“રખોપું” – તારી બાયડી ઉપર કો‘ક નજર નાખે તો તને કેવુ લાગે ? વાંચો અત્યારે જ આ વાર્તા..

અષાઢનો ગોરંભો બરાબરનો જામ્‍યો હતો. વીજળી સળાવા લેતી હતી. જેમલા પઢિયાર અને મેરા ભૂવાનો કારસો બરાબરનો ગોઠવાઇ ચૂકયો હતો. આજ પોપટ પીંજરામાં પુરાઇ ચુકયો હતો. અને આવી મીઠી રાતે ગઢમાં રાજઢોલિયા ઉપર બેઠી બેઠી મેના પણ કોઇની વાટ જોતી હતી પણ આજે ?

જેમલો પઢિયાર અને મેરો ભૂવો ખડખડાટ હસ્‍યા. એ અટ્ટહાસ્‍યના પડઘા ગામના આથમણા પાદરે ઉભેલા વર્ષોથી અપૂજ પડ્યા રહેલા શિવાલયના ગર્ભગૃહ સાથે ટકરાઇને જાણે હેઠે પડયા અને ભગવાન શિવજી પણ કંપિ‍ત થઇ ગયા. રામા-જેમલાની કટુનીતિથી.

ભોળો એકકોર પડ્યો હતો. હવે એને કશી સાધ નહોતી. બેભાન બની ગયો હતો અને લવારી કરી રહ્યો હતોઃ ‘રતન… રતન… રતન…‘
‘રતન તો દીકરા, આજ અમારી હાર્યે રંગે રમશે…‘ મેરો ભૂવો બકી ગયો કે જમલાએ એના મોઢા આડે હાથ દઇ દીધોઃ ‘ભૂવા, વાડ સાંભળે, વાડનો કાંટો સાંભળે. હવે હાલો ઝટ, પૂગી જાઇએ ભોલિયાના ઘરે. એટલે તમારા ઓરતાય પૂરા થાય.‘

ભોળો ખરેખર ભોળિયો હતો. ત્રીસ વરસ લગી કોઇ એને કન્‍યા આપતુ ન હતુ અને જયારે કન્‍યા મળી ત્‍યારે કાચની પૂતળી જેવી મળી ગઇ – રતન.. રતનનું પુષ્‍ટ માંસલ શરીર અને રૂપની કળીફઓ. આ મેરા-જેમલાની જોડીની આંખોમાં અંજાઇ ગઇ. આહાહા.. પૂનમના ચંદ્રમા જેવુ રૂપ અને એ પણ ભોળિયાને ઓરડે ?

‘વાતમાં પણ માલ નહિ જેમલા, કાંઇક કારહો કર્યુ ગાંડીના, નહિતર આ પંખી હાથમાં આવે એવુ નથી. ભૂવો ઉપરતળે બોલી ઉઠેલો ત્‍યારે જેમલા પઢિયારે કહ્યુઃ ‘ભૂવા, ખમૈયા કરો ખમૈયા. આ જેમલો ઉડતા પંખી પાડે એવો છે. એમાં રતનની તો શું વિસાત ? ‘

હાથમાં કાચના ગોળવા લઇને એ, એકવાર કૂવા કાંઠે આવેલો. જયાં રતન પાણી ભરતી હતી.
‘ભાભી, લ્‍યો આ ગોળવા તમારા માટે…‘

રતને એની સામે જોયુ અને પછી કાચના ગોળવાનો જેમલાના મોઢા ઉપર ઘા કરીને તણખેલીઃ ‘તારા ઘરે મા કે બહેન હોય એને પહેરાવજે. આજ તુ ખોટા સરનામે આવી ગયો. ફરીવાર જો મળીશ તો એક અડબોથ ભેગો પાડી દઇશ સમજયો ? ‘

અને જેમલો પોબારા ગણી ગયો. પણ એક ઉનાળાનો દિ‘ તે દિ‘ ગાય માટે ચારો લેવા રતન જતી હતી ને અચાનક એના પગમાં કાળો મણજર વિંટળાઇ ગયો. રતન ચીસો પાડવા મંડી પણ એના ખબર લઇ વાજોવાજ આવતો જેમલો દોડી આવ્‍યો. રતને મદદ માટે બૂમ પાડી, જીવનું જોખમ તો હતુ જ પણ એ જોખમ પાર ઉતરી જાય તો સામે રૂપના ચંદ્રમાના હૈયા ઉપર કાયમનો રાતવાસો કરી શકાય એમ પણ હતુ. એણે મોત સામે ખેલી લેવાની નિર્ધાર કર્યો અને એક જ પળમાં નિર્ણય કરીને માથે બાંધેલ લાલ વાયલના ફટકા વડે સાપનું મોઢુ દબાવી દીધુ. સાપ પણ ઝનૂન ઉપર આવી ગયો પણ અંતે મકોડા ઢીલા પડી ગયા ને, જેમલાએ આંચકો મારીને એરું નો ભરડો કાઢી નાખ્‍યો. તે દિ‘ રતન જેમલા આગળ રોઇ પડી. તેના ધોળી ધોળી કૂણી માખણ પીઠ ઉપર હાથ ફેરવતો જેમલો તેને છેક ઘર સુધી મૂકી આવ્‍યો પણ તે દુ‘ નો ભોળિયો જેમલાની ઓશિંગણ બની ગયો.

બસ, જેમલો જે રાહ જોતો હતો એ ઘડી આવી ગઇ. મેરા ભૂવાએ ચપટી નાખીને દાણા આવ્‍યા. આજના શુકન સારા હતા. તે દિ‘ મેળામાં લઇ જવાનું કહીને ભોળિયાને ઉપાડી આવ્‍યા. અષાઢી બીજનો તરવાણીનો મેળો માણ્યા પછી ટાઢોડાના છાંટો પાણી કરવા સૌ પુરાતન શિવાલયમાં આવ્‍યા. અહીંનું એકાંત કોઇને ખબર પડે એમ નહોતી.

છેલ્‍લા અઠવાડીયાથી આ કારસો ઘડાઇ ચૂકયો હતો અને એના માટે કટકેટલા વાના કરવા પડ્યા હતા ?

બેય જણાએ ભોળિયા ઉપર નજર નાખી. હવે એ સવાર લગી ભાનમાં આવે એમ નહોતુ. બેય જણા દબાતા પગલે ઉપડ્યા..
રાત વીતી ચૂકી હતી. ગામની શેરીઓમાં સોપાો પડી ચૂક્યો હતો. જેમલાએ ભોળાની ખડકી ઉઘાડી. ઝાંખા પાંખા ફાનસની રાગમાં ચોખ્‍ખુ દેખાયું. અંદરનુ દ્રષ્‍ય જોઇને જેમલાના મોઢામાં પાણી આવી ગયુઃ જાણે સ્‍વર્ગની અપ્‍સરા રંભા ફૂલશૈયા ઉપર ખુદ જેમલાની રાહ જોઇને જ સુતી હતી.

ભૂવાએ જેમલાની પીઠ થપથપાવીઃ ‘જા જા તુ તારે… બીક રાખમાં, આજ તો થાવા જેવી થઇ જાય.. હું અહીં ધ્‍યાન રાખુ છુ. જા‘
જેમલો આગળ વધ્‍યો. ઓંસરીની થાંભલીએ ટીંગાતા ફાનસની શગ ઝાંખી કરી નાખી સામે ઉભેલા માણસનું મોઢુ માંડ દેખાય એટલી ઝાંખી.. અને પછી એ ઓરડામાં આવ્‍યો. પગરવનો અવાજ સાંભળી ખાટલીમાં સૂતેલી રતન જાણે સળવળી. જેમલો પડખે બેઠો. રતનના માથે હાથ ફેરવ્‍યો ને‘ પછી એના ઝૂકતા હળવેથી બોલ્‍યોઃ ‘રતન…‘

જાણે હમણા જ જોયેલો એનો વાંહો અને એરું નો ભરડો છૂટી ગયા પછી કેળની થાંભલી જેવા એના પગ દેખાઇ રહ્યા…
હળવે‘ક થી નીચા નમી એના ગાલ પર ચુંબન કર્યુ. એના પ્રતિસાદમાં ઝાંઝરી ઝણકી. જેમલો ખુશ થઇ ગયો. અવળુ ફરીને જોયુ તો મેરો ભૂવો ખડકીએ ઉભો ઉભો ઝાંખો પાંખો કળાતો હતો. જેમલો ઉભો થયો. કમાડ વાસ્‍યુ અને ઓરડામાં ટીંગાતુ એક બીજુ ફાનસ સતેજ કર્યુ. અવળુ ફરી ગયેલી રતનને પોતા ભણી ખેંચી. પણ એ કાંઇ સમજે કારવે એ પહેલા, સટ્ટાક કરતો એક અડબોથ તેના કાને પડી. જાણે કાનમાં તમરા બોલી ઉઠયા. જોયુ તો પોતાની ઘરવાળી – રણુ..

‘ રણુ ? તેના ગલામાં ચીસ નીકળી ગઇઃ ‘ તુ? ‘
‘ હા હું, નીચ, નાલાયક અત્‍યાર લગી મને ખબર નહોતી પણ તે દિ‘ તુ અને પેલો કાળભુખો ભૂવો કારસો ઘડતા હતા એ હું સાંભળી ગઇ હતી. તને ભર્યા ભવમાં આ શું સૂઝયું ? એક તો આવા કૂડા કામ કરે છો અને પાછો ધરમની પૂંછડી થઇ ને માતાજીના મઢે બેસે છો ? તને કો‘ક વહુ દીકરીના શ્રાપ લાગી જશે અને થઇ જઇશ નકકામો-‘

‘ બસ બસ રાણુ…‘
‘ અરે, હું તારી બાયડી છુ. એમ રતનેય કો‘ક ની બાયડી છે. તારી બાયડી ઉપર કો‘ક નજર નાખે તો તને કેવુ લાગે ? આ જ બિચારા ભોળિયા ભગવાન જેવા ભોળાને દારૂ પીવડાવીને કયાંક નાખી દીધો. પણ ભગવાને એની બૈરીનું રખોપુ કરવા મને ઉભી રાખી છે. સમજયો ? અને હા, કયાં ગયો પેલો કુકર્મી ? ‘

પણ અંદર ભજવાઇ ગયેલા પાઠની જાણીને ભૂવો તો કયારનોય અંધારામાં ગરક થઇ ગયો હતો. જેમલો ઉભો ઉભો થરથરતો હતો. અને પોતાની આબરુ ને અક્ષત રાખનાર રાણુને ભેટીને રતન રડી રહી હતી…

લેખક : યોગેશ પંડ્યા

લેખકે ખુબ સમજવા જેવી વાત કહી છે શેર જરૂર કરજો મિત્રો, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી