ભક્તિ સમ્રાટ “શ્રી રામકૃષ્ણ પરમહંસ” ની પુણ્યતિથી નિમિતે વાંચો એમના ખાસ પ્રસંગો !

જન્મ – ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬
મૃત્યુ – ઓગસ્ટ ૧૬, ૧૮૮૬

રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું – મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો – હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

રામકૃષ્ણ પરમહંસજીના શિષ્ય નાગ મહાશયે ગંગાતટ પર જ્યારે બે વ્યક્તિઓને રામકૃષ્ણજી માટે અપશબ્દો બોલતા સાંભળ્યા તો ક્રોધિત થયા પરંતુ પ્રભુને પ્રાર્થના કરી કે એમના મનમાં શ્રધ્ધા જગાવી રામકૃષ્ણજીના ભક્ત બનાવી દો. સાચી ભક્તિને કારણે બંને વ્યક્તિઓ સાંજે રામકૃષ્ણજીના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યા હતા. રામકૃષ્ણજીએ એમને ક્ષમા આપી હતી.

એક દિવસ પરમહંસજીએ આમળાં માંગ્યાં. આ સમયે આમળાંની ઋતુ તો હતી નહીં. નાગ મહાશયને શોધતાં શોધતાં જંગલમાં એક વૃક્ષની નીચે આમળાં જોવા મળ્યાં, જે તેમણે પરમહંસજીને આપ્યાં. રામકૃષ્ણજી બોલ્યા – તુ જ લઇ આવશે એની મને ખાતરી હતી, કેમ કે તારો વિશ્વાસ સાચો હતો.

રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું. જ્યારે શિષ્યો તેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની વિનંતિ કરતા ત્યારે તેઓ તે વાતને તેમની અજ્ઞાનતા કહીને હસી કાઢતા. બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, “વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે.

ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?” આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

? જીવન પ્રસંગો

? સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ પરમહંસ આદર્શ ગુરુ અને શિષ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ મનાય છે

રસપ્રદ વાત એ છે કે વિવેકાનંદ શરૂઆતનાં વર્ષોમાં શ્રીરામકૃષ્ણ પરમહંસની વિચારધારાને સંપૂર્ણપણે સ્વીકારવા જ તૈયાર નહોતા. શ્રીરામકૃષ્ણથી તે પ્રભાવિત હતા અને તેમને નિયમિત રીતે મળતાય ખરા, પણ તેમની એ મુલાકાતો ગુરુ-શિષ્ય તરીકેની નહોતી બલ્કે જ્ઞાન મેળવવા આતુર એક યુવક એક જ્ઞાની માણસને મળે તે રીતની હતી.

નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) જનરલ એસેમ્બલી ઇન્સ્ટિટયૂશનમાં ભણતા ત્યારે તેમના પ્રિન્સિપાલ હેસ્ટી એક વાર વિલિયમ વડ્ર્ઝવર્થની કવિતા ‘ધ એક્સકર્ઝન’ ભણાવતા હતા ત્યારે તેમણે તેમના રહસ્યમયી વ્યક્તિત્વની વાત કરી. આ કવિતામાં એક ટ્રાન્સ શબ્દ આવે છે. ટ્રાન્સ એટલે એવી દુનિયા કે જે આપણી દુનિયાથી અલગ છે. માણસ સ્થળ-કાળનું ભાન ભૂલી અલૌકિક અનુભવ કરે તેને ટ્રાન્સમાં પહોંચી ગયેલો કહેવાય છે. હેસ્ટીએ કહ્યું કે, “જો તમારે આ શબ્દનો સાચો અર્થ સમજવો હોય તો દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે જવું જોઈએ. આ સાંભળી કેટલાક વિદ્યાર્થીઓને શ્રીરામકૃષ્ણ વિશે જાણવાની, તેમને મળવાની ઉત્સુકતા જાગી અને તેમાં એક નરેન્દ્ર પણ હતા.

શ્રીરામકૃષ્ણ હંમેશાં સાદી અને સરળ ભાષામાં જ વાત કરતા હતા, તેથી આ વ્યક્તિ કઈ રીતે કોઈના ગુરુ બની શકે એ વાત નરેન્દ્રને ન સમજાઈ. તેઓ કશું પૂછયા વિના જ પાછા આવતા રહ્યા. બે દિવસ પછી તેઓ ફરી દક્ષિણેશ્વર ગયા. એ વખતે સાંજનો સમય હતો. શ્રીરામકૃષ્ણ પાસે બહુ ઓછા લોકો બેઠા હતા. નરેન્દ્ર તેમની પાસે ગયા અને ધીરેથી પૂછયું,

“તમે ભગવાનમાં માનો છો?”
રામકૃષ્ણે સ્મિત કર્યું અને જવાબ આપ્યો, “હા.”

“તમે ભગવાન છે એવું સાબિત કરી શકો?”
“હા” શ્રીરામકૃષ્ણે એકદમ ટૂંકો જવાબ આપ્યો.
“કઈ રીતે?”
“કેમ કે હું જે રીતે તને જોઉં છું એ રીતે તેમને જોઈ શકું છું.”
આ જવાબે નરેન્દ્રને સ્તબ્ધ કરી દીધા, કારણ કે વર્ષોથી ભગવાનમાં માનનારા બધાં લોકોને એક જ સવાલ પૂછતાં હતા કે, “તમે ભગવાનને જોયા છે?” કોઈની પાસે તેનો જવાબ નહોતો, પરંતુ આ વ્યક્તિ એકદમ સ્વસ્થતાથી કહેતી હતી કે જે રીતે તે પોતાને જુએ છે તે રીતે ભગવાનને જુએ છે.

“તમે મને ભગવાન બતાવી શકો?”
“હા” રામકૃષ્ણે બહુ સ્વસ્થતાથી જવાબ આપ્યો.
નરેન્દ્રએ આ જવાબની કલ્પના પણ નહોતી કરી.
નરેન્દ્રએ પૂછયું, “ક્યારે?”
“અત્યારે જ” શ્રીરામકૃષ્ણે કહ્યું અને તેમણે નરેન્દ્રના માથા પર હાથ મૂક્યો. નરેન્દ્રને સમજાયું નહીં કે શું થાય છે, પણ ધીરે ધીરે તેઓ સમાધિમાં સરતા ગયા. એક એવી અવસ્થામાં પહોંચી ગયા કે તેમને આસપાસ શું થાય છે તેનું પણ ભાન નહોતું. આ અનુભવ બહુ થોડાક સમય માટે હતો, પરંતુ નરેન્દ્રને એ વાતનો અનુભવ કરાવ્યો કે આ માણસ દેખાય છે તેવા સાદા નથી અને તેની પાસે ઘણું મેળવવાનું છે. જોકે, ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ તેમને કોઈ કરાવી શકે તેમ હોય તો તે આ જ વ્યક્તિ છે.

બીજા એક રસપ્રદ પ્રસંગ અનુસાર એક દિવસ શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર અને બીજા લોકોને ભગવાન વિશે જણાવતાં હતા કે, ભગવાન બધામાં છે. આ સાંભળી બધા હસવા માંડયા અને વાત વાતમાં મજાકનો દોર શરૂ થયો. આ ઘડામાં પણ ભગવાન છે અને જગમાં પણ ભગવાન છે તેવી વાતો શરૂ થઈ. આ સાંભળી શ્રીરામકૃષ્ણ અચાનક ઊભા થયા અને તેમણે નરેન્દ્રના માથા પર હાથ મૂકી દીધો.

શ્રીરામકૃષ્ણે જે અનુભવ કરાવ્યો તેના વિશે વિવેકાનંદ લખે છે –

“ગુરુ શ્રીરામકૃષ્ણના ચમત્કારી સ્પર્શે એ દિવસે મારા મગજમાં અદ્ભુત પરિવર્તન લાવી દીધું. એ દિવસે મને અનુભવ થયો કે સૃષ્ટિમાં ભગવાન સિવાય બીજું કશું જ નથી. મેં એ દિવસે જે જોયું તે સમગ્ર બ્રહ્માંડ જેવું લાગતું હતું. મને અનુભવ થયો કે વેદો અને ઉપનિષદોમાં જે લખાયું છે તે ખોટું નથી. તે દિવસથી હું અદ્વૈતવાદનાં તારણોને નકારી શકું તેમ નથી.

એ અનુભવ પછી શ્રીરામકૃષ્ણને નરેન્દ્રએ પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા. તેમની સાચા ગુરુની શોધ પૂરી થઈ ગઈ હતી. તેમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવે તે વ્યક્તિ મળી ગઈ હતી. નરેન્દ્ર એ જ ઘડીથી રામકૃષ્ણને સર્મિપત થઈ ગયા.

? ” નિષ્કામ ભકિત “

સ્વામી વિવેકાનંદજીના જીવનનો પ્રસંગ છે, સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા અને તેમનું નામ નરેન્દ્ર દત્ત હતું ત્યારે તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ પાસે તેઓ જ્ઞાન મેળવવા અને બ્રહ્મચર્યની દિક્ષા લઈ તેમના શિષ્ય બનવા માટે જાય છે, ગુરૂ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ દિક્ષા લેવા અને પોતાને શિષ્ય બનાવાની વાત કરે છે. અટલે રામકૃષ્ણ પરમહંસ તેમને પહેલા જગતજનની માં પાસે જઈ દર્શન કરવા કહે છે અને સાથે વિવેકાનંદ ને કહે છે કે “તારે જે મેળવવું હોય.. જે જોતું હોય તે માં પાસે માગી લેજે, માતા ખૂબ દયાળુ છે, તારે જે જોઈએ તે મળી જશે.

ગુરૂ રામકૃષ્ણ પરમહંસની આજ્ઞા માની નરેન્દ્ર (વિવેકાનંદ) કલકતાના દક્ષિણેશ્વરના મહાકાળી મંદિરમાં જાય છે અને ત્યાં કલાકો સુધી મૌન બેસી રહ્યો અને પછી માતાને નમન કરી કંઈ પણ માગ્યાં વગર પાછો ફરે છે.

ગુરૂ રામકૃષ્ણ પરમહંસ પાસે આવે છે ત્યારે પરમહંસે પુછ્યું કે.,

માતા પાસે માંગી લીધું ?

વિવેકાનંદ જવાબ આપે છે કે., “ના” માતાને નમન કરી કંઈજ માગ્યાં વગર પાછો આવ્યો છું, રામકૃષ્ણ ફરી આગ્રહ કરતા કહ્યું.. અરે !! પાગલ છે, જા માંગી લે… માતા મહાકાળી તારી અને તારા પરીવારની બધીજ સમસ્યા દૂર કરી દેશે.

” જા માતા પાસે જા, માંગી લે માં પાસે જે જોઈએ તે… ”

ગુરુના કહ્યા પ્રમાણે વિવેકાનંદ ફરી માતાને મંદિર જાય છે અને અડધોક કલાક મૌન બેસી ફરી કંઈ માગ્યાં વગર પાછા આવી જાય છે, ગુરૂ રામકૃષ્ણએ કહ્યું… “ભાઈ તું શું કરે છે ? જા માગ.. માં બધું આપે છે, તારૂ જરૂર સાંભળશે. ”

આથી વિવેકાનંદ ફરી મહાકાળી માતાના મંદિરમાં જાય છે અને થોડી વાર મૌન બેસી કંઈ પણ માગ્યાં વગર પાછા આવી ગુરૂનાં ચરણોમા પડી રડવા લાગે છે, “માફ કરજો ગુરૂજી હું આપની આજ્ઞાનું પાલન નથી કરી શકતો. ”

ગુરૂ રામકૃષ્ણ પરમહંસ મરક મરક હસવા લાગ્યા, વિવેકાનંદને ઉભા કરી કહ્યું.., “તું આજથી મારો પરમ શિષ્ય છે, હું ઈશ્વરની નિષ્કામ ભકિત કરું છું, ક્યારેય કોઈ કામના કરી નથી ” તારામા પણ કોઈ લાલસા કે કામના નથી. આથી તું મારો યોગ્ય શિષ્ય બનવા માટે લાયક છે, આજથી તું મારો પરમ શિષ્ય છે. નિષ્કામ ભક્ત એ છે કે ઈશ્વર પાસે કોઈ લૌકિક સુખની આશા રાખતો નથી. ઈશ્વર પાસે લૌકિક સુખ માગવું એ મૂર્ખતા છે. ઈશ્ર્વરને જે આપવું હોય તે તો આપે જ છે. ઈશ્ર્વર મુકિતદાતા છે તેની નિષ્કામ ભકિતમા જ પરમ આનંદ છે.

? પરમાત્મા

રામકૃષ્ણ પરમહંસ ને તેમનો શિષ્ય હંમેશાં પૂછતો કે પરમાત્મા ક્યારે મળે? એક દિવસ તે શિષ્ય ગંગામાં જોડે નહાતો હતો તે વખતે, રામકૃષ્ણ પરમહંસે તેના વાળ પકડી અને તેનું માથું ગંગાના પાણીમાં એક મિનિટ ડૂબાડી રાખ્યું.

જેવું તેનું માથું બહાર કાઢ્યું-કે તે શિષ્ય ચિલ્લાઈ ઉઠયો કે-આવું તો થતું હશે ? મને તો એમ થયું કે આજે મારો પ્રાણ નીકળી જશે.

મારો જીવ પાણી માં મુંઝાતો હતો. ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું-કે- બસ ઈશ્વરને મળવાની આવી જ ઉત્કંઠા જાગે-કે તેના વગર હવે મારો પ્રાણ નીકળી જશે-ત્યારે-જ ઈશ્વર મળે છે.

પરમાત્મા વગર જીવ મુંઝાય તોજ પરમાત્મા મળે. પરમાત્મા ને મેરવવા માટે મીરાંબાઈ, સબરી જેવી ભક્તિ, અતૂટ શ્રદ્ધા હોય ત્યારેજ ઈશ્વર મળે છે.

? સંસારી ઈશ્વર ચિંતન કરી શકે ?

એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?

શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :

તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.

તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.

તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.

આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.

? માનવતા

શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના શિષ્યો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરતા હતા. એ સમયે એક ભગવા વસ્ત્રધારી સાધુ આવ્યા. તેમણે પરમહંસને સીધો પ્રશ્ન કર્યો – ‘‘તમે જીવનમાં કોઈ ચમત્કાર કર્યો છે?’’ પરમહંસ કશું બોલ્યા નહીં. તેઓ ચૂપ રહ્યાં એટલે પેલા સાધુમહારાજ થોડા ગેલમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘‘મેં વીસ વર્ષ કઠોર તપ કર્યું છે અને તેના પ્રતાપથી અત્યારે હું પાણી પર ચાલી શકું છું. તમારે ચમત્કાર જોવો છે?’’

પરમહંસે કહ્યું, ‘‘જેવી તમારી ઇચ્છા. ચમત્કાર દેખાડવો હોય તો દેખાડો.’’

મહાત્મા સામેથી વહેતી ગંગાની ધારા પર ચાલવા લાગ્યા. પરમહંસના શિષ્યો ચકિત થઈ ગયા. સાધુમહાત્મા ધારાને પાર કરીને પરમહંસ પાસે આવી ગયા. પછી ગુમાન સાથે કહ્યું, ‘‘સિદ્ધિ આને કહેવાય.’’

પરમહંસ મંદમંદ હસતા હતા. તેમણે કશું કહ્યું. એવામાં તેમને ત્યાં દૂધવાળો આવ્યો. પરમહંસે પૂછ્યું, ‘‘ભાઈ, તું દૂધ આપવા ક્યાંથી આવે છે?’’
‘‘હું ગંગાની સામે પારના ગામમાંથી આવું છું,’’ દૂધવાળાએ જવાબ આપ્યો.

‘‘તું ગંગાને કેવી રીતે પાર કરે છે?’’ પરમહંસે તેને પૂછ્યું.

‘‘હોડીમાં બેસીને. કેવટ એક પૈસામાં ગંગાને પાર કરાવી દે છે.’’

દૂધવાળાનો જવાબ સાંભળી પરમહંસે સિદ્ધપુરુષ મહાત્મા સામે જોઈને કહ્યું, ‘‘મહાત્મા, જે કામ માત્ર એક પૈસામાં થઈ શકે છે, તેના માટે તમે જીવનના અમૂલ્ય વીસ વર્ષ વેડફી નાંખ્યા! પાણી પર ચાલીને શું મળે? તમે જમીન પર બરોબર ચાલવાનું શીખીએ તો વધારે ફાયદો થાય. તેના બદલે માણસ અને માનવતા સમજવામાં આટલું તપ કર્યુ હોત તો બેડો પાર થઈ જાત અને ઇશ્વર સામે ચાલીને તમને ભેટી પડત. માણસોને ચમત્કાર દેખાડવાને બદલે પ્રેમ કરો અને તેમના દુઃખદર્ઢ્ઢોને સમજો.’’

સાધુમહાત્મા શરમાઈ ગયા અને તરત જ ચાલતી પકડી.

? અમર વિચારકર્ણિકાઓ

આપણી આંખ ભલે અપવિત્ર ચીજો જોઈ લે, પણ આપણા મનને કદી અપવિત્ર ચીજો જોવા ન દો. આપણા કાન ભલે કોઈ અપવિત્ર શબ્દ સાંભળી લે, પણ આપણા મનને કદી અપવિત્ર ચીજ સાંભળવા ન દો.
– રામકૃષ્ણ પરમહંસ

જ્યાં સુધી ઈચ્છાઓનું બુંદ પણ હશે ત્યાં સુધી ઈશ્વરના દર્શન નહિ થઇ શકે, એટલે જ નાની નાની ઈચ્છાઓનો તેમ જ સમ્યક વિચાર એને વિવેક દ્વારા મોટી મોટી ઈચ્છાઓનો પણ ત્યાગ કરો.

– રામકૃષ્ણ પરમહંસ

કેટલાક લોકો ઘંટી જેવા હોય છે, જે પીસે બીજા ને બૂમો પાડે પોતે.

– રામકૃષ્ણ પરમહંસ

ઈશ્વર બધા લોકોમા છે,પણ બધા માણસો ઈશ્વરમા નથી એટલે જ તે દુઃખી થાય છે.

– રામકૃષ્ણ પરમહંસ

? લેખન અને સંકલન : — Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી