રાજકોટમાં રહેતા ‘રાજના મમ્મી’ ને સો સો સલામ

રાજકોટમાં રહેતા ગીરાબેન પંડ્યાને ત્યાં આજથી આઠ વર્ષ પહેલા એક બાળકનો જન્મ થયો. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય એ આનંદનો અવસર ગણાય પણ ગીરાબેનના કુખે જન્મેલો રાજ પરિવાર માટે આફત બનીને અવતર્યો.

રાજ પંડ્યા જન્મથી જ અનેક ખોડખાપણ વાળો હતો. એને -20(માઇનસ વીસ) નંબર છે એટલે એ જોઇ નથી શકતો. અધુરામાં પુરુ એ બોલી કે ચાલી પણ નથી શકતો. રાજનો ફેઇસ પણ સીધો રહેતો નથી, થોડીવારમાં જ નીચે નમી જાય.

પરિવારના બધા સભ્યો મુંઝાયેલા હતા પણ રાજની જન્મદાતા ગીરાબેન પોતાના લાડકવાયા રાજ માટે જે કંઇ કરવું પડે તે બધુ જ કરવા તૈયાર હતા. ફીઝીયોથેરાપીસ્ટ ડોકટરના માર્ગદર્શન નીચે રાજની સારવારનો પ્રથમ તબ્બકો શરુ થયો. ખબર નહિ કેમ પણ પરિવારના બાકીના સભ્યોનો જોઇએ એવો સહકાર નહોતો મળતો. બીજા તો ઠીક ખુદ બાળકના પિતાનો પણ પુરતો સહયોગ નહોતો. ગીરાબેન એકલા એકલા એના જીગરના ટુકડા માટે મહેનત કરતા હતા.

એકસમય એવો આવ્યો કે ગીરાબેન અને રાજને એના પિયરમાં મોકલી દેવામાં આવ્યા. કોઇપણ સ્ત્રી આવી પરિસ્થિતીમાં ભાંગી પડે પણ ગીરાબેન એના દિકરા માટે આખી દુનિયા સામે લડાઇ લડવા તૈયાર હતા. પતિથી જુદા રહીને ગીરાબેન અત્યારે એના દિકરાને સાચવે છે.

આજે પણ હજુ જોઇએ એવુ ઇમ્પ્રુવમેન્ટ નથી આમ છતા હિંમત હાર્યા વગર ગીરાબેન દિકરા રાજ માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. રોજ બે વખત ફીજીયોથેરાપીસ્ટ પાસે કસરત કરાવવા જવુ પડે. ગીરાબેન નોકરી કરતા કરતા સમય કાઢીને દિવસમાં બે વખત રાજને કસરત કરાવવા માટે લઇ જાય છે અને આવું 8 વર્ષથી ચાલે છે.

રાજ બોલી કે ચાલી શકતો નથી પણ મા તરીકે ગીરાબેન એના હાવભાવ જોઇને જ રાજને શું જરુર છે એ સમજી જાય છે. રાજને નોર્મલ બાળકોની જ શાળામાં મુક્યો છે જ્યાં શિક્ષકો પણ રાજનું ધ્યાન રાખે છે. પરિવારનો સાથ હોવા છતા આપણે થોડા એબનોર્મલ બાળકને સ્વિકારી શકતા નથી જ્યારે અહીંયા તો ગીરાબેન પરિવારના સાથ વગર એકલે હાથે એના રાજનું પાલન પોષણ કરી રહ્યા છે.

મેં ગીરાબેનને પુછ્યુ, “તમને ક્યારેય ભગવાનને ફરીયાદ કરવાની ઇચ્છા નથી થતી ?” એમણે કહ્યુ, “ભગવાને તો મને આ અનોખી ભેટ આપી છે. સામાન્ય દિકરાની મા માતૃત્વની મજા ક્યાં સુધી લઇ શકે ? એનો દિકરો પુખ્તવયનો થાય ત્યાં સુધી પછી દિકરાને માની બહુ જરુર ન પડે એટલે માનું વાત્સલ્ય વલોપાત કરે પણ મને એબ્નોર્મલ દિકરો આપ્યો. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારા દિકરાને હું કાયમ માટે લાડલડાવી શકીશ. મને વ્હાલની વરસાવવાની આવી તક આપવા બદલ હું તો ઇશ્વરની આભારી છું.”

અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ એક મા એના દિકરાના અસ્તિત્વ માટે કુદરત અને પરિવાર સામે લડાઇ લડી રહી છે. અત્યારે ગીરાબેન એના માતા-પિતા સાથે રહીને રાજને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ગીરાબેનના જીવનનું એકમાત્ર કેન્દ્રબિંદુ રાજ છે. ગીરાબેન દુ:ખ સાથે એક વાત કહે છે કે “ભગવાન જ્યારે તમને દિવ્યાંગ બાળક આપે છે ત્યારે એ બાળકને મા-બાપ બંનેના પ્રેમ અને હુંફની ખૂબ જરૂર હોય છે.

મારો રાજ પિતાના પ્રેમથી વંચિત છે એનો મને વસવસો છે પણ જેવી ભગવાનની મરજી એમ માનીને હું એને માની સાથે સાથે પિતાનો પ્રેમ પણ આપુ છું. મારે દિવ્યાંગ બાળકોના માતા-પિતાને એક વાત કહેવી છે કે સૌથી પહેલા તો તમે બાળક જેવું છે એવું સ્વિકારો. બાળકને ભરપૂર પ્રેમ આપો અને બાળકની જે ક્ષમતા બહાર લાવી શકાય તેમ હોય તે ક્ષમતા બહાર લાવો. બાળકને શું તકલીફ છે જે જાણો અને તકલીફ દુર થઇ શકે તેમ ન હોય તો એ તકલીફ સામે લડીને કેવી રીતે રહી શકાય એ માટે બાળકને તૈયાર કરો.”

ગીરાબેને છેલ્લે એક સરસ વાત કરી કે મને ગીરા પંડ્યાના બદલે ‘રાજની મમ્મી’ તરીકે ઓળખાવું વધુ ગમશે. મધર્સ ડે નીમિતે “રાજની મમ્મી”ને સો સો સલામ.

લેખક – શૈલેષ સગપરીયા સાહેબ

ટીપ્પણી