અજાયબ દુનિયા – સફર એક નવી દુનિયાની વાંચો અને અનુભુતી કરો એક અજાયબ વિશ્વની…

અજાયબ દુનિયા
( સફર એક નવી દુનિયાની)

દરિયાનાં મોજા ઓનો ઘૂઘવાટ કરતો નાદ સાંભલીને આશુતોષે આંખો ખોલી,અને પોતાના બંનેવ હાથ વડે પોતાની આંખને થોડી ચોળી, હજુ આશુતોષ થોડોક નિંદરમાં હતો.પોતાની આંખો હળવેથી ખોલીને જોયું તો પોતાની નજર સમક્ષ અનેક ઘણાબધાં વિશાળ વૃક્ષો આવેલા હતાં, આથી આશુતોષ એકદમ મૂંઝાયને અને ગભરાઈને ઉભો થયો,તેણે પાછું વળીને જોયું તો પોતાની દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચતી હતી ત્યાં સુધી માત્રને માત્ર દરિયાનું પાણી જ હતું, માણસનાં નામે એકદમ શૂન્યાવકાશ ભાસી રહ્યો હતો, બસ હતું તો માત્ર દરિયાનાં પાણીનો ઘૂઘવાટ અને આશુતોષ પોતે, આશુતોષને ધીમે – ધીમે સમજાય રહ્યું હતું કે પોતે કોઈ અજાણ્યા ટાપુ પર આવી પહોંચ્યો હતો.ટાપુ પર એકદમ નીરવ અને ભયભીત કરે તેવી શાંતિ હતી, માત્ર દરિયો પોતાના પેટાળમાંથી જે ઘૂઘવાટ કરી રહ્યો હતો માત્ર તેનો જ આવાજ આવી રહ્યો હતો.

આથી આશુતોષ જેવી રીતે કોઈ યોદ્ધા કે લડવૈયો યુદ્ધમાં પોતાના હથિયાર મૂકી દે તેવી રીતે આશુતોષે પોતાની હિંમત હારતાં પોતાના ગોઠણ પર જ દરિયાની રેતી પર જ પાછો બેસી ગયો.

આમ જોતા તો ટાપુ નયનરમ્ય લાગી રહ્યો હતો,જાણે એ ટાપુ સાથે પ્રકૃતિને પ્રેમ હોય તેવી રીતે કુદરતે પોતાના પ્રેમથી ટાપુ બનાવ્યો હોય તેવો લાગતો હતો.એકદમ ગીરનાં જંગલ જેવું એકદમ લીલુંછમ જંગલ, અલગ – અલગ પ્રકારની વનસ્પતિઓ, વિવિધ પ્રકારનાં રંગબેરંગી ફૂલો અને મંત્રમુગ્ધ કરી દે તેવી પુષ્પોમાંથી આવતી મનમોહક સુગંધ,જેવી રીતે કોઈ પ્રેમી તેની પ્રેમિકાની આગળ – પાછળ ફરે તેવી જ રીતે પુષ્પોની આજુબાજુમાં પતંગિયાઓ ભ્રમણ કરી રહ્યાં હતાં, અને વર્ષાઋતુને લીધે આ કુદરતી સૌંદર્યમાં જેવી રીતે સોનામાં સુગંધ ભળે તેવી રીતે, નાના બાળકની જેમ જાણે કંઇક ખિલખિલાટ અને ગણગણાટ કરતાં હોય તેવી રીતે એકદમ નિખાલસતાથી મુક્તપણે વહેતુ ઝરણુંને લીધે આશુતોષને આ ટાપુ પ્રત્યે જાણવાની ખૂબ જ ઉત્કંઠા થઈ.

આશુતોષને પોતાના પેટ પર હાથ ફેરવતા વિચારતો હતો કે કદાચ તેને આ જંગલમાં પોતાને ભૂખ ખૂબ જ લાગી છે તો કંઈક ખાવા માટે મળી જશે, આ વિચારથી જાણે પોતાના શરીરમાં સ્ફૂર્તિનો એક નવો સંચાર થયો હોય તેવી રીતે આશુતોષ મક્કમતાથી ઉભો થયો, પોતાની પાસે કઇ સામાન ન હોવાથી તેને સામાનની ચિંતા કરવાની કોઈ જરૂર હતી નહીં.

આશુતોષે જેવી રીતે હેલ્મેટ વગર બાઇક ચાલકને ટ્રાંફિક પોલીસ વાળા દંડ ફટકારવા માટે રોકે તેવી જ રીતે, એકદમ બિનદાસ બનીને જંગલમાંથી વહેતા ઝરણાને આશુતોષે પોતાના હાથ વડે રોકયું અને પોતાના હાથ – પગ અને મોં ઝરણાનાં પાણી દ્વારા વ્યવસ્થિત સાફ કર્યું, હવે આશુતોષની પહેલી જરૂરિયાત હતી પોતાની ભૂખ સંતોષવા માટે ખોરાકની શોધ.

આશુતોષ આમતો ટી.વી જોવાનો ખૂબ જ શોખીન હતો,તેની ફેવરિટ ચેનલ હતી ડિસ્કવરી અને નેશલન જીયોગ્રાફી અને પોતે વાઇલ્ડ લાઈફ એડવેન્ચર અને લાઈફ સર્વાઇલનાં દરેક એપિસોડ જોતો હતો આથી તેને ખ્યાલ આવ્યો કે જો આ વિરાન અને અજાણ્યા જંગલની અંદર પોતે કોઈપણ સુરક્ષા વગર જશે તો પોતાને તો ખોરાક મળતા મળશે પરંતુ પોતે જ કોઈકનો ખોરાક બની જશે.આથી આશુતોષના મનમાં એક યુક્તિ સૂઝી પોતે ખૂબ જ સારી રીતે જણાતો હતો કે જંગલી પ્રાણીઓ આગથી ખૂબ જ ડરતા હોય છે, આથી પોતાની ગંજી કાઢી અને નજીકના એક ઝાડમાંથી નાનકડી ડાળી તોડીને તેને ફરતે પોતાની ગંજી વિટાળી દીધી.બે પથ્થરો ઘસીને પોતે આગ પ્રગટાવી અને મશાલ તૈયાર કરી.
હવે જાણે રણશીંગુ ફૂંકાય ગયું હોય તેવી રીતે આશુતોષ એ – મિશન ખોરાક શોધો માટે જગલની અંદર પ્રવેશ કર્યો,લગભગ ચાલતા – ચાલતા આશુતોષ જંગલમાં અડધો કિલોમીટર જેટલું આગળ નિકળી ગયો પરંતુ ખાવા માટે કઈ ખાસ કંઈ મળ્યું નહીં, આથી પોતે મનોમન નક્કી કર્યું કે કદાચ થોડોક આગળ જશે તો કંઈક ખાવા માટે મળી જશે, આ વિચાર આવતા આશુતોષે જેવી રીતે ગાડીમાં ગિયર બદલે અને ગાડી એકદમ ઝડપથી દોડવા માંડે તેવી રીતે પોતાના પગ વધુ ઝડપથી ચલાવવા લાગ્યો.

આમ ચાલતા – ચાલતા આશુતોષ લગભગ એકાદ બે કિલોમીટર જેટલુ જંગલની અંદર પહોંચી ગયો, પરંતુ પોતાની આંખે જે નજારો જોયો તેના પર આશુતોષને વિશ્વાસ આવી રહ્યો હતો નહીં.જે જંગલ આશુતોષને દરિયા કિનારેથી જોતા એકદમ મોહક અને આકર્ષક લાગી રહ્યું હતું એજ જંગલ અચાનક એકદમ ભયજનક કે ડરામણું લાગી રહ્યું હતું, વૃક્ષો કે જે મનમોહક લાગી રહ્યા હતા તે હવે એકદમ કાળા અને સુકાય ગયેલા દેખાતા હતાં, આ બધું આશુતોષને થોડુંક અજુગતું કે વિચિત્ર લાગતું હતું, તેને આવુ બની જ કેવી રીતે શકે તે સમજાતું હતું નહીં.આશુતોષને એવુ લાગી રહ્યું હતું કે બહાર જે જંગલ જાણે પુરજોશમાં યુવાનીના રંગમાં રંગાયેલ દેખાય રહ્યું હતું તે જ જંગલ માત્ર થોડુંક કદાચ એકાદ – બે કિલોમિટર જેટલુ ચાલતા જાણે અચાનક ગઢપણમાં ફેરવાતું હોય તેવું લાગી રહ્યું હતું.

આશુતોષનાં મનનાં કોઈ એક ખૂણામાં ડર પોતાનું સ્થાન બનાવી રહ્યું હતું,અને આ બધું પોતાને વિચિત્ર લાગતું હતું,તેમછતા પણ આશુતોષે હિંમત હાર્યા વગર આગળ ચાલવાનું બંધ ના કર્યું,જેવો પોતે થોડોક આગળ ગયો તો તેને કંઇક અવાજ પોતાના કર્ણપટલ પર અથડાયો હોય તેવું લાગ્યું આથી આશુતોષે તે અવાજ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું, અવાજ સાંભળતા આશુતોષનાં જીવમાં જીવ આવ્યો કારણ કે તે અવાજ કોઈ વ્યક્તિનો હોય તેવું લાગ્યું, કયા શબ્દો સાંભળ્યા એ ઓળખી ના શક્યો પરંતુ કોઈ મનુષ્યનો આવાજ હતો એ બાબતે આશુતોષ એકદમ વિશ્વાસ ધરાવતો હતો, આથી આશુતોષ થોડેક દૂરથી આવી રહેલા અવાજની દિશામાં આગળ વધવાનું ચાલું કર્યું. અવાજની દિશાને અનુસરતાં – અનુસરતાં આશુતોષ છેક જંગલના મધ્યભાગમાં પહોંચી ગયો જેનો આશુતોષને પોતાને પણ ખ્યાલ ના રહ્યો.

જેવો આશુતોષ જંગલના મધ્ય ભાગમાં પહોંચ્યો ત્યાં અચાનક જ તેનું ધ્યાન, પેલો આવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો તે દિશામાં ગયું, તો પોતાની નજર સમક્ષ એક વિશાળ મકાન આવેલ હતું જેમાંથી કોઈકનો આવાજ આવી રહ્યો હતો.હવે આશુતોષે એક રાહતનો શ્વાસ લીધો અને મનમાં થોડીક હિંમત આવી કે આ વેરાન ટાપુ પર પોતે એકલો નથી બીજું કોઈ અગાવથી જ આ ટાપુ પર વસી રહ્યું હતું.હવે આશુતોષનાં પેટમાં ભૂખને લીધે એકદમ ઉંદરડા દોડા – દોડી કરતા હોય તેવું લાગ્યું.

આશુતોષે વિચાર્યું કે પેલા મકાનમાં તેને કોઈકનો સાથ મળી જશે, અને પોતાની ભૂખ સંતોષવા માટે ત્યાંથી કંઇક જમવા માટે પણ મળી રહેશે, આ વિચારથી પોતે એકદમ ઝડપથી પેલા મકાન તરફ દોડવા લાગ્યો, આશુતોષ પોતે પણ જણાતો ન હતો કે પોતાના દ્વારા જણાતાં – અજાણતા કેવી મુશીબતને સામે ચાલીને ગળે લગાડવા જઇ રહ્યો હતો,હવે આશુતોષ સાથે જે કંઈપણ થવાનું હતું તેનો તેણે કયારેય પણ વિચાર કર્યો જ નહી હોય.

જેવો આશુતોષ પેલા ટાપુની મધ્યમ આવેલ પેલા મકાન તરફ પહોંચ્યો અને ત્યાં પ્રવેશ્યો, પોતાનું ધ્યાન પેલા એકદમ જુના મકાનની દીવાલમાં આવેલ એક બારીમાં પડ્યું આથી આશુતોષે એકદમ આતુરતાપૂર્વક અને ઉત્સુકતાથી પેલી બારીમાંથી ઘરની અંદર ઝાંખવા લાગ્યો.પરંતુ પોતે જે દ્રશ્ય જોયું તે જોઈને આશુતોષ એકદમ મૂંઝાય અને ગભરાય ગયો.
પેલા જુના મકાનમાં એકસાથે ધણા બધા પુરુષો અને સ્ત્રીઓ એકઠા થયેલા હતા,જો કેે તેઓ સંપૂણપણે પુરુષ કે મહિલા હતા નહી તેઓ એલિયનની માફક દેખાય રહ્યા પરંતુ આ બધામાં જો કોઈ વિચિત્ર બાબત તો એ હતી કે તે બધાની આંખો પોતાના હાથમાં હતી,અને ચહેરાનો ભાગ એકદમ સપાટ હતો.અને તેઓ કઇક રિસર્ચ કરી રહ્યા હોય તેવું લાગ્યું.આ લોકો વાતચીત કરવા માટે પોતાની કઈક અલગ જ નવી ભાષા બોલી રહ્યા હતાં, પરંતુ તેના દ્વારા બોલાતા કે ઉચ્ચારણ સાંભળતા એવું લાગે જાણે કોઈ માનવ અંદરો – અંદર વાતો કરતાં હોય.

આ બધું જોઈ આશુતોષ એકદમ સ્તબ્ધ બનીને એકદમ અવાક બની ગયો,પોતે ગભરાયેલી નજર સાથે આ બધું પોતાની આંખ દ્વારા નિહાળી રહ્યો હતો,પોતાને કંઈ સમજાય રહ્યું ન હતું કે આ બધા લોકો કોણ છે? શાં માટે તેઓ આ જંગલમાં રહેતા હશે? શું આ લોકો એલિયન હશે ? શું એ લોકો પોતાને મદદ કરશે ? તેની પાસે મદદ માંગવી જોઈએ કે નહીં? શું એ લોકો પાસે મદદ માંગવી યોગ્ય ગણાશે ? જો પોતે મદદ માંગશે તો તેઓ પોતાને કઇ નુકશાન તો નહીં કરશે ને ? – આવા અનેક વિચારો આશુતોષના માનસપટ્ટ પર ઉદભવી રહ્યા હતાં. આશુતોષ પોતે એકદમ નિઃસહાય બની ગયો હોય તેવુ અનુભવી રહ્યો હતો.

તેવામાં એક જોરદાર અવાજ સાથે એક સાયરનનો અવાજ આવ્યો જે કોઈપણ ઈન્ડસ્ત્રી કે ફેકટરીમાં કામકાજનો સમય પૂરો થાય ત્યારે વાગે, એકદમ તેવો જ એ સાયરનનો અવાજ હતો.આ સાયરન નો અવાજ સાંભળી પેલા એલિયન જેવા દેખાતા બધા જ માણસો એક મોટા સી.ટી.સ્કેન માટે જેવું મશીન વપરાય તેવા એક મશીનની ફરતે એકઠા થયા.
આશુતોષ એકદમ વિચારમાં પડી ગયો કે શાં માટે આ લોકો પેલા મશીનની ફરતે એકત્ર થયા હશે? તે લોકો હવે શું કરવાના હશે? – આ બધું આશુતોષ દીવાલમાં આવેલ એક બારી માંથી લપાઈને જોઈ રહ્યો હતો, એટલીવારમાં પેલા એલિયન જેવા દેખાતા બે માણસો એક સ્ટ્રેચર લઈને આવ્યા અને તે સ્ટ્રેચર પર કોઈકને સુવડાવેલ હોય તેવું લાગી રહ્યું હતું,પરંતુ તે સ્ટ્રેચર પર કોને સુવડાવેલ હશે એ ખ્યાલ આવી રહ્યો ન હતો કારણ કે તે સ્ટ્રેચરમાં જે વ્યક્તિને સુવડાવેલ હતી તેને સંપૂર્ણપણે ચાદર ઓઢાડેલ હતી. પેલા બંનેવ એલિયનોએ સ્ટ્રેચર સી.ટી.સ્કેન ના મશીન જેવા દેખાતા મશીનની પાસે રાખ્યું અને ઓઢાડેલ ચાદર દૂર કરી, આ દ્રશ્ય જોતા આશુતોષનાં મોઢામાંથી એક ઉદગાર નીકળ્યો પરંતુ તે ઉદગાર આશુતોષે પોતાના મોં ની બહાર આવવા દીધો નહીં, કારણ કે તે સ્ટ્રેચર પર આપણી જેવા જ એક સામાન્ય દેખાતા માણસને સુવડાવેલ હતો.

આશુતોષ આ બધું કાગનજરે જોઈ રહ્યો હતો તેના મનમાં જિજ્ઞાસા સાથે એક પ્રશ્ન થયો કે આ એલિયન જેવા દેખાતા લોકો સ્ટ્રેચર પર સુવડાવેલ માણસ સાથે હવે શુ કરશે ? આથી આશુતોષ એકીટશે આ બધું નિહાળવાનું ચાલુ જ રાખ્યું.
થોડીવાર પછી સ્ટ્રેચર પર સુવડાવેલા માણસને, જે મશીન સી.ટી.સ્કેન જેવું દેખાતું હતું તેમાં બંધ કરી પૂરી દીધો,તે મશીનની બાજુમાં રહેલ એક એલિયન આ આખી પ્રક્રિયા પર કન્ટ્રોલ કરી રહ્યો હતો, લગભગ થોડી વાર પછી પેલા વ્યક્તિને મશીનની બહાર કાઢ્યો તો તે સંપૂર્ણપણે પેલા એલિયનનું રૂપ ધારણ કરી લીધું હતું,આ જોઈ આશુતોષ એકદમ ગભરાય ગયો અને હવે તેને સમજાતું હતું કે આ બધા આપણી જેવા માણસોને પકડીને તે બધાને પેલા મશીન દ્વારા પોતાની જેવા બનાવી પોતાનો સમુદાય મોટો બનાવી રહ્યા હતાં, અને ધીમે – ધીમે તેનો સમુદાય એકદમ વિશાળ બનાવી આ દુનિયા પર રાજ કે હુકુમત કરવાનો હતો.

અચાનક આશુતોષના ચહેરાની આજુબાજુ કંઇક ફરકતું હોય તેવું લાગ્યું, આથી પોતે હળવેક થી ફરીને જોયું તો તેના મોં માંથી એક ચીસ નીકળી ગઈ, કારણ કે આશુતોષની ફરતે એક આંખ ફરી રહી હતી અને તેને જોઈ રહી હતી, જોત – જોતામાં આશુતોષની ફરતે અસંખ્ય આંખો આવી ગઈ અને તેને ચારે બાજુથી ઘેરી લીધો, આશુતોષને હવે ખ્યાલ આવી ગયો હતો કે જો પોતે પેલા બધાના હાથે ચડી જશે તો તેને પણ એલિયન જેવો જ બનાવી દેશે, જેવી રીતે પેલા સ્ટ્રેચર પર સુવડાવેલ માણસને પોતાના જેવો બનાવી દીધો હતો.આથી આશુતોષ ગભરાઈને પોતે જે લાકડાની મશાલ બનાવી હતી તે ઉઠાવી અને પોતાને ચારે બાજુએ થી જે આંખોએ ઘેરી લીધો તેના પર પોતાનાથી બનતું બધું બળ કરી એક પ્રહાર કરી,ત્યાંથી એકદમ ઝડપથી દોડવા લાગ્યો, જેવો તે દોડયો કે તરતજ બધા પેલા એલિયાનો તેની પાછળ – દોડવા માંડ્યા, આશુતોષ આગળ અને પેલા એલિયાનો બધા તેની પાછળ દોડવા લાગ્યાં.

અચાનક એકાએક આશુતોષની આંખો ખોલી, પોતાની આંખો ખોલતા જ આશુતોષને ખ્યાલ આવ્યો કે પોતે એક સપનું જોઈ રહ્યો હતો, આથી આશુતોષના શ્વાસ અને ધબકારા જે ગભરાહટ ને લીધે વધી ગયા હતા,તે હવે ધીમે – ધીમે નિયમિત થવા લાગ્યાં અને તેણે પોતાના બેડની બાજુનાં ટેબલ પર પડેલ ગ્લાસનું કવર હટાવી એક જ શ્વાસમાં આખો ગ્લાસ પાણી પી લીધું,અને પોતાના જીવમાં જીવ આવ્યો, અને એક શાંતિનો અનુભવ થયો.આશુતોષનો ગભરાયેલો જીવ હવે ઠેકાણે આવ્યો……પરંતુ મનમાં એક પ્રશ્ન થયો કે શું આવું બની શકે..?…જો આવું ખરેખર બનતું હોય તો અત્યાર સુધીમા આપણી સોસાયટીની આજુબાજુમાં એલિયન લોકોની પણ એક – એલિયન સોસાયટી અસ્તિત્વ ધરાવતી હોત. આ સાથે – સાથે આશુતોષે મનોમન ભગવાનો આભાર માન્યો કારણ કે તેને થયું કે જો બોસ આપણે પેલા એલિયનના હાથે ચડી ગયા હોત તો આજે પોતાનું બોર્ડ પૂરું થઈ ગયું હોત અને શ્રી.આશુતોષ ની જગ્યા પર સ્વ.શ્રી.આશુતોષ લખાય ગયું હોત.

લેખક : મકવાણા રાહુલ.એચ

દરરોજ આવી રોચક વાર્તાઓ વાંચવા મે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી