રસોઈ ઘરમાં વપરાતી વસ્તુઓ અને તેના ગુણધર્મો …Must Read For Women

આપણાં દાળશાકના મસાલાઓમાં ‘ધાણા’નું ઘણું મહત્ત્વ છે. પ્રાચીનકાળથી અત્યાર સુધી આયુર્વેદીય ચિકિત્સકો પણ તેનો ઔષધ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. આ વખતે આપણાં રસોડામાં બિરાજતા આ ઔષધ દ્રવ્યનો આયુર્વેદની દૃષ્ટિએ પરિચય મેળવીએ.

૧] ધાણા …

ગુણકર્મો

ધાણા ભારતમાં સર્વત્ર ખેતર, વાડીઓ તથા ઘરનાં આંગણામાં પણ ખૂબ થાય છે. ઊંડી કાળી જમીનમાં તે સારા પ્રમાણમાં થાય છે. ધાણામાં છોડ એકથી દોઢ ફૂટ ઊંચા, અનેક પાતળી શાખાઓવાળા અને સુગંધિત હોય છે. લીલા છોડને આપણે ત્યાં ‘કોથમરી’ અને તેના ફળને ‘સૂકા ધાણા’ કહે છે. આયુર્વેદ પ્રમાણે ધાણા સ્વાદમાં તૂરા, કડવા, મધુર અને તીખા, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, ઝાડા-ઊલટી, દમ, કૃમિ, તાવ, ઉધરસ વગેરેને મટાડનાર છે. પિત્તના રોગો અને શરીરની ખોટી ગરમીમાં ધાણાનો ઉપયોગ કરવા જેવો છે. રાસાયણિક દૃષ્ટિએ ધાણાના સ્વાદ અને સુગંધ તેમાં ૫૦% પ્રમાણમાં રહેલા એક સુગંધિત તેલને આભારી છે. આ તેલનું મુખ્ય ઘટક ‘કોરિએન્ડ્રોલ’ છે. જેનું પ્રમાણ તેલમાં ૪૫થી ૭૦% જેટલું હોય છે. આ સિવાય ધાણામાં ૧૯થી ૨૦% જેટલું એક સ્થિર તેલ પણ છે.

ઉપયોગો

આમવાતથી પીડાતા રોગ માટે આયુર્વેદમાં એક ખૂબ જ ઉત્તમ ઉપચાર દર્શાવાયો છે. આહારવિહારમાં સંયમ રાખીને આ ઉપચાર લાંબો સમય કરવો. સૂંઠ, ધાણા અને એરંડાનાં મૂળને સરખા વજને લાવી ભેગાં ખાંડી લેવા. રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ભુક્કો નાંખી ઉકાળવો. એક કપ પ્રવાહી બાકી રહે એટલે આ ઉકાળો ગાળી, ઠંડો પાડીને પી જવો. ધાણાને અધકચરા ખાંડી તેનો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો ભુક્કો એક કપ પાણીમાં મેળવીને આખી રાત ઢાંકીને રહેવા દેવો. આયુર્વેદમાં આને ‘ધાન્યકહિમ’ કહે છે.

સવારે ગાળીને આ હિમમાં એક ચમચી સાકર મેળવીને પીવાથી શરીરની આંતરિક ગરમી અને તરસ મટે છે. આ હિમ પેશાબ છૂટથી લાવે છે અને મૂત્રવાહી માર્ગોની શુદ્ધિ કરે છે. પિત્તના રોગ અને શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તેમના માટે આ ઉપચાર ઘણો જ લાભદાયી છે. આયુર્વેદ પ્રમાણે તાવમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જો જઠરાગ્નિ ખૂબ જ મંદ થઈ જાય તો આ સમયે રોગીને પીવા માટે સાદા પાણીને બદલે ધાણાનું પાણી આપવું હિતકારી છે. આ માટે એક લિટર પાણીને ખૂબ ઉકાળી, તેમાં એક ચમચી ધાણાનું ચૂર્ણ મેળવી દેવું. આ પાણીને ઢાંકીને ઠરવા દેવું. આ પાણી જઠરાગ્નિને ધીમે ધીમે પ્રદીપ્ત કરનાર અને શરીરના સૂક્ષ્મ માર્ગોની શુદ્ધિ કરનાર છે. ઉપર મુજબ માત્ર ધાણા અને સૂંઠનો ઉકાળો કરીને પીવાથી અજીર્ણના દર્દીઓને લાભ થાય છે. અજીર્ણમાં એકાદ દિવસ ઉપવાસ કરી, માત્ર ઉકાળેલું પાણી પીવું.

૨] અજમો..

પરિચય :

અજમો દરેક ઘરમાં એક અગત્‍યના મસાલા તરીકેનું સ્‍થાન ભોગવે છે. એના વગર રસોડું અધૂરું કહેવાય. કેટલાંક ફરસાણો અજમો નાખવાથી જ સ્‍વાદિષ્‍ટ બને છે. અજમો સર્વત્ર સહજતાથી મળી શકે છે. કેટલીક વાયુકર્તા વસ્‍તુઓની સાથે અજમાનું ચૂર્ણ ભેળવીને ખાવાથી વાયુદોષ નડતો નથી, ઉપરાંત એનાથી બીજા પણ લાભ થાય છે.

અજમાનાં લીલાં પાંદડાં પણ ઘણાં ઉપયોગી હોય છે. ઘરમાં જ એક કૂંડામાં અજમાનો છોડ વાવ્‍યો હોય, તો જમ્‍યા પછી તેનાં થોડાં પાંદડાં ચાવી જવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે.

અજમામાંથી એક પ્રકારનું તેલ નીકળે છે. તે તેલને શીત પદ્ઘતિથી જમાવાય છે અને તેને નાની નાની પાતળી સળીઓનું સ્‍વરૂપ અપાય છે. તે અજમાનાં ફૂલ (Thymol) તરીકે ઓળખાય છે. ખાસ કરીને મોઢામાં ઠંડક લાવવા માટે તે પાનમાં નખાય છે. તેનાથી મનને પ્રસન્‍નતા મળે છે અને તાજગીનો અનેરો આનંદ અનુભવાય છે.

ગુણધર્મ :

અજમો તીક્ષ્‍ણ, લઘુ, હ્રદ્ય, વૃષ્‍ય, સ્‍વાદે અલ્‍પ કટુ, રુચિકર, ઉષ્‍ણ, અગ્નિદીપક, પાચક, વાંતિ (ઊલટી), કૃમિ અને શુક્રદોષનો નિવારક, ઉદરરોગ, હ્રદયરોગ, બરોળ, ગુલ્‍મ અને આમવાતનો નાશક છે.

ઉપયોગ :

(૧) પેટના દુખાવા ઉપર : અજમાના ચૂર્ણની એક નાની ચમચી દિવસમાં બે વખત પાણી સાથે લેવી.

(ર) અજીર્ણની તકલીફ ઉપર : એક નાની ચમચી પાણી સાથે લેવી. આથી પાચનક્રિયા સુધરે છે.

(૩) શીતપિત્ત ઉપર : (આ એક પ્રકારની એલર્જી છે. એમાં શરીર પર નાનાં નાનાં ચકતાં ઊપસી આવે છે.) એક નાની ચમચી અજમાનું ચૂર્ણ થોડા ગોળ સાથે લેવું. આથી ચકતાં બેસી જાય છે.

(૪) શરદી, સળેખમ અને માથાના દુખાવા ઉપર : રાતે સૂતી વખતે અજમો ગરમ પાણી સાથે લેવો.

(૫) બહુમૂત્રતાની તકલીફ ઉપર : રાતે સૂતી વખતે એક નાની ચમચી અજમાનું ચૂર્ણ એક નાની ચમચી તલ સાથે ચાવીને સૂવું.

(૬) ખાંસી અને કફની તકલીફ ઉપર : અજમાનું ચૂર્ણ બે-ત્રણ વખત ગરમ પાણી સાથે લેવું. આથી કફ નીકળી જઇ ખાંસી મટે છે. ઠંડી વસ્‍તુઓનો ત્‍યાગ કરવો.

(૭) સુવારોગ અને સુવાવડના અન્‍ય દોષ ઉપર : અજમાનું ચૂર્ણ અને ગોળ એકત્ર કરી એક નાની તપેલીમાં લો. એમાં એક ગ્‍લાસ પાણી ભેળવી ગરમ કરવા મૂકો. પાણી બળીને અડધું થઇ જાય ત્‍યારે નીચે ઉતારી લો. તૈયાર થયેલો કાઢો બે-બે ચમચા સવાર-સાંજ પીઓ. આ કાઢો ત્રણ-ચાર દિવસ ચાલશે. પીતી વખતે ફરીથી ગરમ કરી લેવો. આ કાઢો પંદરેક દિવસ લેવાથી પ્રસૂતાને સુવાવડના દોષો નડતા નથી.

(૮) જખમ પાકે નહિ તે માટે : ઠેસ વાગી હોય (અથવા નવાં બૂટ કે ચંપલનો ડંખ લાગ્‍યો હોય) તો ગોળ અને અજમાનો લૂવો બનાવો. તેને ગરમ કરેલા તાવીથાથી ગરમ કરી લો. બે-ત્રણ વખત તાવીથો ગરમ કરીને મૂકવાથી લૂવો નવશેકો થઇ જશે. તેને એક કપડાના ટુકડા પર લઇ જખમ અગર ડંખ પર બાંધી દો. બે-ત્રણ દિવસ આવી રીતે કરવાથી તકલીફ દૂર થઇ જશે.

૩] આમલી (પાકી)

પરિચય :

આમલીનો ઉપયોગ પ્રત્‍યેક ઘરમાં કોઇને કોઇ રીતે થતો જ હોય છે. આમલી નવી કરતાં થોડા મહિનાની જૂની હોય તો વધુ સારું.

ગુણધર્મ :

આમલી અત્‍યંત ખાટી, ગ્રાહક, ઉષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, મધુર, સારક, હ્રદ્ય, ભેદક, મળને રોકનાર, રુક્ષ અને બસ્તિરોચક છે. તે ઉપરાંત વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિની નાશક છે.

ઉપયોગ :

આમલી પ્રમાણમાં થોડી ખાવી. તે અતિ ખાટી હોવાથી સાંધા પકડાવાની તકલીફ થઇ શકે; પરંતુ થોડા પ્રમાણમાં કયારેક ખાવાથી મુખશુદ્ઘિ થાય છે. ખાદ્ય પદાર્થોમાં આમલી ઉમેરવાથી તે વધુ રુચિકર અને સ્‍વાદિષ્‍ટ બને છે. જોકે આમલીથી ખાસ કોઇ ફાયદો થતો નથી. તે રુચિને વધારે છે વધારે છે એટલું જ. આથી સમજીને મર્યાદામાં તેનો ઉપયોગ કરવો.

૪] કોકમ

પરિચય :

કોકમ પણ આમલીની જેમ રસોઇને સ્‍વાદિષ્‍ટ બનાવે છે. તે આમલીના જેટલું નુકસાનકર્તા નથી. કોકમની બે જાત છે. કાળાં અને સફેદ. કાળાં કોકમ ઓછા પ્રમાણમાં નુકસાનકર્તા છે પણ આમલી જેટલાં નહિ. સફેદ કોકમ કોકમનાં ફૂલ તરીકે ઓળખાય છે. તે કાળાં કોકમ કરતાં વધુ નુકસાનકર્તા છે.

ગુણધર્મ :

કોકમ મધુર, રુચિકર, ગ્રાહક, તીખાં, લઘુ, ઉષ્‍ણ, ખાટાં, તૂરાં, રુક્ષ, અગ્નિદીપક, પિત્તકર, ગુરુ, કફકારક છે. તે હ્રદયરોગઘ હરસ, વાયુગોળો, કૃમિ, ઉદરશૂળ વગેરેમાં ફાયદાકારક છે.
ઉપયોગ :

(૧) શીતપિત્ત ઉપર : કોકમના પાણીમાં જીરું અને સાકર નાખીને પીવું.

(ર) અમ્‍લપિત્ત (એસિડિટી) : કોકમ, એલચી અને સાકર એ ત્રણે વસ્‍તુને વાટી ચટણી બનાવી દિવસમાં બે વખત એક-એક ચમચી ખાવી.

(૩) ઠંડી ઋતુમાં હોઠ ફાટે ત્‍યારે તે પર કોકમનું તેલ ચોપડવું. તે સફેદરંગનું અને થીજેલું હોય છે. હાથ અને પગમાં બળતરા થતી હોય તો પણ કોકમનું તેલ ચોપડવાથી ફાયદો થાય છે.

(૪) અપચા ઉપર : ખોરાકમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૫) આંતરડાનો સડો, મરડો અને સંગ્રહણીમાં પણ કોકમનો ઉપયોગ વધારવાથી ફાયદો થાય છે. ફેફસાંની તકલીફમાં પણ ભોજનમાં કોકમનું પ્રમાણ થોડું વધારવું.

(૬) પિત્ત, દાહ અને તરસ ઉપર : કોકમને વાટી, પાણી જેવું બનાવીને ગાળી લેવું. ત્‍યારપછી જોઇતા પ્રમાણમાં સાકર નાખવી, કોકમનું આ શરબત દિવસમાં બે વખત સવારે અને સાંજે પીવું.

૫] એલચી

પરિચય :

એલચી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. તેનાથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. મુખદુર્ગંધીને દૂર કરવા મુખવાસમાં અને પાન-મસાલામાં તેનો અધિક ઉપયોગ થતો હોય છે. તે ઉપરાંત કેટલીક મીઠાઇઓમાં પણ તેનો સારો ઉપયોગ થાય છે. મસાલાવાળા દૂધમાં અને ચામાં તેનું ચૂર્ણ નાખવામાં આવે છે. કેટલાંક ઔષધોમાં પણ તેનો ઠીકઠીક ઉપયોગ થાય છે.

ગુણધર્મ :

શીતળ, દીપક, પાચક, કડવી, તીખી, સુગંધી, લઘુ, પિત્તકારક, મુખ અને મસ્‍તકનું શોધન કરનાર, રુક્ષ તેમજ વાયુ, કફ, ખાંસી, અજીર્ણ, હરસ, ક્ષય, કંઠરોગ વગેરેમાં ફાયદો કરે છે.

ઉપયોગ :

(૧) ઊલટી, ઊબકા આવે અથવા આવવા જેવું લાગે ત્‍યારે એલચીના દાણાનું ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી તે શમી જાય છે, મોળ આવવાનું બંધ થાય છે.

(ર) એલચીના દાણા અને સાકરનું ચૂર્ણ દરરોજ સવારે પાણી સાથે લેવાથી આંખોની બળતરા ઓછી થાય છે, તેમજ નજર ઘટતી જતી હોય તો પ્રક્રિયા અટકી જાય છે.

(૩) કફ દૂર કરવા માટે : એલચીના દાણાનું ચૂર્ણ અને સિધાલૂણ મધમાં ભેળવીને આપવાં.

(૪) પેશાબ અટકી-અટકીને આવતો હોય તો : એલચી દાણાનું ચૂર્ણ મધ સાથે આપવું.

(૫) મુખ અને મસ્‍તકનું શોધન કરવા માટે એલચી દાણાનું ચૂર્ણ મધમાં આપવું.

(૬) એલચી દાણા, જાવંત્રી અને બદામનું ચૂર્ણ માખણ તથા સાકર સાથે લેવાથી વીર્યદોષ દૂર થાય છે. તેમજ ઊંઘમાં થતું વીર્યપતન રોકાય છે.

૬] જાયફળ

પરિચય :

જાયફળ એ એક તેજાનો (ગરમ મસાલો) છે. રસોડામાં તે અગત્‍યનુ સ્‍થાન ધરાવે છે. તેના વગર રસોડામાં અધૂરપ લાગે. તેના વગર ચાલતું નથી. જાયફળ પોતાની માદક સુગંધ માટે જાણીતું છે.

ગુણધર્મ :

જાયફળ તૂરું, તીખું, વૃષ્‍ય, દીપક, અલ્‍પ માત્રામાં કડવું, લઘુ, ગ્રાહક, હ્રદ્ય, ગરમ, કંઠ માટે હિતકર, મુખ દુર્ગંધનું શમન કરનાર, કૃમિનાશક, ખાંસી, ઊલટી, દમ અને પીનસમાં લાભદાયક, રુચિકર, ક્રાંતિવર્ધક, વાતહર, ઉત્તેજક અને વધુ પ્રમાણમાં માદક છે.

ઉપયોગ :

(૧) માથાના દુખાવા ઉપર : જાયફળ ઘસીને કપાળે લેપ કરવો.

(ર) અનિદ્રા ઉપર : જાયફળ ઘીમાં ઘસીને પાંપણ પર ચોપડવું અને થોડું ચાટવું.

(૩) બાળકોને શરદીના ઝાડા થતા હોય તો : ગાયના ઘીમાં જાયફળ તથા સૂંઠ ઘસીને ચટાડવું.

(૪) શરદી અને સળેખમ ઉપર : જાયફળ ઘસીને માથા પર તથા નાક પર લેપ કરવો.

(૫) હેડકી અને ઊલટી ઉપર : જાયફળ દૂધમાં ઘસીને તે દૂધ પીવું.

(૬) જુવાનીમાં મોઢા પર થતા ખીલ ઉપર : દૂધમાં ઘસીને તે દૂધ ગાલ પર ચોપડવું.

(૭) ઝાડો ન ઊતરે ત્‍યારે : લીંબુના રસમાં જાયફળનો ઘસારો પીવો.

૭] પાપડિયો ખારો (સંચોરો)

પરિચય :

ખારો દરેક રસોડામાં હોય છે. એ પાપડ બનાવવામાં ખાસ વપરાતો હોઇ ‘પાપડિયા ખારા’ તરીકે જાણીતો છે. ફરસાણ પોચાં અને સારાં થાય તે માટે તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત વટાણા, વાલ, ચણા જેવાં કઠોળ જલદી ચડી જાય તે માટે અલ્‍પ પ્રમાણમાં તેનો ઉપયોગ થાય છે. કેટલીક સ્‍ત્રીઓ પોતાના વાળ ધોવા માટે આનો ખાસ ઉપયોગ કરે છે. માથું ધોતી વખતે આના ઉપયોગથી માથામાંની ચિકાશ જલદી નીકળી જાય છે અને વાળ સ્‍વચ્‍છ થઇ જાય છે.

ગુણધર્મ :

તે તીખો, ભારે, વાયુનાશક અને ઠંડો છે.

ઉપયોગ :

(૧) પેટમાંથી વાયુની તકલીફ ઉપર : અતિ અલ્‍પ પ્રમાણમાં પાણીમાં નાખીને પીવાથી પેટના વાયુનો નાશ થાય છે અને દુખાવો મટી જાય છે.

(ર) બાળકોની સસણી ઉપર : બાજરીના કણ જેટલો ખારો ગોળ અને ધાવણમાં આપવો. આથી ઊલટી થશે અને કફ નીકળી જશે. ત્રણ મહિનાના નાના બાળકને આ ઔષધ આપવું નહિં.

ખાસ સૂચન :

ખારાનો ઉપયોગ વારંવાર કરવો નહિ તેમજ તેનું પ્રમાણ અતિ અલ્‍પ રાખવું. પેટ અને આંતરડાંની તકલીફમાં ખારાનો ઉપયોગ કરવો નહિ.

૮] જાવંત્રી

પરિચય :

જાવંત્રી એ એક તેજાનો (ગરમ મસાલો) છે. જાયફળના ઝાડને પ્રથમ જે ફળ આવે છે તે થોડાં મોટાં હોય છે. જાયફળ તેની અંદરનું ફળ છે. જાયફળની ઉપરની બાજુ જે છાલ હોય છે તે જ જાવંત્રી છે.

આ છાલ શરૂઆતમાં સફેદ અને સુવાસિત હોય છે. જયારે અંદરનું ફળ અર્થાત્ જાયફળ પાકે ત્‍યારે તેની ઉપર વીંટળાયેલી છાલ લાલ રંગની અને જાળીદાર હોય છે.

ગુણધર્મ :

જાવંત્રી મધુર, હલકી, ગરમ, રુચિકર અને વર્ણને સુધારનાર છે. કફ, ઉધરસ, ઊલટી, શ્ર્વાસ, તરસને મટાડનાર છે. તે કૃમિનાશક છે તથા શરીરમાં રહેલા વિષોનો નાશ કરે છે. જાવંત્રીના મોટા ભાગના ગુણ જાયફળ જેવા જ છે. જાવંત્રીમાં સુગંધિત તેલ આશરે ૮ થી ૧૦ ટકા જેટલું હોય છે. આ તેલ ઉડ્ડયનશીલ હોય છે.

ઉપયોગ:

શરીરનો વર્ણ સુધારવા માટે :શરીર પર જાવંત્રીનો લેપ ચોળવો અને થોડીવાર પછી સ્‍નાન કરવું.

૯] સ્વાદમાં તુરુ ગુણમાં ઠંડુ જીરુ

પરિચય :

જીરું રસોડાનો એક અતિ ઉપયોગી મસાલો છે. જીરાના ત્રણ પ્રકાર છે : (૧) સફેદ જીરું, (ર) શાહજીરું અને (૩) કલોંજી જીરું.

અહીં સફેદ જીરાની જ ચર્ચા કરવામાં આવી છે.આ જ જીરાનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. ત્રણે જીરાના ગુણ લગભગ સરખા છે. ચોથું જીરું ‘ઓથમી જીરા’ તરીકે ઓળખાય છે. તે ‘ઇસબગોળ’ છે અને ઔષધ તરીકે વપરાય છે. તેને મસાલા સાથે કોઇ નિસબત નથી. તે ઉપરાંત એક પદાર્થ શંખજીરા તરીકે વપરાય છે, તેને પણ જીરા સાથે કોઇ નિસબત નથી. તે એક પ્રકારનો પથ્‍થર છે. તે અતિ મૃદુ, મુલાયમ અને સુંવાળો હોય છે. તે કેરમબોર્ડ ઉપર પાઉડર તરીકે છાંટવાના કામમાં આવે છે.

ગુણધર્મ :

તે તીખું, દીપન, ઠંડું અને લઘુ છે. તે એસિડિટી મટાડનાર, ભૂખ લગાડનાર, રુચિ જગાડનાર, મંદાગ્નિ પ્રદીપ્‍ત કરનાર, શરીરની ખોટી ગરમી દૂર કરનાર તેમજ ઝાડા અને અજીર્ણને રોકનાર છે. તે પેટનો આફરો અને વાયુગોળો દૂર કરે છે, ઊલટી અને મોળ અટકાવે છે, ભૂખ પ્રદીપ્‍ત કરે છે. બળ અને શકિત વધારે છે, તેમજ ચક્ષુષ્‍ય છે. આમ, સમગ્ર પાચનતંત્રના અવયવોને તે બળ આપે છે અને મજબૂત બનાવે છે.

ઉપયોગ :

(૧) દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી જીરાનો પાઉડર પાણી સાથે લેવાથી તંદુરસ્‍તી જળવાય છે.

(ર) દરરોજ રાતે સૂતી વખતે એક નાની ચમચી જીરાનો પાઉડર લેવાથી આંતરડામાં સડો હોય તો તે મટાડે છે. રાતનું જમવાનું બને તેટલું જલદી પતાવવું. મળ ઢીલો આવતો હોય તો જીરાના સેવનથી બંધાઇને આવે છે, તેમજ પેટમાં ભરાઇ રહેલા વાયુને પણ તે છૂટો કરે છે. સાથે સાથે આંતરડામાં ભરાઇ રહેલા ઉપદ્રવી જંતુઓનો પણ નિકાલ કરે છે.

(૩) છાતીની બળતરા ઉપર : જીરા અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૪) ધાવણ ઓછું આવતું હોય તો : દરરોજ દિવસમાં બે વખત જીરાનું ચૂર્ણ લેવું.

(૫) જીરા અને સાકરનું ચૂર્ણ સપ્રમાણ લેવાથી રકતપ્રદર અને લોહીવા મટે છે.

(૬) જીરાના પાઉડર સાથે અલ્‍પ પ્રમાણમાં હિંગ ભેળવીને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે.

(૭) ભોજન કર્યા પછી જીરાના ચૂર્ણ સાથે મરીનું ચૂર્ણ સિંધવ સાથે છાશમાં લેવાથી હરસમાં ફાયદો થાય છે.

(૮) દરરોજ સવારે અને રાતે એક-એક ચમચી જીરાનો પાઉડર લેવાથી જીર્ણજ્વર(તાવ) માં ફાયદો થાય છે.

(૯) આંખોની બળતરા ઉપર : જીરાનું ચૂર્ણ મેળવેલા પાણીથી દિવસમાં બે વખત આંખો ધોવી.

૧૦] અનેક રોગને મારનાર મરી

પરિચય :

મરીને ‘તીખા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ગુણો માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં મરીનો નિયમિત વપરાશ થતો હોય છે. પરદેશોમાં તો મરચાંનો બદલે મરી જ વપરાય છે. મરી કાળાં અને ધોળાં એમ બે પ્રકારનાં મળે છે. અર્ધ પકવ મરીને ઉતારીને સૂકવવામાં આવે છે. આવાં મરી કાળાં હોય છે; જયારે તે પૂરેપૂરાં પાકે છે ત્‍યારે ઉપરનાં ફોતરાં સરળતાથી નીકળી જાય છે. અંદરથી જે મરી નીકળે છે તે ‘ધોળાં મરી’ તરીકે ઓળખાય છે. આપણે ત્‍યાં મરીનો વધુ વપરાશ મુખ્‍યત્‍વે પાપડ બનાવવામાં થાય છે. તે ઉપરાંત કચુંબરમાં પણ આપણે ત્‍યાં ઠીક ઠીક પ્રમાણમાં વપરાય છે. મીઠાવાળા પાણીમાં ઉપલબ્‍ધ લીલાં મરી સીધેસીધાં ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

ગુણધર્મ :
મરી તીખાં, તીક્ષ્‍ણ, અગ્નિ-પ્રદિપક, ઉષ્‍ણ, કફ અને વાયુનાશક, ગરમ, પિત્તકારક અને રુક્ષ હોય છે.

૧૦અ] લીલાં મરી :

તીખાં, મધુર, પ્રમાણમાં ઓછાં તીક્ષ્‍ણ અને ઉષ્‍ણ, સારક, ભારે, કફનાશક અને રસાયણ છે. તે પિત્તકારક નથી.

ઉપયોગ :

(૧) ધોળાં મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી તે રોગનો સામનો કરે છે અને રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.

(૨) સળેખમ અને ખાંસી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ ઘી અને સાકર સાથે લેવું.

(૩) શ્ર્વાસની તકલીફ ઉપર : પંદરેક મરીના દાણાનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત લેવું.

(૪) તાવ ઉપર : મરી અને કરિયાતાનું ચૂર્ણ દિવસમાં બે વખત પાણી સાથે લેવું. એક-બે દિવસમાં તાવ ઊતરી જશે. તાવનું જોર વધારે હોય તો આ ચૂર્ણ દિવસમાં ત્રણ-ચાર વખત ગરમ પાણી સાથે લેવું.

(૫) તાવ ઉપર બીજો ઇલાજ : તુલસીનાં પાનનો રસ અને મરીનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવું.

(૬) ઊલટી ઉપર : નાની અર્ધી ચમચી મરીનું ચૂર્ણ થોડુ મીઠું નાખીને લેવું.

(૭) મરડા ઉપર : મરીનું ચૂર્ણ છાશમાં લેવું.

(૮) આંજણી ઉપર : મરીના ચૂર્ણને બારીક લીસોટી આંજણીના ઉપર લગાડવું.

(૯) વાતરોગથી શરીર જકડાઇ જાય ત્‍યારે : મરીના ચૂર્ણને બારીક વાટી શરીર પર તેનો લેપ કરવો.

(૧૦) માથાના દુખાવા ઉપર : મરી વાટીને કપાળ પર લેપ કરવો.

(૧૧) શીતપિત્ત (એલજી) ઉપર : મરીને બારીક વાટી તેનો લેપ કરવો.

(૧૨) સ્‍વરભંગ અથવા અવાજ બેસી જવો : જમ્‍યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે લેવું.

(૧૩) વાયુની તકલીફ ન થાય તે માટે : મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.

(૧૪) દરેક જાતના તાવ ઉપર : મરીનું ચૂર્ણ એક ચમચી બે ગ્‍લાસ પાણી અને બે ચમચી સાકર ભેળવી ઉકાળવા મૂકવું. એક અષ્‍ટમાંશ (૧/૮) બાકી રહે ત્‍યારે ઉતારી લેવું. આ ઉકાળો પીવાથી તાવ ઊતરે છે; જરૂર પડે તો બીજા દિવસે પણ આ ઉકાળો લેવો.

૧૧] તમાલપત્ર

પરિચય :

તમાલવૃક્ષનાં પાંદડાંને ‘તમાલપત્ર’ કહેવાય છે. તમાલવૃક્ષનાં પાંદડાં તજ વૃક્ષનાં પાંદડાં જેવાં જ હોય છે. તેના ગુણ પણ લગભગ એકસરખા જ છે.

ગુણધર્મ :

તમાલપત્ર મધુર, તીક્ષ્‍ણ, કિંચિત્ ગરમ અને લઘુ હોય છે. તે તજા ગરમી, કફ અને પિત્તની તકલીફ મટાડે છે. આંતરડાંમાંના આમપ્રકોપનું શમન કરે છે અને કફપ્રધાન રોગોમાં ફાયદો કરે છે. તે પાચનતંત્રના રોગોમાં પણ ઉપયોગી છે. વારંવાર થતી ઝાડાની તકલીફમાં તે સારો ફાયદો કરે છે. ગર્ભશયની તકલીફોમાં પણ તે ઉપયોગી છે. ગર્ભાશયનું સંકોચન કરવામાં તે મદદરૂપ થાય છે. ગર્ભસ્‍ત્રાવ અને ગર્ભાપતનની તકલીફમાં પણ તે ફાયદો કરે છે. આમ, તમાલપત્ર ગર્ભાશયની શિથિલતા દૂર કરી તેને મજબૂતી આપે છે.

ઉપયોગ :

(૧) વારંવાર આવતા તાવમાં તમાલપત્રનો ફાંટ ખૂબ ઉપયોગી છે. તે પીવાથી પરસેવો વળે છે અને તાવ ઊતરી જાય છે.

(૨) તમાલપત્ર, તજ અને એલચી દાણાનું ચૂર્ણ સમભાગે એક નાની ચમચી દિવસમાં બે વખત (સવારે અને સાંજ) પાણી સાથે લેવાથી ગર્ભાશયમાંના વિકારો શમી જાય છે; ગર્ભાશય મજબૂત બને છે અને ગર્ભસ્‍ત્રાવ થવાની તકલીફ દૂર થાય છે. આ પ્રયોગ કરવાથી ગર્ભધારણ થવાની શક્યતા વધે છે.

(૩) તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.

(૪) કફપ્રધાન રોગોમાં પણ તે ફાયદો કરે છે.

(૫) ઉદર સંબંધી બધી તકલીફોમાં તે ઉપયોગી છે. મોળ, ઉદરશૂળ, વારંવાર ઝાડા થવા વગેરે તકલીફો તમાલપત્રના ચૂર્ણનો ફાંટ દિવસમાં બે વખત પીવાથી દૂર થાય છે. તમાલપત્ર તદ્દન નિર્દોષ પદાર્થ છે.

૧૨] રાઇ

પરિચય :

મસાલા કેવળ દાળ-શાક માટે જ નથી; જરૂર પડે ઔષધનું પણ કામ કરે. જાણતા હોઇએ તો આપણે ઘરમાં રહેલા મસાલાને પણ ઔષધ બનાવી શકીએ.

ગુણધર્મ :

રાઇ કડવી, ઉષ્‍ણ, પિત્તકર, દાહક, તીખી, તીક્ષ્‍ણ, રુક્ષ તથા અગ્નિ દીપક છે. વળી વાયુ, ગુલ્મ, કફ, શૂળ, વ્રણ, કૃમિ, ખંજવાળ અને કોઢને દૂર કરનારી છે.

રાઇને છોડનાં પાંદડાંનું શાક-તીખું, ઉષ્‍ણ, સ્‍વાદિષ્‍ટ, પિત્તકર તેમજ વાયુ, કફ, કૃમિનાશક છે. તે થોડી માત્રામાં દીપન, પાચન, ઉત્તેજક અને સ્‍વેદલ હોવાથી રસસ્‍ત્રાવ વધારે છે. આથી તેની મંથનક્રિયા સતેજ બને છે. પરિણામે ભૂખ ઊઘડે છે.

ઉપયોગ :

(૧) શરીર ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી મધમાં સવારે અને રાતે લેવું.

(૨) વાયુથી અંગ જકડાઇ જાય ત્‍યારે : રાઇ વાટીને તેની પોટિસ બાંધવી.

(૩) અજીર્ણ અને પેટના દુખાવા ઉપર : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી પાણી સાથે લેવું.

(૪) બરોળ અને યકૃતની તકલીફ ઉપર : રાઇ અને સિંધવનું ચૂર્ણ સમભાગે લઇ તેનો લેપ કરવો.

(૫) સોજા ઉપર : રાઇ અને સંચળનો લેપ લગાડવો.

(૬) ભૂખ લાગવા માટે : રાઇનું ચૂર્ણ અર્ધી ચમચી થોડા દિવસ પાણી સાથે લેવું.

(૭) કફને કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ, પા ચમચી સિંધવ અને પા ચમચી સાકરનું ચૂર્ણ સવારે અને રાતે લેવું.

(૮) પેટ શૂળ ઉપર : અર્ધી ચમચી રાઇને તેલ લગાડી ગળવી.

(૯) વિષ-ઝેર બહાર કાઢવા માટે : અર્ધી ચમચી રાઇ અને અર્ધી ચમચી મીઠું ગરમ પાણી સાથે ગળવાં.

(૧૦) ઊલટી બંધ કરવા માટે : રાઇને પાણીમાં વાટી પેટ ઉપર તેનો લેપ કરવો.

(૧૧) જખમ પાકયો હોય તો : રાઇના ચૂર્ણમાં ઘી અને મધમાં ભેળવી તેનો લેપ કરવો.

(૧૨) કાચ અથવા કાંટો વાગ્‍યો હોય તો : રાઇનું ચૂર્ણ ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવો, આથી કાંટો અથવા કાચ બહાર આવી જાય છે.

૧૩] મહિલાઓ માટે ઉતમ મેથી

પરિચય :

મેથીથી આપણે સૌ સારી રીતે પરિચિત છીએ. તેના ગુણોથી આપણે માહિતગાર છીએ. મેથી વાતરોગના ઇલાજ તરીકે ખૂબ જ જાણીતી છે. કોઇ પણ સાંધાની તકલીફ થાય ત્‍યારે આપણને મેથીની અચૂક યાદ આવે છે. સેંકડો વરસથી તેને મળેલી ખ્‍યાતી આજે પણ જરાય ઓછી થઇ નથી. એવું કહેવાય છે કે એક વખત સંધિવાતની તકલીફ થાય પછી તેમાંથી છૂટી શકાતું નથી, પરંતુ સાવ એવું નથી. જો ઇલાજ ચીવટપૂર્વક કરવામાં આવે અને તે લાગુ પડી જાય તો આ તકલીફમાંથી છુટકારો મળી શકે છે. શિયાળાની ઋતુમાં મેથીનો વધારે ઉપયોગ કરવો.

ગુણધર્મ :

મેથી તીખી, ઉષ્‍ણ, વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્‍ટંભક, હ્રદ્ય અને બલ્‍ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય મટાડે છે.

ઉપયોગ :

(૧) આમની તકલીફ ઉપર : મેથી અને સૂંઠનું અર્ધી ચમચી ચૂર્ણ ગોળ સાથે મેળવી સવારે અને રાતે લેવું.

(૨) વાયુ, મોળ, આફરો, ઊબકા, ખાટા ઓડકાર મટે; મેથી અને સુવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

(૩) લોહી સુધારવા માટે દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી (કાપેલી લેવલ) મેથી અન્‍ય ભાજીઓના રસ સાથે લેવી

(૪) ગર્ભાશયનું વ્‍યવસ્થિત સંકોચન થાય તે માટે એક નાની ચમચી મેથી, અજમો અને જીરાનું ચૂર્ણ પાણી સાથે લેવું.

(૫) સંધિવાતથી ઝલાયેલા શરીર માટે એક નાની ચમચી મેથી અને સૂંઠનું ચૂર્ણ લેવું.

૧૪] સુગંધી અને પાચક ઔષધી ફૂદીનો

પરિચય :

ફુદીનાથી આપણે સહુ પરિચિત છીએ. દરરોજ ઉપયોગમાં આવતા લીલા મસાલામાં ફુદીનો અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. ફુદીના વગર કોથમીરની ચટણી ફીકી લાગે. આપણે ત્‍યાં દરેક જગ્‍યાને તે સહેલાઇથી ઊગે છે. તેમાંથી એક પ્રકારની સરસ ગમે તેવી સુગંધ નીકળતી હોય છે. ઔષધ તરીકે બહુ ઉપયોગી છે. જેટલું પ્રાધાન્‍ય તુલસીને આપવામાં આવ્‍યું છે તેનાથી પણ વધુ પ્રાધાન્‍ય કદાચ ફુદીનાને આપી શકાય.

ગુણધર્મ :

ફુદીનો સ્‍વાદુ, રુચિકર, હ્રદ્ય, ઉષ્‍ણ, દીપન, વાત-કફનાશક તથા વધુ પડતા મળમૂત્રને નોર્મલ કરનાર છે. તે અજીર્ણ, અતિસાર અને ખાંસીને મટાડે છે. તે જઠરાગ્નિ-પ્રદીપક, સંગ્રહણીને મટાડનાર, જીર્ણજવર દૂર કરનાર અને કૃમિનાશક છે. તે ઊલટી અને મોળને અટકાવે છે. થોડા પ્રમાણમાં તે પિત્તનાશક પણ છે. તે પાચનશકિત વધારે છે અને ભૂખ લગાડે છે.

ઉપયોગ :

(૧) ભૂખ લગાડવા માટે : ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે ચાર ચમચા જેટલો (આશરે અર્ધો કપ) પીવો.

(૨) રોંજિદા તાવ ઉપર : ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.

(૩) ટાઢ વાઇને આવતા શીતજવરમાં પણ ફુદીનો અને તુલસીનો ઉકાળો થોડા દિવસ પીવો.

(૪) ફુદીનાનો તાજો રસ મધ મેળવી દર બે કલાકે આપતા રહેવાથી ગમે તેવો તાવ અંકુશમાં આવી જાય છે.

(૫) અપાચન, અજીર્ણ અને ઊલટી જેવી પાચનતંત્રની ફરિયાદમાં ફુદિનાનો તાજો રસ ફાયદો કરે છે.

(૬) પેટના શૂળ ઉપર : ફુદીનાનો રસ એક નાની ચમચી, આદુનો રસ એક નાની ચમચી સિંધવ નાખીને દિવસમાં બે વખત પીવો.

(૭) શરદી, સળેખમ અને પીનસ (નાકમાં થતો સડો)માં ફુદીનાના રસનાં બે-ત્રણ ટીપાં દિવસમાં બે-ત્રણ વખત નાકમાં નાખવાં.

૧૫] સુવા

પરિચય :

થોડાં ‍વરસો પહેલાં આપણાં ઘરોમાં સુવાનો મુખવાસ તરીકે ઘણો ઉપયોગ થતો; ઔષધ તરીકે પણ તેનો અવારનવાર ઠીક ઠીક ઉપયોગ થતો; પરંતુ તેના તીખા અને કટુ સ્‍વાદને કારણે હાલમાં તેનો ઉપયોગ ઘણો જ ઘટી ગયો છે. આ સુવાના ગુણનો ખ્‍યાલ કરીને આપણે ફરીથી તેનો ઉપયોગ વધારવો જોઇએ. દરેક સારી અને ગુણકારી વસ્‍તુનો સ્‍વાદ માણવો જોઇએ.

ગુણધર્મ :

સુવા કડવા, તીખા, પાચક, સ્નિગ્‍ધ, ઉષ્‍ણ, દીપન અને પેટના વાયુની તકલીફ માટે ઉપયોગી છે. તે વાત, કફ, દાહ, જ્વર, નેત્રરોગ, શૂળ, ઊલટી, વ્રણ, અતિસાર, આમ તથા તૃષાની તકલીફને મટાડે છે. વળી લોહીની શુદ્ઘ પણ કરે છે.

ઉપયોગ :

(૧) વાતવિકાર ઉપર : સુવા, હિંગ અને સિંધવનું ચૂર્ણ એક નાની ચમચી પાણી સાથે ફાકવું.

(૨) સુવા, હિંગ અને સિંધવના ચૂર્ણને વાટીને લેપ કરવાથી સંધિવાત, કટિવાત અને અસ્થિવાતનો નાશ થાય છે.

(૩) અતિસાર ઉપર : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં સાથે મેળવીને લેવું.

(૪) ઝાડામાં આવતી દુર્ગંધ માટે : સુવા અને મેથીનું ચૂર્ણ દહીં કે છાશ સાથે લેવું.

૧૬] સૂંઠ :

સૂંઠથી ભાગ્‍યે જ કોઇ અપરિચિત હશે. દરેક ઘરમાં તેનો નિત્‍ય ઉપયોગ થતો હોય છે. આદુને સૂકવીને સૂંઠને તૈયાર કરવામાં આવે છે.

સૂંઠ તીખી, સ્નિગ્‍ધ, લઘુ, ઉષ્‍ણ, રુચિકર અને આમવાતનાશક છે.

ઉપયોગ :

(૧) આમવાત અને પેટ શૂળ ઉપર : સૂંઠનો કાઢો પીવો.

(૨) હ્રદયરોગ, અગ્નિમાંદ્ય, શ્ર્વાસ, ખાંસી, અરુચિ, સળેખમ અને ઉધરસ ઉપર : સૂંઠનો કાઢો દિવસમાં ત્રણ વખત પીવો.

(૩) હરસ ઉપર : સૂંઠનો ચૂર્ણ છાશમાં પીવું.

(૪) બાળકોની સંગ્રહણી ઉપર : સૂંઠનો ઘસારો અર્ધી ચમચી દિવસમાં બે વખત ચટાડવો.

(૫) આધાશીશી ઉપર : સૂંઠને દૂધમાં અગર પાણીમાં ઘસીને તે ઘસારાનાં ટીપાં નાકમાં નાખવાં તેમજ તેનો પાતળો લેપ કપાળ પર લગાડવો.

(૬) બહુમૂત્રતા ઉપર : સૂંઠને ચૂર્ણ ખડી સાકર સાથે દિવસમાં બે વખત લેવું.

(૭) આમવાત ઉપર : સૂંઠને ચૂર્ણ ૪ ભાગ અને વરિયાળીનું ચૂર્ણ ૧ ભાગ દિવસમાં બે વખત પાણી સાથે આપવું.

(૮) અગ્નિમાંદ્ય અને કૃમિ ઉપર : સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાં દિવસમાં બે વખત આપવું.

(૯) સળેખમ અને શરદી ઉપર : સૂંઠ, તજ અને ખડી સાકરનો કાઢો દિવસમાં બે વખત લેવો.

(૧૦) શરીરની કાંતિ અને પુષ્ટિ માટે : સૂંઠનો ઉકાળો દિવસમાં બે વખત લેવો.

(૧૧) કમળા ઉપર : સૂંઠનો ચૂર્ણ અને ગોળ ખાવા આપવો.

(૧૨) ધાતુ સ્‍ત્રાવ થાય અને પેશાબમાં ધાતુ જાય તો : સૂંઠનો ઉકાળામાં હળદર અને ગોળ નાખી તે પીવો.

(૧૩) પેશાબમાં લોહી આવે અને દુખાવો થાય તો : ગાય અગર બકરીના દૂધમાં ૫ થી ૬ ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી પીવું.

(૧૪) અતિસાર અને આમની તકલીફ ઉપર : સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં નાખીને જમ્‍યા પછી લેવું.

૧૭] મુખવાસની મહારાણી વરિયાળી

પરિચય :

આપણે સૌ વરિયાળીથી સારી રીતે પરિચિત છીએ. દરેક ઘરમાં તેનો મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ મુખને સ્‍વચ્‍છ રાખે છે. સાથે સાથે ઠંડક આપે છે. ઉપરાંત તે મોઢાંમાંની દુર્ગંધનો નાશ પણ કરે છે. મોઢામાં પડેલાં છાલાંને રૂઝવવાનું કામ પણ તે કરે છે.

ગુણધર્મ :

વરિયાળી તીખી, કડવી, સ્નિગ્‍ધ, પિત્તકારક, દીપન, લઘુ, ઉષ્‍ણ, મેધ્‍ય તથા બસ્તિકર્મક છે. તે ઉપરાંત કફ, વાયુ, જ્વર, ગુલ્‍મ, શૂળ, દાહ, નેત્રરોગ, તૃષા, ઊલટી, વ્રણ, આમ તથા અતિસારમાં લાભદાયક છે. તે દાંતના સડાને રોકે છે. જમ્‍યા પછી ખાવાથી તે મોઢાને સુવાસિત રાખે છે.

ઉપયોગ :

(૧) આમ- અતિસાર ઉપર : વરિયાળીનો કાઢો પીવો.

(૨) મુખ વિકાર અને પેઢાંના સોજા ઉપર : વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.

(૩) ઉષ્‍ણતા અને ઉધરસ ઉપર : વરિયાળી અને સાકરનું ચૂર્ણ અવારનવાર મોઢામાં રાખવું.

(૪) પિત્ત-જવર ઉપર : વરિયાળી અને સાકરનો કાઢો પીવો.

(૫) વરિયાળીને પાનમાં મસાલામાં નાખવાથી તે વધુ સ્‍વાદિષ્‍ટ બને છે. મનને આનંદિત રાખે છે.

(૬) નેત્રદાહ ઉપર : વરિયાળીવાળા પાણીમાં આંખો ધોવી.

સાભાર : ગુર્જરી નેટ.કોમ
આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

ટીપ્પણી