રિવેન્જ : Story of Dark Hearts… આજે માણો ભાગ – ૪

આ એપિસોડિક સ્ટોરી નો ભાગ – 1, ભાગ – 2 અને ભાગ-3 વાંચવા જે તે ભાગ પર ક્લિક કરો

========
ભાગ – ૪
========

“આમ અચાનક મીટીંગની જગ્યા ચેન્જ કરવાનો શું મતલબ?”
કે.ટી.શાહ એ સેક્રેટરી શુક્લાને ગુસ્સામાં કહ્યું. રશિયન વી.સી.ફર્મના મેનેજર અને એજન્ટ પહેલા કે.ટી.શાહની ઓફીસે મીટીંગ કરવાના હતા, જેના બદલે અચાનક રશિયન મેનેજરના ઇન્ડિયન ટ્રાન્સલેટરનો કોલ આવ્યો કે સર હોટેલમાં જ મીટીંગ કરવા ઈચ્છે છે. સામાન્ય રીતે પોતે બીજાને ઓર્ડર આપવા વાળા અને મીટીંગની જગ્યા ફિક્સ કરવા વાળા કે.ટી.શાહ આજે મજબૂરીમાં બીજાના ઈશારા પર કામ કરી રહ્યા હતા.

“સર, અત્યારે એમના કહ્યા મુજબ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એક વખત ડીલ ફાઈનલ થઇ જાય પછી જોઈ લઈશુ.”
શુક્લા એ સમજદારી પૂર્વક સમજાવતા કહ્યું. હોટેલ તાજના એક રૂમમાં મીટીંગ ગોઠવાઈ. રશિયન મેનેજર પ્યોર રશિયન ભાષામાં વાત કરી રહ્યો હતો જેનું ટ્રાન્સલેશન કરીને એક ઇન્ડિયન ટ્રાન્સલેટર બધું સમજાવી રહ્યો હતો. શુકલાનું પૂરું ધ્યાન એ ટ્રાન્સલેટરની વાતોમાં અને ફાઈલો ચેક કરવામાં ને ફોર્મસ સબમિટ કરવામાં હતું, પણ કે.ટી.શાહ વારંવાર એ રશિયન મેનેજરની સામે જોઈ રહ્યા હતા, જાણે એમણે પહેલા એને ક્યાંક જોયો હોય. કે.ટી.શાહનું ધ્યાન વારંવાર પોતા તરફ જાય છે એ જોઇને રશિયન મેનેજરે

“મારા મોઢા સામે નહિ પણ ફાઈલ્સ કમ્પ્લીટ કરવામાં ધ્યાન આપો.”
એવું કહેવા ટ્રાન્સલેટરને કહ્યું. ટ્રાન્સલેટરએ થોડું અચકાતાં કે.ટી.શાહ ને રશિયન મેનેજરની વાતનું ભાષાંતર કહ્યું. કે.ટી.શાહએ ગુસ્સામાં મેનેજર સામે જોયું અને કંઇક કહેવા ગયા, પરંતુ ગુસ્સો દબાવીને ફાઈલો તરફ ધ્યાન દોર્યું. રશિયન મેનેજર એમની આ હરકતથી આછું હસવા લાગ્યો. જેથી કે.ટી.શાહને વધુ ગુસ્સો આવ્યો, એ ફાઈલ બંધ કરીને કંઇક કહેવા જઈ રહ્યા હતા પણ શુક્લા એ એમને રોકી લીધા. “સર, અત્યારે આપણને એમની ગરજ છે, થોડું સહન કરી લ્યો, મને ખબર છે પછી તમે આ વાતનો બદલો લીધા વગર નહિ રહી શકો.”

શુક્લાની વાત સાંભળીને કે.ટી.શાહ પાછા પોતાના કામે લાગ્યા. ત્યારબાદ બાદ કંપનીની ખરાબ હાલત દર્શાવતી ફાઈલો જોઇને રશિયન મેનેજર કે.ટી.શાહ પર ભડકતો, ઇન્વેસ્ટ કરવામાં ઘણું જોખમ છે, તમે ભરોસા લાયક નથી, બિઝનેસ સેન્સ જેવું કંઈ નથી એવું કહીને તે ઘણી વખત ડીલ કેન્સલ કરવાની ધમકી પણ આપતો, પણ એ સમયે શુક્લા સમજદારી પૂર્વક બધું સમજાવતો અને આગળ એ વાતનું ધ્યાન રખાશે એવું વિશ્વાસ આપતો. ડીલ ફાઈનલ થઇ, કાંચની એક ટેબલ પર બધાં ડોક્યુમેન્ટ્સ સાઈન થયા, અને કે.ટી. શાહના ફિંગરપ્રિન્ટ એક મશીન દ્વારા સેવ કરવામાં આવ્યા. ફિંગરપ્રિન્ટ લેવાની બાબત કે.ટી.શાહને થોડી અજુકતી લાગી, પણ પૂછવાથી વળી પેલો રશિયન ભડકશે એ વિચારીને એમણે કંઈ ન કહ્યું. મીટીંગ પૂરી થતાં કે.ટી.શાહ એ રશિયન મેનેજર સાથે હેન્ડશેઈક કર્યું અને હોઠમાં સાદું મલક્યાં, જાણે કહેતા હોય કે “હવે આગળની બાજી મારા હાથમાં છે, એક એક અપમાનનો બદલો લઈશ.” પણ એમની નજર હજી રશિયન મેનેજરની આંખો પરજ હતી, જાણે એ આંખોને એ સારી રીતે ઓળખતા હોય. અસમંજસ સાથે એ હોટેલથી બહાર આવ્યા.

“કંઇક તો છે જે મારી સમજથી બહાર જાય છે શુક્લા, આ રશિયન ચાપલો મને જાણીતો લાગતો હતો, એ તીખી અને ધારદાર આંખો, કોઈકને અપમાનીત કરીને હસવાની શૈલી, વ્યક્તિને તેની ઓકાત દેખાડવાનો ભાવ, મને વારંવાર કોઈકની યાદ અપાવી રહ્યું હતું.”
કે.ટી.શાહ એ કારમાં આગળની સીટ પર બેઠેલા શુક્લા ને કહ્યું.

“એ બધું વિચારીને ચિંતા કરવાને બદલે પેલો ચાપલો માનીગયો એની ખુશી મનાવો, હવે શાહ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ને કોઈ રોકી નહિ શકે.”
શુક્લાની વાત સાંભળીને કે.ટી.શાહના ચહેરા પર થોડું સુખદ અને થોડું ખંધુ સ્મિત ફરક્યું.

“હવે પેલા ચાપલાંને ખબર પડશે કે તેણે કોનું અપમાન કર્યું છે?”
વિચારીને એમણે આંખો બંધ કરી અને સીટ પર માથું જુકાવ્યું, પણ આંખ બંધ થતાની સાથેજ એમને એ રશિયન મેનેજરની આંખો દેખાવા લાગી, કંઇજ બોલ્યા વગર ઘણું કહી જતી, સામે વાળી વ્યક્તિને અંદર સુધી પારખી લેતી અને ખૂંચી જતી એ આંખો જોઇને કે.ટી.શાહની આંખો ખુલી ગઈ. શુકલાનું ધ્યાન કે.ટી.શાહ પર જ હતું, એ જાણતો હતો કે ક્યા કારણથી કે.ટી.શાહની આંખો અચાનક ખુલી ગઈ હશે, તેને મનમાં થયું,

“આ આંખો ભલે હમણાં ખુલી ગઈ, પણ અંતરની આંખો ખોલવામાં ઘણું મોડું થઇ ગયું છે, હવે આમને કોઈ બચાવી શકે તેમ નથી, ખુદ તે પોતે પણ નહિ.”
ત્યારેજ કે.ટી.શાહનો ફોન રણક્યો, સામે છેડે ધીરજ હતો,

“ખૂબ ખૂબ અભિનંદન મિ.શાહ. આખરે રશિયન ઇન્વેસ્ટર માની ગયા.”
ધીરજની વાત સાંભળીને કે.ટી.શાહને આંચકો લાગ્યો, આખરે આને કેમ ખબર પડી?

“ઝટકો લાગ્યો ને..? પણ હવે એનાથી પણ વધુ મોટો ઝટકો આપું, તમારો ખાસ માણસ, તમારો વજીર, બીચાડો ટ્રકની અડફેટે આવી ગયો અને પતી ગયો, જેવી રીતે તમે અને એણે નીરવને માર્યો હતો એ જ રીતે આજે વિકાસ માર્યો છે, તમારા ડ્રાઈવર ને કહેજો જરા બચીને ચલાવે હવે આગળ તમારો જ નંબર છે.”
કહીને ધીરજે જોરથી એક ક્રૂર હાસ્ય કરતાં ફોન કટ કર્યો. એ જ સમયે પાણીનો સામેથી એક ટેન્કર ધસમસતો કે.ટી.શાહની કાર તરફ આવી રહ્યો હતો એ જોઇને કે.ટી.શાહના મોઢા માંથી ચીસ નીકળી ગઈ.

“એ ડ્રાઈવર જોઇને…”
સામેથી ટેન્કર આવી રહ્યું છે એ ખ્યાલ પડતાજ કે.ટી.શાહના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ડ્રાઈવરે માંડ કાર કંટ્રોલ કરીને સાઈડમાં ઊભી રાખી. કે.ટી.શાહની કાર ટેન્કર નીચે ચગદોડાઈ ગઈ હોત જો ટેન્કરના ડ્રાઈવરે એન્ડ ટાઈમ પર ટેન્કર બીજી બાજુ વાળ્યું ન હોત. જાણે એ માત્ર ડરાવવા માટેજ સામે આવ્યો હોય એ રીતે તેણે ટેન્કર અચાનક જ વાડી લીધું. કારમાં બેઠેલા કે.ટી શાહને એમના ધબકારા કાન સુધી સંભળાવા લાગ્યા હતા, પાછો એમને ધીરજ નો કોલ આવ્યો અને કોલ રીસીવ થતાંની સાથેજ ધીરજ પાછો એજ ક્રૂરતા થી હસ્યો.

“કેમ સર…શ્વાસ ગળા સુધી આવી ગયો ને..? આ તો જસ્ટ ટ્રેઇલર હતું, ચિંતા ન કરો તમને આટલી સરળતાથી નહિ મારું, આવતીકાલથી તમે પ્રત્યેક ક્ષણે મરશો, માંગવા છતાં પણ તમને મોત સરળતાથી નસીબ નહિ થાય. જરા સંભાળીને રહેજો, આજે રાત્રે જેટલું ઈચ્છો એટલું ઊંઘી લેજો કારણકે આવતીકાલની સવાર પછી તમને કદાચ ઊંઘવાનો મોકો પણ નહિ, મળે.”

“યુ બ્લડી બાસ્ટર્ડ, જોઈ લઈશ તને, તું નહિ બચે, તને હજી અંદાજો પણ નથી કે હું કેટલી હદે ક્રૂર થઇ શકું છું….”
કે.ટી.શાહ આમજ ગુસ્સામાં ગાળો આપતા રહ્યા, અચાનક એમને ખ્યાલ આવ્યો કે કોલ તો ક્યારનો કટ થઇ ગયો હતો. એમણે ગુસ્સામાં ફોન કારની સીટ પર પછાડ્યો. એજ સમય દરમિયાન શુક્લાને કોઈકનો કોલ આવ્યો, ફોન પર વાત કરીને તેણે કે.ટી.શાહને કહ્યું. “સર, મારે જરા ઈમરજન્સી જવું પડશે, કેન આઈ લીવ?”
“ઓકે, આજ સાંજની મારી બધીજ એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ કરી દેજે, હું આવતીકાલે સવારે ઓફિસે આવીશ.” કે.ટી.શાહની વાત સાંભળીને શુક્લા કારમાંથી ઉતરી ગયો અને કે.ટી.શાહ ઘર તરફ જવા માટે રવાના થઇ ગયા.

* * * * *
“શા માટે મને અહી પૂરી રખી છે? આખરે કોઈ જણાવશે મને?”
ધીરજે વાત પતાવીને ફોન ટેબલ પર મૂક્યો ત્યારેજ તેને બાજુના રૂમમાંથી નીલમના બરડા સંભળાયા. ધીરજ ને લાગ્યું કે હવે નીલમને હકીકત જણાવવાનો સમય આવી ગયો છે. એ તરતજ ફોટો આલ્બમ્સ, વિડીયો પ્લેયર, ફાઈલ્સ અને બીજા ડોક્યુમેન્ટ્સ લઈને નીલમના રૂમ તરફ ગયો. ધીરજે નીલમને શરૂઆતથી અત્યાર સુધીની બધીજ સત્ય હકીકત સંભળાવી, નીલમ અને નીરવ મળ્યા ત્યારથી નીલમના મૃત્યુના સમાચાર અને પછી નીરવની મૃત્યુની હકીકત વિષે બધુંજ સમજાવ્યું. નીલમને વિશ્વાસ આવે એ માટે ફોટોસ અને વિડીયોસ દેખાડ્યા.

“આઈ ડોન્ટ બીલીવ ધીસ બુલશીટ, મારા દાદા આવું ન કરી શકે, કદાચ બિઝનેસમાં કોઈ ચીટીંગ કે એવું કર્યું હોઈ શકે, પણ કોઈને મારી નાખવું..? આટલી હદે મારા દાદા ક્રૂર નથી.”
બધું સાંભળ્યા અને જોયા પછી પણ નીલમને ધીરજની વાત પર વિશ્વાસ નહોતો આવતો.

“ક્રૂર..? અરે ક્રૂરતા તો બહુ નાનો શબ્દ છે એ માણસ માટે, એ માણસ એથી વધુ ખરાબ છે. બિઝનેસના સ્વાર્થમાં એમણે પોતાના સગા દીકરાને પણ નથી છોડ્યો, તારા પિતાનું એક્સીડેન્ટ નીરવે નહિ પણ તારા દાદા કે.ટી.શાહ એજ કરાવ્યું હતું.”
ધીરજે ખૂબજ ગુસ્સામાં ખુલાસો કરતા કહ્યું.

“વ્હોટ….? તું જાણે છે તું શું બકે છે..?”
નીલમે આશ્ચર્ય અને ગુસ્સાની સાથે ધીરજને કહ્યું.

“આઈ એમ સોરી, આ વાતનો ખુલાસો કરવાનું મારા પ્લાનમાં ન હતું, પણ મારા મિત્રના ખૂની ને કોઈ સાચો અને એ મારા મિત્રને કોઈ ખોટો સમજે એ હું સહન ન કરી શક્યો. હા…તારા દાદા એજ તારા પિતાનું એક્સીડેન્ટ કરાવ્યું, કારણકે, મિ.વ્યોમેશ શાહના અન્ડરમાં કંપની નુકશાનમાં જઈ રહી હતી, એનું કારણ વ્યોમેશ શાહ નહિ પણ કે.ટી.શાહ હતા. એમણે દગાબાજીથી ઘણા લોકોના પૈસા પડાવ્યા હતા, ઇન્વેસ્ટર્સને ચૂનો લગાવ્યો હતો, પોતાના એમ્પ્લોયસ ને છેતર્યા હતા, અને જ્યારે આ બધી વાતો બહાર આવી ત્યારે એમણે સન્યાસ જાહેર કરીને ખુરશી પર વ્યોમેશ શાહ ને બેસાડ્યાં. વ્યોમેશ શાહ સાચા માણસ હતા, એમને આ બધી વાતોની જાણ થતાં એમણે બધાંજ પૈસા પાછા આપવાના શરૂ કર્યા, ઇન્વેસ્ટર્સ હકીકત જણાવીને પોતાની ચાર ફેકટરીઓ વેચીને એમની લોન ક્લીઅર કરી, એ સિવાય જેટલા પણ ગફલા કે.ટી.શાહએ કર્યા હતા એ બધાં ક્લીઅર કરીને પોતાના જ પિતા પર કેસ નોંધાવ્યો, કંપની અને બોર્ડ મેમ્બર્સને ચીટ કરવાની બાબતમાં એમના પર તપાસ થવાની હતી જેના એકમાત્ર વિક્ટમ વ્યોમેશ શાહ હતા. એ રાત્રે એમણે જ નીરવને કહેલું કે ગમે તે થાય કંપનીના એમ્પ્લોયસ સાથે થયેલી છેતરામણનો બદલો હું જરૂર લઈશ અને જો હું ન લઇ શકું તો તું લેજે, નહીતર આ માણસ મારી દીકરીને પણ ક્યારેક આમાં જ ફસાવી દેશે, એટલા માટે નીરવે તને પોતાની સાથે રાખી, પણ કોર્ટમાં કેશ દાખલ થાય એ પહેલાજ કે.ટી.શાહ એ વ્યોમેશ શાહને એક્સીડેન્ટમાં મરાવી દીધા અને નીરવને તેમાં ફસાવવાની કોશિશ કરી, પણ નીરવનું એ કંઈ જ બગાડી ન શક્યા, નીરવ ધારત તો એમને કોર્ટમાં પહોચાડી દેત, પણ એની ઈચ્છા હતી કે, કે.ટી.શાહને આટલી સરળતાથી હાર નથી આપવી, એમને હરેક ક્ષણ પોતાની હાર, પોતાની ભૂલો યાદ આવવી જોઈએ.

માટે, તેણે શાહ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝને ભોય ભેગી કરી દીધી. જ્યારે નીરવને ખબર પડી કે વિકાસ પણ એક ચીટર છે, ત્યારે તેણે કંપનીમાંથી વિકાસને કાઢવાનું અને તેની કંપની સીલ કરવાનું નક્કી કર્યું, પણ બચવા માટે વિકાસે તને પોતાની ઢાળ બનાવવાની કોશિશ કરી, પોતાના પ્રેમમાં ફસાવવા માટે પ્રયત્નો શરુ કર્યા ત્યારે નીરવે વિકાસ પર એક ખોટો કેશ દાખલ કરીને તેને કંપનીમાંથી કાઢી મૂક્યો, એ પગલું પણ નીરવે તને બચાવવા માટેજ ઉપાડ્યો જે ઘણું મોંઘુ પડ્યું. કે.ટી.શાહ એ “દુશ્મન કા દુશ્મન દોસ્ત” ની પદ્ધતિ અપનાવીને તને એક કાર એક્સીડેન્ટમાં મૃત જાહેર કરીને વિકાસ સાથે લંડન મોકલી દીધી. ત્યાં વિકાસને એક બિઝનેસ સ્ટાર્ટ કરાવીને તારું બ્રેઈનવોશ કરાવ્યું, જેથી તું બધુંજ ભૂલી જાય અને એમના ઇશારા પર કામ કરી શકે. નીરવ ક્રૂર હતો, જાલિમ હતો, પોતાના બિઝનેસ માટે તેણે ઘણાને નુકશાન પણ પહોચાડ્યું હતું, પણ જ્યારે તેને પોતાની ભૂલ સમજાઈ, જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના કર્મોના કારણે તું એનાથી દૂર થઇ ગઈ છો ત્યારે તેણે જેને જેને નુકશાન પહોચાડ્યું હતું એ દરેકને પોતે નુકસાન વેઠીને પાછા એમના ક્ષેત્રમાં વેલસેટ કરી દીધા અને સાચાં અર્થમાં પ્રાયશ્ચિત કર્યું. હું પણ આ બધું ન’તો જાણતો, હું પણ નીરવને એક ગુનેગાર માનતો હતો, પણ જ્યારે વિકાસે લંડનમાં નીરવના એક મિત્રને બરબાદ કરી નાખ્યો ત્યારે હું એની સાથે લંડન આવ્યો હતો, જ્યાં પહેલી વખત નીરવે તને જોઈ, તને મળવા માટે ઘણા પ્રયત્નો કર્યા તારી પાછળ પાછળ દોડ્યો પણ તું કદાચ ડરીને ભાગી ગઈ હતી. ત્યારથી શરૂઆત થઇ તને શોધવાની અને વિકાસને બરબાદ કરવાની. જેવા નીરવને સમાચાર મળ્યા કે એ તુંજ હતી અને તું વિકાસ સાથે રહે છે, એને ખૂબજ ગુસ્સો આવ્યો,

પણ પછી હકીકત જાણીને એ તને બચાવવા માટે લઇ જવા માટે પાછો લંડન આવ્યો હતો. એ વખતે રસ્તામાં નીરવે મને બધી વાત કરેલી. મારી કહેલી કોઈ પણ વાત પર જો શંકા હોય તો તારું બ્રેઈનવોશ કરવાવાળા ડો.પ્રભાકર અને તારા દાદાની સાથે પડછાયાની જેમ રહેવાવાળા એમના સેક્રેટરી શુક્લા અહીજ છે એમને પૂછી શકે છે.”
કહીને ધીરજ આંખોમાં આવેલા આંસુ લુછતા રૂમની બહાર ચાલ્યો ગયો અને ડૉ.પ્રભાકર અને શુક્લાને અંદર મોકલ્યા. એ બંનેની વાતો સાંભળીને નીલમને ધીરજની વાત પર વિશ્વાસ આવ્યો અને ખૂબજ રડવા લાગી. ભીંજાયેલી આંખો એ પોતાનું અને નીરવનો નીરવ પહેલી વખત બિઝનેસ કમિટીનો ચેરમેન બન્યો એ વખતનો ફોટો જોવા લાગી, નીલમની આંખમાંથી એક ટીપું ફોટા પર પડ્યું નીલમે એ સાફ કરીને નીરવના ફોટા પર એક ચૂમી લીધી અને ફોટો છાતીએ ચાંપીને રડવા લાગી. આ બધુંજ રૂમની બારીની વચ્ચેની થોડી જગ્યામાંથી ઇન્સ્પેક્ટર શર્મા જોઈ રહ્યો હતો, એની આંખો પણ નીલમને રડતા જોઇને થોડીવાર માટે ભીંજાઈ ગઈ. પણ તરતજ સ્વસ્થ થઈને એ ધીરજ પાસે ગયો અને કહ્યું.

“વી આર રેડી ફોર નેક્સ્ટ મુવ…”
ઇન્સ્પેક્ટર શર્માની વાત સાંભળીને ધીરજ તેની સામે થોડું મલકાયો, ઇન્સ્પેક્ટર શર્માને ભેટીને તેના કાનમાં કહ્યું

“ઓલ ધી બેસ્ટ બ્રધર…”
* * * * *
“ભોલા..ચા બનાવજે…”
કે.ટી.શાહએ પોતાના નિત્યક્રમ મુજબ સવારે ૯વાગે ઉઠતા વેંત જ નોકરને ચા બનાવવાનું કહ્યું.

“એ તો ક્યારની બની ગઈ સાહેબ, બસ, તમે બહાર આવો તો સાથે નાસ્તો કરીએ…”
કે.ટી.શાહને એક અજાણ્યો અવાજ સંભળાયો. એ તરતજ રૂમની બાહર આવ્યા અને જોયું તો ઇન્સ્પેક્ટર શર્મા અને એના ૩ સાથીદારો હોલમાં સોફા પર બેસીને ચા પી રહ્યા હતા.

“હાઉ ડેર યુ ટુ કમ ઇન માય હાઉસ વીધાઉટ પરમીશન…”
કે.ટી.શાહએ તીખા સ્વરમાં કહ્યું.

“એમાં એવું છે સર, કે પોલીસ ક્યારેય ગુનેગારને નોટીસ આપીને કે પરમીશન લઈને અરેસ્ટ કરવા ન આવે.”
ઇન્સ્પેક્ટર શર્મા એ ચાનો એક ઘૂટડો પીતાં કહ્યું.

“અરેસ્ટ…? ક્યા ગુનામાં…સોરી શેના ગુનામાં?”
કે.ટી.શાહ એ ઇન્સ્પેક્ટર શર્માની સામે ઊભા રહીને ગુસ્સાવાળા યથાવત્ અવાજમાં પૂછ્યું.

