પ્રેમકહાની રૂપેશભાઈ ગોકાણીની કલમે… શેર કરો લાઇક કરો અમારું પેજ…

Cute Love Couples Photos Romantic Bollywood Movie Wallpapers | Indian Love Wallpaper - QUOTES LOVE

સાર્થક પ્રેમ

તે પથારીમાં તકિયામાં મોઢુ દબાવીને રડી રહી હતી. રડતા રડતા કયારે આંખ મળી ગઇ કાંઇ ખબર જ ન પડી. વહેલી સવારે એલાર્મ વાગતા તેની ઉંઘ ઉડી. તે ફટ કરતા પથારીમાં બેઠી થઇ ગઇ. મોડી રાત સુધી રડવાના કારણે તેની આંખો ખુબ જ બળી રહી હતી અને તેના શરીરમાં પણ કળતર થઇ રહી હતી. હવે બધુ ભુલીને ફટાફટ તૈયાર થવાનુ હતુ. કોલેજમાં આજે વહેલા જવાનુ હતુ.

તડકો થતા પહેલા ટ્રેકિગ માટે પહોંચી જવાનુ હતુ. પેટમાં ખુબ જ ભુખ લાગી હતી. ઘરમાં રાતનુ ખાવાનુ બધુ પડ્યુ હતુ. કોઇએ ખાધુ ન હતુ. તે પોતાના રૂમમાંથી હોલમાં આવી. સોફા પર મમ્મી કુકડુ વળીને સુતી હતી. નૈનાએ મમ્મીને ચાદર લઇને ઓઢાળી દીધી. ઘરનુ બધુ કામ બાકી હતુ. તે ઝડપ ઝડપથી બધુ કામ કરવા લાગી તેની ફ્રેન્ડ સપના તેને બોલાવવા આવી ત્યારે હજુ તૈયાર થવાનુ પણ બાકી હતુ.

તે પાંચ મિનિટમાં ફટાફટ તૈયાર થઇ ગઇ. અને દોડીને સપનાના એકટિવામાં બેસી ગઇ.

*************************

“વાહ તમે ગર્લસ સારા પોઇન્ટ કવર કરી રહ્યા છો.” ચેતને કોલેજ ટ્રેકિગમાં ડુંગર ચડવાની હરિફાઇ ગર્લસ જીતતા આવીને કહ્યુ. “ચેતલા ગર્લ્સનો જમાનો છે અત્યારે.” બોલ્ડ અને બ્યુટીફુલ નૈનાએ કહ્યુ. “ઓહ, એ તો છેલ્લે જ ખબર પડશે.”

ડુંગરાળ અને પથરાળ પ્રદેશમાં અનેક વિધ સ્પર્ધા રાખવામાં આવી હતી. છેવટે છોકરીઓની જીત થઇ હતી. ચેતન અને તેના મિત્રોએ બધી જ છોકરીઓને ક્રોન્ગ્રેચુલેટ કરી અને તેને પ્રોત્સાહન આપ્યુ.

*************************

ચેતન કોલેજનો સૌથી સ્માર્ટ અને કુલ ડુડ હતો. તે ખુબ જ સમજુ અને સ્ત્રીઓને ખુબ જ માન આપતો હતો. તેના પર કોલેજની બધી જ છોકરીઓ મરતી હતી. તે બધી જ છોકરીઓ ખાલી ફ્રેન્ડ જ ગણતો અને આજના જમાના કરતા બધાથી અલગ હતો. તે બધી સ્ત્રીઓને સન્માન આપતો. બધી છોકરીના દિલમાં તે રાજ કરતો. એક નૈના જ તેને ગણકારતી ન હતી. તે કામ પુરતી વાતો કરી કોઇ છોકરાઓને વતાવતી ન હતી.

ચેતનને નૈનાનો આ એટિટ્યુટ ગમતો હતો. વધારે નહિ તો કાંઇ નહિ તે તેણીનો ખાસ મિત્ર બનવા માંગતો હતો. પરંતુ તેણી ખાસ ભાવ આપતી જ ન હતી..

*************************

“બધુ તારા લીધે જ થાય છે, એકેય વાતમાં ખબર પડે છે કે નહી તને?” જોરદાર થપ્પડ મારતા રમેશભાઇએ પોતાનો બધો ગુસ્સો તેની બેગુનાહ પત્ની પર ઠાલવી દીધો. “ગમે તે થાય, એ બધી વાતમાં મારો જ વાંક છે તો, મને સાથે રાખીને શું કામ બેઠા છો? જ્યારે હોય ત્યારે તમારા ભંવા તણાયેલા જ હોય.” પ્રતિકાર કરતા મોહીનીબેન તાડુકી ઉઠ્યા. “તારી આવી મજાલ કે હવે તુ મારી સામે તારી જીભ ચાલે? લાગે છે એક તમાચાથી તારી અક્કલ ઠેકાણે આવી નહી.” “મમ્મી-પપ્પા, પ્લીઝ, બીહેવ યોરસેલ્ફ. ક્યારેક તો તમે એકબીજાને સમજતા શીખો.” બન્નેના ઝઘડાને નૈનાએ શાંત પાડતા કહ્યુ.

નૈનાને જોઇને મોહીનીબેન પોતાના બેડરૂમમાં નીકળી ગયા અને રમેશભાઇ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા.

“હે ભગવાન, જન્મો જન્મ સાથ આપવાના વચનો શું માણસો માત્ર બોલવા ખાતર જ બોલતા હશે? શું એ શબ્દોના કાંઇ મોલ નથી? નાનપણથી બન્નેના ઝ્ઘડા જોતી આવુ છું. જ્યારે પપ્પાના લાડની જરૂર હતી ત્યારે મે મમ્મી સામે તેને ઝઘડતા જ જોયા છે અને જ્યારે મમ્મીના દુલારની જરૂર હતી ત્યારે તેને ખુણામાં બેસી રડતા જ મે જોઇ છે. લાગે છે, લોકો એકબીજા સાથે કહેવા માત્ર જ સાથે રહે છે.” મનોમન એકલી બોલતી નૈના કામને આટોપવા લાગી અને ડિનરની તૈયારી કરવા લાગી.

*************************

“કેમ આજે તારો મુડ ઓફ છે નૈના? સવારથી તુ કોલેજ આવી છે ત્યારથી તારો ચહેરો જોઇને સાફ સાફ દેખાઇ છે કે તુ કાંઇક ટેન્શનમાં છે.” ચેતને કેન્ટિનમાં નૈના પાસે આવીને તેને પુછ્યુ.

“નહી, એવુ કાંઇ જ નથી. જસ્ટ થોડો થાક છે. મમ્મીની તબિયત સારી નથી એટલે ઘરનું કામ ઉપરાંત પ્રોજેક્ટ વર્ક એ બધુ એકસાથે થયુ એટલે બસ થોડો થાક છે. નથીંગ સીરીયસ.” નૈનાએ ચેતનને સમજાવતા કહ્યુ.

“ઓ.કે. પણ એવુ કાંઇ મનમાં હોય તો તુ મને કહી શકે છે, હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું.”

“હા પણ અત્યારે તો એવું કાંઇ નથી. જસ્ટ આઇ વોન્ટ ટુ લીવ અલોન. વીલ યુ પ્લીઝ?” ચેતન નૈનાનો ઇશારો સમજી ગયો અને તે નૈનાને દિલાસો આપી ત્યાંથી નીકળી ગયો.

ચેતનને સવારથી નૈનાની ચિંતા થતી હતી એટલે તેનાથી રહેવાયુ નહી એટલે સાંજે નૈનાને તેણે વોટ્સ એપ પર બે ચાર ફન્ની મેસેજ સેન્ડ કર્યા પણ નૈનાનો કાંઇ રિપ્લાય ન આવતા તેની ઉદાશી વધી ગઇ. થોડી વાર વિચાર કર્યા બાદ તેણે નૈનાને ફોન જોડી જ દીધો.

“બોલ, ચેતલા, એવરીથીંગ ઓ.કે.?” નૈનાનો ઉમંગભર્યા બોલથી ચેતનના શરીરમાં અનેરી સ્ફુર્તિ આવી ગઇ.

“હાસ્તો નૈના, આઇ એમ ફાઇન. તને મળવુ છે, એક કામ કર, તારા ઘરથી નજીક રજવાડી હાઉસ છે ત્યાં મળીએ. જો તને કાંઇ પ્રોબ્લેમ ન હોય તો?” ચેતને ગભરાતા ગભરાતા છેલ્લુ વાક્ય પુર્ણ કર્યુ.

“હા, ચલ હું ફ્રેશ થઇ હમણા દસેક મિનિટમાં આવુ છું.” નૈનાએ કહ્યુ અને ચેતન ખુશીથી ઉછળી પડ્યો. મનોમન જેને પોતાનુ દિલ દઇ બેઠો હતો તે ચેતને આજે કોઇપણ ભોગે નૈના સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનુ નક્કી કરી લીધુ હતુ.

“હાય ચેતલા, હાઉ આર યુ? આજે અચાનક અહી?” નૈનાની વાતચીતમાં અનેરો તરવરાટ જણાઇ રહ્યો હતો.

“થોડુ કામ હતુ તો અહી આવ્યો હતો કામ તો પુરૂ થઇ ગયુ પણ જોરદાર કકડીને ભુખ લાગી હતી અને એકલા નાસ્તો કરવો તેના કરતા વિચાર્યુ કે તને કોલ કરી બોલાવું.”

“વેરી નાઇસ.”
“એક વાત પુછુ?”
“શું દરેક વાતમાં મંજુરી મેળવવી જરૂરી છે? એક શું બે પ્રશ્ન પુછી શકે છે?”

નૈનાની વાત સાંભળતા જ ચેતને સાથે લાવેલ ગીફ્ટ બોક્ષ નૈના સામે ધર્યુ અને હજુ કાંઇ બોલવા જાય એ પહેલા જ નૈના ત્યાંથી ઊભી થઇ ગઇ.

“ચેતન મને એક અગત્યનું કામ યાદ આવી ગયુ છે, હું નીકળું છું.” હજુ તો ચેતન કાંઇ પ્રતિભાવ આપે એ પહેલા જ નૈના દોડતી ત્યાંથી નીકળી ગઇ. કદાચ તે સમજી ગઇ હતી કે ચેતનના મનમાં શું ભાવ છે? “આઇ એમ સોરી ચેતલા, હું સમજું છું કે તુ મને શું કહેવા માંગતો હતો પણ… આઇ એમ સોરી.” રીક્ષામાં બેઠેલી નૈના મનોમન બોલતી રહી. ઘરે આવી ગુમસુમ બની યંત્રવત્ત બની નૈના રોજીંદા કામમાં વળગી ગઇ, તે બધુ ભૂલવા માંગતી હતી પણ અવારનવાર તેને ચેતનનો ચહેરો સામે તરી આવતો હતો. હાથમાં પકડેલી સાવરણીનો ઘા કરતી તે પોતાના રૂમમાં ભરાઇ ગઇ.

પછીના બે દિવસ તે કોલેજમાં ગેરહાજર રહી. ચેતનને નૈનાની બહુ જ ચિંતા થવા લાગી. તેણે નૈનાને ઘણા સામાન્ય મેસેજ કર્યા પણ સામે છેડેથી નો રિપ્લાય, એટલે ચેતનની ચિંતા વધી ગઇ. આજે તેણે નૈનાને ઘરે જવાનો મક્કમ નિર્ણય લઇ લીધો.

*************************

“મમ્મી પપ્પા, તમને ખબર પણ છે કે તમારા ઘરમાં એક યુવાન દીકરી પણ રહે છે? તમે બન્ને કાંઇક તો સમજો, જ્યારથી સમજણી થઇ છું બસ મારી સવાર ભગવાનની પ્રાર્થનાને બદલે તમારા બન્નેના કજીયા કંકાશથી થાય છે અને રાત્રી મમ્મીની વાર્તાને બદલે તેના ડુંસકા સાંભળીને પડે છે. સાચુ કહું તો મને પતિ અને પત્ની આ બે શબ્દ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. દરેક યુવતીને ઇચ્છા હોય છે કે તેના જીવનસાથીમાં તેને એ બધા ગુણો હોય જે બધા ગુણ તેના પિતાજીમાં હોય પણ હું જ એક એવી કમભાગી છું કે હું આવો વિચાર સુધ્ધા સ્વપ્ને પણ નથી કરી શકતી. સાચી વાત કહું તો તમારા બન્નેના આવા વર્તન વ્યવહારને કારણે મને લગ્નજીવનથી જ નફરત થઇ ગઇ છે, એવો સબંધ શું કામનો જેમા પ્રેમ તો દૂરની વાત માનવતાનો છાંટો પણ ન હોય. તમે બન્ને સાથે રહો છો જ શું કામ, માત્ર દુનિયાને દેખાડવા માટે કે પછી ભૂલથી મારો જન્મ થયો એટલે???” રડતી રડતી નૈના પોતાના રૂમમાં ભરાઇ ગઇ. સાંજે નૈનાના માતા-પિતા વચ્ચે ઝઘડો જ્યારે મારામારી સુધી પહોંચી ગયો ત્યારે નૈનાએ બન્નેને ન કહેવાનુ કહી દીધુ. તેનુ રૂપ જોઇને તેના માતા-પિતા પણ સ્તબ્ધ બની ગયા હતા.

“હા જી, તમે કોણ?” ખુલ્લા દરવાજે અજાણી વ્યક્તિને જોઇને નૈનાના પિતાજીએ પુછ્યુ.

“સોરી હું ભૂલથી અહી આવી પહોંચ્યો હતો. માફ કરજો” બોલતો તે વ્યક્તિ ત્યાંથી ચાલી નીકળ્યો અને નૈનાના પિતાજી પણ પગ પછાડતા ઘરની બહાર નીકળી ગયા.

“નૈના, બેટા દરવાજો તો ખોલ, મારી દિકરી છે ને?” નૈનાના મમ્મીએ ખુબ આજીજી કરી પણ નૈનાએ જવાબ ન આપ્યો તે ન જ આપ્યો. રાત સુધી ઘરમાં માતમ જેવો જ માહોલ રહ્યો, બધા જુદા જુદા રૂમમાં ભરાઇ બેસી પડ્યા હતા.

વહેલી સવારે નૈના ઊઠી તો માથુ એકદમ ભારે હતુ. ગઇ કાલ સાંજના બનેલી ઘટના વળી પાછી તેની સામે ભમવા લાગી છતાપણ તે મને કમને રોજીંદા કામમાં વળગી ગઇ અને ત્યાર બાદ તૈયાર થઇ કોલેજ જવા નીકળી ગઇ.

“નૈના, મારે તારુ કામ છે. પ્લીઝ નકારાત્મક જવાબ ન આપે તો સારૂ.” કોલેજમાં પ્રવેશી કે તરત જ ગેઇટ પાસે જ ચેતને તેને રોકતા કહ્યુ.

“ચેતલા, બે દિવસથી કોલેજ આવી નથી તો નોટ્સ મેળવવા છે મારે. નકામી વાતો માટે મારી પાસે સમય નથી.” કહેતી નૈના ત્યાંથી નીકળવા જતી જ હતી કે ચેતને હિમ્મત કરી તેનો હાથ પકડી લીધો અને બળજબરીથી તેને કોલેજ બહાર નજીકના રેસ્ટોરન્ટમાં લઇ ગયો.

“શું છે ચેતલા આ બધુ? તારી આ મજાલ કે તું મને જબરદસ્તીથી……” બોલતા જ તે હાથ ઊંચકવા ગઇ કે ચેતને તેનો હાથ પકડી લીધો.

“બેસ અહી, તુ શું સમજે છે? બધા છોકરાઓ આવારા જ હોય છે? તે મારી ગણતરી પણ એવી જ કરી? લુક નૈના, આઇ રીઅલી લવ યુ અ લોટ. તે દિવસે પણ તુ બહાનુ કરી નીકળી ગઇ હતી પણ તેનાથી સત્યતા બદલશે નહી. મારા મનમાં તારા પ્રત્યે વિશુધ્ધ પ્રેમ આજીવન રહેશે જ.”

“પ્રેમ??? પ્રેમ જેવુ આ જીવનમાં કાંઇ હોતુ જ નથી ચેતન, સ્ત્રી-પુરૂષને જ્યાં સુધી એકબીજાની જરૂર છે ત્યાં સુધી સબંધમાં મીઠાશ રહે છે, પછી બસ કજીયા કંકાશ અને નરી નફરત જ હોય છે બન્ને વચ્ચે, બીજું કાંઇ નહી. અને તુ મને કહે છે કે પ્રેમ કરે છે.”

“કેમ હું તને પ્રેમ શું કામ નહી કરું? કે પછી તુ એમ જ વિચારે છે કે જે તારા મમ્મી પપ્પા સાથે બને છે એ જ તારી લાઇફમાં થશે?” ચેતને કટાક્ષમાં કહ્યુ.
“મારા મમ્મી પપ્પાની તને કેમ ખબર?” નૈનાએ ચોંકી જતા તેને પુછ્યુ.
“બે દિવસથી કોલેજ ન આવવાને કારણે મને તારી ચિંતા થઇ આવી હતી એટલે હું કાલે તારા ઘરે આવ્યો હતો અને મને બધી વાતની ખબર પડી.” ચેતનની વાત સાંભળી નૈનાની આંખમાંથી આંસુ સરી પડ્યુ.

“નૈના એવુ નથી કે તારા મમ્મી પપ્પા સાથે જે બન્યુ અને અત્યારે જેવા સંજોગો છે એવા જ સંજોગો તારા અને મારા સાથે બનવાના છે. લગ્નજીવનનો પાયો એ વિશ્વાસ પર ખોદાય છે અને જેમ ઇંટ રેતી અને સિમેન્ટથી ઘર બને છે તેમ પ્રેમ હુંફ અને શ્રધ્ધાથી લગ્નજીવનની ખુશહાલ ઇમારત બને છે. આ માટે પતિ અને પત્ની બન્નેએ સમજવુ જરૂરી છે. બન્નેમાંથી કોઇ એકમાં પણ જતુ કરવાની ભાવના ન હોય તો ઇમારત ડગમગવા લાગે છે અને તેને ધરાશાઇ થતા કોઇ અટકાવી શકતુ નથી.” “પણ ચેતન, જ્યારથી સમજણ આવી છે ત્યારથી મમ્મી પપ્પાના ઝઘડા જોતી આવવાને કારણે મારા મનમાંથી એ પ્રકારની ભાવના જ નષ્ટ થઇ ચુકી છે. મને ખબર છે તારા મનમાં મારા પ્રત્યે કુણી લાગણીઓ છે પણ મારા પથ્થરદિલ હ્રદય એ ભાવનાને સમજી શકતુ જ નથી. પ્રેમ, હુંફ લાગણી….. આ શબ્દો બસ મારા માટે નામના રહ્યા છે.”

“જો નૈના, હું તને પ્રેમ કરું છું એ નરી સત્યતા છે પરંતુ હું તને પ્રેમ કરવા માટે મજબુર ન કરી શકું પણ એક વાત જરૂર કહીશ કે કોઇપણ વિકટ પરિસ્થિતિને વશ થઇ પોતાની જીંદગી ખરાબ કરવી એ મુર્ખાઇ છે. મમ્મી પપ્પાના લગ્નજીવનને તારા ભાવી દાંપત્યજીવન સાથે સરખાવી તુ મુર્ખાઇ કરી રહી છે. હંમેશા હકારાત્મક અભિગમ અપનાવવાથી પરિણામ પણ આપણી તરફેણમાં આવે છે, તો શું કામ આવા વિચાર કરે છે? તુ મારી જોડે લગ્ન કરે કે ન કરે, પણ એક વાત તારે મારી માનવી જ પડશે કે આજથી હું તારો પાક્કો મિત્ર, તારા સુખ દુઃખનો સાથીદાર. મને કોઇ તકલિફ હશે તો એ હું તારી સાથે વહેંચીશ અને એ જ રીતે તારે કરવાનુ એ તારે મને વચન આપવુ પડશે અને ખબરદાર છે જો આજ પછીથી કોલેજ આવવાનુ ટાળ્યુ છે તો.” બનાવટી રોફ બતાવવા જતા ખુદ ચેતન જ હસી પડ્યો અને તેને જોઇ નૈના પણ હસવા લાગી.

ચેતનની કંપનીથી નૈનાની લાઇફમાં પણ સુધારો આવવા લાગ્યો. પહેલા જ્યારે તેના મમ્મી પપ્પા ઝઘડો કરતા ત્યારે તે પણ તે બન્ને પર ગુસ્સો કરી ન કહેવાનુ કહેતી પણ ચેતને શીખવેલી પધ્ધતિ બાદ જ્યારે તે બન્ને ઝઘડે ત્યારે નૈના બન્નેને પાસે બેસાડી પ્રેમથી સમજાવતી અને એકબીજા માટે જતુ કરવાની ભાવના રાખવા માટે પ્રેરિત કરવા લાગી, જેના કારણે તેના મમ્મી પપ્પાના જીવનમાં સુધારો આવવા લાગ્યો. ચેતને આપેલ આઇડિયા મુજબ તે તેના મમ્મી પપ્પાને દરરોજ રાત્રે જમ્યા બાદ વૉક માટે મોકલવા લાગી જેથી બન્ને એકબીજાના સહવાસમાં રહેવા લાગ્યા અને બન્ને વચ્ચેના ઝઘડાનુ પ્રમાણ નહિવત થઇ ગયુ.

*************************

“બેટા આજે અમારા જીવનની ખુશહાલી છે એ બસ તારા કારણે જ છે, નહી તો કદાચ આજે અમે ત્રણેય જડ પથ્થર જેવા બની રોબોટની જેમ જીવન જીવતા હોત કે જેના જીવનમાં ન તો દયા ભાવના હોય કે ન પ્રેમ, તારો જેટલો ઉપકાર અમે માનીએ એટલો ઓછો છે.” નૈનાના પપ્પાએ ચેતન સામે હાથ જોડીને કહ્યુ.

“હા બેટા, તે ફક્ત અમારા બન્નેના સબંધ નથી સુધાર્યા પરંતુ નૈનાના હ્રદયમાં પણ તારા માટે પ્રેમનો વિશુધ્ધ ધોધ સ્ફુરિત કર્યો છે. આજે અમે બન્ને ખુશીથી અને નૈનાની ઇચ્છાથી તેનો હાથ તારા હાથમાં આપીએ છીએ.” બોલતા નૈનાનો હાથ તેના મમ્મી પપ્પાએ ચેતનના હાથમાં આપી દીધો. નૈનાના દિલમાં તેના પ્રત્યે પ્રેમ હોવાની વાત જાણી ચેતન પણ ખુશીથી ઉછળી પડ્યો અને બધાની હાજરીમાં તે નૈનાને ભેટી પડ્યો.

લેખક : રૂપેશભાઈ ગોકાણી

ખુબ સુંદર વાર્તા છે મિત્રો શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી