“એ તો છે જ એવા” – લગ્નજીવનમાં તું તું મેં મેં વચ્ચેય રહેલો છે પ્રેમ! – રામ મોરીની કલમે

“એ તો છે જ એવા”

તો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ મેરેજ હતા. મારી કૉલેજ અધુરી છુટી ગયેલી. હજું તો ક્લાસમાં મેડમ ‘પ્રિયજન’ નવલકથા ભણાવતાં હતા ને તાસ્ક પુરો થઈ ગયેલો. કેન્ટીનમાં બધી ફ્રેન્ડસ સાથે આ વખતના એન્યુઅલ ડે માટેની ‘ક્રિષ્નાઃ ધ ગ્લોબલ ગુરૂ’ થીમ વિશેની ચર્ચાઓ કરતાં હતા. એક બે ફ્રેન્ડસ લોકોએ તો એ વખતે મને ખીજવી પણ લીધેલી કે “મેહા, તું જ ક્રીષ્ન બનજે, કોલેજને મેકઅપનો ખર્ચો બચી જશે.” પછી એ લોકો અંદરોઅંદર હસી પડેલા. તાળીઓ આપતાં હતાં ને જાણે કે બહું જ મોટી જૉક કહેવાઈ હોય એમ હસવું રોકી નહોતાં શકતાં. એ જ વખતે મેં છણકો કરી દીધેલો. “હું કાળી નથી, નમણી છું !” ને પછી પાછું ફરીને જોયા વિના મારા લાઈટ પોપટી ડ્રેસને મેચીંગ દુપટ્ટાને હાથમાં કસકસાવીને પકડીને સડસડાટ ચાલતી થઈ ગયેલી. મારી પાછળ મારી બેસ્ટ ફ્રેન્ડ દિવ્યા એ બધી છોકરીઓને ધમકાવતી હતી, એનાં અવાજો મને છેક કોલેજના ગેટ સુધી સંભળાતા હતા
” વ્હોટ આર યુ ડુઈંગ ગર્લ્સ ? તમને કેટલીવાર કીધું છે કે એને કાળી ન કહો, એને નમણી કહેવાય. એને નથી ગમતું કે કોઈ એને……”
” એમ કાંઈ અમારા કહેવાથી થોડી એ રુપાળી થઈ જવાની છે ? સાચું છે એ કીધું એમાં તે….”

* * ******************

ઓહ…..હાઈશ આંગળી દાઝી ગઈ. ઉની ઉની તપેલી પર આંગળી અડી ગઈ.
હજું તો તૈયાર પણ ન થયા હોય ને બા તુટી પડે, “વહુ, મારા માટે જરા કૉફી…. ” તે દિવસે પણ આમ જ બોલેલાંને કે –

************************
” બેટા, મારે ચાની બાધા છે, કૉફી બનાવજે…..” કોલેજથી છુટીને કીલો રીંગણા ને કોથમીરની ઝુડી ને છાશની થેલી લઈ ઘેર આવી હતી. દિવ્યા પાસેથી ‘આગંતુક’ વાંચવા લાવી હતી એ કહેતી હતી કે મેહા, ધીસ નોવેલ ઈઝ ટુ ગુડ યાર, યુ મસ્ટ રીડ ઈટ ! એટલે મેં નક્કી કરેલું કે ઘેર જઈને સૌથી પહેલાં તો આ નોવેલ વાંચીશ. હજું તો ઘેર પહોંચું પહોંચું ત્યાં તો ડ્રોઈંગરુમમાં બ્લ્યુ શર્ટમાં મારી ઉંમરનો એક છોકરો ને એક આધેડ બેન મમ્મી સાથે બેઠા હતા.

” આ જુઓ આવી ગઈ ! આવી ગઈ બેટા ? કેમ આજે મોડું થયું ?” મમ્મી રોજે ન પુછતી એ સવાલો આજે આટલાં બધાં વહાલથી કેમ પુછતી હતી એ ન સમજાયું. પેલાં આધેડ બહેન પણ સસ્મિત મને માપી રહ્યા પણ ધીમે ધીમે નાનું બનતું જતું એમનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું. ને પેલો છોકરો એકધારું મારી સામે જોઈ રહ્યો એનાં જોવામાં કોઈ ફેરફાર ન વર્તાયો. સવારે જ મમ્મીએ ફોર્સ કરેલો કે ના, આજે તો ડ્રેસ પહેરીને જ જા, એટલે રેગ્યુલર કુર્તી જીન્સના બદલે આજે આછાં પોપટી ચુડીદાર પહેરેલાં હતા. બંને હાથમાં શાકભાજીની થેલી, ચહેરા પર ચોટલામાંથી છુટી પડીને પરસેવાથી ગાલો પર ચીપકી ગયેલી કોરી લટો, ખભે કચ્છી ભરત ગુંથેલું કોલેજબેગ ને આંગળીમાં એક્ટીવાની ચાવી. મેં મારો દુપટ્ટો વ્યવસ્થીત કર્યો અને જેવી સડાસડાટ ઘરમાં ગઈ કે મમ્મી ફરી બોલી ઉઠી હતી,

” મેહા…ચા બનાવ.”
“બેટા, મારે ચાની બાધા છે, કૉફી બનાવજે…..” પછી એ બહેને ફરી પાછું એની બાજુમાં બેસેલાં છોકરા તરફ જોઈને મલકાઈ લીધેલું. હું કિચનમાં ગઇ અને ગેસ પર કૉફી મુકી. ડ્રોઈંગરુમમાંથી મમ્મીનો અવાજ સંભળાયો હતો,
” ઘરનું બધું કામ અમારી મેહા જ કરે….!”

***************************

” વહું, મારી કૉફી ?” દાઝેલી આંગળી મોંમા મુકી ને કપ લેવા ગઈ કે કપ હાથમાંથી છટક્યો. કપે જોરથી તુટીને સવાર સવારમાં આખાં ઘરને મારી ફરિયાદ કરી. બાએ પુજા ઘરમાં ટંકોરી થોડા વધું જોરથી વગાડીને પુજા પુરી કરી ને ડ્રોઈંગરુમમાં સસરાએ છાપાનો થોડો વધું મોટો અવાજ થાય એમ પાનું ફેરવ્યું ને મને ખાત્રી જ હતી કે આ અવાજથી બેડરુમમાં સ્કાયબ્લ્યુ નાઈટડ્રેસમાં સુતેલાં ચિંતને ઓશીકાથી પોતાનાં મોઢા અને કાનને ઢાંક્યા હશે જ……..

****************************
” દિલ્હીમાં જ રહે છે, કયું ભણતર કે’વાય તારું બેટા ચિંતન ?” ડ્રોઈંગરુમમાં મમ્મી સાથે બેસેલાં એ બહેને એની બાજુમાં બેસેલાં એ છોકરાને પુછ્યું. હું કૉફી લઈને આવી. એણે એનાં બ્લ્યુ શર્ટના ઉપલાં બટન સાથે રમતાં હાથને અટકાવી ને મારી સામે જોતાં જવાબ આપ્યો,
” જી, ઈન્ટરીયર ડિઝાઈનીંગ.” મારી ને એની આંખો મળી. મારા કરતાં તો ક્યાંય વધુ રુપાળો હતો એ. પછી મમ્મી તરફ જોઈને બોલેલો,
” આન્ટી, મને લેમન ટી જ ફાવશે. કૉફી નથી પીતો.”

” ચિંતન, પહેલાં કહેવું જોઈતું હતું ને! મને એમ કે અહીંયા તો તું કૉફીથી ચલાવી….” સોફા પર પલોઠી વાળીને બેસેલાં એ બહેન આ છોકરા તરફ મીઠો ગુસ્સો કરતાં વધુ બોલવા ગયેલાં કે મમ્મીએ તરત મને કીધું,
” મેહા, જા લેમન ટી બનાવી લાવ.” હું થોડી ધુંધવાણી, મનોમન જ. ને મને દેખાઈ ગયું કે મારો ધુંધવાટ એ છોકરો સમજી ગયો એને સ્મિત જેવું કશુંક કર્યું ને હું વધું ગુંચવાતી સીધી કીચનમાં. પણ અંદર જઈને મુંઝાણી કે લીંબું તો છેલ્લા બે હતા ને એય મેં સવારે કોલેજમાં સાથે નાસ્તામાં લઈ જવાં બટેટાપૌઆ બનાવેલાં એમાં નીચોવી દીધેલાં. મમ્મીએ કિધેલું કે ” બહું ખાટું ખાઈશ નહીં, ખટાશ ચડશે !” પણ મને ક્યાં ખબર હતી કે ખટાશ અત્યારે આ રીતે ચડી જશે લેમન ટીના નામે….

*****************************

” મેહાવહુ……ચિંતનની લેમન ટી માટે લીંબું ખુટી ગ્યા છે? ફ્રીજ ખોલીને જોઈ જોવો તો. અને એને જગાડો જાવ. દિવસ માથે ચડી ગયો છે.” બા સોફા પર પલોઠી વાળીને બેસી ગયા ને મેં આપેલાં કૉફીના કપને મોઢે લગાવ્યો. હું એમને ઉઠાડવા બેડરુમમાં આવી, એ ઘસઘસાટ સુતાં હતા. ઓશીકાથી એનાં મોઢાને ઢાંક્યું હતું. મેં એનો અંગુઠો હળવેથી મરડ્યો અને એ પડખું ફેરવી ગયા. એ જે તરફ પડખું ફેરવી ગયા હતા હું એ બાજુ ગઈ અને એના ખભાને હલબલાવતી હતી તો એમણે મારો હાથ પકડી લીધો અને પોતાના બંને હાથે મારા હાથને પોતાની છાતીમાં દબાવતાં પડખું ફરી ગયાં.

” તમને કહું ઊઠો, આઠ વાગી જશે હમણાં.”એમણે કોઈ જવાબ આપ્યો નહીં. મને કુકરમાં મુકેલી દાળની દાઝવાની વાસ આવી, ફટાફટ મારો હાથ છોડાવીને ભાગી ને હડબડાટીમાં બહાર નીકળવા ગઈ કે સામે આવતાં બા સાથે માંડ માંડ ભટકાઈ જતાં બચી.

” ન જાગ્યો ને ? મને ખબર જ હતી…એમ તો મારો દિકરો છે, મારા સાદ વિના ઉઠે શેનો એ ?” બા મારી સામે વિજયી સ્મિત કરતાં બોલ્યા ને હું સીધી કિચનમાં. ત્યાં સુધીમાં તો સહેજ મોડી પડવા બદલ તો કુકરે તીણી સીસોટી બોલાવી બોલાવી મને આખી ઝાટકી નાખી. ગૅસ બંધ કર્યો. મસાલાનું બોક્સ ખોલી જીરું, રાઈ, હીંગ અને સુકા મરચાં કાઢી રકાબીમાં મૂક્યાં. કુકર ખોલ્યું તો પાણી બળી ગયું હતું. કુકરના ખુલ્યાં પછી દાઝવાની વાસ આવી. ચમચીથી નહીં દાઝેલી સારી દાળને અલગ કરવા માંડી. બેડરુમમાંથી બાનો અવાજ સંભળાતો હતો.

” હા ઊઠો, ચાલ બેટા…જો તારી લેમન ટી બનાવી નાખીયે ત્યાં સુધીમાં તું ફ્રેશ થઈ જા.” મે જોયું કે નહીં દાઝેલી દાળમાંય દાઝ્યાની લાલાશ તો દેખાતી જ હતી. પછી હું બબડી,
” ખબર જ છે કે તમારા ઉઠાડવાથી જ એની ઉંઘ પુરી થાય છે તો રોજ તમે જ ઉઠાડતા હો તમારા રાજકુંવરને… તમને ખબર હોય એમ જ થાતું હોય આ ઘરમાં તો તમારે જ કરવું. આરામ આપી દેવો મને….ઉઠ બેટા, અમે લેમન ટી બનાવીએ..???? ક્યારેય મારા આવ્યા પછી હરામ છે રસોઈમાં ડોકાયા હોય તો !” પાછળથી બા આવ્યા,
” શું થયું વહું ? દાળ દાઝી ગઈ ?” એક પગે સહેજ ખોડંગાતા બા કીચનમાં આવ્યા ને મેં અલગ કરેલી બફાયેલી દાળ જોઈને એ બોલ્યા.
” હા, હું હમણાં બીજી મુકી દઉં છું બા!”
” ના હવે નસીબમાં દાઝેલી દાળ હશે બીજું શું ! આમાં ટમેટા થોડા વધું નાખી દે એટલે દાઝ્યાનો સ્વાદ નહીં આવે.” પછી ઘડી બે ઘડી બાએ મારી સાડી સામે જોયું. મેં મારા લાલ કેસરી લેરીયાનો છેડો થોડો વધુ ખેંચીને માથે ઓઢ્યો.

” મેહાવહું, આવા કલરના લેરીયા તમારી સ્કીન સાથે સ્યૂટ નથી થતું. તમારે લાઈટ કલર પહેરવાં જોઈએ. આ કલર તો ગોરાં હોય એને સારા લાગે.” કુકરની બાજુમાં મુકેલી તપેલીમાં તેલ ગરમ થયું અને મેં જીરું, રાઈ અને હીંગ ભરેલી રકાબી સીધી એમાં ઠાલવી દીધી. મસાલાનો સહેજ તીખો ધુમાડો થયો અને ઉધરસ ખાતાં ખોડંગાતા બા કીચનની બહાર નીકળી ગયા. સામે વાસણોના સ્ટેન્ડ પર થાળી કાઢવાં ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો, ઘડી બે ઘડી ચહેરાને જોયો. આંખોની નીચે સહેજ કાળાશ બાઝી ગઈ હોય એવું લાગ્યું અને થયું એટલી પણ કાળી નથી જેટલી બધા કહે છે…નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કર્યું અને ચાની ભુકી નાખી ને ફ્રીજ ખોલી લીંબું કાઢ્યા, ચપ્પુની ધાર લીંબું પર ચાલી..

*******************************

“કલ્પનામાસી…લીંબું આપજો” પોપટી દુપટ્ટાથી પરસેવો લૂંછતી હું અમારા પાડોશી કલ્પનામાસીના અને અમારા ઘરની દિવાલ પર બેય હાથ ટેકવી બૂમ પાડતી હતી.
” કેમ, મહેમાન આવ્યા છે મેહા ?” કલ્પનામાસી લીંબુ લાવ્યા અને મારા હાથમાં મુકતાં પુછવા લાગ્યા.
” હા જુઓને માસી, હું તો હજી કોલેજથી આવી છું..”
મારો હાથ દબાવી કલ્પનામાસી નીચલાં હોઠ પર દાંત દબાવી મલકાતાં બોલ્યા,

” હા જાણે તને તો ખબર જ નહી હોય કે આજ વળી મહેમાન આવવાના છે. નાનીને અમસ્તી કાંઈ કારણ વગર મોકલી દીધી મોસાળ ?” હું એના ભાવ સમજી ન સમજી અને ઘરમાં આવવા ગઈ કે પેલાં આધેડ બહેન જે મહેમાન થઈને આવ્યા હતાં એ અમારાં ઘરની પાછળ ગાર્ડનમાંથી મોટે મોટેથી કોઇ જોડે ફોનમાં વાત કરતાં હતાં. હું અટકીને ઉભી રહી ગઈ અને એનો અવાજ સાંભળવા લાગી,

” હા..છોકરી જોઈ લીધી….હા, ઘર પણ સરસ છે..હેં…ના રે…..હા…બધી વાત થઈ ગઈ છે…ચિંતને જ પસંદ કરી છે…હા પણ…” એ બહેનનો અવાજ સહેજ ધીમો પડ્યો “છોકરી થોડી કાળી છે….!”
મારા હાથમાં રહેલાં લીંબુને મેં બમણી ભીંસથી દબાવી દીધાં.

***********************

લેમન ટીને ઉભરા જેવું થઈ આવ્યું, ગેસ પરથી ઉતારી, કપમાં ભરીને અમારાં બેડરુમમાં આવી. એમને કપ આપ્યો. એમણે કપ હાથમાં લીધો અને સ્મિત કર્યું.
” તમારા કપડાં કબાટમાંથી કાઢી રાખું. તમે નાહી લો એટલે પછી હુંય તૈયાર થઈ જાવ.”
” હા આજે તો મેં તને ફિલ્મ દેખાડવાનું નક્કી કરેલું..યા, હું તો ભુલી ગયેલો.” મેં એની સામે આંખો નચાવી અને ખોટો મીઠો ગુસ્સો કરતાં કબાટ ખોલ્યો અને એના માટે ઓફવાઈટ શર્ટ અ ને બ્લ્યુ જીન્સ કાઢ્યું. એક આ રવિવાર જ હોય છે જેમાં લાગે કે હાશ…આજે કાંઈક થોડી મોકળાશ મળશે. બીલાડી પ્લેટફોર્મ પર ઢાંકી રાખેલાં દુધને ટાંપીને બેઠી હોય એમ હું રવિવારને ટાંપીને બેઠી હોઉં. આ બધાં કપડાં, બ્લીચીંગ પાઉડર, વાસણો, ઝાડુ પોતા, એંઠી રકાબીઓ, ફ્રીજમાં મુકેલું દહીંનું મેળવણ, લેમન ટી, સેવ મમરાની ભેરેલી પ્લેટો, ઈસ્ત્રી, વળગણી પર અગાશીમાં સુકાતી સાડીઓ, ફળિયામાં ધમેડા પડેલા તપવા મુકેલાં બાજરો,શાકભાજીની ખરીદી, તુટતાં ફુટતાં વાસણો, બાથરુમમાં જામ થઈ ગયેલી ગટર, ઘસી ઘસીને હાંફી જાઓ તોય જેની પીળાશ ને ચીકાશ ન જાય એ ટૉઈલેટ ને ગેંડી અને જ્યાં ત્યાં ડુચો થઈ વીખરાયેલાં છાપાઓમાંથી માંડ માંડ મને થોડીવાર માટે છુટકારો મળે એ પણ આજના દિવસે અને સમયનો એ નાનકડો ટુકડો અને એની ક્ષણજીવી સુગંધ એમની સાથે ગાળેલી સાંજની લાલીમાં સાથે મારા ચહેરાં પર લીંપાઈ જાય. પછી આખ્ખે આખ્ખા છ દિવસ સુધી કામ કરતાં કરતાં પણ જ્યારે થાક લાગે ત્યારે અરીસામાં જોઈને એ લાલાશ યાદ કરી લઉ. કબાટમાંથી એમનાં કપડાં કાઢી ટુવાલ બાથરુમમાં મુકવા ગઈ કે બાનો અવાજ સંભળાયો,

” ચિંતન, જલદી નાહીને તૈયાર થઈ જા..આપણે બે ત્રણ જગ્યાએ ખબર કાઢવા જવાનું છે. તારા પપ્પાને તો શ્વાસ ચડે છે નહીંતર એને જ લઈ જાત.” એ બહાર આવ્યા. હું બેડરુમની બારસાખમાં જ ખોડાઈ રહી, એમનો જવાબ સાંભળવા. એમણે મારી સામે જોયું.
” હા એટલે વહુંને પુછવાનું હોય તો પછી જવાબ દેજે.” બા ધર્મલોકના પાના ફેરવતાં બોલ્યા. ચશ્મા એણે નાક પર ટેકવ્યા હતા અને એમની નજર અમારાં બંને તરફ હતી.

” હા મમ્મી, બસ દસ પંદર મીનીટમાં તૈયાર થઈ જાઉં છું.” કહીને એ ઉભા થયા. હું ખસી ગઈ અને એ બાથરુમ તરફ અંદર બેડરુમમાં ગયા. હું સીધી પાછળ આવી ને હજું બોલવા જાઉં કે એ બોલ્યા,

” લીસન મેહા, આપણે ફરી ક્યારેક જઈશું. મમ્મીને કેમ ના પાડી શકું યાર ? નેક્સટ ટાઈમ શ્યોર… એમના હાથમાં સાબુ પકડાવી હું રસોડામાં ગઈ. દાળનો વઘાર કર્યો. બારી બહાર જોઇ રહી. આંખમાંથી અનાયાસે જળજળિયાં આવી ગયા. હંમેશા કેટલું બધું કામ નેક્ટ ટાઈમે ઠેલાતું હોય છે અને કેટલુંય કામ નેક્સ્ટ ટાઈમે ચાલુ કરવાનું હોય છે પણ ખબર નહીં આ નેક્સ્ટ ટાઈમ તો ભીનાં હાથમાંથી સરી જતાં સાબુની ગોટીની જેમ પકડાતો જ નથી.

” મેહા…મારું વોલેટ નથી મળતું…” આંસુ લૂંછીને હું બેડરુમમાં આવી. ધડામ કરતું કબાટનું બારણું ખોલ્યું અને એમના હાથમાં વોલેટ આપ્યું અને ધડામ દઈને બારણું બંધ કર્યું. અલબત્ત એમની સાથે નજર તો મેળવી જ નહોતી. હું ટુવાલ લઈ બાથરુમ તરફ ચાલવા ગઈ અને એમણે મારો હાથ પકડી એમની નજીક ખેંચી. એમના ભીનાં શરીરમાંથી તાજા નાહ્યાની તાજગી અને ભીનાં વાળમાંથી શેમ્પુની સુગંધ મને અનુભવાતી હતી. મેં મોઢું ફેરવી લીધું.

” કેમ ? આટલી બધી રીસ ચડી ગઈ છે !”
” મને મુકો, મારે ઘણું કામ બાકી છે, તમારી જેમ નથી કે મન ફાવે ત્યારે મનફાવે એ કામ પાછું ઠેલવી શકાય.” મારી બંને આંખોના ખુણે પાણી ભરાઈ આવ્યા.
” અરે, તું આ વાતને આટલો ગંભીર ઈશ્યુ ન બનાવ….” મેં એમનો હાથ ઝટકાવી છોડાવી નાખ્યો.
” મને બધી ખબર છે…”
“શું ?” કમરે બાંધેલાં વ્હાઈટ ટુવાલને ટાઈટ કરતાં એ મારી આંખોમાં જોવા લાગ્યા.
” હું કાળી છું એટલે તમને મને બહાર ફરવા લઈ જતાં શરમ આવે છે, હા એટલે જ દરેક વખતે તમને મને બહાર નહીં લઈ જવાના ઢાળ મળી જ જાય છે.”

મેં જાણે કોઈ જોક કીધી હોય એમ એ હસી પડ્યા. હું વધું છંછેડાઈ.
” ચલ તું પણ આવ અમારી જોડે..હું વેઈટ કરું છું.”
” મારે ક્યાંય આવવું નથી જાવ.” કહીને મેં બાથરુમનો દરવાજો અંદરથી ખુબ જોરથી બંધ કરી દીધો અને શાવર નીચે ઊભી રહી ગઈ અને શાવર ચાલું કરી દીધો.

****************************

બાથરુમના બારણે થાપ પડી. મેં પોપટી ચુડીદારની ઓઢણી ગળે નાખી અને બારણું ખોલ્યું,

” બોલ મમ્મી…”
” મેહાડી, કાંઈ ભાન પડે છે? સાવ ઊભા ઘોડા જેવી છો. મહેમાન બહાર બેઠા હતાં અને વાતો કરવાને બદલે નહાવા જતી રહી… લેમન ટી પીવરાવી સીધી બાથરુમમાં પુરાઈ ગઈ. રહી ગઈ હતી જાણે નાહ્યા વગરની, માણસ કાંઈક વાતચીત તો કરે ને….”
” તમે કરી તો લીધી મમ્મી.” મેં દાંત કસકસાવ્યા અને શરીર ફરતે ટુવાલ વીંટાળી બહાર નીકળી અને ભીનાં વાળ ઝાટકવાં લાગી.
” છોકરાએ તને પસંદ કરી લીધી.” મમ્મીએ હરખાતાં કીધું.
” હા, ઉપકાર કર્યો મારી ઉપર બીજું શું !”
“એવું શું બકે છો વળી ? બાકી તું તો બેટા થોડી ભીનેવાન એટલે જલદી ગોઠવાય એવું લાગતું જ નહોતું,.” એણે ખુલ્લી બારીઓ બંધ કરી.
” હા એટલે જ તમે નાનકીને બહાર મોકલી આપી કેમ ? મને પુછવું જરા પણ જરુરી ન લાગ્યું?”

” બંધ થા હવે, સહેજ પણ સારી નથ લાગતી આવા બબડાટમાં. આ બધાં વ્યવહારમાં તને શું ખબર પડે ? આટલું સરસ ઘર છે, છોકરો કેટલો સરસ છે, પાછો રુપાળો…ને તોય તને…” એ બોલતી બોલતી અટકી અને બહાર નીકળી ને હું બેડ પર બેઠી અને કોલેજબેગમાંથી ‘આંગતુક’ કાઢીને વાંચવા લાગી. બે ત્રણ પેજ માંડ વાંચ્યા કે દિવ્યાનો ફોન આવ્યો,
“હેલ્લો, મેહા, નોવેલ વાંચી ?”

**********************************

નાહીને બહાર નીકળી ને સાડી પહેરી પછી અરિસામાં જોઈ સેથામાં કંકુ પુર્યું, પછી બેડરુમ, ડ્રોઈંગરુમ અને કીચન ઝાપટીને સાફ કર્યું . મનને સતત કામમાં રાખવા લાગી. તોય બે ત્રણ કલાકમાં કામ પતી ગયું. સસરાને જમવાનું આપ્યું. મને જમવાની કોઇ ઈચ્છા થઈ નહીં. બા અને ચિંતન તો મોડા આવવાના હતા. મને મારી થાળી ભરવાની આળસ થઈ અને બેડરુમમાં જઈ બેઠી. ક્યાંય સુધી ગુમસુમ રહી. બહાર નીકળવાનો તો કોઈ સવાલ જ નહોતો કેમકે કોઈ સાથે વાતો જ નહોતી કરતી.આડોશ પાડોશ સાથે મને એટલે નહોતું ફાવ્યું કે પરણીને આવી ત્યારે જ વધામણી ખાતાં એ લોકો બોલેલાં.

” હીરલબેન, મેહાવહું તમને થોડી કાળી ન લાગી ?”
” હા, એટલે ક્યાં આપણો ચિંતન ને ક્યાં આ વહુ ?”
” નસીબ છોકરીના, બકરી સફરજન ગળી ગઈ.”

અગાશી ઉપર સુકવેલાં પાપડ લેવા જતાં પણ મને બીક લાગતી કે બાજુની અગાશી વાળા જોશે ને તો એની નજરમાં રહેલો મારો રંગ મને જંપવા નહી જ દે. મેં ડ્રેસીંગ ગ્લાસમાં મારા ચહેરાને જોયો. ત્યાં ફોનની રીંગ વાગી. દિવ્યાનો ફોન હતો
” હેઈ, મેહાડી, તું તો સાવ ભુલી જ ગઈ પરણ્યા પછી યાર…. કેમ છે ?”
” હેઈ…તું રડે છે મેહા ? વ્હોટ હેપ્પન..ટેલ મી…બોલ શું થયું…એય તું રડવાનું બંધ કર મેહા. તને કોઈએ કશું કીધું છે ? ચિંતન કશું બોલ્યો ? તારા સાસુ ?”

દિવ્યાને કારણ જણાવ્યા વિના સતત કેટલાંય દિવસનું રડી લીધું. પછી ફ્રેશ થઈ થોડી વાતો કરી અને મારી આંખ મીંચાઈ ગઈ. ઉંઘમાં પણ મને સતત ગરમાટો અનુભવાતો હતો. તુટક તુટક આંખ ખુલી તો આખું શરીર ધખારા મારતું હતું. ખબર નહીં કેટલી કલાકો સુધી હું સુઇ રહી હતી. આછો આછો ચિંતન દેખાયો, મારા કપાળે હાથ મુકતા હતા. બા દેખાયા…મીઠાના પાણીના પોતા મુકાતાં હોવાનું અનુભવાયું, કશુંક સોય જેવું જમણા હાથે ભોંકાયું. ને ફરી આંખ મીચાઈ ગઈ. આંખ ખુલી તો રાતના અગીયાર વાગ્યા હતા. કોઈ મીઠાના પાણીના પોતા નહોતાં. સહેજ આળસ અને થાક વર્તાયો. હાથમાં ઈજેક્શનની સોય ભોંકાઈ હોય એવું નીશાન શોધવા લાગી. જોયું તો ચિંતન બાજુમાં બેઠો હતો.
” હેઈ, બહું સુતી તું તો આજ.”

મેં અનુભવ્યું કે શરીર થાકેલું હતું પણ ઠંડું હતું. તાવ જેવું કશું અનુભવાયું નહીં.
” મને જગાડાય નહીં ? ક્યારે આવ્યા ? રસોઈ ?”
” અરે રીલેક્સ. બાએ બનાવી નાખી છે. અમે લોકોએ જમી લીધું છે. તારી થાળી ઢાંકી રાખી છે. લઈ આવું?”
” ના મારે નથી જમવું ” કહીને હું પડખું ફેરવી ગઈ. ચિંતન મારી પીઠ પર હાથ મુકવા ગયો કે મેં એનો હાથ ઝટકાવી નાખ્યો, એ હસવા લાગ્યો. મેં બ્લેન્કેટ કસકસાવીને પકડી રાખ્યું. એણે હજું પણ પેલું ઓફવ્હાઈટ શર્ટ ને બ્લ્યુ જીન્સ પહેરેલું હતું. એ મારી બાજુમાં આવ્યો,
” હેઇ આઈમ સોરી…તું થાકેલી લાગે છે એટલે જ તને બાએ ઉઠાડવાની ના પાડી. સવાર માટે સોરી.”

મેં મારું મોઢું ઢાંકી દીધું અને મને લાઈટની સ્વીચ બંધ થવાનો અવાજ સંભળાયો.

સવારે આંખ ખુલી તો સાત વાગી ગયા હતા. જોયું તો મારું માથું ચિંતનના ખોળામાં હતું,એ બેડનો ટેકો લઈ બેઠા બેઠા સુતા હતા. એનો એક હાથ મારાં વાળમાં હતો. હું ફટાફટ ઊભી થઈ. લાઈટ ચાલું કરી.
” હાય હાય…બીચ્ચારા આખી રાત નાઈટડ્રેસ પહેર્યા વિના બેઠા રહ્યા. સરખું સુતાય નહીં ! આમ તો રાત કઈ રીતે ગઈ હશે એની ?” હું ક્યાંય સુધી ચિંતનની સામે જોઈ રહી. મને અપરાધભાવ જેવું થઈ આવ્યું.
” અરેરેરેરે…એક માંડ રવિવાર મળ્યો હોય એય મેં ઝઘડવામાં વેડફી નાખ્યો. બીચ્ચારા એ તો કેટલીય વાતો કરવા માંગતાં હતાં. હું જ ડફર છું સાવ. ઝઘડ્યા વિના રિસાયા વિના રહી ગઈ હતી તે..” મેં એમને સરખા સુવડાવ્યા. બ્લેન્કેટ ઓઢાડ્યો. એના ગોરા ચહેરા પર સ્મિત હતું મને એની બંધ પાંપણો જોઈ બહું વહાલ ભરાઈ આવ્યું. હળવેથી એમના ગાલ પર ઝુકીને હળવું ચુંબન કર્યું અને પછી ફટાફટ વાળ બાંધતી રસોડામાં આવી. ગેસ પર તપેલી મુકી. દુધ ગરમ કર્યુ અને કૉફીના બીસ્કીટ નાખ્યા. એકાએક મારું ધ્યાન પ્લેટફોર્મના છેડે પડેલાં મીઠાવાળા પાણી અને વ્હાઈટ પકડાં તરફ ગયું. મેં બારીમાંથી આવતાં પ્રકાશમાં જમણા હાથની કોણી જોઈ, ઈન્જેક્શનની સોયનું નાનકડું લાલ ટપકું દેખાયું. હું હસી પડી. સામે સ્ટીલના સ્ટેન્ડમાં મારો ચહેરો મને દેખાયો,અંબોડામાં બાંધેલાં લાંબાં કોરા વાળની એક લટને જમણાં કાન પાછળથી અલગ કરી અને જમણાં ગાલ પર છોડી. ઉગતા સુરજના ગુલાબી તડકામાં મારા ચહેરા પર, સ્ટીલના સ્ટેન્ડ પર અને ઈજેક્શનની સોયના ટપકા પર લાલીમા છવાઈ ગઈ. થયું કે જગત આખાનું સુખ મારી એકલીની ઝોળીમાં છલકાઈ ગયું.

સાડીનો છેડો માથે ઓઢ્યો ને બાનો અવાજ સંભળાય સંભળાય કે ‘વહું….મારી કૉફી….’એ પહેલાં ડ્રોઈંગરુમ તરફ કોફીનો કપ લઈ ચાલતી થઈ.

લેખક : રામ મોરી

ખુબ સુંદર અને સમજવા જેવી વાત કહી છે. શેર કરો અને લાઇક કરો…

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block