“તમારો પહેલો સવાલ સાચો હતો…ક્યા ગુનામાં?, કારણ કે તમારા પર તો ઘણા ગૂના દાખલ થઇ શકે તેમ છે પરંતુ હું થોડા ઘણાંની જ યાદી બનાવીને આવ્યો છું.”
ઇન્સ્પેક્ટર શર્મા એ પોતાની શાંતિ અને ચા યથાવત રાખતા કહ્યું.

“જુઓ ઇન્સ્પેક્ટર, હું ધારું તો આ મજાક માટે તમને નોકરી પરથી હટાવડાવી શકું છું, તમને ભાન છે તમે કોની સામે વાત કરી રહ્યા છો? મને તામારા સિનીયરથી વાત કરવી છે…”
કે.ટી.શાહ એ ધમકાવતા કહ્યું.

“સિનીયર તો શું, તમને તમારા વકીલને પણ વાત કરવાની છૂટ નથી, જે કહેવું હોય કે કરવું હોય એ પોલીસ સ્ટેશન ચાલીને કરજો. આ રહ્યો તમારો અરેસ્ટ વોરંટ, તમારો રિમાન્ડ વોરંટ અને તમારા ઘરનો સર્ચ વોરંટ. હવે ચૂપચાપ કંઇજ બોલ્યા વગર મારી સાથે ચાલો, હું નથી ઇચ્છતો કે મારે એક સિનીયર સીટીઝનને ઘસડીને લઇ જવા પડે.”
બોલતા બોલતા ઇન્સ્પેક્ટર શર્માનો અવાજ પણ તીખો થવા લાગ્યો.

“પહેલા મને મારો ગુનો જણાવો…”
કે.ટી.શાહએ થોડા નીચા અવાજમાં કહ્યું.
“ઓકે, લેટ્સ સ્ટાર્ટ, કોન્સ્ટેબલ નોટ કરો. અપરાધ નંબર એક, વ્યોમેશ શાહનો ખૂન કરવું…

“આ આરોપ ખોટો છે…”
કે.ટી.શાહએ ગુસ્સામાં કહ્યું,

“અપરાધ નંબર બે, નીલમને મૃત જાહેર કરીને દેશથી બહાર મોકલવું,…”

“ધીસ ઈઝ બુલશીટ…”
કેટી શાહએ વધુ આક્રોશમાં કહ્યું.

“અપરાધ નંબર ત્રણ, ડૉ.પ્રભાકરને ધમકાવીને નીલમનું બ્રેઈન વોશ કરાવવું”

“આ સરસર ખોટા આરોપો છે…”

“અપરાધ નંબર ચાર, નીરવની હત્યામાં વિકાસનો સાથ દેવો..”

“મે વિકાસનો સાથ નથી આપ્યો…”
કે.ટી.શાહ એ ઇન્સ્પેકટર પર ભડકતાં કહ્યું.

“અપરાધ નંબર પાંચ, વિકાસ પર હુમલો કરાવવો અને તેને મારી નાખવો…”

“વ્હોટ…? આ તદ્દન ખોટી વાતો છે….”
હાલતા ચાલતા અપરાધનું લીસ્ટ વાંચી રહેલા ઇન્સ્પેકટર શર્માની બોચી પકડતા કે.ટી.શાહ એ કહ્યું.

“અપરાધ નંબર છ, અરેસ્ટ કરવા આવેલા ઇન્સ્પેક્ટર ને ધમકાવવાની કોશિશ કરવી અને હાથ ઉપાડવો…”
કે.ટી.શાહ એ ઇન્સ્પેક્ટર શર્માની બોચી છોડી દીધી અને ઇન્સ્પેક્ટરના હાથમાંનું લીસ્ટ ફાડીને ફેંકી દીધું.

“મને ખબર હતી તમે આવુજ કંઇક કરશો એટલા માટે જ મે કોન્સ્ટેબલ ને નોટ કરવાનું કહ્યું. અપરાધ નંબર સાત, અપરાધોનું લીસ્ટ અને કોર્ટના વોરંટ ફાડી નાખવા.”
કહીને ઇન્સ્પેક્ટર શર્મા એ પોતાના હાથમાં રહેલા સર્ચ વોરંટ ફાડી નાખ્યા.

“યુ બ્લડી….”

“અપરાધ નંબર આઠ, ઓનડ્યુટી ઇન્સ્પેકટરને ગાળો આપવી”.

“પણ હું તો ગાળ બોલ્યો જ નથી…?”

“પણ મે તો સાંભળી…હજી અપરાધોનું લીસ્ટ વધારું કે આટલા કાફી થઇ જશે…?”
ઇન્સ્પેક્ટર શર્માની વાત સાંભળીને કે.ટી.શાહ કંઈક બોલવા જતા પાછા અટકી ગયા.

“ઓકે ચાલો.” કહીને કે.ટી.શાહ ઘરના દરવાજા તરફ ગયા “થેંક્યું.” કહીને આછું સ્મિત કરતા ઇન્સ્પેકટર શર્મા તેમને જીપ તરફ લઇ ગયો.

* * * * *

એક કલાકથી કે.ટી.શાહ પોતાની જેલમાં ચક્કર લગાવી રહ્યા હતા. હજી સુધી વકીલ આવ્યો ન હતો. ઇન્સ્પેક્ટર શર્મા એ એમની ઉંમરનો લિહાજ કરવાનું કટાક્ષ કરતા એમના માટે પાણી મોકલાવ્યું. સાથે ઇન્સ્પેક્ટર શર્માએ કે.ટી.શાહ માટે આવેલા એક કોલનો જવાબ દેવા માટે એમને ફોન આપ્યો.

“કેમ છો? સર, સવાર સારી ગઈને….?”
ધીરજ નો અવાજ સાંભળીને કે.ટી.શાહના ગુસ્સાનો પાર ન રહ્યો.

“હું મારા પર લાગેલા બધાજ અપરાધ માંથી છૂટી જઈશ, પણ અફસોસ કે મારાથી તને છોડાવવા માટે કોઈ નહિ આવી શકે તારો આ ઇન્સ્પેક્ટર પણ નહિ.”
કે.ટી.શાહે ગુસ્સામાં કહ્યું. “લાગે છે તમે સવારથી ન્યુઝ નથી જોયા, સોરી ક્યાંથી જોયા હોય તમને તો ટાઈમ જ નથી મળ્યો, સો તમને જણાવી દઉં, તમારી લાડલી નીલમ, તમારા પડછાયા સમા સેક્રેટરી શુક્લા ડૉ.પ્રભાકર અને તમારા એક કાસ માણસે મીડિયા સામે પોલીસને આ બધું જણાવ્યું છે, વિથ પ્રૂફ, હવે તમને કોણ બચાવશે…? અરે! એક મિનીટ, મેં તમારા માટે થોડું પાણી મોકલાવ્યું હતું એ પીધું? જેલનું પાણી કદાચ તમને ભાવશે નહિ.”
કે.ટી.શાહે ગુસ્સામાં હાથમાં રહેલો ગ્લાસ દૂર ફેંક્યો.

“હવે ગ્લાસ ફેંકવાથી કંઈ નહિ થાય, પાણી થોડીવારમાં પોતાની અસર દેખાડવાનું શરુ કરી દેશે….ગૂડ બાય મિ.શાહ. બચી શકો તો બચી બતાવો.”
કહીને ધીરજે કોલ કટ કર્યો. કોલ કટ થયાની સાથેજ કે.ટી.શાહને ચક્કર આવવા લાગ્યા, ગળું સૂકાવા લાગ્યું, મોઢામાંથી ફીણ નીકળવા લાગી એ મદદ માટે કોઈને બોલાવે એ પહેલાજ બેભાન થઈને પડી ગયા. ઇન્સ્પેક્ટર શર્મા એ ઝડપથી જેલ ખોલી અને કે.ટી.શાહને હોસ્પિટલ લઇ જવા નીકળી ગયો, પણ એ હોસ્પિટલ પહોચે એ પહેલાજ કે.ટી.શાહના શ્વાસ અટકી ગયા.
* * * * *
આગળ શું થયું?
જાણવા માટે વાંચતા રહો, આવતીકાલે માણો ભાગ – ૫ સાંજે ૫:૪૪ વાગે
To be continued..
By – A.J.Maker

ટીપ્પણી