અકાદમી દ્વારા પુરસ્કૃત રેવાની વાત સૌએ વાંચી જ હશે, હવે જુઓ નજરની સામે !! દરેક ગુજરાતીએ જોવા જેવી મૂવી ….

મુવી રીવ્યુ : રેવા (ગુજરાતી ફિલ્મ)

ડીરેક્ટર- રાહુલ ભોલે તથા વિનીત કનોજીયા

નિર્માતા- પરેશ વોરા

મુખ્ય કલાકારો-ચેતન ધાનાણી (કરણ), મોનલ ગજ્જર (સુપ્રિયા)

ધ્રુવદાદા લિખિત નવલકથા ‘તત્વમસિ’ પરથી બનેલી વધુ એક સબળ ગુજરાતી ફિલ્મ એટલે રેવા. મેં નવલકથા તો વાંચી નથી, પણ ધ્રુવદાદાની ‘અકુપાર’ વાંચી છે. એમના દરેક પુસ્તકોનો સુર માનવીને કુદરત સાથે જોડે છે, એક અદ્રિતીય ઈશ્વરીય ઐક્ય સાથે તમારું શબ્દોથી તાદ્દાત્મ્ય કરાવે છે. રેવા મુવીએ તત્વમસિને કેટલો ન્યાય આપ્યો છે એ તો એ નવલકથા વાંચનાર જાણે, પણ મેં જોયેલી ઉત્કૃષ્ઠ ફિલ્મોમાંની એક એટલે રેવા.નર્મદા નદીની પરિક્રમા, આસ્થા, ભાવના, રીતી રીવાજોની પરંપરા, સંસ્કૃતિ, જંગલો અને ત્યાંની પ્રકૃતિ જેમ ફિલ્મના નાયકને ઘેરી વળે છે, એમજ ફિલ્મના પ્રવાહમાં તમને પણ રેવાનો પ્રવાહ, એ શક્તિ, અણીશુદ્ધ ભાવના ઘેરી લે છે. આપણે ગંગા નદી વિષે ખુબ જાણીએ છીએ તેને માન આપીએ છીએ, પરંતુ ગુજરાતની ગંગા એવી નર્મદા નદી જે ગુજરાતની મા છે, જીવાદોરી છે, એ કદાચ આપણે સહુ ભૂલી ગયા હતાં. એ આ ફિલ્મ યાદ કરાવે છે. મારા મતે આ ફિલ્મ માત્ર નદીનો મહિમા નથી કહેતી, આપણી આજની લાઈફસ્ટાઈલ, મનુષ્ય જીવનના મૂલ્યનો મહિમા કહે છે.
બધી જ સુખસગવડોની વચ્ચે વિદેશમાં રાચતા, તર્કથી જીવતા નાયકને અચાનક જ અભણ, ગરીબ વિચિત્ર રીત-રીવાજોથી ઘેરાયેલા સમાજ વચ્ચે રહેવાનું થાય છે, અને પછી શરુ થાય છે એક એવી સફર, એક યાત્રા જે તેના અહંનો, તેના તર્કનો છેદ ઉડાડી દે છે, અને એ પામે છે તત્વમસિનો નીચોડ!
વૃક્ષ બોલતું નથી, ઝરણું ગાતું નથી, પક્ષી સાંભળતા નથી, પ્રાણીઓ બોલતા નથી, એમ જ નદી સદેહે દર્શન આપતી નથી, આ બધું આપણે માનીએ છીએ, જેમ ફિલ્મનો નાયક માને છે. ત્યારે આપણે પણ એ સંશયનો, એ અંધશ્રદ્ધાનો છેદ ઉડાડવા ફિલ્મના પ્રવાહમાં આગળ વધીએ છીએ, ને જયારે શ્રદ્ધા જીતે છે ત્યારે નાયકના અહમનો છેદ થાય છે.
આજે અમુક પ્રકારની ફિલ્મોનું બજાર ગરમ છે ત્યારે રેવા એ કોઈ મુવી નથી, એ આત્મખોજ છે, સ્વની ખોજ છે. આવા વિષયને આવરતી ફિલ્મ બનાવવી, એ પણ ગુજરાતીમાં અને આટલી સુંદર રીતે રજુ કરવી એ ખુબ અઘરું કામ છે. ગુજરાત, તેની સંસ્કૃતિ, ત્યાંના પરોપકારી લોકો, ગ્રામીણ જીવનની હાડમારી, ગરીબી, રીવાજો, લોકબોલી તેમનું શુદ્ધ જીવન અને બીજું ઘણું આ ફિલ્મમાં છે જે શહેરમાં વસીને આપણે ભૂલી ગયા છીએ કે જીવવાનું ચૂકી ગયા છીએ.

મુખ્ય કલાકાર ચેતન ધાનાણી (કરણ) જેમની પ્રથમ ફિલ્મ હોવા છતાં તેમણે અવ્વલ દરજ્જાનો અભિનય આપ્યો છે તો સાથે જ દક્ષિણની ફિલ્મોથી ઘડાયેલી મોનલ ગજ્જરે (સુપ્રિયા) પણ સુંદર રીતે દરેક સીનમાં પોતાનું પાત્ર નીખાર્યું છે. દરેકે દરેક નાના મોટા કલાકારે ફિલ્મમાં ઉત્કૃષ્ઠ અભિનય આપ્યો છે. પણ બોલીવુડ દરજ્જાના અભિનયમાં પણ અવ્વલ નીકળે એવો અભિનય બીતુબંગા બનેલા પાત્રો, પૂરિયા બનેલ રૂપ બોરગાનકર, ગંડુ ફકીર બનેલ દયા શંકર પાંડે, તથા હંમેશા આંખે ઉડીને વળગે તેવા શાસ્ત્રીશ્રી બનેલ યતીન કારયેકરે આપ્યો છે. જેઓના ઉત્તમ દરજ્જાના અભિનયથી ફિલ્મની શોભા વધે છે.

ડીરેક્ટરને આ વિષયવસ્તુ પર સર્જનાત્મક ફિલ્મ બનાવવા માટે અભિનંદન આપવા ઘટે તો સાથે જ આટલા સંવેદનશીલ, આધ્યાત્મિક વિષય ઉપર મૂડી રોકાણ કરી જોખમ લેવા માટે નિર્માતા પરેશ વોરાને સાષ્ટાંગ પ્રણામ કહેવા ઘટે, જેમના વિના આ ફિલ્મ આટલી સુંદર અને ભવ્ય રીતે બની જ ના શકી હોત. તેઓ અમારા સુરતના છે અને સુરતની ભૂમિ તો મહાન દાતાઓથી પવિત્ર છે જ, તેનો આનંદ!

ફિલ્મના ડાયલોગ હ્રદયમાં અમીટ છાપ છોડી જાય છે જેમ કે,
‘ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તો ચાલશે, પણ શ્રદ્ધા હોવી જોઈએ.’
‘મેં નમાજી બનું યા શરાબી બનું બંદગી મેરે ઘર સે કહા જાયેગી!’
‘આ ઉંમરે સેલ્ફીઓ બહુ લીધી, હવે સેલ્ફને શોધવા જવું છે!’

તો સીનેમેટોગ્રાફી, લેખન, અને દિગ્દર્શન ખરેખર કાબિલેતારીફ છે. ફિલ્મનું સંગીત અને કીર્તિદાન ગઢવીના કંઠેથી ગવાયેલ મા રેવા ગીત વાતાવરણને પુલકિત કરી દે છે. માનવી ક્યાંકને ક્યાંક ભૂલો પડતો હોય છે, ફિલ્મમાં જેમ નાસ્તિકમાંથી આસ્તિક બનવાની સફર ખેડતા નાયકને આખરે એના પ્રશ્નોનો જવાબ મળી જ જાય છે, તેમ આપણે દરેક ક્યાંક ભૂલા પડ્યા હોય, તનથી નહી પણ અંતરથી.. ત્યારે તમને કુદરત સાથે જોડીને આત્મખોજ કરાવશે આ મુવી!

આ ફિલ્મ અસ્તિત્વની ખોજ છે, તમારા, મારા અને દરેકના! આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શું જીવવાનું છોડી રહ્યા છીએ અને શું વળગીને જીવી રહ્યા છીએ, એની વાત છે. કુદરત કૃતિ સાથે એકાકાર થવાની વાત છે.
ફિલ્મ તમને હસાવશે પણ અને રડાવશે પણ, ને અંતે કંઈક પામ્યાનો અમૃત ઓડકાર આપશે! રેવા- અદ્રિતીય, અદ્ભુત આંતરિક ઉર્મીઓને ઝંકૃત કરી દેતી કળાનો ખજાનો છે, આ ખજાનો તમારી તાર્કિક શક્તિ, સંવેદનશીલ અને સમજણ શક્તિ મુજબ જેટલો લૂંટાય એટલો લૂંટી લો! બાકી આટલું લખ્યું એ પણ ઓછું પડે તેટલું હજુ ‘તત્વમસિ’માં છે!

લેખન. સંકલન : મીરા જોશી

મૂવી રીવ્યુ કે પછી અન્ય ખબરો ઘરે બેસીને વાંચવા ને જાણવા માટે લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી