રામ મોરીની કલમે સ્ત્રી જીવનની કરૂણતાને આલેખતી ચોંટદાર વાર્તા, દરેક સ્ત્રીમિત્ર માટે એક શેર કરજો…

“અડીખમ ઉંબરો”

આમ તો આખા ગામના ઘરે ઉંબરો પણ ખબર નહીં, મારા ઘરનો ઉંબરો તો સૌથી ઉંચો. આમ જુઓ તો ઉંબરો એટલે સીધોસાદો ઉંબરો જ હોય પણ અમારા ઘરનો ઉંબરો થોડોક વિચિત્ર. આમ જુઓ તો ઉંબરો હોવું એ સનાતન સત્ય છે પણ એની સાથે હોવું એ પાછું શુકન અપશુકનની ઘટના છે. સવારે જે ઉંબરાનું પૂજન થાય એ જ ઉંબરો સાંજે પાછો અપશુકનિયાળ કે સાંજે ઉંબરા પર બેસો તો પાપ લાગે ! મારું બેટું, આ ઉંબરાનુંય અસતરીના અવતાર જેવું ન ઘરમાં ન ઘરની બહાર. અરે હા, હું ક્યાં એની દયા ખાવા બેઠી. અત્યારે તો મારે એને વગોવવાનો છે કે આખા ગામના ઘરે ઉંબરો પણ મારા ઘરનો ઉંબરો તો સૌથી ઉંચો. બા રોજ સવારે ઉંબર પર તાંબાના લોટાનું પાણી ઢોળે પછી કંકુથી ચાંદલો કરે અને ચોખાથી વધાવીને પગે લાગે. હું ચૂપચાપ જોયા કરું. જેને પૂજીએ એજ આડો આવે એ કેવી વાત ?

મારા બેય ચોટલાને પીઠ પાછળ ધકેલી દઉં. ચોટલામાં વાળ જોડે ગુંથેલી લાલ બોપટ્ટી પણ જાણે ઉંબરો ઠેકવા મલકાય. મારા ફરાકને કાચવાળા લીલી બંગડીઓ પહેરેલા હાથે કસકસાવીને પકડીને ફરાક સહેજ ઉંચું કરું. બંને પગમાં પહેરેલી ઝાંઝરની ઘુઘરીઓ પણ જાણે રણકી રણકીને આખા ઘરને નહીં મલકને કહેવાની હોય કે જુઓ આ ઉંબરો ઠેકવાની છે. મોટી પાંપણોવાળી કોડી જેવી આંખોને પટપટાવતી જેવી હું ઉંબરો ઠેકવા જાઉં કે તરત જમણા પગનો અંગુઠો ઉંબરા સાથે ભટકાય. નખ નીકળી જાય…દડદડ લોહી ને આંસુ… હું સીસકારા બોલાવતી ડાબા હાથથી જમણા પગના અંગુઠાને દાબતી ઉંબર પર બેસી પડું. આંખે અંધારા આવી જાય અને ગળે શોષ પડે. મને લાગે કે જાણે હુંય તે નથી ઘરમાં કે નથી ઘરની બહાર. સાંજેના સમયે ગોખમાં બેસેલી ચીબરી જાણે કે મારી સામે ખિખિયાટા કરતી હોય એવું લાગે.


મારી નાનકી બેન નીનુડી. હજું તો ભાખોડિયા ભરતા શીખી છે. ઘોડિયામાં સૂઈ રહે છે. એની મોટી મોટી આંખોમાં અત્યારથી જાણે કે આવનારા સમયની કાળાશ હોય એટલી ઘાટ્ટી મેશ બા આંજી દે. મને બહું ગુસ્સો આવે એ મેંશ જોઈને. દુપટ્ટાના છેડાને થુંકવાળો કરીને ઘસીઘસીને એ મેંશ કાઢી નાખું. વધારે જોશથી મેંશ કાઢવા જાંઉં તો એની કૂમળી ચામડીને બળતરા થાય અને એ રોઈ પડે. કાળી ચીસ પાડે. ભલે રડે પણ એની આંખ્યુંમાં અત્યારથી અંધારું નહીં અંજાવવા દઉં. આજકાલ ખબર નહીં નીનુને પણ ઉંબરો ઠેકવાનું મન થાય છે. એન ફ્રોકમાં બાએ મોતીદાણો ભરતથી આંબાની કેરીઓને, આસોપાલવના પાન, પોપટ,મેના ને મોર ભરી દીધા, આંભલા ટાંકી દીધા. એની છાતીએ જે ટાક્યું છે એને એ બહાર ફંફોસતી શોધવા જાય તો એમાં નીનુનો શું વાંક. હાથમાં ઘુઘરો ખખડાવતી, પગમાં બાંઘેલી રૂપાની નાનકડી ઘુઘરીઓ રણકાવતી, ભાખોડિયા ભરતી એ આભને અડવા જાય પણ આડો અડીખમ ઉંબરો. ઉંબરો ઓળંગવા એ મથતી રહે પણ ઉંબરો તો જાણે કે એને મચક જ ન આપે. એ ઉંબરો ચડવા જાય અને લપસી પડે. ફરી ફરી ચડવા જાય અને ફરી ગબડી પડે. અંતે હાંફી જાય અને થાકીને રોઈ પડે. નીનુડી ગમ્મે એટલું રડે પણ ઉંબરાને એથી કંઈ ફેર ન પડે…ઈ પીગળે તો ઉંબરો શેનો ?


ગામમાં કોઈના ઘરે સારો પ્રસંગ હોય તો જે કોઈ સ્ત્રી આમંત્રણ આપવા આવે એ કાંસાની થાળીમાં કંકુચોખા લઈને આવે,
‘’ અમારે ત્યાં રાંદલ તેડ્યા છે, ઘોડો ખુંદવા આવજો.’’
‘’અમારા ઘરે લગ્ન છે, ગીતો ગાવા આવજો’’
‘’ અમારા ઘરે વ્રતનું ઉજવણું છે, ગોવણી થઈને ખીર ખાવા આવજો.’’
આપણે મલકાઈને હજું કાંઈ સંમતિ આપીએ ત્યાં એ કંકુચોખાની નાનકડી ઢગલી ઘરના ઉંબર પર મુકીને જતાં રહે. ડોશીમાયુ એમ કહે કે,


‘’ઉંબર માથે કંકુની ઢગલી મુકીને આમંત્રણ દઈએ તો આપડા ઘરનો પરસંગ કોઈ વિઘન વગર શાંતિથી પતી જાય’’ મને ઈ ટાણે એવું લાગે કે જાણે ઉંબરો દાંત કાઢીને અમને કેતો હોય કે હુંય જોવ છું કે તમે મને ઠેકીને કેવી રીતે જાવ છો.મને એટલી બધી દાઝ ચડે કે સીધી મારી બા પર તાડુકું અને મુઠીંયું વાળીને ઉંબરા પર ઢીકા મારતી મારતી હું બાને પૂછું કે,
‘’ હે બા, અમારે ગમ્મે ત્યારે ઘરની બાર્ય નીકળવું હોય ત્યારે આ ઉંબરો કેમ આડો આવે ? આખા ગામના ઘરે ઉંબરો પણ આપડા ઘરનો ઉંબરો સૌથી ઉંચો કેમ ? કેમ અમારા કોઈથી આ ઉંબરો ઠેકાતો નથી ?’’
બા ડામશિયા પર સંકેલી સંકેલીને ગોદડા ગોઠવતી હતી. ઈ ગોદડાને એટલી જોશથી ઝાપટતી હતી કે એમ લાગે જાણે બા ખુદને ઝાપટે છે. ઈ ખાલી એટલું બોલી,

‘’હજી તો મારાથીય નથી ઓળંગાયો આ ઘરનો ઉંબરો !’’

લેખક : રામ મોરી

રામ મોરીની આવી જ નાની નાની વાર્તા વાંચો ફક્ત અમારા પેજ પર, આજે જ લાઇક કરો.

ટીપ્પણી