નંબર વન – જરૂરી નથી સફળતા ફક્ત નંબર વન વાળા વ્યક્તિને જ મળે…

“નંબર વન”

કિરણ ઓફિસની બહાર નીકળી, તે દિવસ નોકરીનો છેલ્લો દિવસ હતો. ૨૭ વર્ષ વટાવતાં માતાપિતાએ તેની સગાઇ પ્રથમેશ નામના એક યુવક જોડે કરાવી હતી. પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. કિરણની ઈચ્છા પોતાના જ શહેરમાં પરણીને નોકરી ચાલુ રાખવાની હતી, જે શક્ય નહોતું થયું. ભારે હૈયે સારો પગાર આપતી નોકરી છોડવા તેને મજબૂર થવું પડ્યું.

કિરણે પ્રથમેશ જોડે પ્રભુતામાં પગલાં માંડ્યાં ત્યારે બે નાના દિયરનું ભણતર અને લગ્ન બાકી હતાં. તે કાળ રચિત જીવનની ઘટમાળમાં ગૂંથાઈ ગઈ. કિરણે પોતાના મોજશોખ, હરવાફરવાના વર્ષો, કુટુંબની સરભરામાં ખર્ચી નાખ્યા. તેનો પુત્ર કેદાર પણ મોટો થવા લાગ્યો હતો. ઘણી વખત અકાળે સફેદ થયેલા વાળ અને પોતાના કરમાયેલા ચહેરાને જોઈને કિરણને પોતાનામાં રહેલી, બાળપણમાં સપનાઓ જોતી, તેજસ્વી બાળકી યાદ આવતી. ઉજ્જવળ કારકિર્દી ધરાવતી કિરણ, આખાય વર્ગમાં અલગ તરી આવતી. શિક્ષકો તેની પ્રશંસા કરતાં થાકતા નહીં.

સારી ડિગ્રી મેળવી કિરણે એક સારી જોબ પણ મેળવી હતી. કાળક્રમે જે થયું તેને લીધે એ તેજસ્વી પ્રતિબિંબ ધૂંધળું બની ગયું હતું. ‘હશે, ઈશ્વર કેદારને મારા ભાગની શક્તિ અને ખુશીઓ આપશે’ એમ મન મનાવી કિરણ આગળ વધતી. કેદાર જોકે કિરણ જેવો પ્રતિભાશાળી ન નીકળ્યો. કિરણ, કેદારને સતત ઉજ્જવળ ભવિષ્ય બનાવવા આકરી મહેનત કરવાનું કહ્યા કરતી.

લગ્નના દોઢ દાયકા બાદ પ્રથમેશ પહેલી વખત કુટુંબ સાથે વિદેશ પ્રવાસે નીકળ્યો. ઘર,ગાડી અને ફરવાલાયક સ્થળોની બાબતમાં પોતે ઘણી મોડી હતી એમ કિરણે ઘણી વાર મનોમન વિચારેલું. પોતે કમાતી હોત તો ક્યારનાય ઉપર આવી ગયા હોત એમ થયા કરતું. મોડું તો મોડું જે મળ્યું તેના રાજીપામાં કિરણ પ્લેનની સીટ પર ગોઠવાતી જ હતી ત્યાં તેની નજર પાછળ આવી રહેલા એક પુરુષ પર પડી.

પેલાની પણ દ્રષ્ટિ કિરણ પર કેન્દ્રિત થઇ. એ પાસે આવીને હસ્યો અને કહ્યું ” કિરણ ?? નંબર વન ??!!!” કિરણ પણ હસી..” અચ્યુત તું ?….કેમ છે ? ક્યાં રહે છે ? ” અચ્યુતે કામસર વિદેશ જઈ રહ્યો હોવાનું સમજાવ્યું. ઔપચારિક વાતચીત પછી તે જગ્યા પર જઈને બેઠો. કિરણ ફરી ભૂતકાળમાં સરી પડી. શિક્ષકે નક્કી કરેલી એક સજા માટેની નાનકડી ખુરશી પર અચ્યુત કાયમ બેસતો. મોટા ભાગે શાળામાં તે ગેરહાજર રહેતો. કોઈ નોટબૂક ક્યારેય બે પાનાંથી આગળ લખતો નહીં. ભૂલેચૂકે શાળાએ આવી ચડે અને શિક્ષક સફેદને બદલે કાળા શૂઝ કેમ પહેર્યા એમ પૂછે તો જૂઠું બોલતો, એ પણ એકદમ સિફતથી. વધુ ઠપકો મળે તો ખોટા આંસુ પાડી જાણતો. પ્રિન્સિપાલે ફક્ત સજ્જનતા રાખી, હકાલપટ્ટીને લાયક હોવા છતાં, અચ્યુતને શાળામાંથી કાઢી નહોતો મુક્યો.

બે-પાંચ મિનિટ થયેલી વાત પરથી કિરણ સમજી કે અચ્યુત એક ખ્યાતનામ કંપનીના એક્સપોર્ટ વિભાગમાં કામ કરે છે, એટલે અવારનવાર વિદેશ જવાનું બને છે. અચ્યુતે પોતાની પત્ની અને બાળકોના પાંચેક ફોટા કિરણને બતાવેલા એ પરથી લાગ્યું કે તે ઘણો સમૃદ્ધ છે. આજે અચ્યુત ક્યાં હતો અને પોતે ‘નંબર વન’ ક્યાં !! કોઈ પણ જાતની ઈર્ષા મનમાં લાવ્યા વગર તેનાથી એક નિસાસો નંખાઈ ગયો.

પોતાનો સતત આકરી મહેનતનો આગ્રહ મગજમાં આક્રંદ પોકારી રહ્યો હતો. તેજસ્વી કારકિર્દી બધાં ઈચ્છે છે, ટોપ પર રહેવા બધે દોડા દોડી ચાલી રહી છે. સારું શિક્ષણ જીવનમાં રક્ષણ સમાન છે, પણ ક્યારેક કહેવાતું ભાગ્ય, ધનાઢ્ય વારસો કે પછી છળકપટ ફાવી જતાં હોય છે. અત્યંત દબાણ વચ્ચે જીવતા આજના વિદ્યાર્થીને કાલની ક્યાં ખબર છે કે આ ગદ્ધા મજૂરી પછી તેનું શું થશે? કેદાર અથવા બીજું કોઈ, દરેક બાળક એક પતંગિયા જેવું છે. કોઈ નીચે ઉડે તો કોઈ ઉપર, પણ એ જે સ્તરે ઉડે છે તે એની મહત્તમ ક્ષમતા છે.

કિરણ કેદારને જોઈ રહી.કેદારની ભણતર પરત્વેની થોડી ઉપેક્ષાઓનું કારણ પોતાની અપેક્ષાઓ તો નથી ને ! ‘નંબર વન’ કિરણે કેદાર પર અપેક્ષાઓનો ટોપલો ન ઓઢાડવાનો નિર્ણય કરી, હાથમાં લીધેલો ચાનો કપ પીવો શરુ કર્યો.

“A power of Butterfly must be –
The Aptitude to fly
Meadows of Majesty concedes
And easy Sweeps of Sky -”
― Emily Dickinson
(If we look beyond the cocoon, we can see amazing things. We could see things in a different way. Also that things aren’t always as they first seem to be.)

લેખક : રૂપલ વસાવડા

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી