હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ અને અબાલ વૃદ્ધને ભાવે તેવા આ બીટના લાડુ બનાવો છો ને ?

સ્વાદિષ્ટ બીટના લાડુ

શિયાળાના આ વાતાવરણમાં ઘરઘરમાં ચીક્કી ને લાડવાને જાત જાતના પાક બનતા હોય છે. સ્વાસ્થ્યને સાનુરૂપ એવા આ બધા પાકમાં આજે હું એક નવી વાનગીનો ઉમેરો કરી રહી છું. જે છે બીટના લાડુ…!!

બીટના અનેક ગુણ છે. એમાંય ખાસ કરીને શિયાળામાં સસ્તા બીટ મળતા હોય ત્યારે આ શિયાળુ પાક ખાવાની મજા કંઈક ઓર છે. હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ અને આબાલ વૃદ્ધને ભાવે તેવા આ બીટના લાડુ માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

સામગ્રી :

500 ગ્રામ બીટ,

500 ગ્રામ ખાંડ,

200 ગ્રામ માવો,

50 ગ્રામ ઘી,

100 ગ્રામ સૂકો મેવો,

10 ગ્રામ એલચીનો ભુક્કો,

25 ગ્રામ ખસખસ,

100 ગ્રામ ટોપરાનું ખમણ,

રીત :

સૌપ્રથમ બીટને સારી ધોઈને ખમણી લેવા.

ત્યારબાદ કૂકરમાં થોડું પાણી નાખીને બે સીટી મારી લેવી.

ત્યારબાદ કુકર ઠંડુ પડે એટલે તે બાફેલા બીટને ચારણીમાં લઇ વ્યવસ્થિત નિતારીને કડાઈમાં ઘી મૂકીને બેથી પાંચ મિનિટ સુધી સતત સાંતળતા રહો.

ત્યરબાદ તેમાં ખાંડ ઉમેરી તેને બીટ સાથે એકરસ થાય ત્યાં સુધી હલાવતા રહો.

તે પછી તેમાં માવો ઉમેરો અને તેને સતત હલાવતા રહો. હલવા જેવું થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું.

તે બાદ તે મિશ્રણને ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ પડવા દો. ઠંડુ પડી ગયા બાદ તેમાં ઇલાયચીનો ભૂકો, ટોપરાનું ખમણ અને સૂકો મેવો ઉમેરો દો.

આ પ્રક્રિયા બાદ તેના નાના જામ્બુ જેવા ગોળા વાળી લો. અને તેના પર ખસખસ ભભરાવી દો. તેનાથી તેનો દેખાવ સરસ આવશે..!

તો બસ તૈયાર છે સ્વાદિષ્ટ બીટના લાડુ!

બનાવવામાં સરળ અને ખાવામાં ચટાકેદાર..!

તો આ ઉતરાણ પર અગાશીમાં આવેલા મહેમાનોને તલના નહિ બીટના લાડુ ખવડાવો અને વાહવાહી મેળવો.

રસોઈની રાણી : મીતા એન સેલાણી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી