ચાલાકી – દીકરીઓએ પકડી પાડી બાળપણમાં તેમના પિતા સાથે થયેલી ચાલાકીઓ…

ચાલાકી

મકાઈના ભુટ્ટા સગડીમાં શેકાતા હતા. કાકીમાંએ રંજન અને કૃપાલને ખાવા બેસાડ્યા. આસિત સીડી પાસે બેસી ફળિયામાં ચાલતું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. આસિત, કાકાના બંને સંતાનો-રંજન અને કૃપાલ કરતાં ઉંમરમાં એક દસકો મોટો હતો. માતાપિતા એક અકસ્માતમાં મુત્યુ પામતાં હવે કાકા-કાકીનો જ સહારો હતો. બીજી પણ બેત્રણ વાનગીઓ જયારે જયારે બનતી ત્યારે આ રીતે રંજન અને કૃપાલ હોંશે હોંશે ખાવા બેસી જતાં.

આસિત પર જલ્દીથી પગભર થવાનું ભારણ હતું. તે સિવિલ એન્જીનીઅર બન્યો. કાકા-કાકીએ યોગ્ય પાત્ર શોધી આસિતને પરણાવ્યો. વર્ષો વિત્યાં. રંજન અને કૃપાલ કાકાની જેમ જ નાની મોટી નોકરી કરવા લાગ્યા. આસિતે પોતાના વ્યવસાયમાં ખાસ્સી નામના મેળવી. બે પુત્રીઓનો પિતા બન્યા પછી મોટા શહેરમાં જઈ વસ્યો.

બંને પુત્રીઓને ભણાવી પરણાવવાનો સમય થયો. આસિતની મોટી દીકરી રમ્યાએ પિતાને ખુબ સાદગીથી રહેતા જોયા હતા. કદાચ અનાથ રહી કાકાને ત્યાં ઉછર્યા, તે એમની રહેણીકરણીમાં ઝળકતું હતું. રમ્યાએ લગ્નની તૈયારીઓ જાતે કરવા નક્કી કર્યું. પિતાએ પૈસેટકે કોઈ બાધ ન રાખવા કહ્યું હતું. આલીશાન જગ્યા પર સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. લગ્નના દિવસે રમ્યાએ પિતા પાસે એક વચન માગ્યું. એ મુજબ પિતાએ પ્રસંગ માટે બનેલા એકેક પકવાન ચાખવાના હતાં અને રમ્યાની પસંદગી બરાબર છે કે નહીં એ વિષે અભિપ્રાય આપવાનો હતો.

ઉત્તમ પ્રકારના પકવાન ગોઠવાયા. આસિત પુત્રી સાથે આનંદથી વાનગીઓ ચાખવા આવ્યો, પ્રથમ કાઉન્ટર પર મકાઈના ભુટ્ટા જોયા. જોયું ન જોઈ કરી આગળ વધવા જતો હતો ત્યાં રમ્યાએ ટોક્યો. ” પપ્પા ! આજ તો મકાઈનો ભુટ્ટો ખાવો જ પડશે..અમુક વાનગીઓ તમને ભાવે છે…તો ખાતા કેમ નથી ? આજ તો ખવડાવીને જ રહીશ…” આસિતે પુત્રીના આગ્રહને વશ થઇ મકાઈ, દૂધની રબડી, રાજમાં અને પુલાવ ચાખવા પડ્યાં.

કાકા કાકી તો હતા નહીં..રંજન અને કૃપાલ લગ્ન માણવા આવ્યા હતાં.લગ્ન બાદ એ બંને જમવા માટે જુદાજુદા કાઉંટર પર ફરતાં હતાં..આસિતની નાની દીકરી શ્રુતિએ જોયું કે એ જ વાનગીઓ જે પપ્પાએ આખી જિંદગી નકારી હતી તે આ બંને ભાઈઓએ ભરપેટ ખાધી !!

આસિતના પત્નીનું અનુમાન સાચું પડ્યું. બાળપણમાં જે વસ્તુઓ આસિતને નહોતી અપાઈ પણ રંજન અને કૃપાલને પક્ષપાત કરી આપવામાં હતી એ જ વસ્તુઓ માટે આસિતે અણગમો કેળવેલો !! દીકરીઓએ કશું પૂછ્યા કે બોલ્યા વગર પિતા પાસેથી વાયદો લીધો કે હવેથી એ આ ચાર વાનગીઓ કદી નહીં તરછોડે. આસિતને પત્ની અને પુત્રીઓની ચાલાકી તો સમજાઈ નહીં… પરંતુ બાળપણમાં તેમની સાથે થયેલી ચાલાકીઓ પકડાઈ ગઈ હતી.

લેખક : રૂપલ વસાવડા

દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી