રામ મોરીની કલમે લખાયેલો એક એવો કાગળ જે દરેક માબાપે વાંચવાનો છે…આજની પેઢીના વિદ્યાર્થીઓની મનોવેદના…

મને કશી જ નથી ખબર !

પપ્પા,

હું રોનક. તમારો દિકરો. મારે તમારી સાથે વાત કરવી છે. મને ખબર છે તમારે બહુ બધું કામ છે. બહુ બધી મીટીંગ્સ અટેન્ડ કરવાની છે. પણ મારી વાત અગત્યની છે. મારે કરવી જ પડે એમ છે. પપ્પા, મારે સાયન્સ નથી કરવું !
તમને સખ્ખત ઝાટકો લાગ્યો હશે. આખી લાઈન તમે ફરી ફરી વાંચી હશે. ચશ્મા પણ સરખા કરી લીધા હશે. પણ પપ્પા, તમે બરાબર જ વાંચ્યું મારે સાયન્સ નથી કરવું. તમને થશે કે હું બકવાસ કરું છું. કાંઈક નશામાં આવીને લખી નાખ્યું હશે. તમારા વાઈનની બોટલ સહીસલામત છે. એ પીધા વગર જ હું આ લખી રહ્યો છે. તમે બૂમો પાડીને કદાચ મમ્મીને પણ બોલાવશો કે, ‘’
વીણા….વીણા…ક્યાં મરી ગઈ…જો આ તારા છોકરાને હવે આ વળી નવું શું સુઝ્યું ?’’ મમ્મી ઘરમાં નથી. મમ્મી બજારમાં ખરીદી કરવા ગઈ એ ટાઈમે જ મેં આ કાગળ તમારા ટેબલ પર મુક્યો છે કે તમે નહાઈને બહાર નીકળો એટલે સૌથી પહેલાં આ કાગળ તમારા હાથમાં આવે. પપ્પા, પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળો. ગુસ્સો ન કરો.
આઈ નો કે તમને થતું હશે કે લાખો રૂપિયાની ફીસ ચુકવીને સાયન્સ સ્કૂલમાં એડમીશન લીધું છે. ટ્યુશનના દોઢ લાખ રૂપિયા તમે ભરી દીધા છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે એ વાતની જાહેરાત કરી દીધી છે કે હવે તો તમારો દિકરો મીકેનીકલ એન્જીનિયર બની જ જશે. તમને બધાએ એડવાન્સમાં અભિનંદન પણ આપી દીધા છે. મને બધ્ધી ખબર છે. તમારો દિકરો મીકેનીકલ એન્જીનિયર બની જાય પછી એને તમે સગાવહાલાઓ અને ફ્રેન્ડ સર્કલ સામે કઈ વાતોથી અને કઈ રીતથી તમે રજૂ કરશો એ પણ તમે નક્કી કરી રાખ્યું છે.

તમારા મનમાં એ આખી સ્ક્રીપ્ટ રેડી છે જેનું રીહર્સલ તમે અનેકવાર કરી ચૂક્યા છો. અરે, તમારા મનમાં તો શુક્લા અંકલની નાની દીકરી કે જે સી.એની તૈયારી કરવાની છે એનો હાથ તમે મારા માટે માંગવાનો છો ત્યાં સુધીનું મેનેજમેન્ટ અને પ્લાનીંગ તમારા દિમાગમાં ફિક્સ છે. મને ખબર છે કે હું તમારા કંઈકેટલાય સપનાઓ રોળી રહ્યો છું પણ પપ્પા આ બધામાં તમે મારો વિચાર તો કરો કે મને શું જોઈએ છે…ક્યારેક મને આવીને તો પૂછો કે રોનક, સ્કૂલમાં કેવું ભણાવી રહ્યા છે ? તને બધું બરાબર સમજાય છે કે નહીં ? તારું મોઢું કેમ ઉતરેલું છે ? તને સ્કૂલમાં કાંઈ પ્રોબ્લેમ છે ?

ના પપ્પા, તમે આમાંથી કશું જ નથી પૂછતા. હું આ બધી વાતો મમ્મીને કરું છું એ પણ એ અપેક્ષાથી કે મમ્મી તમને કશું કહે પણ મમ્મી તમને કશું જ નથી કહેતી. એનું તો જીવનમાં જાણે એક જ લક્ષ છે, ‘’ રોનક, પપ્પાને આ વાતની ખબર ન પડવી જોઈએ..પપ્પા ગુસ્સે થશે….પપ્પાનો મુડ બગડશે…પપ્પાની તબિયત બગડશે…પપ્પા જમશે નહીં….પપ્પા એના ફ્રેન્ડસને મોં નહીં બતાવી શકે..’’ મમ્મી સતત બધું ઢાંકતી રહી પણ એને ખબર નથી પડતી કે સાડીના પલ્લુથી વાસણ ઢાંકી શકાય પરિસ્થિતિ નહીં. તમને તમારા મિત્રોની સગાવહાલાઓની પડી છે, મમ્મીને તમારા મુડની પડી છે પણ આ બધામાં હું ક્યાં છું ?

પપ્પા, મોંઘી મોંઘી સ્કૂલમાં ભણવા બેસાડ્યા, પાંચ પાંચ ટ્યુશન્સ રખાવી દીધા. થેંક્યું સો મચ પણ મને આ બધું નથી જોઈતું. તમને ગુસ્સો આવશે કે, ‘’ નાલાયક, તો તારે જોઈએ છે શું ?’’ ફાઈનલી તમને આ બહાને એક એવો સવાલ તો થયો કે મને જોઈએ છે શું ? પપ્પા, મારી પાસે એનો સ્પષ્ટ જવાબ છે કે પપ્પા હું બિલકુલ સ્પષ્ટ નથી કે મારે શું જોઈએ છે. મને કશી જ નથી ખબર કે મારે શું બનવું છે. હા પણ મને એટલી ખબર છે કે મારે સાયન્સ નથી કરવું, મારે એન્જીનીયર નથી બનવું. આટલું સ્પષ્ટ કરતા અને લખતા તો મને આખા શરીરે પરસેવો થઈ ગયો. પપ્પા, હું તમને હાથ જોડીને કહું છું કે પ્લીઝ મારા પર દયા કરો મને સાયન્સ નથી કરવું મને બચાવી લો. તમે મને કહેશો કે,

‘’ હું તારો બાપ છું, દુશ્મન નથી કે તને જાણી જોઈને કોઈ ખાઈમાં ધકેલું. અરે, તારી લાઈફ બની જશે સાયન્સમાં. જો તું એન્જીનિયર બનીશ તો આખી જીંદગી માનપાન અને એશોઆરામ ભોગવીશ. બાકી મહિનાના અંતે બે છેડા એકઠા કરવામાં મોઢે ફીણ આવી જશે.’’ અગ્રી. તમારી વાત સાથે સહમત છું પણ હું એમ કહું કે એ જીંદગી મારા માટે જીંદગી જ નહીં હોય ત્યાં હું રોજેરોજ કોઈને કોઈ વાતોના લીધે મનથી હારતો હોઉં. પપ્પા, હું ઢસડાઈ રહ્યો છું. લોહીલુહાણ છું ! દોડી દોડીને હાંફી જાઉં છું પણ સાયન્સના વિષયો સાથે મારે મનમેળ થતા જ નથી. ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સની માયાજાળમાં એવો તો અટવાઈ રહ્યો છું કે હવે મને બધી જગ્યાએ અંધારું દેખાય છે. શ્વાસ લેવામાં પણ જાણે તકલીફ પડી છે એટલી ગુંગળામણ થઈ રહી છે પપ્પા !
તમને થશે કે આ બધું અચાનક મને શું થઈ ગયું. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું. દસમા ધોરણ સુધી તો હું ક્લાસમાં ટોપ નંબરે હતો. સાયન્સમાં આવીને હું આવી વાતો કેમ કરવા લાગ્યો. પપ્પા, મેં તો તમને પહેલાં જ કહેલું કે મારે સાયન્સ નથી કરવું. તમે જ મને કહેલું કે, ‘’

રોનક, પાગલ થઈ ગયો છે. દસમા ધોરણમાં 85 પરસેન્ટ માર્ક આવ્યા અને તારે સાયન્સમાં એડમીશન નથી લેવું ? સાયન્સ નથી કરવું તો શું તું આર્ટસમાં જઈશ ? આટલો હોંશીયાર છે તો આર્ટ્સમાં જઈને શું કરીશ ? શુક્લા અંકલનો દીકરો સીવીલ એન્જીનીયર બની ગયો છે, બાર લાખનું પેકેજ છે એને. મનોહર અંકલનો નાનો દિકરો પણ લાસ્ટ યર એમ.એસ ડોક્ટર બની ગયો, પોતાના ઘરનું દવાખાનું માંડ્યુ છે એને. પ્રફુલ્લા ફૂઈનો શ્યામ પણ આવતા વર્ષે ઈલેક્ટોનિક એન્જીનીયર બની જશે. ટોપની કંપનીઓ એન્જીનીયર્સને લેવા પડાપડી કરી રહી છે. લાંબુ વિચાર અન દૂરનું વિચાર. આર્ટસમાં જઈને શું કાગળ પર ચિતરડા કરીશ ? બગલથેલો લઈને કોલેજમાં પર લેક્ચર પંદરસો કમાઈશ ?

મારા ગ્રુપમાં અને સગાવહાલાઓમાં કોઈને દિકરો મિકેનીકલ એન્જીનીયર નથી. આપણે મિકેનીકલ એન્જીનીયર બની જઈએ. વટ પડી જશે. હું પણ મનોહર અંકલ અને શુક્લા અંકલની જેમ કોલર ઉંચી રાખી શકીશ. મેં તો તારા માટે બધા પ્લાનીંગ રેડી રાખ્યા છે. તું આ સાયન્સ પતાવી દે એટલે મિકેનીકલનું ભણવા તને તો હું યુ.એસ.માં મોકલી દઈશ. મેં બધું વિચારી રાખ્યું છે.’’ પપ્પા, તમે બધું વિચારી રાખ્યું પણ એમાં મારું ન વિચારી રાખ્યું. જીવનાં બધું તમારા એંગલથી અને તમારા અનુભવોથી જોવાતું નથી હોતું !

તમને અત્યારે ભયંકર ગુસ્સો આવતો હશે. મને મારવા તમે કદાચ ઉપર મારી રૂમે આવ્યા હશો પણ હું ઘરમાં નથી. ડોન્ટ વરી હું ક્યાંય ભાગી નથી ગયો. ખુદથી જ નથી ભાગી શક્યો તમારાથી દૂર ક્યાં ભાગું ? પપ્પા, તમને અંદાજો પણ છે કે સ્કૂલમાં મારી સાથે શું થાય છે ? હંમેશા સ્કૂલમાં દસમાં ધોરણ સુધી દરેક ટેસ્ટમાં ટોપ નંબરે પાસ થનારો હું સાયન્સમાં તો દરેક નાની મોટી ટેસ્ટમાં ઝીરો માર્કે ફાયર થાઉ છું. ક્લાસમાં બધા મારી પર હસે છે. મારું કોઈ ફ્રેન્ડ નથી. બ્લેક બોર્ડ પર લખાયેલું બધું મારી નોટબુકના પાનાઓ પર ઉતરી જાય છે પણ મનમાં કે સમજમાં એ કિલોમીટર દૂર ઉભું રહીને મારી પર ખીખીયાટા કરે છે. હું ગોખી લેવાના ખૂબ પ્રયત્નો કરું છું. એકનો એક પ્રશ્ન અને એના જવાબમાં દસ દસ વખત લખું છું પણ અગિયારમી વખત તો ભૂલી જ જાઉ છું.

ક્લાસમાં હું છેલ્લી બેંચમાં બેસું છું. ટીચર્સ મને પહેલી બેંચમાં બેસાડે છે પણ અરધા લેક્ચરે મને ઉંઘ આવે છે એટલે હવે મને લાસ્ટમાં બેસાડવામાં આવે છે. રીસેસમાં પણ કોઈ મારી સાથે બેસીને નાસ્તો નથી કરતું. પ્રોજેક્ટ ટાઈમે મને કોઈ ગ્રુપમાં રાખવા તૈયાર નથી થતું. મારા ટીચર્સ પણ ક્લાસમાં કોઈ સવાલ પૂછે તો હવે એવી રીતે વાત કરે કે, ‘’ રોનક સિવાયના બાકીના લોકો જવાબ આપે…કેમકે રોનકને તો ખબર નહીં જ હોય.’’ બધા મારા પર જોરજોરથી હસે છે. પપ્પા, મારું રડવું પણ મારી અંદર સુકાઈ ગયું છે. આખી આખી રાતે હું છતને તાકીને જાગતો પડ્યો રહું છું. આંખો બંધ કરું તો મને એવું લાગે છે કે બધા મારા પર હસે છે. બધાની આંગળી મારા તરફ ચીંધાયેલી છે કે જુઓ આ પેલો રોનક….જેને ક્યારેય કશું જ નથી આવડતું….જેને ક્યારેય કશું નથી સમજાતું. પપ્પા, મને ખબર છે કે હું ઠોઠ નથી…મારી યાદશક્તિ બહુ સારી છે પણ મને આ સાયન્સમાં કંઈ નથી સમજાતું. દરેક વાતો મને નવી અને ગુંચવણભરી જ લાગે છે. પપ્પા, મારો વિશ્વાસ કરો હું બહાના નથી બનાવી રહ્યો. મને સાચ્ચે જ તમારી મદદની જરૂર છે.
તમે મને હવે પૂછશો કે બોલ, સાયન્સ નથી કરવું તો તારે શું કરવું છે ? પપ્પા, મારી પાસે આ વાતનો પણ કોઈ જ જવાબ નથી. મને ખરેખર નથી ખબર કે મારે શું જોઈએ છે કે મારે શું કરવું છે. હું સાવ બ્લેન્ક છું. મને આત્મહત્યાના અનેક વિચારો આવે છે પણ ચિંતા ન કરો હું એવું કોઈ પગલું નહીં ભરું. પણ પપ્પા, મને બહુ થાક લાગ્યો છે. હું મનથી હારી ગયો છું. ક્લાસરૂમમાં રોજે રોજ થોડો થોડો મરી રહ્યો છું. મારા મનમાં કશુંક નક્કર અને ડઠ્ઠર એકઠું થઈ રહ્યું છે જે મને એકદમ ચીડચીડિયા સ્વભાવનો બનાવી રહ્યું છે.

દુનિયાના સૌથી નક્કામા માણસ તરીકે હું મારી જાતને માપી રહ્યો છું. મને એવું વારંવાર અનુભવાય છે કે મારી આસપાસના જગતમાં મારા હોવા ન હોવાથી કોઈ જ ફરક નથી પડી રહ્યો. કોઈને મારી પડી નથી કે મને કોઈ પ્રેમ નથી કરતું. પપ્પા, પ્લીઝ મને બચાવી લો. પ્લીઝ મારે જીવવું છે. મારે એ જાણવું છે કે મારે શું બનવું છે અને મારે શું કરવું છે. હું મને મળવા માંગુ છું, તમારી આંખોમાં મને મારો માટેનું ગૌરવ જોઉં છે, હું હસવાનું સાવ ભૂલી ગયો છું. મને અત્યારે કોઈ નથી ગમી રહ્યું. અરીસામાં જોઉં છું તો મને મારા પર જ ચીડ ચડે છે. ધીમે ધીમે હું મને જ નફરત કરવા લાગ્યો છું. મારા પર પ્લીઝ દયા કરો…મને માફ કરો અને પ્લીઝ હું હતો એવો જ મને કરી દો. હું મારી ખોવાઈ ગયેલી ગઈકાલ તમારી પાસે માંગી રહ્યો છું. અત્યારે આ લખી રહ્યો છું ત્યારે મારી અંદરના બધા સુકાઈ ગયેલા આંસુઓ એકસાથે બહાર વહી રહ્યા છે અને હું ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છું.
પોતાનામાં જ ક્યાંક ખોવાયેલો
રોનક

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની અવનવી વાર્તા અને પત્રો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી