પડકાર – રુક જાના નહિ તું કહીં હારકે : Motivational Post

જીવન એક રમત છે. તેમાં અનેક પડાવ એવાં આવશે કે જેમાં આપણે તૂટી જઈશું, થાકી જઈશું, હારી જઈશું, નિરાશ થઇ જઈશું. આવાં સમયે એકજ મંત્ર રાખવો જોઈએ. ‘આ સમય પણ પસાર થઇ જશે.’ કેમકે સમય કોઈ દિવસ અટકતો નથી. હાર-જીત તો જીવન છે ત્યાં સુધી ચાલ્યાં કરશે. તેના માટે જીવન ટૂંકાવીને રમતમાંથી બહાર થઇ જવું, પલાયન થઇ જવું તે કાયરતાની નિશાની છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સામી છાતીએ સંજોગો સામે લડી લેવું જોઈએ. અને તમે જોજો, એકવાર લડવાની શરૂઆત કરવાથી આપણી હિંમત વધી જશે. આપણામાં એક જાતનો જુસ્સો આવશે. એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન થશે.

વિનોદ ખન્નાની ઇમ્તિહાન ફિલ્મનું એક ગીત છે, ‘રુક્જાના નહિ તું કહી હારકે, કાંટો પે ચલકે મિલેંગે સાયે બહારકે.’ એક ભાઈને જયારે જયારે નિષ્ફળતા મળતી, ત્યારે ત્યારે તેઓ મનોમન આ ગીતની પંક્તિઓ ગણગણતા. તમે માનશો? તે ભાઈને તેનાથી એક પ્રકારની ઉર્જા મળતી હતી. પરિણામે તેઓ થોડાંક જ કલાકોમાં પોતાની જાતને નવું કામ કરવા માટે, નવી લડાઈ લડવા માટે તૈયાર કરી દેતાં હતાં.
તમને ગમતું આવું કોઈ પ્રેરણા પૂરી પાડતું ગીત, કવિતા, શેર, સુવિચાર કે કોઈ પ્રસંગ હંમેશાં યાદ રાખવો. જયારે પણ આપણને હતાશા ઘેરીવળે ત્યારે ત્યારે તે ટોનિક તરીકે કામમાં આવશે. આવી પ્રેરણાદાયી વાતોની અસર દવા કરતાં પણ વધારે અસરકારક હોય છે. વાંચવાનો શોખ હોય તો મહાન અને સફળ લોકોનાં જીવનચરિત્રો વાંચશો તો તેમાંથી પણ પ્રેરણા મળશે.

હમણાં જ આપણા દેશમાં રમાયેલી ક્રિકેટની ટવેન્ટી ટવેન્ટી મેચની ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારે રસાકસીવાળી અદભૂત મેચ રમાઈ ગઈ. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની બેટિંગ હતી. છેલ્લી ઓવર હતી. વેસ્ટ ઇન્ડીઝને મેચ જીતવાની એક ટકાથી વધારે આશા ન હતી. ત્યાં સ્ટેડીયમમાં બેઠેલાં અને ટીવી ઉપર મેચ જોઈ રહેલાં તમામ લોકોને પણ એમજ હતું, કે વેસ્ટ ઇન્ડીઝ હારવાની અણી ઉપર છે. તે સમયે વેસ્ટ ઇન્ડીઝનો આઠમા ક્રમનો ખેલાડી ‘બાથવેઇટ’ રમી રહ્યો હતો અને ઇંગ્લેન્ડનો બોલર ‘બેન સ્ટોકસ’ બોલિંગ કરી રહ્યો હતો.

મેચમાં ભાગ્યેજ બનતી અભૂતપૂર્વ ઘટના તે સમયે બની હતી. બાથવેઇટે બેન સ્ટોક્સની બોલીંગમાં જાદુગરની જેમ ચાર બોલમાં સળંગ ચાર છક્કા ફટકાર્યા. તેની આ ધૂંઆધાર બેટિંગથી હારેલી બાજી જીતમાં પલટાઈ ગઈ. તે સમયે ઈંગ્લેન્ડના બોલર બેન સ્ટોક્સની મનોદશા કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. બેન સ્ટોક્સ ભાંગી પડ્યો હતો, તે રીતસર રડી પડ્યો હતો, કેમકે તેના કારણે જ તેઓ, જીતવા આવેલી બાજી હારી ગયાં હતાં. આવા સમયે કોઇપણ વ્યક્તિ તૂટી જાય, નિરાશ થઇ જાય, હતાશ થઇ જાય તે સ્વાભાવિક છે.

તે સમયે ઈંગ્લેન્ડના કેપ્ટન ‘મોર્ગને’ પોતાની ખેલદિલી બતાવીને બેન સ્ટોક્સ ને હૂંફ આપી હતી. તેણે કહ્યું, ‘ક્રિકેટ એક નિષ્ઠુર રમત છે, તેમાં એનો વાંક નથી. સ્ટોક્સની પીડા અને તેની મનોદશા તેની એકલાની નથી, અમારી બધાંની છે. અમારી પૂરી ટીમ તેની સાથે છે. આ આઘાત અમારી ટીમ વચ્ચે વહેંચાઇ જશે.’ પાકિસ્તાનની ટીમ જયારે જયારે હારીને પોતાના દેશમાં ગઈ છે, ત્યારે ત્યાંના લોકોએ તેમના ખેલાડીઓની ખરાબ અવદશા કરી છે. આપણા દેશમાં પણ એજ પરિસ્થિતિ છે. જયારે ઈંગ્લેન્ડના લોકો, મીડિયા અને તેની ટીમના સભ્યોએ બેન સ્ટોક્સને બધીજ રીતે સાચવી લીધો હતો. તેને પ્રેમ આપ્યો હતો, હુંફ આપી હતી. તેની નિષ્ફળતાની મજાક ઉદાવાવાને બદલે તેની નિષ્ફળતાના ભાગીદાર બન્યા હતાં.

ઈંગ્લેન્ડના લોકો પાસેથી આ બાબત આપણે પણ શીખવા જેવી છે. વર્ષો સુધી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવીને આપણા ઉપર રાજ કર્યું, તે વાતને ભૂલીને તેમની પાસેથી આ એક ગુણ શીખવા જેવો ખરો. માનવી હંમેશાં પ્રેમનો ભૂખ્યો હોય છે. ગમેતેવાં કપરાં સંજોગોમાં પણ તેને હુંફ અને પ્રેમ મળી રહે, તો તે આશ્ચર્યજનક પરિણામો લાવવા માટે કાબેલ બની જાય છે. નીચે પડેલાં વ્યક્તિને હાથ આપીને કોઈ ઊભો કરે તો તે ફરીથી દોડવા લાગે છે.

દરેકે દરેક વ્યક્તિને હૂંફની જરૂર હોય છે. દરેક વ્યક્તિ પ્રેમની ભૂખી હોય છે. પછી તે કોઈ મોટો નેતા, અભિનેતા, વૈજ્ઞાનિક કે ફિલોસોફર કેમ ન હોય! નાનામાં નાનું બાળક પણ પ્રેમની ઝંખના કરતું હોય છે. આઠ દસ મહિનાનું ચાલવા શીખેલું બાળક ઉભું થઈને ચાલવાનો પ્રયત્ન કરેછે, ત્યારે તે આજુબાજુ જોઇને તેની મમ્મી છે કે નહી તેની ખાતરી કરી લે છે. તેની મમ્મીને જોઇને તેનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તે ઝડપથી દોડવા લાગે છે. તેને વિશ્વાસ છે કે તે પડી જશે તો તેને તેની મમ્મી ઉચકી લેશે અને વહાલભર્યા ચુંબનોથી નવડાવી દેશે.

આ બાળક જેવી અપેક્ષા દરેકને હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના કામની યોગ્ય કદર થાય, શાબાશી મળે. અને એ અપેક્ષા સહુથી પહેલાં નજીકની વ્યક્તિ પાસેથી મળે તેવી ઈચ્છા રાખશે. તમે જો જો ઓફિસમાં આપણને આપણો બોસ લડશે તો થોડોક સમય ખોટું લાગશે, પછી આપણે એ વાતને ભૂલી જઈશું અથવા તો નજરઅંદાજ કરીશું. તેના બદલે આપણને ઘરની કોઈ વ્યક્તિ ધમકાવશે કે અપમાનિત કરશે, ત્યારે આપણે તે વાત દિવસો અને મહિનાઓ સુધી નહિ ભૂલી શકીએ. આપણે જેને ચાહતા હોઈએ તેના શબ્દો આપણને વધારે ચોટ પહોંચાડે છે.

આ એક સામાન્ય બાબત છે. આપણે આપણા સ્નેહી, મિત્ર કે સગાં ઉપર એટલો હક્ક કરીએ છીએ, એટલો અધિકાર જમાવીએ છીએ કે જો તે આપણી અપેક્ષા મુજબ ન વર્તે, કે ન બોલે ત્યારે આપણને ખોટું લાગે છે. આપણું મન દુભાય છે. જો આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીશું તો આવું નહિ થાય. માનીલો કે કોઈ ગુસ્સામાં કોઈ આપણને બોલી ગયું હોય તોપણ, તેને ભૂલી જવાનો કે અવગણવાનો પ્રયત્ન કરીશું, તો મને લાગે છે આપણે ખોટું પગલું ભરતાં અટકી જઈશું. જરૂર પડે તો તેના માટે આપણે કોઈ મિત્ર કે સ્નેહીની મદદ લેવી જોઈએ. જયારે આપણે સ્વજનોની વાતોથી કે વર્તનથી દુઃખી થઈએ ત્યારે કોઈ નજીકના મિત્ર કે સગાં સાથે તે વાત શેર કરવી જોઈએ. તેનાથી આપણું દુઃખ ઓછું થશે અને મનની કડવાશ દુર થઇ જશે.

ટૂંકમાં હાર-જીત તો ચાલ્યાં કરે, તેનાથી આપણી શક્તિઓ, આપણું ભણતર કે આપણી કલા લુંટાઈ જવાની નથી કે ઓછી થઇ જવાની નથી. હા, જો આપણે જિંદગી હારી જઈશું તો ચોક્કસપણે બધુંજ ગુમાવી દઈશું. એ બધુંજ કે જેના આપણે સપનાં જોયાં હતાં.

લેખક – મનહર ઓઝા

આપને આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ કોમેન્ટમાં પોસ્ટ કરજો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે. આભાર … !

ટીપ્પણી