વાંચો, રામદેવપીર ની કથા વાર્તા….તેમણે કહેલા ૨૪ ફરમાનો, રામદેવપીર નો હેલો અને આરતી !!

બાબા રામદેવપીર કોણ હતા ? કથા….!!

બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.

ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા. તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.

બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.

રામદેવપીરના ૨૪ ફરમાન

વિક્રમ સંવત ૧૫૧૫ ભાદ્રપદ સુદી ૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધીમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો. તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ

કહે રામદેવ સુણો ગતગંગા,

(૧)
પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન;
જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.

(૨)
ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર;
જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.

(૩)
વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને;
આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.

(૪)
ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર;
ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.

(૫)
તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ;
તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.

(૬)
સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર;
જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.

(૭)
વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી;
તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.

(૮)
માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર;
સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.

(૯)
પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ;
એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.

(૧૦)
એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ;
દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.

(૧૧)
દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન;
મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.

(૧૨)
સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ;
મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.

(૧૩)
સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર;
સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.

(૧૪)
દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય;
નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.

(૧૫)
નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ;
એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.

(૧૬)
જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય;
ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.

(૧૭)
ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ;
અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.

(૧૮)
કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર;
પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.

(૧૯)
ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી;
તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.

(૨૦)
ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ;
નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.

(૨૧)
સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ;
મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.

(૨૨)
નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા;
નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.

(૨૩)
દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ;
આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.

(૨૪)
હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર;
ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.

રામદાસ કહે સુણો સંતજન,
લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ;
સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.

રામાપીરનો હેલો…!

એ હરજી હાલો દેવળે, ને પુજવા રામાપીર
એ કોઢીયાના કોઢ મટાડ્યા, બાબો સાજા કરે શરીર
હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,

વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
હેલો મારો સાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક,
પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

વાણીયોને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ઉચી ઉચી ઝાંડીયુને વસમી છે વાટ,
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ઉંચા ઉંચા ડુંગરાને વચમાં છે ઝોર,
મારી નાખ્યો વાંણીયોને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ઉભી ઉભી અબળા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગયો સાદ.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
વાણીયાને વહારે થયા રામદેવ પીર.
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ઉઠ ઉઠ અબળા ધડ-માથુ જોડ,
ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખઈશ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

આંખે કરુ આંધળોને ડીલે કાઢું કોઢ,
દુનિયા જાણે પીર રામદેવનો ચોર,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

ગાઈ દલુ વાણીયો ભલી રાખી ટેક,
આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ,
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…

રામદેવપીરની આરતી

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…

ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

“રમો રમો રામદેવ” ભક્તો માં આ ભજન બહુ જ પ્રખ્યાત છે !!

રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સૌજન્ય : વઢીયારા ધર્મ

ટીપ્પણી