રામ મોરીની કલમે લખાયેલી આજના સમયમાં એકલા પડી ગયેલા માવતરની કરૂણતા…

ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ !

પ્લેન લેન્ડ થયું અને ભાર્ગવની આંખ ખુલી. સવારના સાતેક વાગ્યા હતા. લંડનથી એ નીકળ્યો ત્યારે થોડું તાવ જેવું હતું. ભાર્ગવે વિચાર્યું કે ઘેર જઈને સૌથી પહેલાં મમ્મીને કહીશ કે ગરમાગરમ હળદરવાળું દૂધ બનાવી દો. ભાર્ગવને મમ્મીના હાથનું હળદરવાળું દૂધ ખૂબ ભાવતું. મમ્મી એ દૂધમાં હળદરની સાથોસાથ મધ અને લવીંગ એલચી પીસીને નાખતા. ભાર્ગવ લંડનમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતો. ન્યુયોર્કમાં એણે એન્જીનીયરીંગ કર્યું અને પાછો મમ્મી પાસે આવી ગયેલો. ભાર્ગવના પપ્પા તો વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. મમ્મી એકલી હતી. ભાર્ગવે જ્યારે ન્યુયોર્ક ભણવા જવાની વાત કરી ત્યારે મમ્મીને ગમ્યું નહોતું. ભાર્ગવ જ્યારે સામાન પેક કરતો હતો ત્યારે મમ્મીએ ભાર્ગવને એક બે વાક્યમાં રોકવાનો પ્રયત્ન કરેલો

‘’ ભાર્ગવ, અહીંયા કેટલી સારી સારી કોલેજ છે, ત્યાં જવું જ પડે એવું કંઈ ફરજિયાત તો છે નહીં. તું જતો રહીશ તો આ ઘરમાં હું એકલી શું કરીશ ? કોની સાથે વાતો કરીશ’’

‘’ મમ્મી, જસ્ટ બીકોઝ ઓફ તમારું આ હું કોની સાથે વાત કરીશ એ કારણ હોચ તો બહું નાનકડું કારણ છે મને રોકવાનું. હું ફોન કરીશ, દરરોજ. ત્યાં ભણીશ તો અહીંની ટોપમોસ્ટ કંપનીમાં મને મોં માગી સેલેરી મળશે.’’ એ સમયે પણ મમ્મી વાત માની ગઈ હતી. એ પછી જ્યારે એ ન્યુયોર્કથી ભણીને પાછો આવ્યો ત્યારે મમ્મીએ કહેલું કે,
‘’ ભાર્ગવ હવે તને હું ક્યાંય નહીં જવા દઉં, તું તો કહેતો હતો કે દરરોજ ફોન કરીશ. ભાગ્યે જ તને યાદ આવતું કે મમ્મી જીવતી છે અને મારે ફોન કરવો પડશે.’’ બચીઓથી મમ્મીએ ભાર્ગવને નવરાવી દીધેલો. બસ પછી તો મા દીકરો માંડ વર્ષ જેટલું સાથે રહ્યા હશે અને લંડન નોકરી મળી ગઈ. ફરી મા દિકરા વચ્ચે ઈમોશનલ ડાયલોગબાજી ચાલેલી,

‘’ હું તને ક્યાંય જવા નથી દેવાની ભાર્ગવ…તારે જતું જ રહેવું હતું તો અહીં પાછો શું કામ આવ્યો ?’’

‘’તારા માટે જ તો પાછો આવેલો મમ્મી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બસ થોડા વર્ષોનો તો સવાલ છે. ત્યાં થોડો સમય રહીશ તો એ અનુભવ અહીની કંપનીમાં બહું કામ લાગશે.’’ ઘણી આનાકાની પછી પણ મમ્મી તો માની જ જવાની હતી તે માની ગઈ.

‘’ તું ચિંતા ન કરતી હું તને નિયમિત કોલ કરીશ મમ્મી’’ અને મમ્મીને ભેટીને એ ગયેલો. આજે અઢી વર્ષે પાછો આવ્યો.
એનું ઘર આમ તો શહેરની બહાર હતું.નાનકડા ક્વાટર જેવું, ભાર્ગવે નક્કી કરેલું કે આ વખતે તો મમ્મીને શહેરના પોશ વિસ્તારમાં ફ્લેટ લઈ દેવો છે. ટેક્સીમાં બેઠો.એ વિચારવા લાગ્યો કે મમ્મી એને જોશે એટલે ગાંડી ગાંડી થઈ જશે. રડી પડવાની. કંઈ કેટલીય ફરિયાદો કરશે

‘’ ભાર્ગવ, તું તો કહેતો હતો કે મમ્મી દરરોજ ફોન કરીશ…તું તો ગયો એવો ખોવાઈ ગયો.’’

ઘેર પહોંચ્યો. જોયું તો ઘરે ચારેબાજુ ધૂળ જામેલી. દૂર દૂર સુધી હજું ક્યાંય સોસાયટીઓ ઉગી નીકળી નહોતી. ઘર પણ જાણે એકલું પડેલું. કૂતરાઓએ તો જાણે અડ્ડો જમાવેલો. કૂતરાઓને હટાવીને એણે લાકડાના દરવાજાને ધક્કો માર્યો પણ અંદરથી જાણે સાંકળ દીધેલી હતી. ખાસ્સી વાર સુધી ખખડાવ્યું પછી એને સમજાયું કે અહીં કોઈ રહેતું નહીં જ હોય. ચારેબાજુ બાવા અને જાળા બાઝેલા હતા. કબુતરો અને ચકલીઓના માળા બંધાયેલા હતા. ભાર્ગવને છીંકાછીંક થઈ ગઈ. એને થયું કે મમ્મી આ ઘર છોડીને ક્યાં ગઈ હશે ? ભાર્ગવે મમ્મીને ફોન કર્યો પણ ફોન લાગ્યો નહીં. એણે દરવાજાને ધક્કો માર્યો અને બારણું તોડી નાખ્યું. જેવો એ ખંડેર જેવા ઘરમાં એન્ટર થયો કે ચારેબાજુ ભંગાર જેવો થઈ ગયેલો બધો ધૂળ ભરેલો સામાન એમનેએમ પડ્યો હતો. એ જેવો ડ્રોઈંગરૂમમાં એન્ટર થયો તો હબક ખાઈ ગયો. એક ચીસ નીકળી ગઈ, બંધ બારીની બાજુમાં ખુરશી પર મમ્મી હતી, હાડપીંજર થયેલી મમ્મી. હાડપીંજર બનેલી મમ્મીનું ધ્યાન બાજુના ટેબલ પર પડેલા ધુળિયા મોબાઈલ તરફ હતું. તાત્કાલીક ભાર્ગવે પોલીસને ફોન કર્યો. પોલીસ, મીડિયા અને હોસ્પીટલની વાન. ભાર્ગવ એટલું રડ્યો કે અવાજ બેસી ગયો. પોલીસ તપાસ શરું થઈ. આખા શહેરમાં આ વાત ચર્ચાનો મોટો વિષય બની ગયો હતો કે એક દિકરો અઢી વર્ષે ઘરે આવ્યો અને ઘર ખોલ્યુ તો ખુરશી પર હાડપીંજર થયેલી મા મળી એ પણ ફોનની બાજુમાં અને ખુદ દીકરાને યાદ નહોતું કે છેલ્લે એને મમ્મી સાથે ક્યારે વાત કરી હતી. આખા ઘરમાં જાણે એક વાક્ય સડીને ગંધાઈ રહ્યું હતું અને હવે હાડપીંજર બનીને જાણે ખખડી રહ્યું હતું કે,

‘’તું જતો રહીશ તો આ ઘરમાં હું એકલી શું કરીશ ? કોની સાથે વાતો કરીશ’’

( સત્યઘટના પર આધારિત)

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની લાગણીસભર વાર્તાઓ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી