રામ મોરીની કલમે લખાયેલો એક એવો કાગળ જે આપણને સૌને ચોંકાવી દેશે કે ક્યાંક આવું બઘું આપણા સંતાનો સાથે તો નથી થઈ રહ્યુંને?

હાઈ રાધિકા,

સૌથી પહેલાં તો મારી તને રીકવેસ્ટ છે કે આ કાગળ એકલી વાંચજે. તારી કોઈ ફ્રેન્ડ્સ કે કઝીનની સાથે બેસીને ન વાંચીશ ! જો એમ જ હોય તો સૌથી પહેલાં થેંક્યું !

રાધિકા, આઈ રીયલી ડોન્ટ નો કે હું મારી વાત ક્યાંથી શરું કરું પણ મને થયું કે મારે હવે તને વાત કરવી જ જોઈએ. આપણા બંનેના પરિવારના લોકો આપણી સગાઈની વાતો કરી રહ્યા છે. બધાએ એવું માની જ લીધું છે કે આપણી સગાઈ અને લગ્ન હવે થઈ જ જવાના છે. બંને પરિવારો ખુશ છે. આઈ નો કે તું પણ ઉત્સાહમાં છે. પણ રાધિકા, હું નથી. પ્લીઝ ડોન્ટ ફીલ કે મેં તને સગાઈ માટે સીધી ના પાડી દીધી કે હું તને રીજેક્ટ કરી રહ્યો છું. પ્લીઝ તું કાગળ પૂરો કર. રડવાનું બંધ કર. પ્લીઝ. લીસન રાધિકા, જો અત્યારે રડવાનું અટકતું ન હોય તો દુપટ્ટાને મોંમા દબાવી દે અવાજ બહાર નહીં જાય !

મને ખબર છે કે તારા મનમાં અત્યારે એકસાથે કેટકેટલા સવાલો ઘુમરાતા હશે. મને પ્રિયાંકે ના કેમ પાડી ? પ્રિયાંકના જીવનમાં કોઈ બીજી છોકરી હશે ? પ્રિયાંકને મારામાં કોઈ ખામી દેખાઈ હશે ? તારા બધા જ પ્રશ્નોના સાગમટા જવાબ આપી દઉં છું કે નો, ઈટ્સ નોટ લાઈક કે તારામાં કશી ખામી છે કે મારી લાઈફમાં કોઈ બીજું છે. એવું કશું જ નથી. હું તો ત્યાં સુધી કહું છું કે મારા જીવનમાં આવેલી તું માત્ર એક એવી છોકરી છે જેને હું મારી બેસ્ટ ફ્રેન્ડ માનતો હોઉં. તને એ પણ ખબર છે કે તારા સિવાય મારું કોઈ ફ્રેન્ડ પણ નથી. એક માત્ર તું જ એવી વ્યક્તિ છે જેને હું મળતો હોઉં કે જેની સાથે ક્યાંય બહાર જતો હોઉં. રાધિકા, પ્રશ્ન તારા પક્ષે ક્યારેય કશો હોઈ જ ન શકે. અહીં પ્રશ્ન મારા પક્ષે છે. આપણે સાથે રહેવાના છીએ કે સગાઈ કરવાના છીએ આ બધી વાતોથી મને કંપારી છૂટે છે. મારા આખા શરીરે પરસેવો થઈ જાય છે. આઈમ નોટ શ્યોર…તું વિચારજે કે આપણે સાથે રહેવું જોઈએ કે નહીં ! આટલું વાંચીને પણ તું તો સતત મુંઝાતી હોઈશ કે પ્રિયાંક કહેવા શું માંગે છે ?

હું પોતે જ ક્લીઅર નથી કે મારે તને શું કહેવું છે પણ એવી ફીલીંગ છે કે આજે કહીં જ દેવું છે. જો આજે નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું. ઓકે. ઉંડા શ્વાસ લઈને લખી નાખું છું તું પણ દિલ પર પથ્થર રાખીને વાંચી લેજે. રાધિકા, હું તારી સાથે સેક્સ્યુઅલી કમ્ફર્ટેબલ નથી. મને ખબર નથી કે બેડરૂમની અંદર હું કેવો પતિ હોઈશ ! ફરીવાર કહું છું કે ઈટ્સ નોટ અબાઉટ યુ. હું મારી વાત કરી રહ્યો છું. હા રાધિકા, હું એક પુરુષ તરીકે તને સુખ આપી શકીશ કે કેમ એ બાબતે અવઢવમાં છું. મને સ્ત્રીઓનું નહીં પુરુષોનું આકર્ષણ છે એવું પણ નથી. હું ગે નથી કે નથી બાયોસેક્સ્યુઅલ.

રાધિકા, વાત જાણે એમ છે કે મને સ્પર્શ માત્રથી ડર લાગે છે.મને રાત્રે રૂમમાં લાઈટ શરું રાખવી પડે છે કેમકે લાઈટ બંધ હોય તો મને ઉંધ નથી આવતી. મારા કપડાં, મારો ટુવાલ કે મારો બેડ શેર નથી કરી શકતો કેમકે મને એનાથી ભયંકર ગુસ્સો આવે છે. હું કોઈ પુરુષને મારી સામે શર્ટ ઉતારતા નથી જોઈ શકતો કે કોઈની હાજરીમાં હું મારો શર્ટ નથી ઉતારી શકતો. હું જાહેરમાં સ્વીમીંગપુલમાં નહાવા નથી જઈ શકતો કે નથી કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વાત કરી શકતો. કોઈ મારી પીઠ પર હાથ મુકે તો મારા આખા શરીરે પરસેવો વળી જાય છે એવું લાગે જાણે કોઈએ એકસાથે કંઈકેટલાય છુરીઓ ખોંસી દીધી. રાત્રે સપનાઓમાંથી વારંવાર જાગી જવાની અને ચીસો પાડીને રડવાની ટેવ છે. મેં મારા અનુભવે જ તને કહ્યું કે મોઢામાં ટુવાલનો છેડો ખોંસી દેવાથી તમારા રડવાનો અને ચીસો પાડવાનો અવાજ બહાર નહીં સંભળાય !

આમાંથી ઘણી બધી એવી બાબતો છે જેનો તને આછો આછો અંદાઝ છે કેમકે આપણે દસમા ધોરણથી સાથે મોટા થયા છીએ. સાચ્ચું કહું તો હું તારાથી પણ બહુ ડરતો કે ક્યાંક તને ખબર ન પડી જાય કે રોજ રાત્રે મારા મામાનો છોકરો અને તેનો ફ્રેન્ડ મને ‘હોમવર્ક’ કરવા એની રૂમમાં બોલાવે છે. મામાનો દિકરો હું ત્રીજા ધોરણમાં હતો ત્યારથી અમારી સાથે જ રહેતો, ઉપરના માળે એને સ્પેશિયલ રૂમ આપવામાં આવી હતી. એ ‘હોમવર્કે’ મારી કોરી સ્લેટ જેવા મન પર એવા લીસોટા પાડ્યા જેમાંથી આખી ઝીંદગી લોહી ઝરતું રહેવાનું હતું.

તું અત્યારે ડઘાઈ ગઈ હોઈશ કે તું આ શું વાંચી રહી છે. યેસ, રાઘિકા મારી સાથે રોજ રાત્રે આવું થતું હતું. સતત. રોજ રાત્રે મારી કોરી સ્લેટ પર લીસોટા પડતા. હું ચીસો ન પાડું એટલે મારા મોઢામાં રૂમાલના ડૂચા ખોંસી દેવાતા હતા. એ લોકો મને બધું કરતા પહેલાં કન્વીન્સ કરવા માટે મારતા અને બધું પતી ગયા પછી કોઈને કહેતો નહીં એમ કહી ડરાવવા મારતા. રાધિકા, હું કોને કહું ? શું કહું ? હું સાવ એકલો પડી ગયો હતો. મને એવું થતું કે મારામાં જ કંઈક એવું હશે જેથી કરીને મારી સાથે જ રોજ રાત્રે… હું મારી ઉંમરના છોકરાઓ કરતાં અલગ પડવા લાગ્યો. મને રોજ ડરાવવામાં આવતો કે મારા મમ્મી પપ્પાને ખબર પડી તો એ લોકો મને કાઢી મુકશે, એ લોકો મને ઘરમાં નહીં રાખે. મારા મામાનો છોકરો મને ડરાવતો કે હું એને ‘ના’ પાડીશ તો એ લોકો મને હીજડાઓના માર્કેટમાં જઈને વેચી આવશે. રાઘિકા, ત્રણ વર્ષના બાળકને ચૂપ કરવા માટે આટલા કારણો પૂરતા છે !

રાધિકા, એમ છતાં મેં મમ્મી પપ્પાને કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે હું મારું હોમવર્ક મારા રૂમમાં જ કરીશ. સી.એ.નું ભણવા આવેલા મામાના છોકરાના નોલેજનું મમ્મીને બહું અભિમાન હતું. મમ્મીને એવું હતું કે મારું ગણિત સારું નથી તો મામાનો દિકરો મને ગણિત શીખવશે. હું ઉપરના રૂમમાં હોમવર્ક ન કરવા જવા માટે રડતો. હું ચીસો પાડતો અને મમ્મીને ભેટીને ખૂબ હિબકા ભરતો. મમ્મી પપ્પાને લાગતું કે મને ભણવામાં આળસ થાય છે. મામાનો દિકરો મારી પીઠ પર હાથ મુકીને મમ્મી પપ્પાને કહેતો કે, ‘’ તમે લોકો ચિંતા ન કરો. શરું શરુંમાં એ માનતો નથી. રડે છે પણ પછી બળ કરીએ તો બધું જ માની જાય છે. બાકી મને નહીં ફાવે તો મારો ફ્રેન્ડ રોજ રીડીંગ માટે આવે છે એની સાથે પ્રિયાંકને સારું ફાવે છે. એનાથી તો પ્રિયાંક બહું સીધો રહે છે. જરાય હલતો નથી.’’

રાધિકા, હું આ બધું સાંભળીને હિબકા ભરતો પણ મારા મમ્મી પપ્પા આ વાત ક્યારેય સમજી ન શક્યા. ત્રીજા ધોરણથી શરું થયેલું ઉપરના રૂમનું ‘હોમવર્ક’ દસમા ધોરણ સુધી ચાલ્યું. મામાનો દિકરો સી.એ. થઈ ગયો ત્યાં સુધીમાં ઘણું બધું બદલાતું રહયું. બસ હું એનો એ હતો. મામાના દિકરાનો મુડ બદલાતો એ પ્રમાણે હું હેરાન થતો. એના સમયાંતરે મિત્રો બદલાતા એ બધા મિત્રોને મારે બધી રીતે ‘સાચવવાના’. મારા જ ઘરમાં ઉપરના માળે જાણે કે રેડલાઈટ લાગી હતી જે મારા સિવાય બીજા કોઈને દેખાતી નહોતી. એ લોકો છોકરીઓના કપડાં, અન્ડરગાર્મેન્ટ્સ બેગમાં નાખીને લાવતા. મને પહેરાવતા, ડાન્સ કરાવતા, હું ના પાડું તો અગાઉના ‘હોમવર્ક’ના વિડિયોને વાઈરલ કરવાની ધમકીઓ આપતા. મને હીજડાઓ પાસે મુકી આવવાની ધમકીઓ આપતા. પછી મને ‘હોમવર્ક’ કરાવવા આવનાર છોકરાઓની સંખ્યા ક્યારેક એક સાથે વધી જતી. એકસાથે એક જ કોરી સ્લેટ પર ત્રણ ચાર ચોક ચાલતા. મારું બ્લીડીંગ રોકવા મારા માટે છોકરીઓના પેડ લાવવામાં આવતા.

મારી પાસે કોઈ ઓપ્શન નહોતો કેમકે અન્ડરવેરમાંથી સતત લોહી ટપકતું અને મારે એ મમ્મી પપ્પાથી સંતાડવાનું હતું. હું એ પેડ પહેરી રાખતો. ટોઈલેટ જવા બાબતે હું બહું ડરતો. લોહીવાળી ચામડી સાથે ચીપકી ગયેલા પેડને ઉખાડવામાં ખૂબ બળતરા થતી. હું ખૂબ ઓછું ખાતો જેથી કરીને મને વારંવાર ટોઈલેટ ન જવું પડે. રાધિકા, શરું શરુંમાં એ લોકોને મારા મોઢા પર ડૂચા ભરાવવા પડતા જેથી અવાજ બહાર ન નીકળે પણ પછીથી મારા શરીરને એ ત્રાસની એટલી ટેવ પડી ગઈ હતી કે મારા મોંઢામાં કોઈ ડૂચા ભરાવવાની જરૂર નહોતી પડતી. ઉઝરડા હવે મારા શરીર પર નહીં મન પર પડતા હતા. એક તબકકે મેં સ્વીકારી લીધું હતું કે આ જ મારી લાઈફ છે અને મારે આખી જીંદગી બધાના ‘હોમવર્ક’ સહન કરવાના છે.

હું દિવસેને દિવસે મારી અંદર ઉતરી રહ્યો હતો. એવું લાગતું હતું કે જાણે કોઈ અંધારી વાવના પગથિયા ઉતરી રહ્યો છું. ભણવામાં મારું મન નહોતું લાગતું. મારા રીઝલ્ટ પર આની સીધી અસર પડતી હતી. ક્લાસમાં પણ હું બીજા બધા છોકરાઓથી અલગ બેસતો. કોઈ સાથે વાત નહોતો કરતો એટલે મારા કોઈ ખાસ ફ્રેન્ડ પણ નહોતા. મને યાદ છે કે એક દિવસ સાંજે હું બારી પાસે બેસીને વિચારતો હતો કે આ બધું ક્યાં સુધી ચાલશે ? અંતે આખા પ્રશ્નનો જવાબ ન મળ્યો તો મેં નક્કી કરી નાખ્યું કે આજે રાત્રે હું આત્મહત્યા કરીશ. મેં બધો પ્લાન વિચારી રાખ્યો અને એ દિવસે તમે લોકો અમારી પડોશમાં રહેવા આવ્યા. તને મેં જોઈ. હાથમાં નાનકડી બિલાડીને પંપાળતી તું. મોટીમોટી આંખો, મસ્ત સ્માઈલ, વાંકડિયા વાળ, પીંક કલરનો ચૂડીદાર. રાધિકા તારી એ સ્માઈલે મને બચાવી લીધો !

એ પછી તારી અને મારી ફ્રેન્ડશીપ થઈ. ખબર પડી કે તું પણ દસમા ધોરણમાં જ છે. મેં તારા ઘરે વાંચવા આવવાની જીદ કરી. મમ્મી પપ્પા માની ગયા. એ દિવસે હું તારા ઘરે વાંચવા આવ્યો અને તારો હાથ પકડીને સોફા પર જ સૂઈ ગયો. રાધિકા, વર્ષો પછી મને એ રાત્રે ઘસઘસાટ ઉંઘ આવી હતી. આપણી વચ્ચેનું બોન્ડીંગ વધ્યું. તું પણ અમારા ઘરે નિયમિત આવવા લાગી. તું મને નાનપણથી ખૂબ ગમતી એનું કારણ કહું, તને હસવું આવશે, મને તું એટલે બહુ ગમતી કે તું તારા મનની વાત બહુ ઝડપથી શેર કરી શકતી. તું તારી ઈચ્છાઓ એક ધડાકે વ્યક્ત કરી શકતી, તું ન ગમતી બાબતો બાબતે તારો ગમો અણગમો રજૂ કરવા બાબતે વધારે ન વિચારતી. તારી આ કોઈથી નહીં ડરવાવાળી વાત મને સૌથી વધુ ગમતી. કોઈ આપણને બહુ ગમે એનો સીધો અર્થ એ હોય કે એનામાં એ બાબત છે કે જે તમારામાં નથી અને એની એ બાબત તમને પૂર્ણતાનો અનુભવ આપે. તને અંદાઝ પણ નહોતો પણ તારા હોવા માત્રથી હું બહું સીક્યોર હતો. મને થતું જ્યાં સુધી રાઘિકા મારી પાસે છે ત્યાં સુધી કોઈ મને કશું નહીં કરી શકે. તારા હોવાથી મારી લાઈફમાં બહુ બધું બદલાઈ ગયું છે.

જીવનમાં તમે ગમ્મે એટલા આગળ વધી જાઓ કેટલીક પરિસ્થિતિ. કેટલીક સ્મૃતિ અને કેટલાક લોકો તમારી અંદર અકબંધ રહે છે. સમયે સમયે એ લોકો સાથે જોડાયેલી બાબતોમાંથી કાં તો લીલી કૂંપળ ફૂટે છે અથવા એ ઘાવમાંથી ધીમે ધીમે લોહી ઝરે. બધું ભૂલાવાની જીવનમાં આગળ વધી જવું જોઈએ એ વાત સમજી શકાય છે પણ અમલમાં મુકીએ ત્યાં તો જીંદગી કદાચ પુરી થઈ જાય છે. શ્વાસ હેઠાં મુકી શકાય રાઘિકા પણ અજંપો નહીં ! તમારું નાનપણ એ તમારા આવતીકાલનો પાયો હોય છે. મારું તો નાનપણ જ સંતાઈને, ડરીને, ઉપેક્ષાથી પીડાયેલું હતું તો મારી આવતીકાલ કેવી હશે ?

તને ખબર છે રાધિકા મારી જેવા તો કંઈકેટલાય પ્રિયાંક રોજ પોતાના કાકાઓ, મામાઓ, કઝીન એવા પોતાના જ ઘરના લોકોના ‘હોમવર્ક’ રોજે સહન કરે છે પણ એ લોકો ક્યારેય બોલી શકવાના નથી. એ લોકોને ઘર તરફથી એવી હિંમત અને વાતાવરણ જ નથી મળવાનું કે એ લોકો કશું કહી શકે કારણ કે આપણે ત્યાં તો પોતાના સંતાનોનું જે થવું હોય તે થાય પણ ‘લોકો શું કહેશે’ એ વાતની ચિંતા વધારે હોય છે. કંઈકેટલાય પ્રિયાંક રોજ રાત્રે ગુંગળાય છે અને ભીંતની કે બારણાની ઓથમાં દબાઈ રહ્યા છે, ભીંસાઈ રહ્યા છે. બધાની આંખો બંધ છે કેમકે બધું ઓલ રાઈટ છે. મને સતત એવું લાગે છે રાધિકા કે હું કોઈ ધુમ્મસમાં ઉભો છું અને હાથને આમતેમ વિંઝતો ધુમ્મસને મારાથી દૂરને દૂર કરવા મથી રહ્યો છું. મેં ક્યાંક વાંચ્યું હતું અને હવે માનું પણ છું. એકવાર તમે ખોટી ટ્રેનમાં બેસી જશો તો પછી આવનારા દરેક સ્ટેશન તમારા માટે ખોટા જ હોવાના. રાધિકા આ મારી ખોટી ટ્રેન છે, મારી પીડા ને અકળામણનો સામાન અને મુંઝવણની ટિકિટ છે. મારી આસપાસ જડ બનેલી કોઈ બર્થમાં તારી જગા મને નથી દેખાતી. હું નથી ઈચ્છતો કે તું પણ બધા ખોટા સ્ટેશનો ફેસ કરે.

બધાને કહી દે કે પ્રિયાંક સગાઈની ના પાડે છે. તારે કોઈ ગીલ્ટ કે દુખ રાખવાની જરૂર નથી. તને આ બધું કહી દીધા પછી મને કોઈ પીંજરામાંથી કોઈ ભંડકિયા કુવામાંથી બહાર નીકળ્યા હોવાનું અનુભવાય છે. તું મારાથી વધુ સારો છોકરો ડિઝર્વ કરે છે. તારી મોટી મોટી આંખોની સ્માઈલ અકબંધ રહે !

સાચ્ચા અર્થમાં એન અનસ્યુટેબલ બોય
                પ્રિયાંક

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરી લિખિત સ્ટોરી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી