“કંકુથાપા અને તર્પણ” -રામ મોરીની કલમે લખાયેલી પિતા અને પુત્રીના લાગણીશીલ સંબંધની વાર્તા…

કન્યાવિદાય થઈ ત્યારે મેં પોળના અમારા ઘરની દિવાલે કંકુથાપા કરેલા. હાથમાં ચોખાનો ખોબો ભરીને પાછળ ઉડાવેલા. નાનપણથી મમ્મી તો હતી નહીં એટલે પોળની બધી સ્ત્રીઓ જ મમ્મીની ભૂમિકા નિભાવતી. એ લોકોએ સમજાવેલું કે “અવની, કંકુથાપા કર્યા પછી આ રીતે દીકરી ચોખા વધાવે એટલે માવતરની એકોતેર પેઢીનું તર્પણ થાય.” પોળ છોડીને નવા અમદાવાદમાં સાસરિયે આવી પણ કરિયાવરના ઢગલામાં છાતીમાં એક ટીસ લઈને પણ આવી હતી કે પપ્પાનું હવે કોણ ? હાર્દિક સાથે લગ્ન માટે રાજી થઈ એનું એક કારણ તો એ પણ હતું કે હાર્દિક અમદાવાદ જ રહેવાના હતા. સાસરિયું અમદાવાદમાં જ એટલે સમય મળ્યે દોડીને પોળના ઘરમાં એકલા રહેતા પપ્પા પાસે દોડી જવાય. પણ ધીમે ધીમે મને સમજાતું ગયું કે એ શક્ય નહીં જ થાય વારંવાર.

લગ્ન પછી નવી જવાબદારીઓ આવતી હોય છે. હંમેશા નવી નવી આવતી જતી જવાબદારીઓમાં પાછળ કશુંકને કશુંક છૂટતું જાય છે. પણ એક વાત નથી છૂટી કે પોળમાં પપ્પા એકલા છે…જો કે પપ્પા બધાની સાથે રહીને પણ હંમેશા એકલા જ રહ્યા છે. એક વાત આખી પોળને ખબર કે અવનીને એના પપ્પાની બહું જ કાળજી. શરૂં શરૂંમાં દર અઠવાડિયે પપ્પા પાસે આવતી પણ ધીમે ધીમે આ ક્રમ તૂટ્યો. આખરે મહિનાઓ સુધી પપ્પા પાસે ન જઈ શકતી. મારા અપરાધભાવમાંથી હું છૂટી શકું એટલે હાર્દિકે ફૂલ ટાઈમ પપ્પાનું ધ્યાન રાખી શકે એવી બાઈ શોધી આપી.

સવારે આવીને પપ્પાના ચાય નાસ્તાથી માંડીને પપ્પાના રાતના જમવાની રસોઈ બનાવી આપવાની અને કચરા પોતાની જવાબદારી બાઈએ સંભાળી લીધી. હાશકારો થયો. થોડા દિવસ પછી એક દિવસ અચાનક જ પપ્પાને મળવા પહોંચી ગઈ અને જોયું તો ઘરમાં ચારેકોર ધૂળ હતી, બારીઓ પર કબૂતરની ચરકના ધબ્બા, વાસણોમાં ડાઘા અને રોટલી અરધી બળેલી,પપ્પાના શાકમાં મીઠું બિલકુલ નહીંને મરચું ભરપૂર. મારું મગજ તપી ગયું. બાઈને મેં તરત છૂટી કરી દીધી પણ મનમાં ફરી અપરાધભાવ ઘર કરી ગયો કે પપ્પા સાવ એકલા પડી ગયા. પપ્પાએ પોતાના સ્વભાવ મુજબ ક્યારેય ફરિયાદ નથી કરી એ વાતની ફરિયાદો મારી છાતીમાં ડુમો બનીને ધક્કે ચડી. બે દિવસ પપ્પા સાથે જ રોકાઈ અને નવી કામવાળી ગોઠવીને ભારે મને સાસરિયે પાછી આવી.

એક દિવસ તો હદ થઈ ગઈ. હું સાંજે પપ્પાને મળવા ગઈ અને જઈને જોઉં તો બાથરૂમમાં ફસડાયેલા હતા. તાવથી ધગધગી ગયેલા શરીરમાં અશક્તિ ભરપૂર. પપ્પાએ મને કીધું પણ નહીં ! પપ્પાને એડમિટ કર્યા. હાર્દિકે મને કહ્યું પણ ખરું કે “અવની, આપણે પપ્પાને આપણા ઘરમાં બોલાવી લઈએ.” પણ સાચ્ચું કહું તો મોટા વસ્તારીના સાસરિયામાં પપ્પાને રાખવા એ કંઈક ખૂંચ્યું. કોઈ મારા પપ્પા પર દયા ખાય એ પણ મને તો ન જ પોસાય.

પપ્પાને હોસ્પિટલથી ઘરે લાવ્યા. પપ્પાએ મારો હાથ પકડીને મને કીધું કે, “અવની, મને વૃધ્ધાશ્રમમાં જવું છે. ત્યાં કંપની મળી રેશે. બહું એકલો રહ્યો હવે એકલા નથી રહેવું. તને પણ ચિંતા નહીં રહે.” પપ્પાએ પેલી વખત પોતાની ઈચ્છા કહી. ઘડીક તો હું પોતે જ હચમચી ગઈ. મેં હાર્દિકને વાત કરી એ આખી વાતને સમજી સ્વીકારી શક્યા અને પછી વાતનો વંટોળ ફૂંકાયો. મારા સંસ્કારો પર વાત આવીને ઉભી રહી કે હું તો કેવી દીકરી જે બાપને વૃધ્ધાશ્રમમાં મુકવા નીકળી છે. ઠેરઠેરથી ફોન શરું થઈ ગયા. આજ સુધી જે સગાવહાલા સૂતાં હતાં એ બધાં અચાનકથી જાણે કે સફાળા બેઠા થઈ ગયા. જાણે કે ભૂકંપ આવ્યો.

“અવની, તને તારા પપ્પા ભારે પડતા હોય તો અમારા ઘરે મુકી જા”
“અમે સાચવીશું !”
“સમાજમાં કેવી વાતો થશે.”

સાચ્ચું કહું તો હું ડરી ગઈ અને ક્યાંકને ક્યાંક મારો સંકલ્પ ડગમગી ગયો. બધા લોકો પપ્પાને સમજાવવા આવતા. હું પપ્પાને મળવા ગઈ. કલાકો સુધી અમારી વચ્ચે ચૂપકીદી રહી. મેં ચાય આપી. એણે ચા પીતા પીતા કહ્યું, “ અવની, બેટા મારે ક્યાંય નથી જવું. આખી વાતમાં દોષનો ટોપલો લોકો તારા પર ઢોળી રહ્યા છે. આખી જીંદગી એકલો રહ્યો જ છુંને..થોડું વધારે ખેંચી લઈશ.” ખબર નહીં અચાનકથી મને શું હિંમત આવી હું ઉભી થઈ અને પપ્પાનો સામાન ભરવા લાગી. એ નવાઈથી જોઈ રહ્યા. હાર્દિકને મેસેજ કરી દીધો.

“ પપ્પા, મારે કોઈનો વિચાર નથી કરવાનો. મારા માટે તમારું સુખ અગત્યનું છે. તમને વૃધ્ધાશ્રમમાં હું મુકી જઈશ.” પપ્પાની આંખોમાં ઝળઝળિયા. સામાન સાથે પપ્પાનો હાથ પકડીને પોળના ઘરની બહાર નીકળી ત્યારે લાગ્યું કે ઘરની દિવાલે લાગેલા કંકુથાપા વધારે ઘાટ્ટા થયા અને એકોતેર પેઢીના તર્પણના ચોખા અત્યારે પપ્પા પર ઉડ્યા.

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની વાર્તા વાંચવા માટે લાઇક કરો આમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block