નબળી ઈમ્યુનિટી તમને વારંવાર તાવ, સાઈનસ ઈન્ફેક્શન, રિકરીંગ ઈન્ફેક્શનગ્રસ્ત બનાવી શકે છે…

આપણી ઈમ્યુનિટી સિસ્ટમ છે આપણા શરીરની પ્રથમ ક્રમાંકની રોગ પ્રતિકારક સિસ્ટમ. તેથી જ ઈમ્યુનિટી સિસ્ટમ અને તમારા સ્વાસ્થ્ય સાથે સીઘું સંબંધ છે એમ કહેવાતું આવ્યું છે. જેટલી સ્ટ્રોંગ ઈમ્યુનિટી એટલી વધું તમે તાવ, વાઈરસ કે અન્ય કારણોસર થતા રોગો સામે રક્ષણ મેળવશો.

તેવી જ રીતે નબળી ઈમ્યુનિટી તમને વારંવાર તાવ, સાઈનસ ઈન્ફેક્શન, રિકરીંગ ઈન્ફેક્શનગ્રસ્ત બનાવી શકે છે. તેમજ તેનાથી ઘાની રૂઝ આવવાની પ્રક્રિયા ધીમી બને છે તથા શરીરમાં એનિમિયા, ફેટીગ, શિથિલતા આવવાની શક્યતા વધે છે.

તેથી જ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો, ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત રાખે તેવી પસંદગી કરવાની સલાહ આપે છે. તેઓના મતે ડાયેટ અને એક્સરસાઈઝ ઈમ્યુનિટી સિસ્ટમને મજબુત રાખવામાં મહત્વનો રોલ ભજવે છે.
પરંતુ, શું તમે જાણો છો આપણી કેટલીક આદતોને કારણે ઈમ્યુનિટી સિસ્ટમને પહોંચે છે હાનિ. તો જાણીએ ઈમ્યુનિટી સિસ્ટમને નુકશાન પહોંચાડતી આપણી ખોટી આદતો વિશે…

1. મોડી રાત સુધી જાગતા રહેવું

જો તમે વર્કહોલિક હોવ અને મોડી રાત સુધી કામ કરતા હોવ કે પછી મોડી રાત સુધી ટીવી જોતા હોવ, મોડે સુધી પ્રોજેક્ટ બનાવતા હોવ તો તેનાથી ઈમ્યુનિટી નબળી પડે છે. પુરતી ઉંઘ ન લેવાની આ આદત ઈમ્યુનિટી સિસ્ટમને ધીમી પાડે છે, રોગપ્રતિકારી શ્વેત કણનું પ્રમાણ ઘટાડે છે. જયારે આપણે ઉંઘ લઇએ છીએ ત્યારે શરીરમાં અમુક પ્રકારના રોગપ્રતિકારી સ્ત્રાવ નિર્માણ થાય છે જે અપુરતી ઉંઘ લેવાથી રોગપ્રતિકારી સ્ત્રાવોનું નિર્માણ ઓછું થાય છે. ઓછામાં ઓછું 7-8 કલાકની સારી ઉંઘ મળે એનું ધ્યાન રાખવું.

2. પર્સનલ હાઈજીનને અવગણવું

સારી ઈમ્યુનિટી સિસ્ટમ માટે આપણી શારીરિક સ્વચ્છતા ખુબ જરૂરી છે. પરંતુ, જો તેને અવગણશો તો તમારી ઈમ્યુનિટી સિસ્ટમને જરૂરથી અસર થશે. જેમ કે, સ્વચ્છતાને નહી જાળવશો તો કીટાણુના સંપર્કમાં આવવાની શક્યતા વધી જાય છે જે આગળ જતા રોગને આમંત્રે છે. તેથી સારી આદતો પાડવી જેમ કે, રોજ દિવસમાં બે વાર બ્રશ કરવું, ખાવા બેસવાથી પહેલા અને બાથરૂમ વાપર્યા બાદ હાથ ધોવા, દરરોજ નહાવું, નખ ચોખ્ખા રાખવા, સ્વચ્છતાપૂર્વક રાંધવું, ચોખ્ખા કપડા પહેરવા વગેરે જેથી ઈમ્યુનિટી સારી રહે.

3. પબ્લિક ઓબ્જેક્ટનો વપરાશ

પબ્લિક ઓબ્જેક્ટનો વપરાશ સાવચેતીપૂર્વક કરવું. રેસ્ટોરંટ મેનુ, રેસ્ટ રૂમના દરવાજાના હેન્ડલ, ગ્રોસરી કાર્ટ, બેંક જેવી જગ્યાએ વપરાતી કોમન પેન વગેરેનો વપરાશ સાવચેતીપૂર્વક કરવું. કયારેક આવી વસ્તુઓ એક થી બીજાને રોગજંતુઓના વાહક બની શકે છે. તેથી જ બહાર જતી વખતે હંમેશા પોતાના પેન, પેપર, ટીશ્યુ પેપર્સ, વોટર બોટલ્સ સાથે રાખવા.

4. સાકરનો વધુ વપરાશ

જો તમે સતત મીઠું ખાવાના કે પીવાના આદિ હોવ તો એ ખરાબ આદત છે. કારણ કે તેનાથી દાંત ખરાબ થવાની શક્યતા વધે છે. તેમજ રિફાઈન સુગરથી શ્વેત કણનું ઉત્પાદન ઘટે છે. તેમજ વિટામીન સીને શ્વેત કણમાં ભળતા અટકાવે છે જેના પરિણામસ્વરૂપ ઈમ્યુનિટી નબળી પડે છે.

5. ઓછું પાણી પીવું

માનવ શરીર અંગ માટે પાણી મહત્વનું ઘટક છે. પરંતુ, જ્યારે તમે કામની વ્યસ્તાને કારણે પાણી ઓછું પીવો છો ત્યારે તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમને અસર પહોંચે છે. કારણ કે મજબુત ઈમ્યુનિટી માટે હાઈડ્રેશન જરૂરી છે. તેથી જ તંદુરસ્ત રહેવા દિવસના 8-10 ગ્લાસ પાણી પીવું

6. રોજ આલ્કોહોલનું સેવન કરવું

દરરોજ આલ્કોહોલના સેવનની આદત ઈમ્યુનિટી સિસ્ટમને નબળી પાડે છે. તેનાથી લોહીમાંના લાલ તેમજ શ્વેત રક્ત બંનેના ઉત્પાદનને અસર પહોંચે છે જેનાથી સમયાંતરે ઈમ્યુનિટી સિસ્ટમ નબળી પડતી જાય છે. આલ્કોહોલ શરીરમાંના પોષક તત્વો શોષી લે છે જે શરીરમાં પોષક તત્વોની ઊણપ ઊભી કરે છે.

7. બીડી-સિગરેટનું સેવન અથવા સેવન કરતા લોકોના સાંનિધ્યમાં રહેવું

આપણે બધા જાણીએ છીએ કે બીડી-સિગરેટનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ, તેનું સેવન કરતા લોકોના સાંનિધ્યમાં રહેવું પણ એટલું જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમને અસર પહોંચે છે. બીડી-સિગરેટનો ધુમાડો ખુબ ઝેરી હોય છે જે સતત શ્વાસ વાટે શરીરમાં જતા શ્વસનતંત્રને લગતા રોગો, અસ્થમા, એલર્જી તેમજ લંગ કેન્સર થઈ શકે છે.

8. જંક ફુડ ખાવું

જંક ફુડ ખાવામાં ટેસ્ટી તેમજ સહેલાઈથી મળતું હોવાથી આપણે અવારનવાર જંક ફુડ ખાતા હોઈએ છીએ. જો જંક ફુડ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો ઈમ્યુનિટી સિસ્ટમ માટે ખરાબ બાબત છે. જંક ફુડમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે જે સ્થુળતા પાછળનું એક મુખ્ય કારણ પણ છે. સાથોસાથ સ્થુળતાને કારણે શ્વેત રક્ત કણ તેમજ રોગપ્રતિકારક શક્તિ બંનેના ઉત્પાદનને અસર પહોંચે છે જે આગળ જતા અન્ય રોગોને આમંત્રે છે.

9. વધુ પ્રમાણમાં કેફીનનું સેવન

ખુબ વધારે પ્રમાણમાં કોફી પીવી કે કેફીનજન્ય વસ્તુઓ આરોગવી સ્વાસ્થ માટે હાનિકારક છે. વધારે પ્રમાણમાં કેફીનજન્ય તત્વ આરોગવાથી શરીરની નર્વસ સિસ્ટમને અસર થાય છે જે શરીરમાં સ્ટ્રેસની માત્રા વધારે છે. સ્ટ્રેસની માત્રા વધવાથી શરીરમાં સ્ટ્રેસ રીલિફ કરતા સ્ત્રાવ ઉત્પન્ન થાય છે.

10 સનસ્ક્રીન લોશન ન વાપરવું

કુમળા તડકામાં રહેવાથી શરીરમાં વિટામીન ડી ઉત્પન્ન થાય છે જે શરીર માટે લાભદાયી છે. પણ જો લાંબા સમય સુધી તડકામાં રહો તે પણ સનસ્ક્રીન લોશન વગર તો સુર્ય કિરણોમાં રહેલ યુવી લાઈટ શરીરમાં ફેરફાર લાવીને ઈમ્યુનિટી સિસ્ટમને હાનિ પહોંચાડે છે. સાથોસાથ ત્વચા નીચેના કોષો નાશ પામતા વિષાણુ અને કેમિકલ ટોક્સીનની શરીર પર અસર વર્તાય છે.

લેખન સંકલન : ઉર્વી શેઠિયા

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી