“બાનું સરનામું” – રામ મોરીની કલમે…સંતાનોથી દૂર એકલવાઈ જીવતી વૃદ્ધ માતાની વેદના…

હું વૈભવને પરણીને અમદાવાદ ગઈ ત્યારથી મને એવું સતત લાગે છે કે બા હવે એકલી પડી ગઈ છે. બાપુ તો વર્ષો પહેલાં ગુજરી ગયેલાં. મને અને ભાવિકને બાએ જ મોટા કરેલા, ભણાવ્યા – ગણાવ્યા અને પરણાવ્યા. ભાવિક મારાથી બે વર્ષ નાનો. ભાવિક નાનપણથી હોસ્ટેલમાં રહ્યો અને ભણ્યો. મુંબઈ નોકરીએ લાગ્યો અને બહું સારા વિસ્તારમાં પરણીને સેટલ થઈ ગયો. ડાકોરમાં બા હવે એકલી હતી. અત્યાર સુઘી અમે મા દીકરી એકબીજાની હિંમત હતા પણ હું સાસરિયે જતી રહી પછી મને એવું સતત લાગ્યા કરે કે બાના હિંમતના ગઢના કાંકરા ખરી રહ્યા છે ઘીમે ઘીમે. ભાવિકના લગ્નની ધમાલ પતી અને પછી એની પત્ની જુલી સાથે એ મુંબઈ જવા સામાન પેક કરી રહ્યો હતો ત્યારે મેં એને કહેલું કે,

“ભાવિક, બા અહીંયા ડાકોર એકલી રહેશે ?”

એ મારી સામે જોઈ રહેલો અને પછી વિચારીને બોલ્યો હતો કે

“દીદી, બાને અમે લોકો આવતા મહિના સુધીમાં લઈ જઈશું. તમારી વાત તો સાચી હવે આમ ક્યાં સુધી બા એકલા રહેશે.”

એ પછીના છ મહિના સુધી ભાવિકનો કોઈ ફોન ન આવ્યો. મને અમદાવાદ બેઠા બેઠા અકળામણ થાય. ઘણા બધા પ્રશ્નો અળાઈની જેમ ચટકા ભરે. વૈભવ મને કહેતા કે, “સપના, તને જો તારા બાની એટલી જ ચિંતા થતી હોય તો આપણા ઘરે બોલાવી લે. “ મને વૈભવની વાત સાચી લાગતી પણ લગ્ન પછી દીકરીઓ એક અલગ જ સંસાર હોય, સાસુ સસરા હોય તો આ બધામાં બાને હું ક્યાં રાખું. આખરે મેં ભાવિકને ફોન કર્યો અને એ કાર લઈને આવ્યો ને બાને લઈને મુંબઈ જતો રહ્યો.

એક હાશકારો થયો. એકલી રહેતી બા વિશે એક નહિં એકાવન ખરાબ વિચાર આવે કે એ પડી ગઈ હશે ? એને વાગ્યું હશે ? તાવ હશે તો કોણ હોસ્પિટલ લઈ જશે ? દુધ લેવા જતી હશે ? ઘરમાં ચોર આવ્યા તો ? આ બધા વિચારો પથારી પર સળવળો બનીને આખી રાત પજવતા પણ હવે શાંતિ.

પંદરેક દિવસ માંડ થયા હશે. જુલીભાભીના ફોન શરૂં થઈ ગયા કે “સપનાબેન, બાને સમજાવોને તમે એમને અહીંયા નથી રહેવું. હું કોઈ વાતની ખોટ નથી આવવા દેતી પણ એ સતત એવું કહે છે કે મુંઝારો થાય છે.” હું ફોનમાં બાને સમજાવતી કે “બા, સાવ એકલા શું કામ રહેવું છે તમારે ? જુલીભાભી અને ભાવિકે તમારા માટે જ તો મોટું ઘર લીધું છે.” ભાવિક પણ ફોન કરીને કહેતો કે “દીદી, અમે કોઈ કસર બાકી નથી રાખતા પણ એમને એવું લાગે છે કે અહીંયા પાંજરામાં પૂરાયા છે. હું એમને રોજ કારમાં મંદિરે લઈ જઉં છું પણ એને ડાકોર ભૂલાતું નથી.”

હું હવે બા પર અકળાતી કે “બા તને શાંતિની બેસીને ખાતાય નથી આવડતું, સુખ કેમ પચતું નથી ?” વૈભવ મને શાંત પાડતા કે “સપના, તું એમ તારા બા પર વરસી ન પડ. ઘરડું માણસ છે. આખી જીંદગી એણે ડાકોરમાં કાઢી છે તો સ્વાભાવિક છે કે એનાથી ડાકોર ન છૂટે. મોટા ફળિયામાં રહેવા ટેવાયેલી ત્યાં ફ્લેટમાં ગુંગળાય જ.”

અને આખરે એક દિવસ ભાવિકનો ફોન આવી ગયો કે “બાને બસમાં બેસાડું છું, કાલે સવારે ડાકોર પહોંચી જશે. એમને ફાઈનલી અહીં નથી જ રહેવું.”

બીજા દિવસે હું અને વૈભવ બાને મળવા ગયા. વૈભવે મને કહેલું કે સપના બા પર ગુસ્સો ન કરતી. મેં રસોડામાં ચા બનાવી. બા નિરાંતે ખાટલો ઢાળીને ફળિયામાં બેસીને માળા કરતી કરતી વૈભવ સાથે હસીને વાતો કરતી હતી. ચાનો કપ એના હાથમાં આપ્યો પણ કશું બોલી નહીં હું. એણે હસીને ચાય પીધી અને મારી સામે જોઈને બોલી,

“મને ખબર છે સપના કે તને કઈ વાતનું ખોટું લાગ્યું ”

વૈભવ ઈશારો કરીને મને નોર્મલ રહેવાનું કહેતો હતો.

“ખબર જ છે તો કારણ પણ આપી જ દે બા, નાના છોકરાની જેમ ડાકોર જવું, ડાકોર જવું કરતી હતી તું.”

વૈભવે મને વચ્ચેથી રોકી પાડી, “તમે બંને મા દીકરી લડી પડવાના હો તો હું અત્યારે જ નીકળી જવું છું.” હું અને બા અલગ અલગ દિશામાં જોઈ રહ્યા. એકવાર ફરી આખા ખાલી મોટા ઘર તરફ જોવાઈ ગયું. મારી આંખોમાં આંસુ છલકાયા.

“બા, અહિંયા તું સાવ એકલી રહીશ..તું કેમ પાછી આવતી રહી ?”

મારા ખભા પર હાથ મુકીને ધ્રુજતા અવાજે એ બોલી,

“મને ત્યાં નહોતું ફાવતું, ડાકોર યાદ આવતું હતું. એકલું લાગતું હતું, એવું તારી જુલીભાભીનું વારંવાર કહેવું હતું એટલે.”

લેખક : રામ મોરી

શેર કરો આ વાર્તા તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી