ભારતના સૌથી વધુ લાંબા ચાલેલા રામમંદિર વિવાદ પરના કેસ પર એક નજર…

“ત્યાં મંદિર બનશે કે મસ્જીદ?” એવો સવાલ અત્યાર સુધી દરેક ભારતીયએ સાંભળ્યો જ હશે. રામ મંદિર વિવાદ આપણા દેશનો સૌથી લાંબો ચાલવાવાળો વિવાદ છે જેનો ચુકાદો આજદિન સુધી નથી આવ્યો. આ કેસ છે શું? એવું તો એ સ્થાન પર શું ઘટ્યું કે જેણે દેશના રાજકારણમાં આટલી મોટી ઉથલપાથલ મચાવી દીધી. એ વિષે અહી આપણે ચર્ચા કરીશું. ચર્ચા કરતા પહેલા એક જાહેરાત કરવા માંગીશ કે અહી ઉલ્લેખાયેલા તમામ બનાવો અને માહિતી જુના મીડિયા હાઉસીસ ધ્વારા કે કોઈ ન્યુઝ ચેનલ દ્વારા જે તે સમયે પ્રકાશિત કરાયેલી માહિતી છે. આમાં મારા પોતાના કોઈ જ વધારાના શબ્દો ઉમેરેલા નથી જેની નોંધ લેવી.
અયોધ્યાનો ઈતિહાસ :
હિંદુ ધાર્મિક પુસ્તકોમાં લખ્યું છે કે હિન્દુઓના પૂજનીય દેવ શ્રીરામનો જન્મ સર્યું નદીના કિનારે આવેલા અયોધ્યા (ઉત્તર પ્રદેશ)માં થયો હતો અને આગળ જતા મધ્યકાલીન યુગમાં અયોધ્યામાં એક મંદિર બનાવવામાં આવ્યું, કે જે ભગવાન રામની જન્મભૂમિ પર બનાવવામાં આવ્યું હતું. જેને કહેવાય છે જન્મભૂમી મંદિર.
૧૫૨૮માં મીર બાકી કરીને બાબરના એક સેનાપતિએ અહી મસ્જીદ બંધાવી હતી જેનું નામ બાબરના નામ પર ‘બાબરી મસ્જીદ’ રાખવામાં આવ્યું. લોકલ ભાષામાં આ મસ્જીદને ‘મસ્જીદ-એ-જન્મસ્થાન’ પણ કહેવામાં આવતી હતી.
હવે વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે શું આ મસ્જીદ પહેલાનું મંદિર તોડીને બનાવવામાં આવી હતી કે પછી જુના મંદિરમાં જ સુધારો કરીને બનાવાઈ હતી? શું ત્યાં ખરેખર મંદિર હતું કે પછી મસ્જીદ કોઈ અલગ જ જગ્યાએ બનાવવામાં આવી હતી?

આ બંને સવાલ એટલે અયોધ્યા વિવાદ.

વિવાદની તવારીખ :
ખરેખર વિવાદ ૧૯મી સદીના પ્રારંભથી જ શરુ થઇ ચુક્યો હતો. આની પહેલા એ વિસ્તારના જે મુસ્લિમો હતા એ તો મસ્જીદમાં જઈને ઈબાદત કરતા હતા પણ હિંદુઓ પણ મસ્જીદની બિલકુલ બહાર એક પ્લેટફોર્મ પર જેને “રામ ચબુતરો” કહેવાય છે એના પર પૂજા કરતા હતા.

૧૮૫૩માં લોકલ દંગા થયા જેને લઈને અંગ્રેજોએ મધ્યમાં એક બાઉન્ડ્રી બનાવી જેની એક તરફ રામ ચબુતરો અને બીજી તરફ બાબરી મસ્જીદ હતી.

૧૮૮૫માં રામ ચબુતરાના મહંત રઘુવર દાસે ફૈઝાબાદ કોર્ટમાં અપીલ કરી કે રામ ચબુતરા પર મંદિર બનાવી દેવામાં આવે અને ચબુતરાને એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવે. પણ જજે આ વાતની મનાઈ ફરમાવી એમ કહીને કે છેલ્લા ૩૫૦ની આસપાસ વર્ષોથી ત્યાં મસ્જીદ જ્ છે તો એની સામે મંદિરની પરમીશન નહિ અપાય.

આ વાતના ઘણા વર્ષો બાદ ૨૨ અને ૨૩ ડીસેમ્બર ૧૯૪૯માં કેટલાક લોકોએ જબરદસ્તી મસ્જીદમાં ઘુસી જઈને મૂર્તિઓ ત્યાં મૂકી દીધી અને વાત એવી ફેલાવાઈ કે “રામલલા (રામ ભગવાનનું બાળપણનું સ્વરૂપ)”ની મૂર્તિ આપોઆપ પ્રગટ થઇ છે.

એ પછી ત્યાના મુસલમાનોએ એ વખતના મામલતદાર કે.કે. નાયરને આ વિષે ફરિયાદ કરી. પણ મસ્જિદમાંથી જો મૂર્તિઓ ઉઠાવી લેવામાં આવે તો હુલ્લડ થાય એમ જાણીને નાયરે એ આખી જગ્યાનો કંટ્રોલ પોતાના (એટલે કે સરકારના) હસ્તક લઇ લીધો.

આ પછી ૧૯૫૦માં ચબૂતરાના નવા મહંત રામચંદ્ર દાસ દ્વારા કોર્ટને અપીલ કરવામાં આવી કે હવે જો ત્યાં મૂર્તિઓ પ્રગટ થઇ જ ગઈ છે તો હિન્દુઓને મસ્જીદમાં પૂજા અર્ચના કરવા દેવામાં આવે. પણ કોર્ટે ફરીથી આ અરજી ફગાવી દીધી અને ફરમાન જાહેર કર્યું કે “હવેથી આ બાબરી મસ્જીદમાં ન તો હિંદુ કે નતો મુસ્લિમ, બંનેમાંથી કોઈને પ્રવેશ નહિ મળે”. મસ્જીદને તાળું લગાવી દેવામાં આવ્યું.

હવે પિક્ચરમાં આવે છે “નિર્મોહી અખાડો”. નિર્મોહી અખાડાના મેમ્બર્સે ૧૯૫૯માં આખા વિવાદિત વિસ્તારનો કંટ્રોલ પોતાના હસ્તક લેવા માટે અદાલતમાં કેસ કર્યો.
એની સામે સુન્ની વકફ બોર્ડ પણ મેદાને ઉતર્યું અને એના સભ્યોએ પણ મસ્જિદમાંથી મૂર્તિઓ હટાવવા માટે અરજી કરી. આ બંને કેસ થયા પછી આ આખો કેસ “વિવાદિત ઢાંચા”ના કેસ તરીકે ઓળખાવવા લાગ્યો.

આ અરજીઓ પછી ૨૦-૨૫ વર્ષ સુધી ભારતની રાજનીતિ કે જાહેર જીવન પર કોઈ જાતની નેગેટીવ કે પોઝીટીવ અસર થઇ નહતી. પણ ૧૯૮૪માં વિશ્વ હિંદુ પરિષદની રચના થઇ. અને આ પરિષદે આ મુદ્દાને રાજનૈતિક સ્તર પર લઇ જવાની માંગ કરી. લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓએ આ મુદ્દાને વધારે મહત્વ આપ્યું અને તાલોતાલ ૧૯૮૨માં ભારતીય જનતા પાર્ટીની રચના થઇ હતી.

હવે આ વિવાદ એક મહત્વપૂર્ણ વળાંક લે છે “શાહ બાનો કેસ”થી! ૧૯૮૬માં શાહ બાનો જે એક મુસ્લિમ સ્ત્રી હતી જેણે તલાક બાદ ભરણપોષણ મામલે કોર્ટમાં રાવ નાખી હતી. કોર્ટે ચુકાદો આપતા તલાક બાદ મળતા ભરણપોષણની રકમ ફિક્સ કરી દીધી. જેથી તમામ મુસ્લિમોએ આ ચુકાદાનો વિરોધ કર્યો.

એ સમયની રાજીવ ગાંધી સરકાર આ વિરોધના વંટોળથી દબાણમાં આવી ગઈ અને બહુમતી હોવાના લીધે રાજીવ ગાંધી સરકારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધ તાત્કાલિક એક કાયદો બનાવી દીધો.

આ કાયદો બનવાથી હિંદુ ધર્મ સંબંધિત પાર્ટીઓએ “આ તુષ્ટિકરણની રાજનીતિ છે” એમ કહીને એનો સરાજાહેર વિરોધ કર્યો અને પરિસ્થિતિ કાબુની બહાર જવા લાગી. હવે રાજીવ સરકાર માથે લટકતી તલવાર હતી. એટલે સરકારે તુરંત જ હિન્દુઓને ખુશ કરવા માટે “વિવાદિત ઢાંચા”ને જે તાળા મારેલા હતા એ તુરંત ખોલીને હિંદુઓને પૂજા કરવાની પરવાનગી આપતો ચુકાદો ફૈઝાબાદ કોર્ટમાંથી જાહેર કરાવડાવ્યો. ચુકાદો જાહેર થયાને માત્ર એક જ કલાકમાં તાળા ખોલી નાખવામાં આવ્યા. (આ અદાલતના ચુકાદાનું અત્યાર સુધીનું સૌથી ઝડપી અમલીકરણ હતું. અલબત્ત! રાજનીતિના કારણે).
તાળું ખોલવાની અને પૂજા કરવાની આખી ક્રિયા દુરદર્શન પર લાઈવ દેખાડવામાં આવી. આ બધું કરીને રાજીવ ગાંધી સરકારે પોતાની રાજનીતિ તો રમી લીધી પણ આ ઘટનાનો મુસ્લિમ સંગઠનો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો. આ પછી મસ્જીદ જ પુનઃસ્થાપિત કરવા માટે એક મુસ્લિમ કમિટી બની જેનું નામ હતું “બાબરી મસ્જીદ એક્શન કમિટી”.
આ પછી ભારતમાં વાતે વાતે આ જ મુદ્દાને લઈને હિંસક તોફાનોનો દોર શરુ થયો અને ભારતમાં જન્મ થયો “હિન્દુત્વની રાજનીતિ”નો! હિંદુપંથી પાર્ટીઓએ ત્યાં રામમંદિર બનાવવાના મુદ્દાને એક રાજનૈતિક સ્વરૂપ આપ્યું અને હિન્દુઓના મનમાં ઠસાવ્યું કે ત્યાં રામમંદિર જ બનવું જોઈએ. પહેલા આ એક ધાર્મિક મુદ્દો હતો હવે એ રાજકારણનો મુદ્દો બની ચુક્યો હતો. આ માટે એમને “કારસેવા”ની શરૂઆત કરી. કારસેવા એટલે રામમંદિર બનાવવા માટે સ્વયંસેવા આપવાનો કોન્સેપ્ટ. જેના અંતર્ગત મંદિર બનવાનું નક્કી થયું નથી એ પહેલા ઇંટો દાનમાં આપવી, રેલીઓ કરવી, પથ્થર લાવવા વગેરે જેવા કામો શરુ થયા. રામ-જાનકી રથયાત્રાનો પણ અયોધ્યામાં આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારાપ્રારંભ થયો.

બજરંગ દળનું નિર્માણ થયું. આખા ભારતમાંથી રામ-નામ લખેલી ઇંટો મંગાવવામાં આવી જેને સામાજિક સેવાનું નામ આપવામાં આવ્યું.

હવે, ઓગસ્ટ ૧૯૮૯માં લખનૌ કોર્ટે વિવાદિત ઢાંચાના તમામ કેસ પોતાના હસ્તક લઇ લીધા અને બધા કેસને એક કરીને માત્ર એક જ કેસ ચલાવવામાં આવશે જેથી સરળતા રહે. આ સાથે જાહિર કર્યું કે આ જગ્યાને અત્યારે સરકારના હસ્તક જ રાખવામાં આવે અને ત્યાં હાલના તબક્કે ન તો મંદિર કે ન મસ્જીદ બને.

પણ, ૩ મહિના પછી નવેમ્બર ૧૯૮૯માં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામમંદિર માટે ભૂમિપૂજન (ખાડપૂજા)નો એક મોટા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી. પહેલા તો રાજીવ ગાંધી સરકારે આ વાતને માન્યતા ન આપી. પણ વી.હી.પ. અને ભારતીય જનતા પાર્ટીના મનામણા બાદ સરકારે પરવાનગી આપી અને સામે આશ્વાસન માંગ્યું કે કોઈ જ હુલ્લડ ન થવા જોઈએ. એ લોકોએ સામે આશ્વાસન આપ્યું પણ ખરું કે જે વિવાદિત ઢાંચો છે એનાથી થોડે દુર આ પ્રોગ્રામ થશે. પણ કોંગ્રેસની આ અનુમતિ આપવાની હરકતથી લોકોનામાં અને ખુદ કોંગ્રેસના સભ્યોમાં રોષ હતો. પણ કોંગ્રેસે આ વાત માટે અનુમતિ આપવાનું એક મોટું કારણ હતું “આવનારી ચૂંટણીઓ”! એ તો ઠીક, પણ કોંગ્રેસે રાજકારણીય રીતે ચૂંટણી પ્રચાર પણ અયોધ્યાથી જ શરુ કર્યો.
ભૂમિપૂજન પછી દેશમાં હિંસક હુમલા અને દંગા થયા જેમાં સરકારી આંકડાઓ મુજબ ૧૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. સાચો આંકડો તો હજીયે કોઈને ખ્યાલ નથી.

ડીસેમ્બર ૧૯૮૯ની ચૂંટણી રાજીવ ગાંધી સરકાર બોફોર્સ કૌભાંડના લીધે હારી જાય છે અને જીતે છે બોફોર્સના લીધે જ રાજીનામું આપી દેનારા “વી.પી.સિંહ”, (નેશનલ ફ્રન્ટ). વીપી સિંહે ભાજપ (૮૫ સીટ્સ) સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવી. ૧૯૮૪ ચૂંટણીઓમાં ભાજપ પાસે માત્ર ૨ જ સીટ હતી પણ રામમંદિર વિવાદના લીધે ૧૯૮૯માં ભાજપ ૮૫ સીટ્સ મેળવવામાં સફળ રહ્યું. સાથે સાથે ડાબેરીઓ પણ વીપી સિંહને સપોર્ટ કરતા હતા એટલે ભારતમાં ત્રિપાંખીય સરકાર બની જે ભારતમાં પહેલી સરકાર હતી જે જમણી અને ડાબી પાંખ એક જ પક્ષને સપોર્ટ કરતી હોય!!!

એ પછી ૨૫ સપ્ટેમ્બરથી ૩૦ ઓક્ટોબર ૧૯૯૦માં એલ.કે.અડવાણીએ સોમનાથ મંદિરથી અયોધ્યા મંદિર સુધી રથયાત્રાનું આયોજન કર્યું. એક મહિનાની યાત્રામાં એમણે ૧૦૦૦૦ કિમીનું અંતર કાપવાનું નક્કી કર્યું. પણ આ રથયાત્રા જ્યાંથી નીકળી ત્યાં હુલ્લડો થયા અને ઘણા લોકો માર્યા ગયા. એટલે બિહારમાં પ્રવેશતા આ યાત્રાને લાલુપ્રસાદ યાદવે રોકી અને અડવાણીની ધરપકડ કરાવી.

હવે બન્યું એવું કે એ સમયે લાલુની પાર્ટી પણ સરકારના ટેકામાં હતી અને ભાજપ પણ ટેકામાં હતી, એટલે આ ધરપકડથી નારાજ થઈને ભાજપે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને વીપી સિંહની સરકાર એક જ વર્ષમાં પડી ગઈ. આ વાતનો લાભ લઇ વીપી સિંહની જ પાર્ટીમાંના એક એવા ચંદ્રશેખરે પોતાનું અલગ દળ બનાવ્યું અને કોંગ્રેસના સપોર્ટથી પોતાની સરકાર બનાવી લીધી.

પણ ચંદ્રશેખર સરકાર અને કોંગ્રેસ વચ્ચે થોડા સમયમાં મતભેદ ઉભો થતા એ સરકાર પણ પડી ભાંગી. સરકારની પડાપડી વચ્ચે જે દિવસે રથયાત્રા અયોધ્યા પહોચવાની હતી એ દિવસે એટલે કે ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના દિવસે વિવાદિત ઢાંચા આગળ ઘણા બધા કાર્સેવ્કોએ રેલી કાઢી અને નક્કી કર્યું કે આ દિવસે મસ્જીદ તોડી પાડવામાં આવે. પણ ઉત્તરપ્રદેશમાં એ વખતની મુલાયમસિંહની સરકારે ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને શૂટ કરવાનો ઓર્ડર આપીને એવું ન બનવા દીધું. ઘણા કારસેવકો આમાં મૃત્યુ પામ્યા અને મસ્જીદ તોડવાના ઈરાદામાં નિષ્ફળ નીવડ્યા.
મસ્જીદ તોડવાની ઘટના :
ચંદ્રશેખરની સરકાર તૂટી પડતા તાત્કાલિક ચૂંટણી જાહેર થઇ અને આ ચૂંટણીના પ્રચાર દરમિયાન એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. જેનાથી ઉઠેલી લાગણીની લહેરે કોંગ્રેસને આ ચૂંટણીમાં જીત અપાવી અને પીવી નરસિંહરાવને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા.

પણ, આ ચૂંટણીની સાથોસાથ ઉત્તરપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીઓ થઇ અને ઉત્તર પ્રદેશમાં ૪૨૫માંથી ૨૨૧ બેઠકો સાથે ભાજપની સરકાર બની. મુખ્યમંત્રી બન્યા કલ્યાણસિંહ! આવતાની સાથે એમણે સૌપ્રથમ એક કામ કર્યું, એમણે વિવાદિત જગ્યાની આસપાસની ૨.૨૭ એકર જમીન પોતાના (એટલે કે કેન્દ્ર સરકારના હસ્તકથી યુપીની સરકારના) હસ્તક પ્રવાસન ઉદ્યોગ માટે લઇ લીધી. અલબત્ત કોર્ટે એમની પાસે “વિવાદિત જગ્યા”ને ન અડકવાની અને એને ન છંછેડવાની બાંહેધરી આપી.

પણ, આ બધું જ એક રાજનૈતિક રૂપથી થઇ રહ્યું હતું એટલે એ ૨.૨૭ એકરની જમીન કલ્યાણસિંહે “જન્મભૂમી ન્યાસ” નામના એક ટ્રસ્ટએ ભાડે આપી દીધી જે ટ્રસ્ટ છેલ્લા પચાસ વર્ષથી ત્યાં રામમંદિર બનાવવાના પ્રયત્નોમાં હતું. વી.હી.પ.ના નેતાઓ ત્યાં કાયમી મંદિર બાંધકામ કરવાના મૂડમાં જ હતા અને ત્યાં અલાહાબાદ કોર્ટનો નિર્ણય આવ્યો કે ત્યાં કોઈ જ પ્રકારનું કાયમી બાંધકામ ન થવું જોઈએ.

પણ વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ માને તેમ નહતા. જુલાઈ ૧૯૯૨માં નક્કી કરેલા દિવસે બધા કારસેવકો ત્યાં પહોચ્યા અને ત્યાં મંદિરના બાંધકામનું કામ શરુ કરવામાં આવ્યું, પણ જેમ તેમ કરીને કેન્દ્ર સરકારે એ કામ બંધ કરાવડાવ્યું. જેના લીધે કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને યુપીની ભાજપ સરકાર વચ્ચે તણાવ શરુ થયો.

નરસિંહરાવે વિશ્વ હિંદુ પરિષદ અને બાબરી મસ્જીદ એક્શન કમિટીને કોર્ટની બહાર આ મુદ્દો સગેવગે કરવા માટેનું આમંત્રણ આપ્યું. પરંતુ આ વાતચીત નિષ્ફળ થઇ.

પછી આવે છે ૬ ડીસેમ્બર ૧૯૯૨નો દિવસ. આ દિવસે વિશ્વ હિંદુ પરિષદના જાહેરનામા મુજબ ૨ લાખની સંખ્યામાં કારસેવકો વિવાદિત ઢાંચાની જગ્યાએ ધર્મસંસદના નામે ભેગા થયા. આ ધર્મસંસદ માટે મુખ્યમંત્રી કલ્યાણસિંહે એક તરફ કેન્દ્ર સરકારને “કોઈજ તોડફોડ કે નવું બાંધકામ નહિ થાય” એવું આશ્વાસન આપ્યું અને બીજી તરફ એવું જાહેર કર્યું કે “કોઈ પણ કારસેવક પર ગોળી ચલાવવામાં નહિ આવે”! (કેવું ડીપ્લોમેટીક રાજકારણ!!)
ફાયરીંગનહતું થવાનું એવા ઓર્ડર હોવાથી કારસેવકો નિશ્ચિંત હતા. ૫ ડીસેમ્બર ૧૯૯૨ની રાતથી જ શરુ થઇ ગયેલી ભીડમાં વાજપેયી અને અડવાણીના જોશીલા ભાષણો આપ્યા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે વિવાદિત જગ્યાથી સોએક મીટર દુર કારસેવકો કારસેવા કરી રહ્યા હતા ત્યાં મોટા નેતાઓ જેવા કે અશોક સિંઘલ, મુરલી મનોહર જોશી, એલકે અડવાણી, ઉમા ભારતી વગેરે ત્યાં ભાષણો આપી રહ્યા હતા.

જો કે એમના રોકવા છતાં ઉપસ્થિત કારસેવકોના મનમાં એટલો બધો જુસ્સો આવી ગયો હતો કે તેઓ મસ્જીદના ગુંબજ પર ચઢીને પોતાના હાથમાં જે પણ હથિયાર આવે એનાથી એ ગુંબજ તોડવાનું શરુ કર્યું. પોલીસને ઓર્ડર નહતા એટલે ફાયરીંગ ન થયું અને કેન્દ્ર સરકારની પોલીસ ફોર્સ જેવીકે આરપીએફ અને આર્મી ત્યાં આવે એ વાતને લઈને પણ કલ્યાણસિંહ તૈયાર નહતા. પોલીસ ૨ લાખની ભીડને કાબુ ન કરી શકી અને બાજુમાં ખસી ગઈ. બાબરી મસ્જિદની એક પછી એક ઈંટ તૂટતી ગઈ અને સાંજ સુધી આખી મસ્જીદ જમીનદોસ્ત થઇ ચુકી હતી. રાત્રી થતા થતા ત્યાં વચ્ચોવચ એક ટેમ્પરરી નાનું મંદિર જેવું બનાવવામાં આવ્યું અને ત્યાં રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

આ દિવસના અંતે કેન્દ્ર સરકાર યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે એ પહેલા પોતે અપાયેલી બાંહેધરી ચુકાઈ જવાનું કારણ આપીને કલ્યાણસિંહે રાજીનામું આપી દીધું અને બીજે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં બાબરી ધ્વંસની પૂરી જવાબદારી પોતાના માથે લઇ લીધી. આ માટે એમને એક કે બે દિવસની જેલ અને દંડ પણ થયો હતો.

બાબરી ધ્વંસ પછી આખા દેશમાં કોમી હુલ્લડો થયા. ખાસ કરીને એ વખતના બોમ્બેમાં અતિશય ઘાતકી ઘટનાઓ બની જેને યાદ કરતા અત્યારે પણ કંપારી છૂટી જાય એટલી હદે હિંસા વ્યાપી હતી. આખા ભારતમાં ૨૦૦૦ થી ૨૫૦૦ માણસો માર્યા ગયા. ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુ વિરોધી હુમલા અને મંદિરોમાં તોડફોડ થઇ.

માર્ચ ૧૯૯૩ના મુંબઈના હિંદુ વિસ્તારોમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટને બાબરી મસ્જીદ ધ્વંસના બદલા સ્વરૂપે કરવામાં આવ્યા એવું આતંકીઓએ પણ જાહેર કર્યું.

લિબ્રાહન આયોગની રચના :
બાબરી ધ્વંસની પાછળના કારણો અને દોરીસંચાર કરનાર વ્યક્તિઓની તપાસ માટે જસ્ટીસ લિબ્રાહનના વડપણમાં આયોગની રચના કરવામાં આવી.

સૌથી લાંબા ચાલનારા આ આયોગને ૪૮ વાર એક્ષ્ટેન્શન અપાયું અને અંતે આવેલા રીપોર્ટમાં આ ઘટના માટે એલકે અડવાણી, સંઘવી, મુરલી મનોહર જોશી, એટલ બિહારી બાજપેયી સહીત ૬૮ લોકોને જવાબદાર ગણવામાં આવ્યા. સૌથી મોટો અને મુખ્ય ગુનો કલ્યાણસિંહ સામે નોંધાયો. મુખ્ય આરોપ આરએસએસ પર લગાવવામાં આવ્યો.
પણ આ રીપોર્ટને ભાજપ, વિહિપ અને આરએસએસ દ્વારા રાજકીય કાવતરું ગણાવીને એનો વિરોધ કરવામાં આવ્યો.

૨૧મી સદી અને બાબરી મસ્જીદ વિવાદ :

૧૯મી સદીની ૨૧મી સદી આવી ગઈ પણ હજીયે આ વિવાદ એના નિરાકરણ સુધી પહોચ્યો નહતો. ૨૦૦૩માં અલાહાબાદ કોર્ટે ભારતીય પુરાતત્વ ખાતાને આ જગ્યાએ ઉત્ખનન કરવાનો આદેશ આપ્યો અને ત્યાં ૧૫૨૮ પહેલા મંદિર હતું કે મસ્જીદ હતી એ વિશેના ઐતિહાસિક પુરાવાઓ તપાસવાનો નિર્દેશ કર્યો.

પુરાતત્વ ખાતાએ ચારેક મહિના ખનન કર્યા બાદ મળેલા પુરાવાઓ અને સ્તંભો પર હિંદુ ધર્મના પ્રતીકોના આધારે જાહેર કર્યું કે અહી ૧૦મી કે ૧૧મી સદી દરમિયાન એક મોટું હિંદુ સ્થાપત્ય હશે. અને એ સ્થાપત્યો મસ્જીદ કરતા ખાસા જુના છે એવું પણ જાહેર કર્યું. પણ! પણ! પુરાતત્વીય ખાતાએ ત્યાં રામમંદિર જ હતું એવું ક્યારેય નથી કહ્યું, એમણે પોતાના રીપોર્ટમાં ત્યાં “શ્રાઈન” એટલે કે પૂજા અર્ચના થતી હોવાનું અને હિંદુ બાંધકામ હોવાનું જ કહ્યું હતું. આ રીપોર્ટ ખાસો એવો ચર્ચિત મુદ્દો બની ગયો હતો.

ઘણા ઈતિહાસવિદો આ પ્રતીકોને બૌદ્ધ ધર્મ સાથે સાંકળે છે અને માને છે કે જો હજી વધારે ખનન થાય તો એ જગ્યા બુદ્ધ ધર્મની જ નીકળશે!!

પુરાતત્વ ખાતાના સર્વે રીપોર્ટને આધારે વિહિપ, ભાજપ અને આરએસએસ ત્યાં રામમંદિર બનાવવાની વાત કરે છે.

૨૦૧૦નો ચુકાદો :

અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦૧૦ના ચુકાદામાં આખી વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડ્યા. એક ભાગ રામમંદિર માટે, બીજો ભાગ નિર્મોહી અખાડાને અને બાકીની જમીન વકફ બોર્ડને આપવાનું નક્કી કર્યું. પહેલી વાર પુરાતત્વીય ખાતાના રીપોર્ટના આધારે કોર્ટે માન્યું કે “હા, આ જગ્યા રામની જન્મભૂમી છે”.
પણ આ ચુકાદાથી ત્રણેય પાર્ટી નારાજ હતી અને ત્રણેય પાર્ટીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે અને હજીયે આખો મામલો ઠેરનો ઠેર જ છે. જુઓ, ભારતનું ન્યાયતંત્ર એમ જ બદનામ નથી. આવા ઘણાય કેસીસ છે જે દાયકાઓના દાયકાઓ ચાલે છે પણ કોઈ ચુકાદો આવતો નથી.

મારા મતે ચુકાદો શું હોવો જોઈએ? :હું માનું છું કે ન તો ત્યાં મંદિર બનવું જોઈએ કે ન તો મસ્જીદ. ત્યાં એક મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ બનવી જોઈએ જેનું નામ હોય “રામરહીમ હોસ્પિટલ”. જેમાં હિંદુ મુસ્લિમ સીખ કે ઈસાઈ, કોઈ પણ ધર્મના લોકો જે ભયંકર બીમારીથી પીડિત હોય એમનો સારામાં સારી મેડીકલ સારવારથી રાહતદરે ઈલાજ થવો જોઈએ જેનાથી અલ્લાહ પણ ખુશ હોય અને રામ પણ ખુશ થાય. વધુમાં આ સત્કાર્યનો કોઈ પણ પાર્ટી વિરોધ પણ નહિ કરી શકે.

લેખન : ભાર્ગવ પટેલ

આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર આપજો. દરરોજ અલગ અલગ વિષય પર અવનવીઅને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી