એક સામાન્ય માનવીની અસામાન્ય કથા

2006ના વર્ષની આ વાત છે. હું ત્યારે રાજકોટ જીલ્લા પંચાયતની શિક્ષણ શાખામાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ મને નાયબ જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારીનો વધારાનો ચાર્જ આપેલો હતો.

નિરંતર શિક્ષણ અંતર્ગત ગામડાઓમાં મોટી ઉમરના અભણને લખતા વાંચતા કરવાનો પ્રોજેક્ટ ચાલતો. આ કામ કરવા માટે જે તે ગામના સ્થાનિક રહીશને સરકાર પ્રેરક તરીકે નિમણૂંક આપે મહિને રૂ.700/- (સાતસો) માનદ વેતન આપે. મને નિરંતર શિક્ષણનો ચાર્જ મળ્યા પછી મેં નક્કી કર્યુ કે મારે જિલ્લાના બધા પ્રેરકોને મળીને એની કામગીરીનો રીવ્યુ લેવો છે. આ માટે નજીક નજીકના તાલુકાઓના પ્રેરકોને કોઇ એક તાલુકામાં ભેગા કરીને આખો દિવસ એમની સાથે ગાળતો.

પડધરી તાલુકામાં આજુ બાજુના તાલુકાઓના પ્રેરકોની બેઠક હતી. આ બેઠકમાં ટંકારા તાલુકામાં પ્રેરક તરીકે ફરજ બજાવતા એક યુવકની મુલાકાત થઇ. મીટીંગ દરમ્યાન નાની નાની બાબતો અંગે પણ એને પ્રશ્ન પુછતા જોઇને મને એને મળવાની ઇચ્છા થઇ એટલે મેં એને કહ્યુ કે મીટીંગ પછી તમે મને વ્યક્તિગત રીતે મળજો.

મીટીંગ પુરી થયા પછી એ તરવરીયો યુવાન મને મળવા માટે આવ્યો. એનું નામ મુસ્તાક નઝરુદિનભાઇ બાદી. ટંકારા તાલુકાના ટોળ ગામનો એ રહેવાસી હતો. ટોળમાં જ નિરંતર શિક્ષણમાં પ્રેરક તરીકે 700/- રૂપિયાના પગારથી નોકરી કરતો હતો. એના અભ્યાસ વિષે પુછ્યુ ત્યારે ખબર પડી કે એણે એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે. મને આશ્વર્ય થયુ કે એમ.કોમ. ભણેલો છોકરો મહિને માત્ર 700 રૂપિયાના પગારમાં નોકરી કરે. મેં એની સાથે વધુ વાતો કરી એટલે ખબર પડી કે એ ગામના વિદ્યાર્થીઓને ટ્યુશન પણ આપે છે અને મહિને 1500/- ટ્યુશનના મળી રહે છે.

“મહિનાના 2200/- રૂપિયાની કમાણીથી ઘર કેવી રીતે ચાલે ?” આવા પ્રશ્નના જવાબમાં મુસ્તાકે કહ્યુ, “સાહેબ, અમારી જરૂરીયાતો જ ઓછી છે. અમારો પરિવાર આર્થિક રીતે ખુબ પછાત છે. મમ્મી મજૂરી કામ કરે અને મોટો ભાઇ નાના મોટા કામ કરે એની સામે મારી 2200 રૂપિયાની કમાણી સારી ગણાય.”

મેં પુછ્યુ, ” બસ, આટલાથી જ સંતોષ માની લેવો છે ?” મારી સામે જોઇને મને કહે, “ના, બીલકુલ નહી. મારે પણ તમારી જેમ અધિકારી બનવુ છે.” મને એનો આત્મવિશ્વાસ સ્પર્શી ગયો. મેં એને કહ્યુ કે તારે કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને કહેજે. ગૌરવ સાથે મને કહે, “સાહેબ, મેં જીપીએસસી દ્વારા લેવાયેલી હિસાબી અધિકારી માટેની પ્રાથમિક કસોટી તો પાસ પણ કરી લીધી છે.” મને ખુબ ગમ્યુ. છોકરો ખૂબ પ્રતિભાવંત લાગ્યો. આગળની તૈયારી માટે મારી કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો મને વિના સંકોચે મળવાનું કહ્યુ.

થોડા દિવસ પછી આ છોકરો જિલ્લા પંચાયતમાં મને મળવા માટે આવ્યો. સાથે પ્રશ્નોનું લાંબુ લીસ્ટ લાવેલો. એક પછી એક પ્રશ્ન પુછતો જાય અને હું એને જવાબ આપતો જાવ. જ્યાં સંતોષ ન થાય ત્યાં સામી દલીલ પણ કરે. છોકરાની તૈયારી જોતા મને પૂર્ણ વિશ્વાસ હતો કે આ છોકરો સરકારી અધિકારી બનશે. એની મહેનત જ એવી હતી. હિસાબી અધિકારીની પરીક્ષાનું ફાઇનલ પરીણામ આવ્યુ અને મુસ્તાક બાદી હિસાબી અધિકારી તરીકે પસંદ પણ થઇ ગયો.

મુસ્તાક અત્યારે ગુજરાત સરકારનો નાણા વિભાગનો ક્લાસ-1 અધિકારી છે અને જામનગરની જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવે છે. મહિને 700/-ના સરકારી પગારમાં કામ કરનારો મુસ્તાક અત્યારે 67000/-નો પગાર મેળવે છે. જેના મમ્મી એક સમજે બીજાના ખેતરમાં મજૂરી કરવા જતા હતા અને બીજાના ઘરના કામ કરવા જતા હતા પણ એ માતાએ દિકરાને મજૂરી કરીને ભણાવ્યો તો એના એ દિકરાએ આજે હિસાબી અધિકારી તરીકે જિલ્લા પંચાયત જામનગરનું રૂપિયા 202 કરોડનું બજેટ તૈયાર કર્યુ અને જિલ્લા પંચાયતે મંજૂર કર્યુ.

મુસ્તાકે મને એક ખુબ સરસ વાત કરી હતી. ‘નદીનો પ્રવાહ વચ્ચે આવતા પથ્થરોની ફરીયાદો નથી કરતો, એ પથ્થરોને ઓળંગીને આગળ નીકળી જાય છે એમ આપણે પણ જીવનમાં આવતી સમસ્યાઓ અંગે ફરીયાદ કરવાને બદલે જો મજબુત મનોબળ હોય તોએને ઓળંગીને આગળ વધી શકીએ. નદીના માર્ગમાં રહેલા પથ્થરોને કારણે જ સંગીત ઉત્પન થાય છે તેમ જીવનમાં આવતી અડચણોથી જ જીવનસંગીત પેદા થાય છે.

મિત્રો, મુસ્તાક બાદીએ સખત પુરુષાર્થ અને હકારાત્મકતાના સથવારે એની જાતને સામાન્યમાંથી વિશીષ્ટ બનાવી એમ આપણે પણ કરી શકીએ. જાત પર વિશ્વાસ રાખો અને સખત મહેનત કરો.

લેખક – શૈલેષ સગપરીયા

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block