HAPPY ROSE DAY – એક રોઝ ડે આવો પણ…

પ્રોફેસર હિમાંશુ , ભણાવતા હતા કેમેસ્ટ્રી !! પણ ન જાણે કેટલીયે કોલેજ ગર્લ આ 40મેં વર્ષે ય યુવાન ને શરમાવે એવા તરવરાટ થી કેમેસ્ટ્રીની ફોર્મ્યુલા સમજાવતા અને લેબ માં પ્રયોગ કરાવી ને .વિદ્યાર્થીઓ ને એવું સરસ ભણાવતા હતા કે…જાણે કે કોઈ કાવ્ય પંક્તિ ને સવિસ્તાર સમજાવીને દિલોદિમાગ ને તાજગી થી ભરી દે એમ ચપળતા પૂર્વક બોરિંગ સબ્જેક્ટ ને રસપ્રદ બનાવતા હતા .

અને નેપ્થેલીનને હવા માં ખુલ્લું મુક્તા ધીમેધીમે હવામાં પ્રસરી જાય એમ ..સમજાવતા હોય ત્યારે કોલેજ નું યુવા ગ્રુપ આ સર ની મોહકતા માં ઓગળી જતું , છોકરીઓ તો સર પ્રત્યે ખેંચાઈ ને જાણે કે બહાર ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની માફક પોતાનાથી છૂટી પડી ને એમના વ્યક્તિત્વ માં ભળી જવા આતુર રહેતી…

આજનો આધુનિક યુગે છોકરા છોકરીઓ ના હાથમાં સુખ સગવડ ના સાધન સુલભ બનાવી ને એમને સહજ સ્ખલિત થવા માં નિમિત્ત બન્યો છે અને બોય ફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તો કોલેજ લાઈફ માં કાઈ નવું નથી પણ, યુવાન વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર ના લફરાં પણ સાહજિક બન્યા છે. એમાંય પાશ્ચાત્ય નો પવન ફૂંકાતા …વેલેન્ટાઈન ડે ના આગળના અઠવાડિયે …ફ્રેન્ડશીપ ડે , રોઝ ડે , પ્રપોઝ ડે ,….નિમિતે આ તો … “દોડવુતું ને ઢાળ મળ્યો “…એવી સ્થિતિ છે .

આજે તો હિમાંશુ સર ના હાથમાં ઘરે પાછા ફરતી વખતે ઘણા બધા ગુલાબ ના ફૂલો હતા … જે એમને કઈ કેટલીયે કોલેજગર્લ્સ એ આપ્યા હતા . હાય સર ! આ મારા તરફથી , અને હાય હેન્ડસમ સર ! આ મારા તરફથી ..નૈન નચાવતી , ખીલખીલ હાસ્ય વેરતી નવયૌવનાઓ મુગ્ધતા થી સર ને ઘેરી વળી હતી .રોઝ ડે નિમિતે સર ની નજીક આવવાનો નાદાન પ્રયત્ન કરતી હતી સર પણ મનમાં મલકાતાં હતા એમના ભોળપણ પર અને મોહક સ્મિત સાથે બધાનો પ્રેમ ઝીલતા સ્ટાફરૂમ માં આવ્યા ત્યારે ત્યાં એક અપ્સરા ને ય ઝાંખી પાડે એવી મુરત અને સાથે જ નોકરી કરતી નિરાલીમેમ પણ હિમાંશુ ના પ્રભાવ થી બાકી ન રહી શક્યા ને મજાનું લાલ ચટ્ટક ગુલાબ સર ને આપી ને હળવો સ્પર્શ કરતા આંગળીઓ દાબી ને ફરિયાદી સુરે કહ્યું હતું , ” આપ નહિ આપો ?? ” ત્યારે પાસે રહેલા ફૂલો એમને ધરતા હિમાંશુ સર બોલ્યા , ” અરે આપ તો મારા દીકરી સમાન છો … જે જોઈએ એ આમાંથી લઈ લો , છૂટ જ છે !! કહી ને એક મસ્ત ગુલાબ એમની તરફ ધરી ને છોભીલી પડેલી નિરાલી મેમ ને શરમ ન અનુભવવી પડે તેમ માથા પર હાથ ફેરવી ને સર ચાલતા બન્યા .

સ્ટાફના બીજા પ્રોફેસર સાહેબો હિમાંશુ ની સહજ ઈર્ષા કરવામાંથી બાકાત નહોતા એમાંય આજે તો રોઝ ડે … ન કરવી હોય તોય સરખામણી થઈ જાય . કોઈ ને બે ચાર ગુલાબ તો કોઈ ને એકપણ ન મળતા , ” આવા …ડેઝ..બેઝ ..આપણને ગમે જ નહીં … ને આ આપણું કલ્ચર નથી… એવી જૂની ને ઘસાતી રેકોર્ડ વગાડી ને પોતાની જલન છુપાવવા સંસ્કૃતિ ની દોહાઈ દેતા …

હા, આજે ઘણા યુવાન છોકરાઓ પણ સર થી કતરાતા હતા કે જ્યાં એમની કોઈ કારી ફાવતી નહોતી !! ને આ સરને .!!!… કેટલીયે યૌવનાઓ ની આંખો એમને આમંત્રણ નું ઇજન આપતી હતી અને કેટલુંય કોલેજિયન રૂપ એમની પાછળ ઘેલું હતું . પણ , ધરપત હતી એ છોકરાઓ ને જે સર ને નજીક થી ઓળખતા હતા ,કેમકે બધા સૌંદર્ય ના ખજાનાઓ આપણા માટે જ બાકી રહેશે કેમકે દરિયો કદાચ ને માઝા મૂકે ને હિમાલય જેવો પર્વત ભલે હલે , પણ સર !! ના ના !! ઋષિમુની ના ય તપોભંગ થાય પણ હિમાંશુ જેનું નામ !!

મસ્ત મજાનું રોમેન્ટિક સોન્ગ ગાતા ગાતા , ઘરે આવીને , વર્ષો થી પેરેલીસીસથી જેનું ડાબું અંગ ખોટું પડી ગયું છે અને સ્પષ્ટ બોલી પણ નથી શકતી એવી અર્ધાંગિની ને નવડાવી ને શરીર લૂછી વાળ માં હાથ ફેરવતા ફેરવતા જરાપણ ખેંચાય નહિ એવા હેત થી વાળ ઓળી ને કપાળે એક મસ્ત ચુંબન ચોડી બધા જ ફૂલો પોતાની પત્ની ને આપતા બોલ્યા …હેપી રોઝ ડે ,,,શ્રીમતી જી …લકવાગ્રસ્ત રોમા ની આંખો હિમાંશુ ના સદાબહાર એક જ સમાન વરસતા પ્રેમ થી છલકાઈ ઊઠી ,અને..

.. અને ત્યારે બધા જ ગુલાબ ના ફૂલો એકસાથે મહેકી રહ્યા ….અને એક જાદુ થયો કે જે ડોક્ટરો એ પણ હાથ ધોઈ નાખ્યા હતા કે રોમા હવે જાતે કાઈ નહિ કરી શકે !…આખી જિંદગી એમની આમ જ રહેશે !! ..આજે હિમાંશુ ની વરસો ની ચાકરી કે માવજત નું ફળ કહો કે ભગવાનની કૃપા , મદમસ્ત યુવતી ઓ ની વચ્ચે રહી ને પણ અવિચળ બનીને જે પતિ પોતાની પત્ની માટે પળેપળ પ્રેમ પાથરતો રહયો એનું પરિણામ કહો !!

રોમા નું અંગ ફરક્યું હાથ પગ હલ્યા ને હોઠ માંથી …શબ્દો સરક્યા …. “”‘લગ જા ગલે !!…કે ફિર યે હસી રાત હો ન હો .!!!…..
આશ્ચર્ય થી હિમાંશુ અવાચક બની ને રોમાને ઊભી થવા માં મદદ કરવા દોડ્યો ને રોમા પણ હિમાંશુ નો ટેકો મળતા જ એક નમણી શી નાજુક વેલ ની જેમ એને વીંટળાઈ ગઈ !!! ને… સુના પડેલા દામ્પત્ય જીવનના બગીચા માં પ્યારના પુષ્પો ખીલી ઉઠ્યા એમ કહેતાક ને…

❤HAPPY ROSE DAY❤

લેખક : દક્ષા રમેશ

દરરોજ અવનવી વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી