખતો હતો. અને એના કારણે જ નિશા તેના પ્રેમ પ્રસ્તાવને નકારી શકવાની હિંમત બતાવી શકી હતી. જો કે એ પછી પણ વિજયકુમાર નિશાને પામવાનો મોહ છોડી શક્યો નહોતો. છેવટે નિશા કરણના પ્રેમમાં પડી એ પછી વિજયકુમારે અબજોપતિ ઉદ્યોગપતિ મહેશ ઠાકરિયાની પુત્રી આશકા સાથે સગાઇ કરી લીધી હતી. આશકા વિજયકુમારને એકપક્ષી પ્રેમ કરતી હતી.

વિજયકુમાર નિશાને ખુશ કરવા મથી રહ્યો હતો એ જોઇને તેની ફિયાન્સી આશકા અકળામણ અનુભવી રહી હતી, એ ચાંદની સ્પષ્ટ જોઇ શકતી હતી. આશકાની આંખમાં નિશા માટે ઝેર ટપકી રહ્યું હોય એવું ચાંદનીને લાગ્યું. અને હકીકતમાં આશકાની અને વિજયકુમારની વચ્ચે નિશા કાંટાળી વાડ સમી બની ગઇ હતી. ચાંદનીના મનમાં આવા વિચાર ચાલતા હતા એ જ વખતે તેની કલ્પનામાં પણ ન આવે એવો એક ખતરનાક વિચાર આશકાના મનમાં ઝબકી ગયો હતો.

(ક્રમશઃ) આવતી કાલે ૩ : ૪૪ ના આગળ નો ભાગ પબ્લીશ થશે !!! વાંચતા રહો…

— આશુ પટેલ (Credit www.cocktailzindagi.com)

કોકટેલ ઝીંદગી પ્રીમીયમ મેગેઝીનને મેળવવા માટે ક્લિક કરો https://goo.gl/14qRJr અથવા ઘરે બેઠા મેળવવા Whatsapp on 08000057004

www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે ફોન કરો 08000058004 પર અમારા કસ્ટમર કેરમાં.

ટીપ્પણી