રમૂજનો રાજા – ડેવિડ ધવન વિષે જાણવા જેવી વાતો !!!

એ સાલ હતી ૧૯૮૪ની. મહેશ ભટ્ટ્ની એક નવી ફિલ્મ રિલિઝ થઈ જેનું નામ હતું “સારાંશ”. વસ્તુતઃ એ ફિલ્મ માટે આયોજન એ રીતે કરવામાં આવ્યું કે જેમાં નાયક તરીકે સંજીવકુમારને જ પસ્ંદ કરવામાં આવે. પરંતુ અંતે સાવ નવા એવા અનુપમ ખેરને પસંદ કરાયા અને હજુ જેમની વય એ વખતે માત્ર ૨૮ વર્ષની હતી હતી એમણે ૬૦ વર્ષના જૈફનાં પાત્રને એટલી હદે સફળતાપૂર્વક ન્યાય આપ્યો કે બહુ જ ઝડપથી એ ફિલ્મની અઢળક પ્રસંશા થવા લાગી.

એટલું જ નહીં, એ અનેક ઍવોર્ડ્ઝ માટે પણ યોગ્ય ગણાવા લાગી. એક ટેક્નિશિઅને તો ફિલ્મની સફળતાનો યશ એના એડિટરને આપ્યો. એ એડિટર હતા ડેવિડ ધવન, જે ભવિષ્યમાં આ ફિલ્મનાં વિવેચન રુપે અપાયેલી પ્રશંસાને એમની આગામી ફિલ્મો માટેની હાસ્ય માટેના આયામો માટે પ્રયોજવાના હતા.

ત્રિપુરાનાં અગરતલામાં રાજિન્દર ધવન તરીકે જન્મેલા ડેવિડ ના પિતા યુકો બેંકમાં નોકરી કરતા હોવાથી અવારનવાર એમની બદલીઓ થતી રહેતી. ફિલ્મમાં અભિનય કરવાની તાલિમ લેવાના આશય સાથે ડેવિડે ” ફિલ્મ એન્ડ્ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવ્યો તો ખરો, પણ એમનો મૂળ રસ તો ફિલ્મનાં એડિટિંગ અને નિર્દેશન માટેનો હતો.

એની કારકિર્દીની શરુઆત એણે ૧૯૮૯માં “તાકતવર””અનેઆગકા ગોલા” જેવી એક્શન ફિલ્મોથી કરી, પણ એને સાચી ઓળખ તો ૧૯૯૦ માં રાજેશ ખન્ના અને ગોવિંદા અભિનિત ફિલ્મ “સ્વર્ગ” થકી મળી ! બસ, આ સાથે ગોવિંદા સાથે એની જોડી એવઈ તે જામી કે એમણે એકીસાથે પૂરી ૧૭ ફિલ્મો કરી !

 

આપણે જ્યારે હિન્દી ચિત્રપટ જગતના કાબેલ અને ખેરખાં કહી શકાય એવા દિગ્દર્શકોને આપણી નજર સમક્ષ લાવીએ છીએં ત્યારે કેવળ ગુરુદત્ત, સોહરાબ મોદી, હૃષિકેશ મુખર્જી, શ્યામ બેનેગલ, બિમલ રોય ને ગોવિંદ નિહલાનીનાં નામો જ ઉચ્ચારીએં છીએં,પણ એ રીતે એવા એક ધરખમ દિગ્દર્શકને ભૂલી જઇએં છીએં કે જેણે એની ફિલ્મોની સતત લોકચાહના સાથે આપણું મનોરંજન કરવામાં ક્યારેય પાછી પાની ન કરી…અને એની ફિલ્મો પણ એવી રહી કે સતત પુનરાવર્તિત થતી જ રહી છે એનું નામ છે ડેવિડ્ ધવન !

હું એવું ચોક્કસપણે માનું છું કે ડેવિડ ધવન પણ હિન્દી ફિલ્મજગતના બીજા બધા મહાન નિર્માતા-નિર્દેશકોની સમકક્ષ એવું પ્રદાન ધરાવે છે. પ્રેક્ષકોને હસાવવા એ એક સિનેમાનો સૌથી કપરો હિસ્સો એ હોય છે અને એ પણ કોઇ જ જાતની સસ્તી રમૂજ કે અશ્લિલતા વિના, અને એ ખરેખર એના સર્જક્ની કાબેલિયતની કસોટી કરનારી બાબત છે અને ડેવિડ ધવન એમાં સિધ્ધહસ્ત હથોટી ધરાવે છે.

૧૯૯૩ની “આંખેં” થી લઇને છેક ૨૦૧૭ ની “જુડવા2” સુધીની ફિલ્મોમાં એણે સતત એ સિધ્ધ કરી બતાવ્યું છે કે એક સામાન્ય પ્રેક્ષક પોતાનું દિમાગ ઘરે મુકી આવીને માત્ર ને માત્ર મનોરંજન મેળવવાના એક માત્ર ઉદ્દેશ્યથી જ પૈસા ખર્ચીને થિયેટર સુધી ખેંચાય છે, અને એ રીતે એણે આ સામાન્ય પ્રેક્ષકની રગ પકડી લીધી છે.

ભારતનો એક આમ આદમી આમે ય અનેક વિટંબણાઓ અને નિરાશાઓથી સતત ઘેરાયેલો છે જે એની રોજિંદી શુષક ઘટમાળોથી ભરેલી જિંદગીથી ત્રસ્ત થયેલો છે અને સિનેમા તરફ એની અપેક્ષા એવી હોય છે કે એ એને એવું મનોરંજન આપે કે એ માણવાના ત્રણ કલાકો દરમિયાન એની બધી જ ચિંતાઓ આપોઆપ ભૂલાઈ જાય અને પુરી હળવાશથી એ સિનેમાને માણે !

એ સર્જકને ખરેખર સલામ છે કે જેણે “અર્થ” અને “સારાંશ” જેવી ગહન વિષયવસ્તુ ધરાવતી ગંભીર પ્રકારની ફિલ્મોનું સંપાદન ( ) કર્યા પછી પોતાની આખી તરાહ બદલીને કેવળ બુદ્ધિવિહિન કહી શકાય છતાં શુધ્ધ, નિર્દોષ રમૂજ સભર વિષયવસ્તુ તરફ સફળતાપૂર્વક જઈ શક્યો !
એ રીતે, ડેવિડ ધવન, મનમોહન દેસાઈની ફિલ્મો બનાવવાની શૈલીને અનુસરે છે જ્યાં એ દૃઢપણે એવી પાક્કી સમજ ધરાવે છે કે ફિલ્મનું સર્જન, કોઇ પુરસ્કાર મેળવવા કે સમાજને બદલવાના હેતુ કરતાં, પ્રેક્ષક્ગણને મનોરંજન આપવા પૂરતું સિમિત હોય એ જ મુખ્ય બાબત છે. એની ૩૫ વરસો જેટલી લાંબી ફિલ્મી કારકિર્દીમાં ભાગ્યે જ કોઇ પુરસ્કાર મળ્યા છે; પણ એને એનો વસ્વસો નથી કેમકે એનું પોતાનું સ્થાન લોકોનાં હૃદયમાં અકબંધ હોવા બાબતે એ સુનિશ્ચિત છે.

હું પોતે કળા અને સમાંતર સિનેમાનો બહુ મોટો ચાહક છું પણ સાથે સાથે એવું દ્રઢ મંતવ્ય તો ધરાવું જ છું કે ભારતમાં સિનેમા તો મનોરંજ મેળવવાનું સાધન જ છે અને કમ સે કમ ડેવિડ ધવને તો મનોરંજ અંગેનું મૂળ તત્વ પૂરેપૂરું ચરિતાર્થ કર્યું છે.

ફિલ્મ “શોલે” અને વિશેષતઃ સલીમ-જાવેદે સર્જેલાં એનાં કમાલ ચરિત્રો પછી, ડેવિડ ધવન જ એકમાત્ર એવો સર્જક છે જેનાં ચરિત્રો અમર થવા સર્જાયેલાં છે. આજે પણ એનાં ‘નન્દુ સબકા બન્દુ'( “રાજાબાબુ”-શક્તિ કપૂર) કે ‘પપ્પુ પેજર (“દિવાના મસ્તાના”- સતિશ કૌશિ ), વિગેરે.
ડેવિડ ધવનનું બીજું પણ એક મહત્વનું પ્રદાન છે હિન્દી ફિલ્મજગતને. અને તે એ છે કે પૂરેપૂરી કાબેલિયતથી એણે ગંભીર પ્રકારના અને ખલનાયાકનું પાત્ર ભજવતા એવા બીબાંઢાળ કલાકારોને રમૂજી અદાકારી કરતા કર્યા છે ! એ એના આગવા દૃષ્ટિકોણની જ ખૂબી છે કે શક્તિ કપૂર્ સતિશ કૌશિક અનુપમ ખેર તેમજ સંજય દત્ત જેવા વિવિધ પ્રતિભાઓ ધરાવતા કલાકારોને આપણે બુધ્ધિહીન રમૂજો ભરી ફિલ્મોમાં માણી શકતા થયાં છીએ !

આપણે એ જ ઇચ્છીએ કે એ હજુ વધુ ને વધુ આવી સરસ ફિલ્મો બનાવ્યે રાખે અને એનાં મહાન રમૂજી સર્જનોથી આપણને સતત મૌજમાં રાખતા રહે !

લેખક – તપન પટ્ટણી.

ટીપ્પણી