રામ મોરીની કલમે લખાયેલો એક એવો કાગળ જે લગ્નજીવની એવી વાત કરે છે જે કદાચ તમારી આંખમાં આંસુ લાવી દેશે…દરેક પતિ પત્નીએ વાંચવા જેવો કાગળ…

બસ આટલું ધ્યાન રાખજો !

હેલ્લો કેવલ,

હા હું નિમિષા. તમારી વાઈફ. વાત કરવી છે. અગત્યની છે. પ્લીઝ તમારા ફોનને સાઈડમાં મુકીને વાત સાંભળો. આઈ નો તમારું તો મોંઢુ બગડી ગયુ હશે કે આ નિમિષાએ કાગળ શું કામ લખ્યો હશે. ઘરે સીધી વાત કરી લેતી હોય તો. કેવલ, વાત કરવા માટે તમે ઘરે હોવા તો જોઈએને. બીજું મને બાળકોની સામે તાયફો કરવામાં રસ નથી. તમે છેક મોડી રાત્રે ઘરે પાછા આવો છો. ત્યારે હું ઝઘડો કરવા બેસુ તો બાળકો જાગી જાય. રાતની શાંતિમાં પડોશીઓને પણ કારણ વગરનું મનોરંજન પીરસવાનો મારો કોઈ મૂડ નથી. ઓકે. હું સીધી વાત કરું છું. મને તમારી જેમ વાતને ગોળ ગોળ ફેરવતા નથી આવડતી. કેવલ, મને તમારા અફેર વિશે ખબર છે. ઈવન તમને પણ ખબર છે કે મને બધી ખબર છે ! આપણા બાળકોને વહેમ છે એ વહેમ વહેમ જ રહે અને પાક્કી ખબર ન બને એ માટે આ કાગળ લખ્યો છે.

કેવલ, આપણા અરેન્જ મેરેજ હતા. તમારી રાજીખુશી નહોતી તો હું પણ કંઈ હાથીની અંબાડી પર બેસીને ઢોલ નગારા વગડાવીને રાજી ખુશીથી નહોતી આવી. જીવનમાં તમે એડજસ્ટમેન્ટ કર્યા હોય તો હું કોઈ છત્ર પલંગ પર આરામ નહોતી ફરમાવતી. તકલીફ તો મને પણ પડતી હતી જ. પ્રેમ તમને નહોતો તો મને પણ નહોતો જ. તમારા અને મારામાં બસ એટલો જ ફરક હતો કે હું આશાવાદી હતી. મને લગ્નસંસ્થા અને અરેન્જ મેરેજની આખી પરંપરા પર પૂરો ભરોસો હતો કે કોઈ એક દિવસે તો તમારા મનમાં મારા માટે લાગણીની કોઈ કૂંપણ ઉગશે. મને શું ખબર હતી કે તમારા મનની ધરતી પર જ્યાં હું સંબંધોના બીજ વાવતી હતી ત્યાં દર મહિને બે મહિને કોઈને કોઈ આવીને હળ ચલાવીને જતું રહેતું. આવા તો કંઈ કેટલાય બીજના અંકુર નથી ફૂટ્યા અને બળી મર્યા છે. એક તબક્કે જ્યારે મેં નક્કી કરી લીધું કે હા હવે આપણી વચ્ચે કોઈ જ પ્રકારની હુંફ લાગણી કે પ્રેમ શક્ય નથી ત્યાં તો હું પ્રેગનેન્ટ થઈ ચૂકી હતી.

લગ્નજીવનમાં એક વાત બહુ વિચિત્ર છે કે પતિ પત્ની વચ્ચે સુમેળ નથી, સમસ્યા છે, જુદા પડી જવું છે તો તુરંત રસ્તો અપનાવવામાં આવે કે બાળક લાવી દો ! અરે ભાઈ, એ બાળક છે કોઈ જડીબુટ્ટી નહીં જે તિરાડોને સાંધી શકે. આવી તિરાડોની આડશે જન્મેલું બાળક પોતે લાગણીઓની તિરાડોમાં ફસાઈને તરફડિયા મારવાનું. પોતાના માબાપના ગુંગળાતા લગ્નજીવનનું એક એવું ઢાંકણું બની જવાનું છે બહારથી તાળું મારીને અંદર એન્ટર થાય. ખેર છોડો, આ બધું સમજતા સુધીમાં તો મને બે બાળકો થઈ ગયા. આજે એક અઢાર વર્ષની અને બીજું સોળ વર્ષની ઉંમરે ઉભું છે. તમને તમારા બાળકોની ઉંમર તો યાદ છે ને ? કેવલ, તમે મને લગ્નજીવનમાં બીજું કંઈ આપ્યું ન આપ્યું પણ જવાબદારીઓ બહુ અદભૂત આપી. પરણીને આવી ત્યારે કેન્સરથી પીડાતી સાસુની પથારી હતી.

એ પછી સસરાની લાંબી બિમારી, વાતે વાતે બધું ભૂલી જતા ફઈબાની વર્ષો સુધી કરવી પડેલી સારસંભાળ, વચ્ચે તમારા પથરીના ચાર ઓપરેશન અને પછી આ બધી વાતનું બોનસ હોય એમ બે બાળકો. ના, હું ફરિયાદ નથી કરતી પણ ખટકે છે આ બધું મનમાં સતત. જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો ત્યારે એના માટે સર્વસ્વ ગુમાવવાની તૈયારી હોય છે પણ શરત માત્ર એટલી હોય છે કે એ કમસે કમ જુએ તો ખરા કે તમે સર્વસ્વ ગુમાવી રહ્યા છો. બાકી જ્યાં કોઈ ઉત્તર પ્રતિઉત્તર નથી એવા અંધારામાં બેઠા બેઠા કોના નામના તોરણ ગુંથવાના. એની વે. હું અહીંયા કોણે કેટલું સફર કર્યું એ વિશે વાત કરવા નથી બેઠી. મારે વાત કરવી છે મારા બાળકોની. એમણે સફર ન કરવું પડે એ બાબતની મારે વાત કરવી છે.

હા, મેં બહુ સમજી વિચારીને ‘મારા બાળકો’ શબ્દનો ઉપયોગ કર્યો છે. દર વર્ષે સ્કૂલની ફીસ ભરી દેવાથી કે સર્ટીફીકેટ પર બાળકોના નામ પાછળ પોતાનું નામ લગાવી દેવાથી પપ્પા નથી બની જવાતું કેવલ. પપ્પા બનવા માટે બહુ બધું સહન કરવું પડે છે. હા, તમે સહન કર્યો હતો…બેડરૂમમાં મારી શરીર પર શરીર ઘસીને ઉનાળાની એ બપોરનો થોડો પરસેવો અને પછી તુરંત શરીરથી અળગા થઈને પોતાનો થાક ઉતારવા શાવર લેવા જતા રહેલા. પપ્પા બનવા માટેની ‘દસ મિનિટ’ની મારા શરીર સાથેની તમારી ‘મહેનત’ કે જેમાં મારી ક્યારેય નહીં છીપાયેલી તરસ અને તમારો ઉપકાર વધારે હતો.

સાલુ મને તો ‘બાળક જોઈએ છે હવે બાળક આપો’ એવી સાસરીની ડિમાન્ડ પર અમલ થયેલો તમારો અછડતો સ્પર્શ થયો એમાં તો સરખી ખબર પણ ન પડી કે પુરુષનો સ્પર્શ કોને કહેવાય ! અગેઈન હું ખોટા ટોપિક પર આગળ વધી ગઈ. મારે કંટ્રોલ કરવો પડશે. આ બધી વાતો અહીં કરવાનો કોઈ અર્થ નથી. હા તો કેવલ તમે પપ્પા છો તો હવે પપ્પા હોવાની થોડી ફરજ નિભાવો. તમારા બાળકોથી તમારું અફેર સંતાડો ! મારી જીંદગી નીકળી ગઈ પણ તમારા આવા જ્યાં ત્યાં મોઢા મારવાની ટેવના છાંટા મારા બાળકોની આવતીકાલ પર ન પડે એ માટેના પ્રયત્નો કરો. હું તમને સાથ આપીશ. વેલ, એટલા માટે નહીં કે હું તમારી પત્ની છું પણ એટલા માટે કેમકે હું મમ્મી છું. સાચ્ચું કહું તો છેલ્લા કેટલાય સમયથી પત્ની હોવું એ શું એ આખી વાત જ મને ભૂલાઈ ગઈ છે.

તો સાંભળી લો. ઘરમાં એન્ટર થતી વખતે મેકશ્યોર કે તમારી કોલર પર કે ટાઈ પર લીપસ્ટીકના ડાઘા દેખાતા ન હોય. તમે સાંજે ઓફીસથી ઘેર આવો એટલે મારા ધબકારા વધી જાય છે. બંને બાળકોની નજર તમારી કોલર પર હોય છે. ઓલ્વેઝ અલગ અલગ રંગની લીપસ્ટીકના ધબ્બા હોય છે. મારે બાળકો સામે નાટક કરવા પડે છે કે ડેડીને સવારે મેં જ આ કીસ આપેલી જે એણે આખો દિવસ સાચવેલી. મારી વાત સાથે એ લોકો પૂરા સહમત નથી થઈ શકતા જે એની આંખોમાં ઉગતા શંકાના કાંટા હું જોઈ શકું છું. ક્યારેય લીપસ્ટીક નહીં કરનારી હું બજારમાંથી બધા જ રંગની લીપસ્ટીક લઈ આવી છું. તમારા કોલરના ધબ્બાના રંગોને મારે મારા બાળકોના કારણે મારા હોઠ પર ઘસવા પડે છે. એ રંગો મને સખ્ખત અકળાવે છે પણ મારા બાળકોની શ્યોરીટી માટે હું કંઈ પણ કરી શકું.

હજું પણ કેટલીક સમસ્યાઓ છે. તમારા ગાલ પર ઉપસી આવેલી તમારી લવબાઈટ્સ, શર્ટમાંથી આવતી અલગ અલગ પરફ્યુમની સુગંધ, ક્યારેય તમારી પીઠ પાછળ ચીપકીને આવેલી બિંદી. કેવલ, બજારમાંથી આવી નાની મોટી બિંદીઓ અને પરફયૂમ એકઠા કરી કરીને મને બહુ થાક લાગે છે ! પણ મારા બાળકો આ બધું કલેક્શન મારા ડ્રેસિંગ ગ્લાસ પાસે જોઈને થોડા આશ્વસ્ત થાય છે. એમની આંખોમાં ઉગેલા પેલા શંકાના કાંટા થોડો સમય માટે પણ બુઠ્ઠા થાય છે ત્યારે મારો બધો થાક ઓસરી જાય છે. કેવલ, હું આ બધી બાબતો પર કાબૂ મેળવી શકું છું પણ એમ છતાં અમુક એવી બાબતો છે જ્યાં મારા મારા હથિયાર હેઠા પડી જાય છે. હાથમાં મોબાઈલ હોય અને તમે આટલી મોટી સ્માઈલ સાથે ચેટ કરતા હો ત્યારે તમારે આજુબાજુ જોઉં જોઈએ કે તમારા બાળકો તમને જોઈ રહ્યા છે.

સોફા પર પગ લાંબા કરીને હાથમાં મોબાઈલ લઈ તમે નિરાંતે કલાકો સુધી બેસી જાઓ છો, મેસજના બીપ બીપ પર હસી પડો છો, મોટી મોટી સ્માઈલ આપો છો, કાનની બુટ લાલ થઈ જાય છે, વારંવાર વાળ સરખા કરો આ બધી બાબતો તમારા બાળકો જોતા હોય છે. એ લોકો એટલા પણ મૂર્ખ નથી કે એમને ખબર ન પડે કે સામા છેડે કોણ હોવું જોઈએ ! તમારા આ વર્તન પછી એ લોકોની પ્રશ્નોની સોયવાળી નજર મારા તરફ ફેંકાય છે. હું સતત તમને અને તમારા અફેરને ઢાંકતી ફરું છું. મને સતત મારા બાળકો સામે પકડાઈ જવાનો ડર લાગે છે. અને પ્લીઝ, તમે એની સાથે ફિલ્મ જોવા જાઓ તો આપણા ઘરની નજીકના મોલમાં ન જતા. આપણી દીકરીની કોઈ ફ્રેન્ડ તમને જોઈ ગઈ હતી. ‘’મમ્મા, કોણ હશે એ જેની કમરમાં હાથ મુકીને પપ્પા મોલમાં…’’

કેવલ, આ બધું ઢાંકતા ઢાંકતા ક્યાંક હું જ મારા બાળકોની સામે ઉઘાડી થઈ રહી છું. થાક લાગે છે. તમારો મોબાઈલ આડા અવળો પડ્યો હોય તો મને સતત બીક હોય કે ક્યાંક બાળકોના હાથમાં ન આવી જાય. તમે પેલી સાથે બહાર હો અને એ સમયે બાળકો પણ એના ફ્રેન્ડસ સાથે બહાર હોય તો શક્યતાની તલવારો સતત મારી છાતી પર તોળાતી રહે કે ક્યાંક બાળકો તમને પેલીની સાથે ક્યાંક જોઈ ન લે. મને સતત પરસેવો થતો રહે, મારા પોતાના ધબકારા ડરાવે, સતત બી.પી.ની ગોળીઓ ખાધા કરું, બાળકોને ફોન કરી કરીને જલદી ઘરે બોલાવી લઉં. બાળકો ઘરે આવી જાય કે તરત એ લોકોને ફેસ કરવાના બદલે રસોડામાં જતી રહું. મને એક વાતની સતત બીક રહે કે ક્યાંક બહારથી આવીને સીધા એના પ્રશ્નો મને ઘેરી વળશે કે, ‘’ મમ્મી, અમે લોકોએ પપ્પાને કોઈક બીજી સાથે….’’કેવલ, મને બધું મંજૂર છે પણ મારા બાળકોની સામે મારી નગ્ન વાસ્તવિકતાનું નગ્ન ચિત્ર રજૂ થાય એ મંજૂર નથી.

હું સતત બાળકોને નાનપણથી એક વાત સમજાવતી આવી છું કે એના પપ્પા પરફેક્ટ છે, એના મમ્મી પપ્પાનું લગ્નજીવન બહુ રોમેન્ટિક છે, એના પપ્પા એની મમ્મીને બહુ જ પ્રેમ કરે છે. આ વાત સાચી છે એ સાબિત કરવાની એકપણ તક હું ગુમાવતી નથી. સમસ્યા હવે ત્યાં છે કે બાળકોને લાગે છે કે મમ્મી એવા દરવાજે ટકોરા મારી રહી છે જ્યાં બહારથી જ તાળું લાગેલું છે. તમે કહેશો કે નિમિષા, બહુ લાંબુ કર્યુ. આટલી લાંબી ચેટ તો પેલી પણ નથી કરતી. હું કરીશ કેમકે મેં તમારું ઘર, પરિવાર અને બાળકો સંભાળ્યા છે.

જખ મારીને મારી વાત તમારે સાંભળવી પડશે. સાંભળો ચૂપચાપ. તમને યાદ નહીં જ હોય પણ આવતીકાલે આપણી એનિવર્સરી છે. પ્લીઝ મને એક સરપ્રાઈઝ બાળકોની સામે આપો. નેચરલી તમે મુંઝાઈ ગયા હશો કેમકે મને સરપ્રાઈઝ પણ આપી શકાય એવી ગણતરી તો તમારા મનમાં ક્યારેય હોય જ નહીં. તમારી ઓફીસબેગમાં એક રીંગ અને ચેઈન મેં ગીફ્ટમાં પેક કરીને મુકી છે. કેકનો ઓર્ડર આપી દીધો છે ‘ ફોર માય લવ’. કેટરીંગની વ્યવસ્થા થઈ ગઈ છે. ગેસ્ટનું લીસ્ટ રેડી કરી મેં તમને મેઈલ કરી દીધો છે. એ બધા ગેસ્ટને બોલાવવા માટે જે વ્હોટસએપ મેસેજ તમારે કરવો પડશે એ મેસેજ પણ મેં લખીને તમને મેસેજ કરી દીધો છે. તમે મેસેજ ચેક નથી જ કર્યો પણ હવે કરી લો. બધી તૈયારી મેં કરી છે. પ્લીઝ એવું વર્તન કરો કે તમે મને આ સરપ્રાઈઝ આપી છે.

આવતીકાલે રેસ્ટોરામાં એક ડિનર ટેબલ બુક કરાવી લીધું છે. તમે બાળકોની સામે એવું વર્તન કરજો કે તમે મને સ્પેશિયલ ડિનર ડેટ પર લઈ જઈ રહ્યા છો. ડોન્ટ વરી, મને ખબર છે કે તમને મારી સાથે ડિનર નહીં ફાવે, શું છે કે મારી સા ઈટ્સ રીયલી ઓકે, મારી સાથે કરી શકાય એવી કોઈ વાતો તમારી પાસે છે જ નહીં. જોકે તમારી હેસિયત પણ નથી કે બે મિનિટ પણ મારી આંખોમાં આંખો નાખીને તમે કશું બોલી શકો.રસ્તામાં મોલ પર મને ઉતારી દેજો. તમે પેલીની સાથે ત્યાં જતા રહેજો. જેટલું મોડુ કરી શકાય એટલું કરજો, બાળકોને એવું લાગવું જોઈએ કે આપણે ખાસ્સો એવો ‘ ક્વોલીટી ટાઈમ’ પસાર કર્યો છે. આ બધું ભૂલી ન જતા. ફરી ફરી મસેજ કરીને આખી સ્ક્રીપ્ટ યાદ કરાવી દઈશ. નાઉ યુ કેરી ઓન, પેલીના ઢગલો મેસેજ એકઠા થઈ ગયા હશે. થેક્સ !

કાર્તિક અને દિવ્યાની મમ્મી

નિમિષા

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની લાગણીસભર કલમે લખાયેલ વાર્તા વાંચવા માટે અત્યારેજ લાઇક કરો અમારું પજે.

ટીપ્પણી