રેઝાંગ-લા ની લડાઈ અને ચુશુલનાં ૧૨૩ આહીર પરમવીરો !!

ભારત ચીન યુદ્ધ ખતમ થઇ ચુક્યું છે, જાન્યુઆરી 1963માં એક લડાખી યુવક પોતાનાં ઘેંટા બકરાં ચરાવતો ચરાવતો રેઝાંગ-લાનાં વિસ્તારમાં ચડી આવે છે, તો શું જુવે છે!! નષ્ટ થયેલા બંકરો, વપરાયેલા કારતુસો અને ખાલી બોમ્બ શેલ તેની ચારે તરફ વિખરાયેલા પડ્યા છે. અને પડ્યા છે 113 વર્દીધારી સૈનિકોનાં મૃત શરીરો, બરફમાં થીજેલા, કાતિલ ઠંડીમાં બરફ નીચે અર્ધ દબાયેલા એ મૃત જવાનોએ ટ્રેન્ચીસમાં અને નષ્ટ થયેલા બંકરોમાં પોતાના હથિયારો હાથમાં ઝાલી રાખેલા છે.

કંપનીનાં પ્રત્યેક મૃત સિપાહીઓનાં શરીરો પોતાના ટ્રેન્ચમાં ગોળીઓ અને બોમ્બના છર્રાઓ થી ચાળણી થયેલી હાલતમાં છે. 2 ઇંચ મોર્ટારમેન નાં હાથમાં હાથગોળો હજી તેમનો તેમ છે, જ્યારે દુશ્મન ની એક ગોળી માથામાં વાગી અને તે શહીદ થયો. મેડીકલ આસિસ્ટન્ટ નાં હાથમાં સિરીંજ અને બેન્ડેજ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે બધાંજ જવાનોના હથીયારોનાં નાળચા ફૂલી ગયા છે અને મેગેઝીનો ખાલી છે, એક પણ મૃત જવાનની બંદુક માં વણફૂટેલી એક પણ ગોળી નથી અને એક પણ જવાનને પીઠમાં ગોળીનો જખમ નથી. એનો અર્થ એ કે, છેલ્લો જવાન છેલ્લી ગોળી સુધી લડવાની શપથ નિભાવી છે આ પરમવીરોએ અને બધાં સામી છાતીએ લડીને શહીદીને વર્યા છે..

ભારતમાં બહુ ઓછા લોકો છે જે 1962 માં ચીન સાથે થયેલા યુદ્ધ ને યાદ કરવાનું પસંદ કરે છે. કારણ સાફ છે… 1962 નાં યુદ્ધની હાર નાં જખ્મો એટલા ઊંડા છે કે કોઈ પણ દેશવાસી તેને ફરી તાજા કરવા નથી માગતો. એટલે સુધી કે ભારતીય સેના પણ તેનો વધુ ઉલ્લેખ નથી કરતી. પરંતુ એમ નથી કે 1962 નાં યુધ્ધે આપણને કેવળ જખ્મોજ્ આપ્યા છે. આ યુધ્ધે આપણને એ શીખવ્યું છે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ ભારતીય સૈનિક ન કેવળ બહાદુરીથી લડવાનું જાણે છે, પોતાનો જીવ સુદ્ધાં દેશના સીમાડાઓની રક્ષા કાજે ન્યોછાવર કરે છે અને દુશ્મનોનાં દાંત પણ ખાટ્ટા કરવાનું પણ જાણે છે.

1962 યુદ્ધ દરમિયાન લદ્દાખના રેઝાંગ-લા ખાતે ભારતીય સૈનિકો એ જે લડાઈ લડી હતી તેને વિશ્વ ઈતિહાસમાં એક ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત છે. વીસમી સદીની આઠ સર્વોત્તમ સામુહિક વીરત્વનાં કિસ્સાઓનાં યુનેસ્કોનાં લીસ્ટમાં રેઝાંગ-લા ની લડાઈને સામેલ કરાઈ છે.

લદ્દાખના ચુશુલ વિસ્તારમાં આશરે 16000 ફૂટની ઊંચાઈ પર રેઝાંગ-લા પહાડીની પાસે ભારતીય સેનાએ પોતાની એક પોસ્ટ તૈયાર કરી હતી. આ પોસ્ટની સુરક્ષાની જવાબદારી કુમાઊં રેજીમેન્ટની એક કંપનીને આપવામાં આવેલી, જેનું નેતૃત્વ સાંભળી રહ્યા હતા મેજર શૈતાન સિંહ ભાટી. 123 જવાનોની આ કંપનીમાં હરિયાણાનાં રેવાડી વિસ્તારના આહીરો (યાદવો)ની બહુમતી હતી.ચીની સેનાની બુરી નજર ચુશુલ પર હતી. તેઓ કોઈપણ ભોગે ચુશુલ પર કબજો જમાવવાની ફીરાકમાં હતા. માટે ચીની સૈનીકો પણ આ વિસ્તારમાં પોતાનો ડેરો જમાવીને તૈયાર હતા.

જયારે ઓક્ટોબર ૧૯૬૨માં લદ્દાખથી લઇને નેફા(અરુણાચલ પ્રદેશ) સુધી જ્યાં ભારતીય સૈનિકોએ હારનો સામનો કર્યો હતો અને ચીની સેના ભારતની સીમાની અંદર ઘુસી આવી હતી, ત્યારે રેઝાંગ-લામાંજ કેવળ એક માત્ર એવી લડાઈ લડવામાં આવી હતી જ્યાં ભારતીય સેના ચીનની પીપલ્સ લીબરેશન આર્મી ઉપર ભારે પડી હતી.

17 નવેમ્બર ચીની સેના એ રેઝાંગ-લા માં તૈનાત ભારતીય સૈનિકો પર જબરદસ્ત હુમલો કરી દીધો. ચીનાઓએ એક પ્લાન અનુસાર રેઝાંગ-લા માં ભારતીય ટુકડીને બે તરફથી ઘેરી લીધી, જેના કારણે હવે ભારતીય સેના પોતાની તોપો(આર્ટીલરી)નો ઉપયોગ કરી શકી નહિ. પણ દ્વિતીય વિશ્વયુદ્ધ સમયના જુના હથીયારો .303 (પોઈન્ટ થ્રી નોટ થ્રી) અને બ્રેન ગન વડે ભારતીય વીરો ચીની સેનાની તોપ, મોર્ટાર અને અન્ય ઓટોમેટીક હથીયારો મશીનગન વગેરેનો મુકાબલો કરી રહ્યા હતા. ભારતીય વીરોએ પોતાની બહાદુરી થકી ઘણી મોટી સંખ્યામાં ચીના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. પરંતુ ચીની સેના પોતાના સૈનિકોની મદદ માટે રીઇન્ફોર્સમેન્ટ મોકલતીજ રહી. નવા નવા સૈનિકો અને હથિયારોનો પુરવઠો ચીનાઓને મળતોજ રહ્યો, એક પછી એક ભયંકર હુમલા થતાજ રહ્યા.

રેઝાંગ લાની લડાઈનું વર્ણન કરતા એ લડાઈમાં મરણાસ્સનેથી પાછા આવેલા ઓનરરી કેપ્ટન રામચંદર યાદવનાં અને હવાલદાર નિહાલ સિંહનાં મુખેથી સંભાળીએ એ દિલધડક લડાઈની દાસ્તાન.

સિંહ : “એ ગૌરવવંતા દિવસને અને મારા બીછ્ડેલા સાથીઓને યાદ કરતાં હું ઘણી રાતો જાગ્યો છું, 50 વર્ષ વીતી ગયા છે પણ લાગે છે યુદ્ધ હજી કાલે જ થયું હતું.

યાદવ : મેજર સાહેબ રાજસ્થાની હતાં એક સાચ્ચા રાજપૂત જેનું નામ તો શૈતાન સિંહ હતું પણ કર્મે તેઓ ભગવાન હતાં.

હું 13 કુમાઊં રેજીમેન્ટનીચાર્લી કંપની માં એક સિપાઈ હતો અને મેજરની સાથે રેઝાંગ લા પોસ્ટ પર તૈનાત હતો. વહેલી સવારે ૩ કલાકે (૦૩૩૦ HRS) નાયક ગુલાબસિંહ (જેમને બાદમાં વીર ચક્ર મળ્યો)નાં સેક્શન પર ફાયરીંગ શરુ થઇ ગયું. અમારી કંપનીને સાબદા રહેવાની સુચનાઓ મળી હતી. જ્યારે મારા અધિકારીએ મને પૂછ્યું તો મેં જણાવ્યું કે પ્લાટુન નં. 8 તરફથી ખબર આવી છે કે તેમની પર દુશ્મને હુમલો અક્ર્યો છે. દુશ્મનો પહાડી ચઢવાની કોશિશો કરી રહ્યા હતાં પરંતુ હુકમ ચાંદ (વીર ચક્ર)ની લાઈટ મશીન ગને 4 દુશ્મનોને મોતને હવાલે કાર્ય. હજીતો દસ મિનીટ માંડ વીતી હશે ત્યાં પ્લાટુન નં. 7 થી ખબર આવી કે તેમના પર પણ હુમલો થયો છે. મેં સુરજા રામ (વીર ચક્ર) ને પૂછ્યું કે ત્યાં કેવીક પરિસ્થિતિ છે? તેમનો ઉત્તર હતો, ‘અમે પોઝીશન લઇ લીધી છે અને ચારસો દુશ્મનો 14000 ફૂટ થી 18000 ફૂટ તરફ ચઢાણ ચડી રહ્યા છે.’

અમે સમજી ચુક્યા હતા કે હજારો ચાઇનીઝ સૈનિકો અમારી પર હુલો કરવા શસ્ત્રસજ્જ થઇ આવી રહ્યા છે. દુશ્મન પાસે આર્ટીલરી સપોર્ટ પણ હતો જયારે આપણી તોપો અમારી પાછળ રહેલા પહાડને પાર કરીને અમારી મદદ કરવા પહોચી શકે તેમ નહોતું. હવે અમારી પાસે જે ટુકું સંખ્યાબળ અને હથીયારો છે તેનાથી જ દુશ્મનને રોકી રાખવાનો હતો.

હુમલો અવશ્યમ્ભાવી હતો. સંખ્યાબળ અને શાસ્ત્રોમાં ચડિયાતો દુશ્મન હવે અમારાથી થોડેજ દુર હતો. મેજર સાહેબે કહ્યું, “જો આપણે પીછેહઠ કરવી જ હોય તો અત્યારેજ સમય છે.” પણ જવાનો અને જે.સી.ઓ.એ કહ્યું, “આપણે રેઝાન્ગલા છોડીશું નહિ. આપણા પર ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ છે.” મેજરે કહ્યું, “હું પણ તમારી સાથે છું, હું પણ યાદવ છું, તો શું થયું જો મારું નામ ભાટી હોય.”

હું કમાંડ પોસ્ટ પર મેજરની સાથે તૈનાત હતો, અમારી પોસ્ટની બંને તરફ ફેલાયેલી પહાડીની ધારની કુલ અઢી કીલોમીટરના વિસ્તારમાં અમારાં જવાનો ફેલાયેલા હતા. થોડીજ વારમાં પ્લાટુન નં 8 માંથી મેસેજ આવ્યો હરિરામ(વીર ચક્ર)એ કહ્યું, “દુશ્મન ટેકરીની ટોચે પહોંચી રહ્યો છે. અમે તેને ખતમ કરી નાખીશું બસ એક વાર અમારી શૂટિંગ રેન્જમાં આવી જાય.” પ્લાટુન નં. 8 એ હુમલો નિષ્ફળ બનાવ્યો.

જેમ કીડીયારું ઉભરાયું હોય તેમ ચીની સૈનિકો પહાડી ચડી આવી રહ્યા હતા. અમે અમારી ચોકીઓ પર મુસ્તેદ હતા, દુશ્મનના વધુ બે હુમલા નિષ્ફળ ગયા.

હવે પ્લાટુન નં. 7 પર હુમલો થયો, પ્લાટુન નં. 9 મોખરે હતું પણ ચીનાઓએ તેના પર હુમલો ન કર્યો. તેમનો ઈરાદો પ્લાટુન નં. 9 ને આઈસોલેટ કરી દેવાનો જણાતો હતો. પણ દુશ્મનને ક્યાં ખબર હતી કે અમારાં કમાન્ડરે ચક્રવ્યૂહ રચ્યો હતો જેની મધ્યે એક કિલિંગ ગ્રાઉન્ડ રચ્યું હતું. જેથી કોઈ ઉપર તરફ ચઢી જ ન શકે. પ્લાટુન નં. 8 પર ત્રીજો અને ચોથો હુમલો પણ નિષ્ફળ રહ્યા.

ચીનાઓ લગાતાર હુમલાઓની નિષ્ફળતાના લીધે રઘવાયા થયા અને બમણી તાકાત થી તેમણે ફરી હુમલો કર્યો. સુરજા રામે મને કહ્યું, ‘રામ ચંદર, ખરાખરીનો સમય છે હવે આપણે પોસ્ટોની બહાર આવીને હાથો હાથની લડાઈ લડવાની છે. પ્લાટુન નં. 7 સાથે અમારો રેડિયો સંપર્ક તૂટી ગયો.પ્લાટુન નં. 8 સાથે ફરી રેડિયો વ્યવહાર પ્રસ્થાપિત થતાં જાણવા મળ્યું કે 14-15 યાક અને 700 જેટલાં ચાઇનીઝ અમારી અને પ્લાટુન નં. 8 ની વચ્ચેની ટેકરી પર પોઝીશન લઇ ચુક્યા છે. હુમલો હવે પીઠ પાછળથી પણ થઇ ચુક્યો છે.

પહેલા તો અમને લાગ્યું કે આ અમારી બટાલિયનની આલ્ફા(એ.) કંપની છે, જે અમારી મદદ માટે આવી છે. પણ જ્યારે તેમણે પોતાની મશીનગનોને અમારી સામે તાકવાનું શરુ કર્યું કે હવાલદાર મેજર હરફૂલ સિંહે કહ્યું, ‘આતો દુશ્મન છે!’

પરિસ્થિતિ જોતાં મેજરે હેડક્વાર્ટરથી વધુ નવ પ્લાટુનોની માંગ કરી. દુશ્મન પ્લાટુન નં. 8 પર હુમલો કરવાની ફિરાકમાં હતો અને અમે અચાનક પાછળથી તેમના પર હુમલો કરી અને દુશ્મનને અમારી અને પ્લાટુન નં. 8 ની વચ્ચે ફાંસલામાં ફસાવી ખતમ કરવાનું નક્કી કર્યું.

મેં મારી સગ્ગી આંખે મારા સાથીઓને એક હાથ

માં સંગીન લઇને હાથો હાથની લડાઈમાં શહીદ થતાં જોયા. સિંહરામ(વીર ચક્ર) અને અન્યોએ ગોળીઓ ખત્મ થઇ જતાં હાથો હાથની લડાઈ આરંભી. એક હાથમાં સંગીન લઈને દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યા પણ દરેક વખતે સંગીન કામ નહોતી આપતી. ચીનાઓએ જાડા પરકા(બખ્તર) પહેર્યા હતા જેને ચીરવા મુશ્કેલ હતા. મેં જોયું કે આપણા સૈનિકો વારંવાર બેયોનેટ હુલાવ્યા છતાં તેની બ્લેડ ચીનાઓના શરીરમાં ખુંપતિ નહોતી.

નાયક સિંહરામ, એ મલ્લ યુદ્ધમાં માહિર યાદવ કુશ્તીબાજ ચીની સૈનિકોને ગરદનથી અને વાળથી પકડી-પકડી ને એકબીજા સાથે અને પથ્થરો સાથે અફળાવીને નારિયેળની જેમ વધેરી રહ્યો હતો.. જાણે ધરતી પર સ્વયં મહાબલી ભીમ દુશાસનોનો સંહાર કરવા સારું લોહીની હોળી ખેલી રહ્યા હોય એવું એ દ્રશ્ય હતું. આ પહેલવાને અંગત સુરક્ષાની રત્તીભર પરવા કર્યા વગર સામી છાતીએ દુશ્મનની ગોળીઓનો શિકાર બનતા પહેલા દસેક ચીના સૈનિકોને મરણને શરણ કર્યા.

નાયક સિંહરામનું આ શૌર્ય અને ચીનાઓના તેણે કરેલા હાલ થકી તે ચીનાઓમાં પણ આદરને પાત્ર બન્યો. ચીનાઓ જતા પહેલા નાયક સિંહ રામ નાં મૃતદેહ નાં શિર પાસે એક બેયોનેટ (સંગીન) જમીન માં ખોસતા ગયા અને તેના પર એક હેલ્મેટ મુકતા ગયા. ચીનાઓએ એ વીરને ઇઝ્ઝત-સન્માન આપ્યું અને ત્યાં એક ચબરખી પણ મુકતા ગયા.
અમારી ધારણાની વિરુદ્ધ ભારતીય પોસ્ટો ચીનાઓના નિશાના પાર હતી. દુશ્મને મોર્ટાર ફાયરથી સર્વ પ્રથમ કમાંડ પોસ્ટ (મેજર સાહેબની પોસ્ટ)ને નષ્ટ કરી.

“વતન કી આબરૂ કા પાસ દેખેં કૌન કરતા હૈ, સુના હૈ આજ મકતલ મેં હમારા ઈમ્તિહાં હોગા.”

મેજર શૈતાન સિંહ પોતે કંપનીની પાંચેય પ્લાટુન પાસે જઈને તેમનો જુસ્સો વધારી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળીઓ વાગવાથી તેઓ ગંભીર રીતે ઘવાયા. બે સૈનિકો તેમને સુરક્ષિત સ્થાન પર ખસેડી રહ્યા હતા કે ચીનાઓની નજર તેમના પર પડી ગઈ. બચાવદળ પર ચીનાઓએ ગોળીઓનો વરસાદ કર્યો. કંપની કમાન્ડર પોતાના સૈનિકોનો જીવ કોઈ કાળે પોતાના લીધે જોખમમાં નાખી શકે તેમ નહોતાં. તેમણે મૈદાન-એ-જંગ પર પોતાના સાથીઓની વચ્ચેજ રહેવાનું પસંદ કર્યું. એજ સ્થળે પોતાની બંદુક હાથમાં લઈને દુશ્મનોનો સામનો કરતાં તેમણે સર્વોત્તમ વીરભોગ્ય શહીદી પ્રાપ્ત કરી.

હરફૂલ સિંહે છેલ્લે બચેલા ત્રણ સૈનિકો સાથે મળીને દુશ્મનની આગેકુચ રોકી રાખી પણ અંતે તેઓ શહીદ થયા.

રામકુમારની ૩ ઇંચ મોર્ટાર સેકશનના મોર્ટાર ગોળા ખતમ થઇ ગયા અને તેમને આદેશ હતો કે વ્યુહાત્મક દસ્તાવેજો, નકશા અને મોર્ટાર લોન્ચર ને ડિસેબલ (નકામું) કરી નષ્ટ કરી દો કારણ તે દુશ્મનો નાં હાથમાં આવવું ન જોઈએ. રામ કુમાર મોર્ટારને ડિસેબલ કરતો હતો ત્યાંજ દુશ્મનની નવ જેટલી ગોળીઓ એ તેનું શરીર વીંધી નાખ્યું. છતાંય રામકુમારે કમાંડ પોસ્ટમાં પોઝીશન લીધી અને જેવા ચીનાઓ નજદીક આવ્યા કે તેમણે .303 બોલ્ટ એક્શન રાયફલ વડે ગોળીઓ ધરબીને કેટલાય દુશ્મનોનો ખાત્મો કર્યો.

બચેલા ચીનાઓએ હેન્ડ ગ્રેનેડ વડે તેના પર હુમલો કર્યો અને ગ્રેનેડનાં અસંખ્ય છર્રા વડે વધુ ઘવાયેલા રામ કુમારની આંખ આડે અંધારું છવાઈ ગયું અને ચીનાઓએ રાહતનો શ્વાસ લીધો. રામ કુમારને ચીનાઓએ મૃત માનીને તેમના શરીરને નજીકના બંકરમાં ફેંકી બંકરને બહારથી આગ ચાંપી દીધી. બળતાં કપડાનાં ગરમાટાએ રામ કુમારના દેહમાં પ્રાણ ફૂંક્યા શૂરો ફરી બંકરની બહાર આવ્યો, ઘણી વાર પછી જીવ માં જીવ આવ્યો. રામ કુમાર પડતાં આખડતા છ માઈલ દુર પહાડોની તળેટીએ આવેલા બટાલિયન હેડકવાર્ટર પહોંચ્યા પોતાના સાથીઓની વીર ગાથાઓ સુણાવવા.

બે દિવસો સુધી ભારતીય સૈનિકોએ ચીની પી.એલ.એ.ને રોકી રાખી, 18 નવેમ્બર 1962 નાં કુમાઊંનાં 123 સૈનિકોમાંથી 109 જવાનો અને તેમના કંપની કમાન્ડર દેશની રક્ષા કરતા શહીદીને વરી ચુક્યા હતા. ભારતીય સૈનિકોની બન્દુકોમાં ગોળીઓ ખતમ થઇ ગઈ છતાં પણ બચેલા સૈનિકો ચીનની સામે ઝૂક્યા નહિ.

રેઝાંગ-લા પર છેલ્લી ગોળી ખતમ થઇ અને છેલ્લો જવાન શહીદ થયો તે બાદ ચીર શાંતિએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું.

જયારે મને સારવાર માટે દિલ્હી લઇ જવામાં આવ્યો અને ત્યાં મારું ડીબ્રીફિંગ થયું તો ત્યાં આર્મી હેડકવાર્ટરમાં મારી વાત પર કોઈ ને વિશ્વાસ નહોતો આવતો.દિલ્હી નું વાતાવરણ એવું હતું કે ત્યાંની હવામાં ભોજન કરવું તો દુર હું શ્વાસ લેવા પણ તૈયાર ન હતો.

રેઝાંગ લા પછી ચીનાઓ યુદ્ધને જીરવી ન શક્યા અને તેમણે યુદ્ધ વિરામ ની ઘોષણા કરી. અહીંજ તેમને ખુબ મોટી હાની પહોંચી હતી. ન બોમડીઆમાં ન નેફામાં પણ આ જ સ્થાને અમે મોરચો ન છોડ્યો અને તેમનો સામનો કર્યો, લડ્યા.

આ લડાઈનું મહત્વ સમજવા જેવું છે. આ કંઈ લશ્કરની એક લાઈટ બ્રિગેડ નો હુમલો માત્ર ન હતો. પણ ભારતીય લશ્કરના 13 કુમાઊંનાં આહીરોનો આ મરણીયો હુમલો ન ભૂતો ન ભવિષ્યતિ હતો. ભારતીયોની આ કુમકે કરેલા સંઘર્ષે 1962 નાં ભારત ચીન યુદ્ધમાં એક મોટો વ્યુહાત્મક બદલાવ આણ્યો. મરણીયા બનેલા આહીરો તેમના પરમવીર નાયકના માર્ગદર્શનમાં દુશ્મનો પર યમદુતો બનીને ત્રાટક્યા એક એક સૈનિકે દસ દસ દુશ્મનોનો સંહાર કર્યો. ગૌમાતાના દુધની તાકાતે ચીનાઓને છઠ્ઠીનું દુષ યાદ દેવડાવી દીધું. આપણું સદનસીબ છે કે યાદવજી જેવા ચારેક સૈનિકો આપણને આ અપ્રતિમ શૌર્યની ગાથા કહેવા આ લડાઈમાં બચી ગયા.

1962માં ચીનનો વ્યૂહ પહાડી ઊંચાઈઓ જ્યાંથી તેમની ચોકીઓ પર આપણે નજર રાખતાં હતા તે કબ્જાવવાનો હતો, જે કામયાબ રહ્યો. ભારતે સૈન્ય હારનો સામનો કર્યો અને આફ્રો એશીયાઇ મુલ્કોના એક માત્ર સુપર પાવર તરીકે ચીનનો ઉદય થયો.

કહે છે, ચીને આ લડાઈમાં પાંચ ભારતીય સૈનિકોને યુદ્ધ બંદી બનાવ્યા હતા જેમાંથી બલબીર સિંહ દુશ્મનની કેદ માં શહીદ થયા…

ભારતીય સૈનિકોની બહાદુરીથી હારીને ચીની સૈનિકોએ હવે પહાડીથી નીચે ઉતારવાની હિંમત ન કરી. અને ચીન કદીય ચુશુલ પર કબજો ન કરી શક્યું. હરિયાણાનાં રેવાડી સ્થિત આ આહીર જવાનોની યાદમાં બનાવેલા સ્મારક પર લખ્યું છે કે ચીનનાં 1300 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતા આ ભારતીય વીરો એ. ચીનાઓએ પોતાના મૃતદેહોને લઇ જવા માટે 25 ટ્રકો લાવવી પડી હતી.

રેઝાંગ-લાની એ લડાઈમાં શહીદ થયેલા એ વીર જવાનોનો ચુશુલમાં સંપૂર્ણ મીલીટરી સન્માનથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જયારે તેમના કંપની કમાન્ડર વીર મેજર શૈતાનસિંહનાં મૃત શરીરને રાષ્ટ્રધ્વજ માં લપેટીને વિમાનમાં તેમના વતન લઇ જવામાં આવ્યું જ્યાં તેમનો પુરા રાજકીય સન્માનથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

ચાર્લી કંપનીનાં અપ્રતિમ શૌર્યનું રાષ્ટ્રે કૃતજ્ઞતા પૂર્વક વીરતા પુરસ્કારો વડે સન્માન કર્યું. મેજર શૈતાન સિંહ ને મરણોપરાંત દેશના સૌથી મોટા પદક પરમવીર ચક્ર થી નવાજવામાં આવ્યા. જમાદાર સુરજા રામ (મરણોપરાંત), જમાદાર રામચંદર, જમાદાર હરી રામ (મરણોપરાંત), નાયક રામ કુમાર યાદવ, નાયક હુકમ ચાંદ (મરણોપરાંત) નાયક ગુલાબ સિંહ (મરણોપરાંત), લાંસ નાયક સિહ રામ (મરણોપરાંત) અને સિપાઈ (આર્મી મેડીકલ કોર્પ્સ (એ.એમ.સી.)) ધરમપાલ દહિયા (મરણોપરાંત) ને વીર ચક્ર એનાયત કરાયો. કંપની હવાલદાર મેજર હરફૂલ સિંહ(મરણોપરાંત), હવાલદાર જય નારાયણ, હવાલદાર ફૂલ સિંહ અને સીપાય નિહાલ સિંહ ને સેના મેડલ આપવામાં આવ્યો. જમાદાર જય નારાયણ (મરણોપરાંત) ને મેન્શન ઇન ડીસ્પેચ માં ઉલ્લેખવા માં આવ્યા.
રેઝાંગ લા નું ‘ધ લાસ્ટ સ્ટેન્ડ’ સૈન્ય જીવનની યશ ગાથાઓ અને મૃત્યુ સમીપે પણ સ્વ નો રત્તી ભાર વિચાર કર્યા વગરની ફરજપરસ્તી નું ગૌરવવંતુ ઉદાહરણ પૂરું પાડે છે. ચેતન આનદે તેના પરથી પ્રેરણા લઇ ને હિન્દી ક્લાસિક હકિકત બનાવી.

વીરગતિને પ્રાપ્ત થયેલા આ વીર જવાનોની યાદમાં ચુશુલની નજીક, જ્યાં તેમનો અંતિમ સંસ્કાર થયો હતો ત્યાં રેઝાંગ-લા માં એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું. સેના ચુશુલના આ વીરોને દર વર્ષે 18 નવેમ્બરનાં રોજ યાદ કરવાનું ભૂલતી નથી.

તેમની બટાલિયનને આ વીરતા બદલ ‘ધ બેટલ ઓનર રેઝાંગ-લા’ અને ‘થીએટર ઓનર ઓફ લદ્દાખ’ અર્પણ કરવામાં આવ્યું.

લેખક : પેટ્ટી ઓફિસર મનન ભટ્ટ

ટીપ્પણી