“બા, મારી વાત સાંભળને !” – દરેક માતા, દીકરી અને સાસુ વહુ દરેક પુરુષ પણ ખાસ વાંચે.. રામ મોરી દ્વારા લખાયેલ આ લાગણીસભર પત્ર..

બા કેમ છો ? જય શ્રી કૃષ્ણ. બા, પ્લીઝ કાગળ મુકી ન દઈશ. આખો વાંચજે. મારા સો ગુના કબૂલ પણ આ કાગળ એકવાર વાંચી લઈશ તો મારો બહુ બધો ભાર હળવો થઈ જશે. મને ખબર છે કે બાપુજીની સામે તો તે એમ જ કીધું હશે કે,

‘’ બળ્યો એનો કાગળ અને બળ્યો મારો અવતાર, મારે એનો કાગળ તો શું અક્ષર પણ વાંચવો નથી.’’ બાપૂજીએ તને સમજાવી પણ હશે કે,
‘’ દક્ષા, આવી જીદ રહેવા દે. ગમ્મે એમ તોય એ આપણો દીકરો છે’’
તું છંછેડાઈ ગઈ હોઈશ કે,

‘’ એ દિકરો નહીં, આપણો દિ’ ફર્યો છે. આવા દિકરા પાકે એની કરતા પેટે પાણો પાક્યો હોત તો લુંગડા નીચોવત. નસીબદાર છે એ બધ્ધા જેની કૂખ ભગવાને ખાલી રાખી તે આ દિવસ જોવાનો વારો જ ન આવત.’’ આટલું બોલીને તું છુટ્ટા મોંએ રડી પડી હોઈશ. બાપૂજી કશું બોલ્યા વિના ખેતરે જવા નીકળી ગયા હશે. તે પેટ ભરીને રડી લીધા પછી ફળિયામાં ઘા કરેલા મારા કાગળ સામે જોયું હશે. સાડીના છેડાથી આંસુ અને નાક લૂંછીને આસપાસ કોઈ જોતું તો નથીને એની ખાતરી કરીને તું ઉભી થઈ હોઈશ. ફટાફટ ખડકી બંધ કરી અંદરથી સાંકળ મારી દીધી હશે. પછી ઘૂળમાં પડેલા મારા કાગળ પર સાડીના પલ્લુથી ધૂળ સાફ કરી હશે અને તે એ કાગળને છાતીએ ચાંપી દીધો હશે. પછી ઓશરીના ગોખલામાંથી આંખના નંબરિયા ચશ્મા શોધીને તું થાંભલીના ટેકે ઉભડક બેસી ગઈ હોઈશ અને પછી આ કાગળ વાંચી રહી હોઈશ ! જો આ પ્રમાણે જ તું અત્યારે કાગળ વાંચવા બેઠી હો તો પછી મને કહે કે તું કેમ મારો ફોન ઉંચકતી નથી બા ? બા મારી વાત સાંભળને. હું માનું જ છું કે મારો વાંક છે પણ તું એ વાંક બદલ કશુંક તો બોલ…તું મને ખીજાઈશ તો પણ ચાલશે…ગાળો દઈશ તો પણ ચાલશે પણ કંઈક બોલ. તારી આ ચૂપકીદી મને ક્યાંય જંપવા નથી દેતી બા.

બા, તું મને કહ્યા વગર ગામડે જવા નીકળી ગઈ. મને જગાડીને કીધું પણ નહીં કે, ‘’લાલા, હું ગામડે જાઉં છું.’’ હું જાગ્યો ત્યારે માનસીએ કહ્યું કે, ‘’બા તો ગામડે જતાં રહ્યા.’’ બા, ગુડ્ડી પણ સવારની રડ રડ કરે છે કે દાદી પાસે જવું છે…દાદીને અહીં બોલાવી લો ! બા તું અમારી સાથે અહીં આવીને રહી એ વાતને છ મહિના પણ ન થયા અને તું પાછી જતી રહી. હજું થોડા દિવસ પહેલાં તો આપણે એવી વાતો કરતાં હતા કે મારા બાપૂજીને પણ આપણે અહીં શહેરમાં બોલાવી લઈશું. બાપૂજી સાથે હું વાત કરું એ પહેલાં તો તમે પાછા જતાં રહ્યા. બા તમે પાછા કેમ જતાં રહ્યા એવું નહીં પૂછું કેમકે કારણ મને ખબર છે. તે છેક સુધી મને કારણ કહ્યું નહીં. બા, એક સાચી વાત કહું તો મને પણ એ કારણ તારા મોઢે સાંભળવું નહોતું. માનસી ગુડ્ડીને સ્કૂલેથી લેવા માટે ગઈ છે. ઘરમાં એકલો છું એટલે રડતાં રડતાં કાગળ લખું છું. બા હું નાનો હતો અને રડતો ત્યારે તું માથે હાથ ફેરવીને તારી સાડીના પલ્લુથી મોં લૂંછી દેતી. અત્યારે તારા સાડીના પલ્લુની ખોટ ચાલે છે મને. બા, તારી આંખો પણ આટલું વાંચતા ભરાઈ આવી હશે એ પણ હું જાણું છું.

બા, તું જતી રહી એ પછી આખું ઘર મને સાવ ખાલી ખાલી લાગે છે. તું છ મહિના માટે પણ આવી તો એવું લાગ્યું કે બધું ભર્યું ભર્યું થઈ ગયું. થયું કે હવે જીવનમાં કોઈ સમસ્યા નથી કે કોઈ ફરિયાદ નથી. તને ખબર છે બા, સાવ નાનેથી બહાર રહ્યો છું અને ભણ્યો છું એટલે પરિવારની હૂંફ લગભગ મને સાવ ભૂલાઈ ગયેલી. મારા લગ્ન પછી હું અને માનસી તમારી સાથે ગામડે લાંબુ રહી ન શક્યા. નોકરીના કારણે મુંબઈ પાછા આવી જવું પડ્યું. માનસી સાથે હું રહેતો પણ બા એ રહેવું મને હજું ક્યાંકને ક્યાંક અડવું લાગતું. વર્ષોથી સાથે રહેતા હોઈએ અને એકબીજાની ટેવ પડી ગઈ હોય એવી લાગણી મને હજું માનસીમાંથી નહોતી આવી.

હજું તો ત્રણ વર્ષ માંડ થયા હશે અને માનસીના પિયરમાંથી અને તારા તરફથી ‘હવે બાળકનું વિચારો…બાળકનું વિચારો’નો મારો શરું થઈ ગયેલો. બા, હું તમને લોકોને સમજાવી જ નહોતો શકતો કે હજું તો હું માનસીને પણ સરખીરીતે સંભાળી શકતો નથી તો પછી બાળકની જવાબદારી ! બાપૂજીને વાત કરી તો બાપૂજીએ જવાબ આપ્યો કે, ‘’ પૈસે ટકે મુંઝાતો નહીં. તને હું ટેકો કરતો રહીશ.’’ મારે કઈ રીતે તમને લોકોને સમજાવવું કે દરેક વખતે પૈસાની સમસ્યા સમસ્યા ન હોઈ શકેને. બસ, પછી તો માનસી પણ બાળક માટે ફોર્સ કરવા લાગી. ગુડ્ડીનો જન્મ થયો. માનસી એ ગાળામાં પિયર રહી. ગામડે બાપૂજીને શ્વાસની તકલીફ એ સમયે વધી ગયેલી તો તું ગામડે જ રહી. હું અહીંયા મારી ચાર દિવાલમાં ફરી એકલો. દરેક વખતે હું જ ફરી ફરી એકલો થઈ જાઉ છું, જેમ અત્યારે થઈ ગયો એમ.

તું હવે મને એમ કહીશ કે ‘’ભાઈ, તને વાંધો હતો તો તારે મને કહેવું જોઈએને…અમને કાંઈ સપનું આવે કે લાલાને કાંઈ વાંધો છે ’’ હું તમારી આ વાતને સમજું છું પણ સ્વીકારી નથી શકતો. કોઈપણ વાતને સમજવી અને સ્વીકારવી એ બંને અલગ વાત છે. જીવનમાં જેટલી પણ બાબતોને સમજી શકીએ છીએ એ બધી બાબતોને આપણે સ્વીકારી નથી શકતા અને જે બાબતોને આપણે સ્વીકારી લઈએ છીએ ત્યાં પછી સમજવાની આપણને જરૂર લાગતી પણ નથી હોતી. તને માનસી સામે વાંધો છે, માનસીને તારી સામે વાંધો છે. તમને બંનેને એકબીજા સામે વાંધો છે પણ કોઈ મને તો પૂછો કે મને કોની સામે વાંધો છે ?

તમારું અને માનસીનું કચકચ બા સાવ સરખું છે. બંનેને એકબીજાની ઝીણીઝીણી વાતોથી પ્રશ્નો છે. તને માનસીના હાથની રસોઈ નથી ભાવતી અને માનસીને તારા હાથે ધોયેલાં કપડાંથી વાંધો છે. તને માનસીનું ફોન પર ચીપકીને બેસી રહેવું નથી ગમતું અને માનસીને તારી બજર છીંકણી સામે વાંધો છે. રાત્રે હું ઘરે આવું તો તમારા બંનેના મોઢા ચડેલા હોય છે. જમવા બેસીએ ત્યારે માત્ર ગુડ્ડી ગણગણતી હોય અને વાસણો ખખડતા હોય. સ્મશાનવત શાંતિ હોય છે. બેમાંથી કોઈ એકને પૂછું તો બીજાને ખોટું લાગી જાય. કોઈને કશું જોરથી કહું તો વાતે વાતે તમે બંને રોઈ પડો.

બા, આખી આખી રાત હું સૂઈ નથી શકતો. છતને તાક્યા કરું છું. તમને લોકોને તો રડવાની પણ છૂટ છે પણ અમને પુરુષોને તો રડવાનુંય આંખ્યુનું મન પૂછીને ! બાજુમાં ગુડ્ડી અને માનસી સુતાં હોય એટલે ઓશીકાની ખોઈ મોંમા દબાવીને હું રડી લઉં છું. બા, મને નોકરીનો અને દોડાદોડીનો થાક ક્યારેય નથી લાગ્યો પણ સાંજે ઘરે આવું અને તારા ને માનસીના રીસાયેલા મોંઢા જોઉં તો મને એવું લાગે જાણે આખા મુંબઈના થાકે મારા શરીર ફરતે ભરડો લીધો. એ એક ક્ષણમાં મને એવું લાગે કે બા, હું મારા એકલા માટે નહીં પણ આખા મુંબઈ શહેર માટે દોડું છું !

બા હું તને કશું સમજાવું તો તને એવું લાગે છે કે હું માનસીને કશું કહેતો નથી. માનસીને કશું કહું તો માનસીને એવું લાગે છે કે હું બાને કશું કહેતો નથી. એક વાત તને સાવ સાચ્ચી ને સારું લગાડ્યા વિના કહું તો બા, હું તારી પાસેથી તો સમજદારીની અપેક્ષા રાખી જ શકુંને ?

માનસીના વર્તનમાં હજું છોકરમત છે અને મને એવું લાગે છે કે એનો એ સ્વભાવ ક્યારેય જશે નહીં પણ બા તું તો બહુ સમજદાર છે. કડવા કારેલા જેવા તારી સાસુને તે કેવી રીતે સંભાળ્યા હતા એ મેં નાનપણમાં મારી સગ્ગી આંખે જોયું હતું. મને યાદ છે બા કે કુંટુંબની અને ગામની સ્ત્રીઓ તારી પાસે શિખામણ લેવા આવતી કે કોઈ સમસ્યા છે તો ચિંતા ન કરો દક્ષાકાકી છે જ. માનસીના ઉછેરથી હું કે તું અજાણ નથી. એ એકલવાઈ ઉછરી છે. ઘર અને કુટુંબના નામે ત્રણ જણા હતા.

હું માનું છું કે બધાને સરળતાથી સ્વીકારી શકવાની અને પ્રયત્ન કરીને બધામાં ભળી શકવાની એનામાં આવડત નથી કારણ કે એના ઘર તરફથી એ એને શીખવવામાં નથી આવ્યું. બા, હું તો કહું છું કે તમે બંને મારો વિચાર ન કરો પણ એકવાર ગુડ્ડીનો તો વિચાર કરો. તમારા બંનેની કચકચની એના પર શું અસર પડતી હશે એતો એકવાર વિચારો. શું આપણે લોકોએ ગુડ્ડીને પણ એવી જ તાલીમ આપવી છે કે કાલે સવારે એ જ્યાં જાય ત્યાં પણ કોઈ દીકરો એની બાને કાગળ લખીને એમ કહે કે બા, ગુડ્ડીમાં આ બધી આવડતો નથી કેમકે એના ઘર તરફથી આવા સંસ્કારો વારસમાં નથી મળ્યા ! વિચારજો.

એક વાત કહું બા, માનસી એટલી પણ ખરાબ નથી જેટલી તારા મનમાં અત્યારે એના માટેની કડવાશ બાઝી ગઈ છે. જો માનસી સારી ન હોત તો તે એને મારા માટે પસંદ કરી જ ન હોત. અહીંયા મારો કહેવાનો આશય એવો પણ નથી કે તું મારા માટે કશું સમજ્યા વિના માનસી જેવી છોકરી લઈ આવી છે. આજે બપોરે એ રસોઈ કરતાં કરતાં રોઈ પડી હતી. કદાચ તું જતી રહી એટલે એને જોરથી વાસણ પછાડવાનું જે બહાનું મળેલું હતું એ જતું રહ્યું હશે એટલે ! જો કેવી હસી પડી તું ! તું તારી વહુનો તો વિચાર કર. તું નહીં હો તો એ કોની સાથે ઝઘડો કરશે…બા, ક્યાંક એવું ન થાય કે તારા નહીં હોવાના કારણે એ બધો ગુસ્સો મારા પર ઉતારે. મારા પર દયા આવતી હોય તો પાછી આવી જા. બસ હવે, હસવાનું બંધ કર. તને ખબર છે બા, તું જ્યારે ખુશ હો ત્યારે મને મારી આખી દુનિયા ખુશખુશાલ હોય એવું લાગે !

બા, આપણા સંબંધોમાં કેટલીક સ્પેસ એવી હોય છે જ્યાં આપણે વ્યક્ત નથી થતાં છતાં આપણો પ્રેમ સામાવાળાને સમજાઈ જતો હોય છે. એ સ્પેસમાં આપણે બંને જીવીએ છીએ બા. તારી સાથે બહુ રહી નથી શક્યો પણ હવે રહેવું જ છે. તારા લાખ વાંધાઓને ભૂલીને મારા માટે દોડી આવ. હું નાનો હતો ત્યારે તું ગામના ખેતરે દાડીએ જતી. આખો દિવસ કપાસ વીણતી. સાંજ પડે એટલે જેવું કામ પુરું થાય ત્યારે તું કૂંડીના પાણીએ હાથપગ ધોવા પણ ઉભી ન રહેતી અને દોડ મુકીને ઘર તરફ ભાગતી. કોઈ પૂછે કે. ‘’ એય દક્ષા, આમ બાવરી થઈને કેમ દોડે છે ? તારું કયુ ગરાસ લૂંટાઈ જાય છે તે આમ ભાગે છે.’’ સાડીના છેડાને કમરમાં ભરાવતી, બોરડીના કાંટામાં ચીવટથી મારા માટે લાલ બોર તોડતી ઉતાવળા પગલે તું કહેતી, ‘’ મારો લાલો ઘે એકલો છે !’’ બા, અત્યારે તું નથી તો હું ખરેખર એકલો થઈ ગયો છું. બોર ન મળે તો પણ હું આ વખતે નહીં રડું. તું મારી પાસે પાછી આવી જા ને બા !

લિ. સાંજે દોડતી આવે અને છાતીએ ચાંપીને બચીઓ આપે એવી બાની રાહ જોતો..
લાલીયો

લેખક : રામ મોરી 

દરરોજ વાંચો રામ મોરી દ્વારા લખાયેલ લાગણીસભર વાતો અમારા પેજ પર.

ટીપ્પણી