મળો ! રાજકોટના એક ભેખધારીને, આ વાંચીને તમને પણ જીવન જીવવાની પ્રેરણા મળશે

મળો ! રાજકોટના એક ભેખધારીને…

શાંતિભાઈ કોટક – શાંતિકાકા દાયકાઓ સુધી લંડન રહ્યા, નિવૃત થઈને ઇન્ડિયા આવી ગયા. રાજકોટમાં પ્રાણીઓને ભોજન પહોંચાડવાની સેવા આપે છે; ખાસ તો ગાયને લાડવા ખવડાવે છે. હું જુન ૨૦૧૭માં રાજવી સાથે સવારે કાલાવડ રોડ પર હૈદરાબાદ બેંક પાસે પંખીને ચણ આપતી હતી ત્યારે શાંતિકાકા મળી ગયા.

મારો ભાઈ મનન તેમને ઓળખતો હતો અને તેમની સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ હતો એટલે અમે મળવા ગયા, વાતો કરી. ઉનાળામાં ગાયને લુ ના લાગે તે માટે ખસ – ગોળનું પાણી પીવડાવે.

પંખીઓને ચણ, માછલીને લોટ અને ગાય માટે તો થાય તે કરે! સવાર સાંજ એકટીવા પર ખોરાક લઈને નીકળી પડે અને ગાયને જમાડીને જ પોતે જમે છે. શાંતિકાકાના દીકરા અમેરિકા જોબ કરે છે.

રાજકોટ કાકા અને કાકી રહે છે, જાતે જ બધી તયારીઓ કરે છે અને સેવા આપે છે. કોઈની પાસેથી દાનના રૂપિયા માંગતા નથી. હા! કોઈ લોટ-ગોળ-ઘી આપી જાય તો તેના લાડવા બનાવી ગાયને ખવડાવી દેવાનું કામ હોંશેથી કરે છે.

અમે પંખીને ચણ આપતા હતા ત્યારે જ એક શાકવાળા બેન રેકડી લઈને જતા હતા તે ઉભા રહ્યા અને ૧૦ રૂપિયાનું ચણ ત્યાં ઉભેલી રેકડીમાંથી ખરીદી પંખીને નાખી, રેકડી લઈને ચાલતા થયા!!!!!! એમની બોડી લેંગ્વેજ અને ચણ વેચતા ભાઈ સાથેની વાત પર થી અંદાજ આવી ગયો કે આ બેન રોજ ૧૦ રૂપિયાનું ચણ પંખીને નાખીને કામ પર ચડતા હશે.

[અને શેઠાણીઓ શાક સાથે લીમડો ફ્રી માંગતા હશે અને ૫-૧૦ રૂપિયા કસાવીને ઓછા આપતા હશે]

જયારે જયારે આપણને એવો વહેમ થાય ને કે આપણે સમાજ માટે કે અન્ય માટે બહુ મહાન કાર્યો કરીએ છીએ ત્યારે આવા લોકોને યાદ કરી લેવા જોઈએ. શાંતિકાકાનો નંબર આ સાથે છે,મોટેભાગે એ ફોન રીસીવ નહીં કરે

😀 રાજકોટ કાલાવડ રોડ, પરિમલ સ્કુલ પાસે એમનું ઘર છે, પત્ર લખવો હોય કે મળવું હોય તો પહોંચી જવું. શાકવાળા બેન ઉતાવળમાં ચાલતા થયા અને એના કરતા પણ અમારો આઘાત ઝાઝો હતો એટલે એમનો ફોટો રહી ગયો. હવે જયારે ઇન્ડિયા જઈશ ત્યારે તે જગ્યાએ મળશે તો ફોટો લઈને અહીં ચોક્કસ મુકીશ.

કોઈકના માટે નિસ્વાર્થ કૈંક કરી શકો તેવી શુભેચ્છાઓ..

લેખક : ગોરા  ત્રિવેદી 

રોજ રોજ આવી અવનવી પોસ્ટ વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

 

ટીપ્પણી