“તને અભિનંદન !” – રામ મોરીની કલમે… પતિની મારઝૂડથી કંટાળેલી સ્ત્રીના સ્વમાનની વાર્તા…

રવિવારની એ સાંજ હતી. ઘરમાં બધા લોકો હાજર હતા. ટી.વી.માં કોઈક સાઉથ ઈન્ડિયન ફિલ્મ ચાલી રહી હતી. બંને ભાભીઓ રાતના ઉંધિયું માટે સબ્જી સમારતી હતી. મમ્મીના હાથ ‘ભલે પધાર્યા’ તોરણ ગુંથવામાં વ્યસ્ત. ધીમા અવાજે મમ્મી કોઈ કિર્તન ગણગણતી હતી. બંને ભાઈઓ અને તેના બાળકો ટી.વી.માં ફાઈટ જોઈ રહ્યા હતા. દૂર બારી પાસે બેસીને મોટા બાટલી કાચ ચશ્મામાં પપ્પા કોઈક મેગેઝિન વાંચી રહ્યા હતા. ઘડિયાળ ટક ટક અવાજ કરીને વચ્ચે વચ્ચે આખી વાતને હોંકારો આપતી હતી. આખું દ્રશ્ય પરફેક્ટ.ડોરબેલ વાગી. કદાચ કોઈએ નહીં સાંભળી. ફરી વાગી. અચાનક ભાભીઓનું ધ્યાન ગયું, મમ્મીનું ધ્યાન ગયું. કોઈ ડોરબેલ વારંવાર વગાડતું હતું જાણે એને કોઈ વાતની બહું ઉતાવળ હતી. ફટાફટ મોટી ભાભીએ દરવાજો ખોલ્યો. દરવાજાની સામે છેડે ઘરની મોટી દીકરી સુધા હતી. રડમસ. એક હાથમાં બેગ અને જમણો સુઝી ગયેલો ગાલ. મોટા ભાભી હજું કશું બોલે એ પહેલાં સુધા રોઈ પડી.

ટી.વી.નો અવાજ ધીમો થયો અને સુધાનો અવાજ મોટો. આજુબાજુ પડોશીઓના બારી બારણા પણ ખુલી ગયા. મમ્મીએ ફટાફટ સુધાને ઘરમાં અંદર લીધી. પ્રશ્નોનો મારો,
“શું થયું બહેન, કેમ રડે છે ?”
“આ ગાલ કેમ સુઝેલો છે ? કોઈએ માર્યું કે ઈન્ફેક્શન લાગ્યું છે ?”
“સુધા, તારી મમ્મીને નહી કહે કે શું થયું ?”
“સુધાબહેન, પહેલા પાણી પી લો”

પણ જવાબમાં સુધાના હિબકા અને ચોઘાર આંસુ. પપ્પાએ પૂછ્યું,
“ હવે રડી લીધું હોય તો કહીશ કે શું થયું છે ? ક્યારના બધા પૂછી રહ્યા છે.”
“ પપ્પા, હું હવે વિશાલના ઘરે પાછી નહીં જાઉં. મારે વિશાલ સાથે નથી રહેવું. રોજ રોજની મારામારી અને ઝઘડાથી હું કંટાળી ગઈ છું. આની કરતાં હું કુંવારી રહી હોત તો સારું થાત” ભેદ ઉકેલાયો. સુધા અને વિશાલનો રોજિંદો ઝઘડો. બધાના ચહેરા પર
“ ઓય રે…..!!!” ફરી ટી.વી.નો અવાજ મોટો થઈ ગયો. ભાભીઓના હાથ સબ્જી પર ચાલવા લાગ્યા. મમ્મીએ ‘ભલે પધાર્યા’ તોરણનો છેલ્લો દોરો તોડીને ભરત પૂરું કર્યું. પપ્પાએ ખોંખારો ખાધો.

“ મોટા, વિશાલકુમારને ફોન જોડ અને અહીં બોલાવ”
“ પપ્પા, તમને કહી દઉં છું. વિશાલ અહીં આવે કે ન આવે. હું એ ઘરમાં પાછી નથી જવાની.” આટલું કહીને સુધા પોતાના જુના રૂમમાં જતી રહી અને બારણા અંદરથી બંધ કરી દીધા. મમ્મીએ પપ્પા સામે જોયું તો પપ્પાએ રોકડું પરખાવ્યું,
“ એ તો બોલે હવે, લગ્નજીવનમાં ઝઘડાઓ તો થાય. એને આટલું મોટું સ્વરૂપ ન આપી દેવાય. મોટા, તું વિશાલકુમારને ફોન જોડીને બોલાવ. સમાધાન કરાવી દઈએ.”

રાત પડી. વિશાલકુમાર આવ્યા. ડાઈનીંગ ટેબલ પર બધા બેઠા. પપ્પા વિશાલકુમારને સમજાવતા હતા કે “લગ્ન જીવનમાં આવું બધું ચાલતું રહે. થોડું ઢીલું મુકી દેવાનું. આ રીતે ઝઘડતા રહેશો તો લોકો તમારા પર હસશે.કાલ સવારે બાળકો થશે એનો પણ વિચાર કરો. લગ્નને પાંચ વર્ષ થવા આવ્યા. હવે આ બધી ફરિયાદો ફરી ન આવવી જોઈએ..”આ બધી વાતોમાં વિશાલકુમારે મોટા ભાભી પાસે બે વાર ઉંધિયું માગીને ખાધું અને મમ્મીના આગ્રહથી હલવો પણ બીજી વાર લીધો. ખાતા ખાતા “જી પપ્પા હવે આ વાત ધ્યાનમાં રાખીશ” એવી ખાત્રી આપતાં ઉંધિયામાંથી મીઠા લીમડાના પાંદડાઓ કાઢીને સાઈડમાં મુકી દીધા. પપ્પાએ મમ્મીને કીધું કે “સુધાને જમાડી દો અને કેજો કે સવારમાં એની વહેલી ટ્રેઈન છે”. મમ્મી થાળી લઈને ગઈ અને મમ્મીનો અવાજ સાંભળી સુધાએ દરવાજો ખોલ્યો અને મમ્મીને અંદર લઈ ફરી બંધ કરી દીધો. મમ્મીએ આગ્રહ કર્યો કે “સુધા, જે થયું એ ભૂલીને જમી લે. વિશાલકુમારે તારા પપ્પા પાસે માફી પણ માંગી છે અને ખાત્રી પણ આપી છે કે આગળ ફરી આવું નહીં થાય.” સુધાએ દ્રઢ અવાજે જવાબ દીધો કે “માફી તો રોજની થઈ, વારંવાર મારામારી કરીને માફી માંગવી એ હવે નહીં સહેવાય. રોજેરોજ માનભંગ થવા હું ત્યાં નહીં જાઉં. પપ્પાને એવું લાગતું હોય કે હું માથે પડું એમ છું તો હું ભણેલી છું, અલગ રહીને પણ મારી લાઈફ જીવી શકું છું પણ હવે સમાધાન નહીં કરું, મારા સ્વમાન ખાતર તો નહીં જ. મમ્મી એકીટશે જોતી રહી.

“તું સાચ્ચે જ વિશાલકુમાર સાથે નહીં જાય ?”
“ હા મમ્મી, રોજેરોજ મરવું મને નહીં ફાવે. એકલી રહીશ પણ મારી મરજીથી તો રહીશ..મારા માટે જીવીશ. “આટલું બોલતા તો સુધાનું ગળું ભરાઈ આવ્યું.

મમ્મીએ સુધાની માથે હાથ મુક્યો “ તો પછી તને અભિનંદન, આવી હિંમત બધામાં નથી હોતી.” સુધા મમ્મીની વાત સાંભળીને ચોંકી ગઈ એ મમ્મીની સામે ફાટી આંખે જોઈ રહી અને મમ્મીની આંખોમાંથી પણ વર્ષો જુના હિબકા વરસી પડ્યા.

લેખક : રામ મોરી

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને વોટ્સએપ ગ્રુપમાં, અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી