રસોઈ કળા અને ગુજરાતી મર્દ, મિશન ઈમ્પોસિબલ!

ગુજરાતી પ્રજા વેપારી પ્રજા એવી ગુજરાતની બહાર બધે જ એક છાપ, અને અમુક અપવાદો બાદ કરો તો સાચી પણ ખરી! રસોઈની વાત આવે ત્યારે મોટા ભાગના ગુજરાતી પુરુષો નાકનું ટીચકું ચઢાવી રુઆબ થી કહેશે, ‘બોસ,એ આપણે ન કરીએ એ તો બૈરાઓનું કામ!’. સામા છેડે ગુજરાતના મોટા શહેરોમાં બદલાતી લાઈફસ્ટાઈલ વચ્ચે સ્ત્રીવર્ગ વર્કિંગ વુમન બની છે પરિણામે એમાં પણ ઘરમાં રસોઈયો રાખી લેવાની આદત વધી છે. ત્યારે રસોઈકળા કહો કે પાક શાસ્ત્રમાં જે એક સમયે સ્ત્રીઓની બેઝિક કહી શકાય એવી આવડત હવે યા તો પુરુષો સાથે વહેંચાઈ છે યા તો બહાર થી રેડી ફૂડ મંગાવવાનું ચલણ પણ વધ્યું છે.

અમુક ઘરોમાં અહિં પુરુષ સ્ત્રીને ઘરના કામમાં મદદરૂપ થાય એ ઘર બહુ સારી રીતે અને સ્મુધ રીતે ચાલતું હોય છે અને ઘરના વ્હિલ્સ એક સમાન રીતે ચાલતા હોય છે. ક્યારેક એવું પણ બને છે કે બહાર બહુ મોટો ભા થઇ ફરતા મર્દ કરતા અમુક ઘરમાં ટુવાલ પહેરી ટાંકો ભરતા કે પછી સરસ રીતે શાક સમારીને પાઉભાજી બનાવી શકતા પુરુષો પોતાની એક અલગ છાપ સારી રીતે સ્ત્રીના મગજમાં સ્થાપિત કરી શકતા હોય છે!

મોટે ભાગે ગુજરાતી પુરુષો બે પરિસ્થિતિમાં પાકશાસ્ત્ર વિશે વિચારતા હોય છે, એક મજબુરી થી અને બીજા શોખ થી. (જેમાં બીજું કારણ જવલ્લે જ જોવા મળે છે જે એક આદર્શ પરિસ્થિતિ કહી શકાય!) પોતાના ઘરમાં બધા બહારગામ જાય અને એકલું રહેવાનું થાય ત્યારે રસોડા સુધી લાંબા થતા હોય છે, પણ એમાં બહુ ઓછા ચા કે કોફી સિવાયનું કઈ બનાવવા માટે ચુલા સુધી પ્રયાણ કરતા હોય છે! જમવાનું બહાર થી મંગાવી લેવાનું, એમાં આટલી બધી રાંધવાની ઝંઝટ શાને કરવાની, એવો જ મોટે ભાગે એટિટ્યુડ હોય છે.

અહિં કોઈ ફેમિનિઝમ ની સગવડિયા અને સરળતા થી બધાને રિઝવી લેતી વાત નથી, પણ મોટે ભાગે વર્ષો થી સિસ્ટમ મુજબ રસોઈ એક એવી કળા છે જેમાં સ્ત્રીઓને સ્વાભાવિક રીતે પારંગતતા હાંસિલ હોય છે. ત્યારે કેટલાક પુરુષો આ પ્રચલિત માન્યતા કે હકિકત ને બદલવા મેદાને પડે છે અને સર્જાય છે કેટલાક રમુજી તો કેટલાક ખરેખર યાદગાર પ્રસંગો!

આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં મોટે ભાગે શેફ (રસોઈયાઓ) પુરુષો જ હોય છે જે રાજસ્થાની, નેપાળી, કે પંજાબી હોય છે! સવાલ છે કે આ બાબતમાં ગુજરાતી પુરુષો ક્યાં છે?

ભારતમાં ૨૫ કરતા પણ વધુ વર્ષો જ્વલંત સફળતા પામેલ મેગીએ દરેક ભારતીય પુરુષ કે પછી ટીનએજ છોકરીઓને કિચન કિંગ (કે ક્વિન) બનવાનો અવસર પૂરી પાડ્યો છે! કહો કે રસોડામાં પ્રવેશ કરી ચા પછી જે પ્રથમ ‘સાહસ’ કહી શકાય એ આ નુડલ્સ હોય છે! એક તપેલીમાં નુડલ્સનું પેકેટ તોડી પાણી ભરી ઉકાળી દેવાનું અને સાથે આવતો મસાલો નાખો અને થોડી વાર ઉકાળો એટલે લો. સરસ મેગી તૈયાર! સ્વાદમાં પણ ગમતી અને ભુખ સંતોષતી આ સુપર ડુપર પોપ્યુલર મેગી એ પછી આજ ની તારીખ સુધી નુડલ્સ માર્કેટમાં કઈ કેટલાય માર્કેટ પ્લેયર્સ થી છલકાવી દીધું છે, બધાને બસ હવે નુડલ્સ વેચવી છે. એક વખત બેન થઇ અને પાંચ મહિનાઓ સુધી માર્કેટ માંથી ગાયબ થતા, કેટલીય છોકરીઓએ પોતાના બાયોડેટામાં કુકિંગની કોલમમાં ફેરબદલ કરવી પડેલી!

સાદી મસાલા નુડલ્સ, હક્કા નુડલ્સ, શેઝ્વાન નુડલ્સ, ટોમેટો પ્યુરી નુડલ્સ, આટા કે પછી મલ્ટીગ્રેઇન નુડલ્સ, સૂપ નુડલ્સ, કપ્પા નુડલ્સ (ડાયરેક્ટ ગરમ પાણી નાખી તૈયાર થઇ જતી!) વગેરે વગેરે નિતનવા સ્વરૂપમાં ઉપલબ્ધ હોઈ દરેક ગ્રાહકની શોપિંગ ટ્રોલી એનાથી છલકાય છે. સો, કહેવાનો મતલબ એટલો જ કે રેડી ટુ કુક ફૂડ થી ગુજરાતી ટીન એજ છોકરીઓ અને ગુજરાતી પુરુષો પોતાના પાકશાસ્ત્રના હેરતઅંગેઝ કારનામાઓને આકાર આપે છે!

‘નુડલ્સ ક્રાંતિ’ પછી હવે પાસ્તા અને રેડી ટુ સર્વ સોસ પણ એટલા જ લોકપ્રિય થયા છે, ગુજરાતીઓને એમ પણ પાઉભાજી બહુ જ વહાલી (એક આડવાત અમદાવાદમાં પાઉભાજી ને ભાજીપાઉં જેવા ઉંધા નામે કેમ કહેવાય છે એનો કોઈ ઈતિહાસ ખરો??!) સો અમુક પુરુષો ઘરમાં હોમમિનિસ્ટરણી ગેરહાજરીમાં દરેક ગમતા શાકભાજીને બાફી, ક્રશ કરી ગરમ મસાલા અને બીજા મસાલાઓ ભભરાવી સરસ ભાવતી પાઉભાજી બનાવી જાણે છે.

ગુજરાતી પુરુષો આ સિવાય દાળ-ભાત અને રોટલીને છાશ સાથે વઘારી (જેને વાનગી તરીકે અમુક નાગરો ‘ચંદ્રકળી’ કહે છે) ખાવી, કે પછી સિમ્પલ બ્રેડ ને શેકી કે પછી શેક્યા વગર સોસ-બટર-જામ કે પછી મધ સાથે તૈયાર કરી સારી સેન્ડવિચ બનાવી જાણે છે. અહિં એક વાત કહેવી ખરેખર જરૂરી લાગે છે કે એક વખત પેલી ટિપિકલ ‘મેલ શોવિનીઝમ’ની (હું આ બધું થોડું કરું?) માન્યતાઓ જો બાજુ પર મૂકી દો પછી પાકશાસ્ત્ર માંથી મલ્ટી ખુશી એ દુનિયા સર કરવા જેટલી અનન્ય છે!

રસોઈ બનાવ્યા અને એમાં પડતી મુશ્કેલીઓ (કુકરની કેટલી સિટી વગાડવી, ચોખામાં કેટલું પાણી નાખવું, કેટલું મીઠું-મરચું નાખવાનું, લોટ બાંધતી વખતે લોટમાં કેટલું પાણી ઉમેરવાનું વગેરે) સમજ્યા પછી રસોઈ પાછળ થતી જદ્દોજહદ આપણને સમાજમાં આવે છે.

નુડલ્સ બનાવતી વખતે સૌ પ્રથમ વાસણમાં થોડું તેલ મૂકી એમાં થોડા કાપેલા શાકભાજી અને કાંદો વઘારી પછી નુડલ્સના નાખવાથી એક દિવ્ય નુડલ્સનું નિર્માણ થાય છે! આપણા ગુજરાતીઓ ની પ્રિય મસાલા ખીચડી અને છાશ કેમ ભુલાય?

આ બધી વાતો જેટલી સરળ લાગે છે એટલી છે નહિ, પણ એક વખત જેમ વાહન ચલાવતી વખતે બેલેન્સ રાખતા શીખી ગયા એમ જ અહિં એક વખત મોડસ ઓપરેન્ડી સમજ્યા પછી કુકિંગ દુનિયાની સૌથી વધુ રસપ્રદ પ્રવૃતિમાની એક છે! આપણે ત્યાં ગામડાઓમાં જ્યાં કેટલાક પુરુષો ખાસ કરીને સંયુક્ત કુટુંબોમાં ખોરાક વધારે હોવાથી સ્ત્રીઓ લગભગ ૩૦-૪૦ રોટલીઓનો સરેરાશ રોજ લોટ બાંધતી હોય છે અને એને વણવાની કડાકૂટ અને છેલ્લે ક્યારેક એમના ભાગે ખાવા પુરતી બચતી પણ નથી હોતી એ એક આખો અલગ વિષય છે! ગુજરાતી છોકરીઓ સ્કુલ કે કોલેજમાં ભણતી હોય ત્યારે મમ્મીઓ વહાલ થી પૂરી કેમ તળવી કે પછી રોટલી ગોળ કેમ બને એ શીખવાડતી હોય છે એ બહુજ સરસ ઘટના હોય છે. પોતાને રસોઈ ન આવડતી હોય અને ઘરમાં રસોઈ બનાવનાર થોડા દિવસો માટે બહારગામ જાય ત્યારે આ કળા કેટલી કઠીન અને જરૂરી છે એ સમજાય છે.

સ્ત્રી એ ફક્ત ઘરનું કામ કરવા માટે કે પછી રસોઈ પકાવી લગ્ન પછી ૨ છોકરા પેદા કરી જાણતું મશીન નથી એટલું સમજવાની પરિપક્વતા તો હવે ગુજરાતી પુરુષોમાં આવી ગઈ છે, પણ પાકશાસ્ત્ર ના પ્રયોગો હજુ એટલા છૂટ થી નથી થતા. ગુજરાતી પુરુષો રસોઈની બાબતમાં હજુ પણ મોટે ભાગે પરાવલંબી હોઈ બેકફૂટ પર છે!

લેખક : ભાવિન અધ્યારુ

આપ સૌને આ લેખ કેવો લાગ્યો ? પ્રતિભાવ આવકાર્ય !

ટીપ્પણી