આજે રમા એકાદશી – વાંચો મહત્વ અને કથા

- Advertisement -

વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષના અંતિમ ચરણમાં આપણે આવી પહોંચ્યા છીએ. આજથી પાંચ દિવસ પછી એટલે કે કારતક સુદ એકમથી આપણે વિક્રમ સંવત ૨૦૭૪ના નવા વર્ષમાં પ્રવેશીશું. આ બધા તહેવારો આપણાં જનમાનસમાં છવાઈ ગયા છે. પણ આપણી કમનસીબી એવી છે કે તહેવારો જેટલાં આપણાં મનમાં, હ્ય્દયમાં ઉતરી જાય છે એટલા ઊંડા આપણે એ તહેવારોના મહત્ત્વ, ઈતિહાસ, વિશેષતામાં ઉતરતા નથી. એટલે ઉજવણીમાં ઉમળકો હોય પણ એ અંગેની વિશેષ કોઈ જાણકારી આપણી પાસે ન હોય. આજે આસો વદ અગિયારસ છે. તેને રમા એકાદશી પણ કહે છે. આ એકાદશીને રમા એકાદશી કેમ કહેવામાં આવે છે એની આપણને કશી જ ખબર નથી. ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરે પણ એની કથાની ખબર ન હોય.

ચાલો આજના દિવસના મહાત્મ્યથી વાતની શરૂઆત કરીએ.

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છેઃ “હે રાજન્‍! રમા એટલે સ્ત્રી, “यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः” વળી નારી તું નારાયણી. જેની એક આખા વિશ્વને ભસ્મીભૂત કરવાની શક્તિ અને બીજી આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છેઃ સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી એટલે ત્યાગ અને તપશ્ચર્યાની સાક્ષાત મૂર્તિ, સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. સ્ત્રીને સાચી શોભા અલંકારમાં નહિ, સદગુણોમાં છે. સ્ત્રીની અંતરંગ ધારાનો સહજ સ્વર છેઃ સમર્પણ, પ્રતીક્ષા અને પ્રીતિ – આ ત્રણેયના સંગમથી સ્ત્રી તીર્થ બને છે. સ્ત્રીની વ્યવસ્થા શક્તિ, દીર્ઘદ્રષ્ટિ, ઉત્સાહ, આવડત અને કરકસર પર આદર્શ ગૃહનું નિર્માણ થાય છે, માટે કહ્યું છે કે, “गृहिणी गृहं उच्यते” સ્ત્રી વગર ગૃહાસ્થાશ્રમ ખરેખર અધૂરો જ રહે છે, સ્ત્રી સંસારની શોભા છે.

સુંદર અને સુશીલ નારી સર્જનહારની સૃષ્ટિની સર્વોત્તમ કૃતિ છે. સ્ત્રી એ આ અવનિ પરનું જીવતું જાગતું કાવ્ય છે, કવિતા છે! સ્ત્રીનું અસ્તિત્વ જ પ્રેમ છે. સ્ત્રીની જીદગીમાંથી પ્રેમ લઇ લેવામાં આવે તો પછી કશું જ બાકી રહેતું નથી.

રમાએકાદશીની કથા આ પ્રમાણે છેઃ
પૂર્વે મુચુકુંદ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ઇન્દ્રનો પરમ મિત્ર હતો. આ વિષ્ણુભક્ત કુબેર, યમ, વિભીષણ વગેરેનો પણ મિત્ર હતો. તેની પુત્રી ચંદ્રભાગા રાહકુમાર શોભનને પરણી હતી. એક વખત શોભન શ્વસુરગૃહે આવ્યો. રાજાએ સૌને ઢોલ પીટાવીને આસો વદ દસમના દિવસે આદેશ આપ્યો હતો કે એકાદશીનું વ્રત ફરજિયાત કરવાનું છે.

શોભને પણ ઉપવાસ કર્યો પરંતુ ભૂખ-તરસને લીધે તેનું મૃત્યુ થયું. આથી ચંદ્રભાગા સતી થવા તૈયાર થઇ પરંતુ પિતાએ તેમ કરવા ના કહી. આ વ્રતના પ્રભાવથી શોભન મૃત્યુબાદ મંદરાચળ પર્વત પર દેવનગરીમાં રહેવા લાગ્યો. તેનો વૈભવ ઇન્દ્રના જેવો જ હતો. દેવાંગનાઓ તેની સેવામાં તત્પર રહેતી.

મુનિવર્યની સલાહથી ચંદ્રભાગાએ આ એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક કર્યું હતું અને વ્રતના પ્રભાવથી તેને દૈવી સુખ પ્રાપ્ત થયું હતું અને દિવ્ય દેહે શોભનનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું હતું.

કહેવાનું તાત્પર્ય એ છે કે, રમા એકાદશીની કથા ચિંતામંઈ તુલ્ય છે. જે લોકો આ કથાનું શ્રવણ-પઠન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઇ વૈકુંઠને પામે છે. આ ઉત્તમ વ્રતની ફલશ્રુતિ ઘણી મોટી છે. “જેવી ભાવના એવી સિદ્ધિ”

રમા એટલે સ્ત્રી, એટલે કે પોતાની પત્નીના કહેવાથી આસો વદ એકાદશી મુચુકુંદ રાજાએ વિધિપૂર્વક કરી હતી. અને આ રાજા તથા રાણી બંને આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ ભોગવી વિષ્ણુલોકમાં રમમાણ કરવા ગયાં હતાં, એટલે આ એકાદશીનું નામ રમા એકાદશી પડ્યું. આ કથા મહાપાપનાશક કહેવાય છે, કામધેનુ તુલ્ય આ રમા એકાદશીનો મહિમા પાવનકારી છે, હિતકારી અને પ્રીતકારી છે. વ્રત અતિ સરળ છે, વિધિમાં માત્ર ઉપવાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વ્રત આબાલવૃદ્ધ સર્વ કરી શકે છે. એકાદશી વ્રત એ મોક્ષમાર્ગનું સોપાન છે.

અલબત્ત, અહીં સંદેશો કર્મકાંડનો નહીં પણ અવિચળ શ્રદ્વાનો છે. શ્રદ્વાથી કરેલું વ્રત કે તપ ઉત્તમ ફ્ળ આપે એમ સમજવાનું છે.

ટીપ્પણી