સોદો – આજની યુવાપેઢી માટે ખાસ છે આ વાર્તા…

સોદો

રોકી,મોનુ, સાહિલ અને રાજ પૂરપાટ જતી ગાડીની રફ્તારમાં મગ્ન હતા.સાહિલની પાર્ટીમાં દારૂની મોજ માણ્યા બાદ તેમના મગજ ગાંડાતૂર બની ગયાં હતાં. રાતના અઢી વાગ્યા હતા. સાહિલ પોતાની કારમાં મિત્રોને લઈને જતો હતો. રોકી, મોનુ અને રાજને હોસ્ટેલ પહોંચાડવાના હતા. રાજ થોડો બેબાકળો જણાતો હતો.

રાજ : ” રોકી તું લાબું રોકાઈ ગયો. પીધા વગર ચાલે નહિ તને મફતની, કેમ !!”

સાહિલ : ” છોડ રોકી ! મારી પાર્ટી હતી તે ભૂલતો નહીં. અરે હમણાં પહોંચી જઈશું. ”

રોકી હજુ પણ નશામાં જુલતો પોતાની પ્રેમિકાનું નામ લઈને લવારો કરતો હતો. અંધારા સુમસામ રસ્તા પર લગભગ શિકારી કુતરાઓ સિવાય કોઈ દેખાતું નહોતું. આ તરફ વાહનો પણ ઓછા નીકળતાં હતાં. થોડે દૂર જઈને એક પોલીસ ચોકી દેખાઈ. બહાર ચાર-પાંચ પોલીસ ઉભેલા જણાયા. વાહનોને ઉભા રાખી તપાસ ચાલતી હતી. એક પોલીસે ડ્રાઈવરને પક્ડ્યો’તો, તો બીજાએ સામાન જોવા ડેકી ખોલાવી હતી. સાહિલને થયું પોલીસ ચારેયને નશામાં જોઈને રોકશે ખરા.

કતારમાં અટકેલી સાહિલની કારનો વારો આવ્યો. ઈન્સ્પેક્ટરે ચારેય બારીઓ ખોલાવી અંદર ડોકિયું કર્યું. સાહિલને બહાર નીકળવા કહ્યું. સાહિલ કમને બહાર નીકળ્યો. ઈન્સ્પેક્ટરે કહ્યું, ” આખી કાર દારૂની વાસથી ધમધમે છે..! તમારો ટેસ્ટ કરવો પડશે. !” સાહિલે આનાકાની કરતાં, તેને ખૂણામાં ધક્કો મારી લઇ જવાયો. સાહિલ ગુસ્સે થયો. અંદર બેઠેલા બાકીના ત્રણ પૈકી રાજ થોડો સભાનાવસ્થામાં હતો.

તેણે બહાર નીકળી ઈન્સ્પેક્ટરને સમજાવવા કોશિશ કરી. ઇન્સ્પેક્ટર ગાડીને આગળ જવા દેવાની ના પડતો હતો. સાહિલે આઈ.ડી કાર્ડ બતાવ્યું. પોતાના કાકા શહેરના નામી ઉદ્યોગપતિ અને રાજનીતિમાં અગ્રેસર હોવાનું જણાવ્યું. જતાં જતાં સાહિલે વોલેટમાંથી બે હજારની નોટ કાઢી ઈન્સ્પેક્ટરના હાથમાં ખોંસી…”લો સાહેબ..! તમે પણ યાદ રાખશો.” પછી આંખ મિચકારી કહ્યું..”દેશી કે વિદેશી જોઈતી હોય તો કહેજો..ચોકીએ બાટલીઓ પહોંચાડી દઈશ.”

ઇન્સ્પેક્ટરની આંખ જરા ચમકી. બંનેને સંબોધીને એ બોલ્યો ” ઠીક છે હવે..ધ્યાન રાખજો ..આ વખતે જવા દઉં છું… બીજી વાર તમારા કાકા પણ નહીં છોડાવી શકે..”

સાહિલે ધડામ કરી કારનું બારણું બંધ કરી ઝડપભેર કાર મારી મૂકી. રાજ એક પણ શબ્દ બોલ્યા વગર ધૂઆપૂંઆ થતો બેઠો. રોકી અને મોનુ લગભગ સુઈ ગયા હતા. હોસ્ટેલથી બે કિલોમીટરના અંતરે એક અંધારા રસ્તા પર સાહિલે કાર લીધી. પરાણે આંખો ખોલી તે રસ્તા પર જોવા કોશિશ કરી રહ્યો હતો. પણ લાગતું હતું કે દારૂની અસર બરાબર થવા લાગી હતી.સામેથી આવતા માતેલા સાંઢ સમાન એક ભારખટારાએ કારને ધડાકા સાથે હડફેટમાં લીધી. કારના ભુક્કા બોલી ગયા. સુમસામ રસ્તા પર પડેલા શરીરો હવે મોતની રાહ જોતાં પડ્યાં હતાં. .

સાહિલની આંખ ખુલી ત્યારે આસપાસ શોરબકોર અને દોડધામ ચાલુ હતી. કોઈ હોસ્પિટલના બેડમાં પોતે લોહીના ખાબોચિયામાં પડ્યો હતો, તે એને સમજતા વાર ન લાગી. પાટાપિંડી કરેલા હાથપગ સાથે તેને બીજે ખસેડાયો,જ્યાં તેના પિતા અને પોલીસ બંને હાજર હતા. ઓરડામાં બીજી ત્રણ લાશ પર કપડું ઓઢાડેલું હતું. એક વિધવા માં, બે પિતા-પુત્ર અને એક ઘરડો બાપ અસહાય બની કલ્પાંત કરી રહ્યા હતા.

રાત્રે ચોકી પર ડ્યુટી ભરતો પોલીસ જ નિવેદન લેવા હાજર હતો..સાહિલ કશું બોલવાની સ્થિતિમાં નહોતો. પોલીસ અને સાહિલની આંખ મળી. ચોકીએ બાટલીઓ પહોંચાડવાની વાત કરનાર સાહિલે, પોતાના મિત્રોને મોતના દ્વારે પહોંચાડ્યા હતા.. રોકી,મોનુ અને રાજની જિંદગીની અગણિત, મહામૂલી પળો, બે હજારની એક નોટ ઓહિયા કરી ગઈ હતી. નશાના સોદાએ ત્રણ પરિવારના દિપક બુજાવી નાખ્યા હતા.

લેખક : રૂપલ વસાવડા

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી