પિતૃત્વ – પિતા હંમેશા પોતાના પરિવાર માટે ગમેતેવી તકલીફનો સામનો હસતા હસતા કરનાર વ્યક્તિ…

પિતૃત્વ

(વાત પિતાના ત્યાગ અને બલિદાનની)

અભિષેક પોતાની બાળક અદામાં રાજી થઈને કુદતા – કૂદતાં ઘરે આવ્યો, કારણ કે આજે તેના નવમાં ધોરણનું પરિણામ આવેલ હતું.ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડકપ જીત્યાનો આનંદ એટલો નહીં હોય જેટલો અભિષેકને પોતાના પરિણામનો આનંદ થતો જતો, અને આનંદ થવો પણ જોઈએ કારણ કે અભિષેક કલાસમાં 90 % સાથે કલાસમાં પ્રથમ આવ્યો હતો.જે રસ્તો અડધી કલાકનો હતો એ રસ્તો આનંદમાં ને આનંદમાં જાણે સેકન્ડમાં ફેરવાઇ ગયો હોય તેમ થોડી જ ક્ષણોમાં તે પોતાના ઘરે કોઈ રાજા – મહારાજા યુધ્ધમાં ફતેહ કરીને જેવી રીતે પોતાના મહેલમાં પ્રવેશે તેવી રીતે અભિષેક પોતાના ઘરમાં પ્રવેશ્યો.
જાણે ઘરમાં એક નવું ચેતન આવી ગયું હોય તેમ આખે- આખું ઘર અભિષેકનાં વિજયી પડાકારથી જીવિત થયું હોય તેવું લાગી રહ્યું હતું.

અભિષેકે પોતાના મમ્મી અને બા ને પગે લાગ્યો જે પરંપરાગત ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી રહ્યું હતું,આમેય તે આપણે ત્યાં કહેવત પણ છે કે “નમે તે સૌને ગમે” – જાણે આ કહેવત સાર્થક થતી હોય તેવી જ રીતે અભિષેક પણ ઘરમાં સૌ કોઈનો વ્હાલો અને લાડકવાયો હતો, એટલીવારમાં અભિષેકના પપ્પા પણ આવી ગયા, જેવુ અભિષેકે જોયું કે પોતાના પપ્પા આવી રહ્યા છે તેણે એક દોડ મૂકી અને એકદમ ખુશ થઈને પોતાના પપ્પાને વળગી ગયો, અને પોતાના પરિણામની વાત કરી.

આખા ઘરમાં હર્ષોલાસ અને આનંદ છવાય ગયો, બધા ખૂબ જ ખુશ હતાં, અભિષેકના પપ્પાની છાતી આનંદથી એકદમ ફુલાઈને ગજ – ગજ થઈ રહી હતી. અભિષેક પોતાના પપ્પા પાસે જઈનેે કહ્યું.
“પપ્પા ! હું પ્રથમ નંબરે પાસ થયો તો મને કંઈ ભેટ નહીં આપો ?”
“શુ ! જોઈએ છે ? મારા દીકરાને?”
“પપ્પા ! હું જે માગીશ તે આપશો ?”
“હા ! ચોક્કસ ! કેમ નહીં ?”
“તો ! પહેલા મને વચન આપો કે હું જે માંગીશ તે મને આપશો “
“હા ! બસ “

“પપ્પા ! મારે ગિફટમાં જોઈએ છે……….મોબાઈલ !” – અભિષેક થોડુંક અચકાતા – અચકાતા બોલ્યો.
“પણ ! બેટા ! તને તો ખબર જ છે આપણા ઘરની હાલત કેવી છે તે ? એમાં હું તને કેવી રીતે મોબાઈલ ફોન આપવી શકું ?”
“ હું એ કંઈ ના જાણું ! મારે મોબાઈલ જોઈએ” – અભિષેક હવે એક બાળઝીદ્દે ચડ્યો હતો.
“બેટા ! હું તને મોબાઈલ ફોન ચોક્કસથી આપવીશ…..પણ મારી એક શરત છે.”
“શુ ! શરત” – નવાઈ અને આશ્ચર્ય સાથે અભિષેકે પૂછ્યું.
“બેટા ! જો દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં તું આટલું સારું પરિણામ લાવીશ તો તને આવતા વર્ષે ચોક્કસથી મોબાઈલ ફોન અપાવિશ.”

“સારું ! પપ્પા, પાકકુને ?”
“હા ! સો ટકા મારા રાજા” – પોતાની વાણીમાં એકદમ હેત સાથે પિતાએ કહ્યું.
ત્યારબાદ જાણે અભિષેકનાં શરીરમાં કોઈ નવી શક્તિનો સંચાર થયો હોય તેમ અભિષેક પોતાના અભ્યાસમાં પહેલા કરતાં પણ વધારે મહેનત અને ઉત્સાહપૂર્વક જોડાય ગયો. જાણે અભિષેકે ધોરણ 10 માં પણ 90 % લાવવાનું મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું હતું.
જોત- જોતામાં અભિષેકની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું, જેવું ટાઈમ ટેબલ આવ્યું કે તરત જ અભિષેકે પહેલા કરતા વધુ મહેનત કરવામાં લાગી ગયો.

સવારનાં 11 વાગ્યાનો સમય છે.
અભિષેકનાં ઘર પર દરેક સભ્યના ચહેરા પર ચિંતાની લકિરો ઉપસી આવેલ હતી, એ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. કારણ કે આજે ઘરે બધા જ હાજર હતાં પરંતુ અભિષેક પોતાનું દસમાં ધોરણનું પરિણામ લેવાં માટે પોતાની સ્કૂલે ગયો હતો. સૌથી વધુ ચિંતા અભિષેકનાં પિતાને હતી, ઘરનાં દરેક વ્યકિતની નજર ઘરનાં જુનાં ખખડજધ દરવાજાની બહાર મીટ મારી રહી હતી.

એટલી વારમાં જ અભિષેકનો એક અલગ ઉત્સાહ અને આનંદ સાથેનો એક વિજયીનાદ સંભળાયો. ફરીવાર અભિષેક પોતાના કલાસમાં 90% સાથે દસમાં ધોરણમાં પ્રથમ આવ્યો હતો. મનમાં ઉત્સાહ અને ઉમંગ જે હતાં તે હવે ઉભરાયને પોતાના વર્તનમાં આવી રહ્યાં હતાં. આજે પોતાના પિતા વચન પ્રમાણે મોબાઈલ ફોન આપવાના હતાં.
અભિષેકનો અવાજ સાંભળી, નિસ્તેજ અને નિરસ પરિવારજનોનાં ચહેરા પર ખુશીની એક લહેર ઉઠી.અભિષેક ઘરમાં પ્રવેશી બધાને પગે લાગી, પોતામાં પિતા પાસે ગયો અને કહ્યું કે…
“પપ્પા ! મેં તમને આપેલ પ્રોમિસ પૂરી કરી, હવે તમે અને આપેલ પ્રોમિસ પૂરી કરો”
“હા ! ચોક્કસ બેટા… પ…પ…ણ…ણ !” – અભિષેકનાં પિતા થોડાક અચકાયા.

“પણ ! પણ શું પપ્પા?”
“પણ ! બેટા અત્યારે મારી પરિસ્થિતિ તને મોબાઈલ ફોન આપી શકુ તેવી નથી.”
આટલું સાંભળતા થોડીવાર પહેલા જે અભિષેક આનંદ અને ઉત્સાહમાં ઝૂમી રહ્યો હતો, તે હતાશ અને ઉદાસ બની ગયો સાથે સાથે થોકોક ગુસ્સો પણ હતો.
આથી અભિષેક પોતાની બેગનો ઘા કરીને પોતાના રૂમ બાજુ એક દોટ મૂકી, રૂમ અંદરથી બંધ કરીને પોતાના પલંગ પર લંબાઈને રડવા લાગ્યો અને પોતાના મનમાં વિચારોનું એક સમુન્દ્રમંથન ચાલવા લાગ્યો.અભિષેક પોતે એવું અનુભવી રહ્યો હતો કે….પોતાના ઘરમાં પોતાનું કોઈ સ્થાન નથી, પોતાને કોઈ ગણકારતું નથી, કોઈને મારી કાંઈ પડી નથી, કોઈ મને પ્રેમ નથી કરતું કે હું કોઈનો વ્હાલો નથી, પોતાના ઘરમાં કોઈ તેને સમજી શકતું નથી…આવા ઘરમાં રહીને પણ શું કરવું જ્યાં કોઈ મને ગણકારતું ન હોય….આથી તેણે પોતાના મનમાં ને મનમાં જ એક યોજના ઘડી લીધી.

બીજે દિવસે સવારે અભિષેક પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર એકદમ ઉતાવળે ભાગી ગયો, પોતે જણાતો હતો કે પોતાને રૂપિયાની જરૂર પડશે આથી તેણે પોતાના પપ્પાનું પાકીટ પણ કોઈને કહ્યા વગર સાથે લઈ લીધુ, અભિષેકે પોતે પોતાનું ઘર કાયમીક માટે છોડી દેવાનો એકદમ દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.
અભિષેક પોતાના ગામની બહાર જ પહોંચ્યો હશે ત્યાં જ તેના પગમાં કંઈક ખૂંચી રહ્યું હોય તેવું લાગ્યું આથી અભિષેક ચાલતા – ચાલતા અટક્યો અને જોયું….

અભિષેક ઉતાવળમાં ને ઉતાવળમાં પોતાના ચંપલને બદલે પોતાના પિતાના ચંપલ પહેરી આવ્યો હતો, આ સાથે તેણે પોતાના પગ પર નજર કરી તો પગની એડીમાંથી લોહી વહી રહ્યું હતું…કારણ કે અભિષેકના પિતા નવા ચંપલ લેવાને બદલે જુના જ ચંપલમાં ખીલીઓ મારીને ચલાવતા હતાં, જે ખીલીઓ અભિષેકનાં પગમાં ખૂંચી રહી હતી.

તેમ છતાં પણ અભિષેક પોતાના કરેલા નિર્ણય પર અડગ રહીને આગળ ચાલવાનું ચાલુ રાખ્યું , થોડોક આગળ જતાં જ અભિષેકને પગમાં જે જગ્યાએ ખીલી લાગી હતી તે જગ્યા એકદમ રાહતનો અનુભવ થાય તેમ એકદમ ઠંડકનો અનુભવ થયો, આથી અભિષેકે આતુરતાપૂર્વક પોતાના પગમાં પહેરેલા ચંપલ પર નજર કરી તો ચંપલનું તળીયાનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ઘસાય ગયો હતો, અને રસ્તા પર સરકારી નળનું પાણી ઉભરાયું હતું જે સીધું જ ચંપલાના તળિયાના ધાસાયેલા ભાગમાંથી અભિષેલના પગને સ્પર્શી રહ્યું હતું……હવે ધીમે – ધીમે અભિષેકનો ગુસ્સો શાંત થઈ રહ્યો હતો.

અભિષેક એટલી વારમાં બસ સ્ટેશન પર પહોંચી ગયો, ત્યાં પૂછપરછ વિભાગમાં જઇ તેણે અમદાવાદ માટેની બસનો સમય પૂછયો પરંતુ અમદાવાદ જવાની બસ એક કલાક પછી આવવાની હતી. અભિષેક બસ સ્ટેશનનાં બાંકડા પર બેસીને પોતાની સાથે પોતાના પરિવારે કરેલ વર્તન વખોડવા લાગ્યો…આખો બનાવ પોતાની નજર સમક્ષ એકવાર તરી આવ્યો.

થોડીવાર વિચાર્યા પછી, એક બસના હોર્નના અવાજને લીધે અભિષેક પોતાના વિચારોની વણઝાર તૂટવાને લીધે એકદમ સજાગ બની ગયો.
થોડીવાર બેસ્યા બાદ અભિષેકને એકદમ જોરદાર ભૂખ લાગવાને લીધે જાણે પેટમાં ઉંદરડા તાંડવ નૃત્ય કરતાં હોય તેવું લાગી રહ્યું હતું…અચાનક તેને યાદ આવ્યું કે પોતે પોતાની સાથે તેના પિતાનું પાકીટ પણ લાવ્યો છે, આથી પાકીટ કાઢ્યું અને નાસ્તો લેવા માટે બસ સ્ટેશનમાં રહેલ કેન્ટિંગ તરફ ચાલવા લાગ્યો.

અભિષેકના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો કે પાકિટ માં રૂપિયાતો છે ને ? – આ પ્રશ્ન થતાની સાથે જ અભિષેક પોતાના પિતાનું પાકીટ ફંગોળવા લાગ્યો, તો પાકિટમાં માત્ર 100 રૂપિયા જ હતાં, ભૂખને લીધે એકદમ ઝડપથી ચાલી રહેલા અભિષેકના પગ અચાનક જ થંભી ગયાં, તેણે વ્યવસ્થિત પાકીટ તપાસ્યુ તો પાકિટમાં રૂપિયા કરતા વધારે કાગળની ચિઠ્ઠીઓ હતી, આથી અભિષેકે ઉત્સાહ અને આતુરતાપૂર્વક ચિઠ્ઠી ખોલીને વાંચવાનું શરૂ કર્યું…….

પહેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું – 1000 રૂપિયા અભિષેકની ટયુશન ફી,
બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું – 3000 ઘર ખર્ચ, ત્રીજી ચિઠ્ઠી માં લખ્યું હતું કે અભિષેકની નવી સાઇકલ માટેની 1000 રૂપિયા ડિપોઝીટ…આમ અભિષેક એક પછી એક એમ દરેક ચિઠ્ઠી ફંફોળવા લાગ્યો. જ્યારે અભિષેકનાં હાથમાં છેલ્લી ચિઠ્ઠી આવી તે વાંચી અભિષેક પોતાના આંસુને બહાર આવતા ના રોકી શક્યો કારણ કે તેમાં લખ્યું હતું કે

……….1000 જે સાયકલ માટે ડિપોઝીટ કરેલ હતા તે હવે અભિષેકમાં મોબાઈલ માટે વધતા આ મહિનાનાં 1000 રૂપિયા અભિષેલના મોબાઈલ માટે………આટલું વાંચી અભિષેક બસ સ્ટેશનમાં જ પોતાના ગોઠળિયાં પર જ બેસીને રડવા લાગ્યો.
બસસ્ટેશન પર એકદમ ઘોંઘાટ હોવા છતાં પણ અભિષેક પોતાના હૃદયના દરેક ધબકારાને સહેલાયથી સાંભળી શકતો હતો.. જે કહી રહયા હતાં કે અભિષેક તું તારા પિતાને ઓળખવા ક્યાંક થાપ ખાય ગયો છો.

હવે અભિષેકને ખ્યાલ આવી રહ્યો હતો કે પોતે કંઈક ભૂલ તો કરી જ છે, મારો પરિવાર તો મને ખુબ જ પ્રેમ કરે જ છે એમાપણ ખાસ કરીને પપ્પા કે જેણે મારા સપનાઓ કે ઈચ્છાને પૂરી કરવા માટે પોતાના સપનાઓને જીવતે – જીવતા ફાંસી આપી દીધી હતી……હવે અભિષેકને પોતાના દ્વારા થયેલ ભૂલ સમજાઈ રહી હતી જેનું પોતાને પસ્તાવો પણ હતો.

આથી અભિષેક કંઈપણ વિચાર્યા વગર એકપણ સેકન્ડનો વ્યય કર્યા વગર જ , નાસ્તો કર્યા વગર જ , જે ચંપલ ઘરેથી નીકળતી વખતે ઇજા કરી હતી, તે જ ચંપલ પહેરી પોતાના ઘર તરફ એક દોડ મૂકી, હવે તેને કોઈ પીડા થઈ રહી હતી નહિ.

આથી અભિષેક પોતાના ઘરે પહોંચ્યો, તો બધાં અભિષેક આવી રીતે ઘર છોડીને જવાના દુઃખને લીધે રડી રહયા હતાં, એવામાં પોતાની નજર સમક્ષ પોતાના આંખના તેજ સમાન અભિષેકને જોઈ સૌ કોઈના ચહેરા પર આનંદ છવાય ગયો…..

આથી બધા અભિષેકની આજુબાજુ ફરવા લાગ્યા અને પોત પોતાના હેતની અમિવર્ષા વર્ષાવી દીધી જેના પ્રવાહમાં અભિષેલના હૃદયનું કાયમીક માટે પરિવર્તન થઈ ગયું, એટલીવારમાં અભિષેકના મમ્મી જમવાની થાળી લઈને આવ્યા અને અભિષેકને પ્રેમથી જમાડયું…..આ સાથે જ અભિષેકને એક વાત કાયમીક માટે સમજાય ગઈ કે ભલે કોઈપણ વ્યકિતની સફળતા પાછળ જરૂરથી કોઈ સ્ત્રીનો હાથ હશે, પછી એ સ્ત્રી કોઈપણ હોઈ શકે…તમારી માતા, બહેન , પત્ની કે કોઈપણ પરંતુ એટલુ જ મહત્વનું યોગદાન એક પિતાનું હોય જ છે પરંતુ તે માતાના અઢળક પ્રેમ અને પોતાના પર રહેલ પરિવારની અને કામની જવાબદારીમાં કયાંક દટાય જતું હોય છે. માતાનો પ્રેમ જો વરસાદ છે તો પિતાનો પ્રેમ એક વાદળ છે, જે સિક્કાની બે બાજુ ગણી શકાય.

પછી અભિષેકે એક કોળિયો પોતાના પિતાના હાથે અને બીજો કોળિયો તેના મમ્મીનાં હાથે એમ વારાફરતી જમવા લાગ્યો, અને પોતાને એનો એવો મીઠાસ વાળો સ્વાદ આવી રહ્યો હતો કે જે બત્રીસ ભાતના મિષ્ટાન કે ભોજનનો પણ કદાચ એવો સ્વાદ નહિ આવતો હશે.

મિત્રો શું તમારા થી પણ જણાતાં કે અજાણતાં અભિષેક જેવી પોતાના પિતાને સમજવામાં ભૂલ તો નથી થઈ રહીને ? મિત્રો જો તમારા દ્વારા એવી ભૂલ થઈ રહી હોય તો આજે અને અત્યારે જ તમારા પિતા પાસે માફી માંગી લો……ભલે આપણા સમાજમાં સ્ત્રીને સહનશીલતાની મુર્તિ ગણવામાં આવતી હોય પરંતુ તે જ સ્ત્રીને એકપણ શબ્દ બોલ્યાં વિના જ જો સમજતો હોય તો તે એક પુરુષ જ છે. મિત્રો પિતાની શુ ભૂલ …??? એક જ ભૂલ કે તે પોતાના બાળકો માટે પૂરતો સમય નહીં ફાળવી શકતા…પરંતુ એક પિતા એવું વિચારતા હોય છે કે જો હું વધારે કામ કરીને વધારે કમાઈશ તો હું મારા સંતાનનું વ્યવસ્થિત પાલનપોષણ કરી શકીશ…..બાકી પોતે પણ એકદમ દ્રઢપણે ઇચ્છતા હોય છે કે પોતે પણ પોતાના સંતાન માટે સમય ફાળવે……પણ પિતાની આવી એક ભૂલને લીધે શું અભિષેકે આપેલ સજા યોગ્ય ગણાય ? …તમારી જાતને અભિષેકની જગ્યાએ મૂકીને વિચારજો …જવાબ તમને આપોઆપ મળી જશે.

લેખક : મકવાણા રાહુલ.એચ

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી