ઓરીજીનલ રાજસ્થાની મસાલા બાટી અને તડકા દાલ બનાવવાની સંપૂર્ણ અને સરળ રીત…

- Advertisement -

રાજસ્થાની મસાલા બાટી અને તડકા દાલ…

રાજસ્થાનમાં બાટી અથવા બાફલાબાટી અલગ અલગ પરંપરાગત રીતથી બને છે. જેમાં શેકીને, બાફયા બાદ શેકીને, તળીને અને બાફયા બાદ તળીને આ ચાર માંથી કોઈ એક રીતે બાટી તૈયાર કરવામાં આવે છે. બાટી સાદી, મસાલા અને ભરવાં (સ્ટફ્ડ) એમ ત્રણ પ્રકારની હોય છે.તો ચાલો શીખી લો શેકીને મસાલા બાટી બનાવવાની રીત… આજે જ ટ્રાય કરજો… ચોક્કસ બનશે એકદમ બજારના જેવી જ ટેસ્ટી દાલબાટી…

બાટી બનાવવાની રીત :


વ્યક્તિ : ૪

સમય :

પૂર્વ તૈયારી માટે : ૩૦ મિનિટ
વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૨ કપ ઘઉંનો કકરો/જાડો લોટ
૧/૪ કપ ઘઉંનો ઝીણો લોટ
૧/૪ કપ સોજી
૧/૪ ટી.સ્પૂ. અજમો
૧/૪ ટી.સ્પૂ. જીરૂં
૧/૪ ટી.સ્પૂ. વરીયાળી
૧/૪ ટી.સ્પૂ. આખા સુકા ધાણા
૩ નંગ મરી
૫ ટે.સ્પૂ. ઘી/તેલ મોવણ માટે
૧/૪ ટી.સ્પૂ. હળદર
૧/૪ ટી.સ્પૂ. કાશ્મીરી લાલ મરચું
૧ ટી.સ્પૂ. મીઠું/ સ્વાદ મુજબ
૧/૮ ટી.સ્પૂ. હીંગ
૧/૮ ટી.સ્પૂ. ખારો (ખાવાનો/બેકિંગ સોડા)
હુંફાળું ગરમ પાણી જરૂર મુજબ
(આશરે ૩/૪ + ૧/૮ કપ)

રીત :

૧) એક વાસણમાં ઘઉંનો જાડો લોટ, ઝીણો લોટ અને સોજી ભેગા કરી લો. તેમાં ૪ ટે.સ્પૂ. ઘી અથવા તેલનું મોવણ નાખીને બરાબર મસળી લો.
૨) આખા સુકા ધાણા, મરી, વરીયાળી અને જીરૂંને ભેગા કરી સહેજ કકરું ખાંડી લો. વાટેલો ભૂકો, મીઠું, હળદર, લાલ મરચું, સોડા, હીંગ અને અજમો ઉમેરીને હુંફાળા ગરમ પાણી વડે લોટ બાંધી લો. પરોઠા જેવો સહેજ ઢીલો લોટ બાંધવાનો છે. લોટને ભીનું કપડું ઢાંકીને ૩૦ મિનિટ મુકી રાખો.
૩) હવે બાટીના ઑવનને ધીમા તાપે ગરમ કરવા મુકો. ત્યાં સુધી લોટને ૧ ટે.સ્પૂ. ઘી/તેલ લગાવીને મસળી લો અને તેનાં ૬ સરખા ભાગ કરીને ફોટોમાં બતાવ્યા મુજબ ગોળા વાળી લો. એકતરફ અંગુઠા વડે વચ્ચેથી સહેજ દબાવી લો.
૪) ઑવન તપી જાય પછી તેના ઉપર બાટી ગોઠવી દો. ખાડાવાળો ભાગ પહેલાં નીચેની તરફ રાખીને બાટીને ધીમી આંચ પર શેકાવા દો. લોટ બરાબર બંધાયો હશે તો ફોટોમાં બતાવ્યા મુજબ બાટી ગુલાબી શેકાશે એટલે તેમાં તિરાડ પડશે. તિરાડ પડે એમ એક પછી એક બાટીને બીજી બાજુ ફેરવતાં જાઓ. એકતરફથી ગુલાબી શેકાઈ ગયા બાદ બાટીને ફેરવીને બીજી તરફથી ધીમી-મધ્યમ આંચ પર શેકાવા દો.
૫) આમ, બે થી ત્રણ વખત ફેરવી ફેરવીને બાટીને લાલાશ પડતી શેકી લો. બાટી તૈયાર થઈ ગયા બાદ કપડાં વડે દબાવીને સહેજ તૂટે એટલે ઘીમાં ડુબાડીને ગરમાગરમ તડકા દાલ અને લસણની લાલ ચટણી સાથે પીરસો.

નોંધ :

★ બાટીને ખૂબ જ ધીમા તાપે શેકવાથી કડક થઇ જાય છે આથી આંચ ધીમી મધ્યમ એમ બદલતાં રહેવી.
★ બાટીમાં ખારો ઉમેરવો ના હોય તો ૨-૩ ટે.સ્પૂ. મોળું દહીં ઉમેરીને લોટ બાંધવો.
★ બાફલા-બાટી બનાવવા માટે પહેલાં બાટીને હળદર અને મીઠાં વાળા પાણીમાં બે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી બાફી લો. પાણી બાફલા ડૂબે તેના કરતાં બે ગણું મુકવાનું છે જેથી તળીયે ચોંટે નહીં. બાફલા ચઢીને ઉપર આવી જાય પછી કાપડ ઉપર કાઢીને ૧૫ મિનિટ કોરા પડવા દો. ત્યારબાદ તેને ઓવનમાં શેકી લો.

તડકા દાલ બનાવવાની રીત :

વ્યક્તિ : ૪
સમય :

તૈયારી માટે : ૧૦ મિનિટ
વાનગી માટે : ૨૦ મિનિટ

સામગ્રી :

૨ ટે.સ્પૂ. મગની ફોતરાં વગરની દાળ
૨ ટે.સ્પૂ. ચણાની દાળ
૨ ટે.સ્પૂ. અડદની દાળ
૩-૪ ટે.સ્પૂ. ઘી/તેલ (વઘાર માટે)
૨ નંગ આખાં લાલ મરચાં
૨-૩ નંગ મરી
૨-૩ નંગ લવિંગ
૧ ટુકડો તજ
૨ નંગ તેજપત્તા
૧ નંગ ડુંગળી
૨ નંગ ટામેટાં
૪-૬ નંગ લસણની કળી
૨ નંગ લીલાં મરચાં
૧/૨ ઇંચ આદું
૫-૭ નંગ મીઠાં લીમડાનાં પાન
૨ ટે.સ્પૂ. લીલાં ધાણા
૧/૨ નંગ લીંબુ
૧ ટી.સ્પૂ. જીરૂં
૨ ચપટી હીંગ
૧ ટે.સ્પૂ. લાલ મરચું
૨ ટે.સ્પૂ. ધાણાજીરૂં
૧/૨ ટે.સ્પૂ. હળદર
૧/૨ ટે.સ્પૂ. ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
પાણી જરૂર મુજબ

રીત :

૧) બધી દાળને સાફ કરીને, ભેગી કરીને પાણી વડે બરાબર ધોઈ લો. દાળ ડૂબે તેનાથી થોડું વધારે પાણી ઉમેરીને દાળને ૧ કલાક પલાળી રાખો. ત્યારબાદ એક વાસણમાં દાળ, ૨ કપ પાણી અને થોડું મીઠું નાખીને કૂકરમાં ૨-૩ સીટી થાય ત્યાં સુધી બાફી લો.
૨) એક વાસણમાં ઘી/તેલ ગરમ મુકો તેમાં જીરૂં, હીંગ, આખાં લાલ મરચાં, મરી, લવિંગ, તજ, તેજપત્તા, લસણ-આદું-લીલાં મરચાંની પેસ્ટ, મીઠાં લીમડાનાં પાન ઉમેરીને સાંતળી લો.
૨) ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી આછા બદામી રંગની થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલાં ટામેટાં ઉમેરો. તેમાં થોડું મીઠું ઉમેરી ટામેટાં ચડી જાય ત્યાં સુધી સાંતળી લો.
૩) ટામેટાં ચડી જાય એટલે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરૂં, ગરમ મસાલો ઉમેરીને એકાદ મિનિટ ઘી/તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો.
૪) ઘી/તેલ છુટું પડે એટલે તેમાં બાફેલી દાળ અને જરૂરી પાણી ઉમેરો. યાદ રાખો કે દાળને વલોવવાની નથી અને મધ્યમ પાતળી કરવાની છે.
૫) જરૂર મુજબ મીઠું ઉમેરી દાળને થોડી વાર ધીમી આંચ ઉપર ઉકળવા દો. ગેસ બંધ કરીને લીલાં ધાણા ઉમેરો.
૬) દાળ વાડકીમાં કાઢીને ઉપરથી વઘાર કરીને પીરસો અને લીંબુ નીચોવીને બાટી સાથે દાળની મજા માણો…

નોંધ :

★ દાળ બાફતી વખતે તેમજ ડુંગળી-ટામેટાં સાંતળતી વખતે મીઠું ઉમેરવાનું છે આથી મીઠું વધારે પડી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
★ દાળ એકદમ ઓગળી જાય તેવી બાફવાની નથી, ફક્ત દાળ બરાબર ચડી જવી જોઈએ.
★ ડબલ તડકા દાલ બનાવવા માટે ઘીમાં જીરૂં અને લાલ મરચું ઉમેરીને દાળ પીરસેલી હોય તેમાં ઉપર વઘાર રેડી દો.
★ ઘઉંના ઝીણા લોટના બદલે મકાઈનો લોટ અથવા પણ ઉમેરી શકાય.

તો તૈયાર છે… સ્વાદિષ્ટ રાજસ્થાની મસાલા બાટી અને તડકા દાલ…

ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !!!

ટીપ્પણી