રાહુલ ગાંધી એક ઉખાણું પણ છે અને એક ટૂચકો પણ! – (PART-2)

New Delhi: Congress Vice President Rahul Gandhi during a press conference at Parliament in New Delhi on Wednesday. PTI Photo by Subhav Shukla (PTI12_14_2016_000052B)

ઘોડેસવારીનો કોઈ અનુભવ નહીં હોવા છતાં અને આસપાસ કોઈ ટ્રેઈનર હાજર નહોતો તો પણ રાહુલે ઘોડેસવારી કરવાનું સાહસ ખેડયું. હિંમત કરી એ ઘોડા પર ચડી ગયો. થોડીવારમાં તો ઘોડો હણહણવા લાગ્યો. રાહુલ પોતાનું સંતુલન ગુમાવી રહ્યો હતો. મહાપ્રયત્ને એણે લગામ હાથમાં ઝાલી રાખી હતી. પરંતુ થોડી ક્ષણોમાં એ પણ છૂટી ગઈ. એણે ઘોડાની ગરદન ફરતે પોતાના હાથ વિંટાળી દીધા. ઘોડો હજુ ઉછળતો હતો. અંતે એ ઘોડા પરથી ગબડી પડયો, પરંતુ વધુ સમસ્યા એ સર્જાઈ કે તેનો પગ પેલા પેગડામાં ફસાઈ ગયો. હવે તેનું માથું જમીન પર હતું અને પગ પેગડામાં. એ ચીસો પાડી રહ્યો હતો. એવામાં જ એ રમકડાંની દુકાનનો માલિક ત્યાં આવી પહોંચ્યો અને તેણે પેલા ઘોડાની બેટરીની સ્વિચ ઓફફ કરી નાખી!

રાહુલે એક ચેરિટી કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યંુ. ભંડોળ ઊભું કરવા માટે યોજાયેલા આ પ્રોગ્રામમાં માત્ર કોંગ્રેસી દરબારીઓ જ હાજર હતા. એન્કરએ રાહુલને બોલાવ્યો. તેણે એન્કરના સિમ્પલ સવાલોના જવાબ આપવાના હતા. દરેક સાચા જવાબ દીઠ દાતા તરફથી એક લાખ રૂપિયાનું દાન-ઈનામ હતું. સૌપ્રથમ સવાલ પૂછાયો : ‘દસ વત્તા અગિયાર બરાબર કેટલા?’ ‘અઢાર’, રાહુલએ જવાબ આપ્યો. એન્કર : સોરી. આ જવાબ સાચો નથી. તમામ દરબારીઓએ ગોકીરો શરૂ કરી દીધો, એકસૂરે તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા : ‘અમારા નેતાને હજુ એક તક આપો, હજુ એક તક આપો…’ બીજો સવાલ થયો: ‘પાંચ વત્તા પાંચ બરાબર કેટલા?’ ‘આઠ’, રાહુલનો જવાબ. ફરી એન્કરનું એ જ વાક્ય અને ફરી એક વખત દરબારીઓએ રાગ દરબારી છેડયો: ‘અમારા નેતાને હજુ એક તક આપો!’ ‘ઓકે!’ એન્કરે વધુ એક તક આપી અને સવાલ કર્યો: ‘એક વત્તા એક કેટલા થાય?’ રાહુલે જવાબ આપ્યો : ‘બે.’ એન્કર કંઈ કહે તે પહેલા દરબારીઓનો સૂત્રોચ્ચાર કરી પડઘાયો: ‘અમારા નેતાને હજુ એક તક આપો !’

સ્કૂલેથી ઘેર આવીને ચોથા ધોરણના વિદ્યાર્થી રાહુલે મમ્મીને કહ્યું: ‘મમ્મી, હું ક્લાસમાં બાકીનાં વિદ્યાર્થીઓ કરતા અઘરા સ્પેલિંગ બોલી શકું છું. શું એટલા માટે કે, મારી અટક ગાંધી છે?’ ‘હા, બેટા. બિલકુલ સાચી વાત!’ બીજા દિવસે સ્કૂલેથી આવીને રાહુલે કહ્યું : ‘મમ્મી, હું ક્લાસમાં સૌથી વધુ દાખલા ગણી શકું છું. શું એટલા માટે કે, મારી અટક ગાંધી છે?’ ‘હા, બેટા. સાવ સાચું.’ ત્રીજા દિવસે શાળાએથી આવીને રાહુલે કહ્યું : ‘મમ્મી, મારા ક્લાસમાં મારા હાઈટ-બોડી સૌથી વધુ છે. શું એટલા માટે કે, મારી અટક ગાંધી છે?’ ‘ના, બેટા. એ તો એટલા માટે કે, તારી ઉંમર અઢાર વર્ષ છે!’

સવાલ: એક લાઈટ બલ્બ લગાવવા માટે રાહુલને કેટલા માણસોની જરૂર પડે. જવાબ: રાહુલ વત્તા એકસો કોંગ્રેસી. શા માટે! જો રાહુલ નિષ્ફળ જાય તો દોષનો ટોપલો પોતાના માથે ઓઢી લેવા એકસો કોંગ્રેસી તો જોઈએ ને !

ઈન્ટરનેટ, વ્હોટ્સ એપ વગેરે પર આવો એક ટૂચકો શોધો અને હજાર મિલતે હૈ. વાંક આવા ટૂચકાઓનાં સર્જકોનો નથી. રાહુલબાબા નિયમિતપણે એવા અવસર ઊભા કરતા રહે છે- જે સ્વયં કોઈ જોકથી કમ નથી હોતા. જે પ્રદેશમાં એ જાય ત્યાંના લોકોને કશુંક નવું મનોરંજન પૂરું પાડવાની તક એ ચૂકતો નથી. પંજાબમાં જઈ તેણે કહ્યું કે : ‘પંજાબના દસમાંથી સાત યુવાન ડ્રગ્સના બંધાણી છે !’ આ સ્ટેટમેન્ટ પછી પંજાબ કોંગ્રેસના નેતાઓએ ડેમેજ ક્ધટ્રોલની કસરતમાં લાગી જવું પડયું. વાસ્તવિકતા એ છે કે, એક બારમાં તમે જાઓ તો ત્યાં પણ હાર્ડ ડ્રિન્ક લેનારાની સરેરાશ સિત્તેર ટકા નથી હોતી. તર્ક લડાવે તો શહજાદા શાના ! એમનાં પોતાનાં ફન્ડા છે. આગવી મસ્તી છે. જયરામ રમેશએ સાચુ કહ્યું હતું, કોંગ્રેસ એક હાથી છે, તેની મસ્તી એવી છે કે એ કઈ દિશામાં જઈ રહ્યો છે તેનું પણ તેને ભાન રહેતું નથી. બીજો એક પ્રાણપ્રશ્ર્ન હાથી સાથે એ છે કે, તેનો ડાયેટ-એપેટાઈટ તમામ જનાવરોમાં સૌથી વધુ હોય છે. તેનો મદ, તેનું ગુમાન પણ ક્યારેક હાથીને નડે છે. અહીં લોજિક લડાવવાની મનાઈ છે.

અમૂલ બેબીએ એક વખત ગુજરાતમાં ફરમાવ્યું હતું કે, ‘ગુજરાતનું કદ આખા યુનાઈટેડ કિંગ્ડમ કરતા મોટું છે અને ભારતનું કદ તો એટલું મોટું છે કે આખું યુરોપ અને આખું અમેરિકા ભેગું થાય તો પણ ભારત વધુ મોટું સાબિત થાય!’ બાબા પાસે તર્કશક્તિનો અભાવ છે. પરંતુ આપણું નાજૂક દિમાગ સવાલ કરે છે: ગુજરાતનું કદ બ્રિટન કરતાં કઈ રીતે મોટું? વિસ્તારની દૃષ્ટિએ? વગ, અર્થતંત્ર કે શક્તિની દૃષ્ટિથી? એ જ સવાલ ભારતની અમેરિકા-યુરોપ સાથે સરખામણી પછી થાય. કારણ કે વિસ્તારથી લઈને ઈકોનોમી, ડિફેન્સ કે કુદરતી સ્રોત… એમ કોઈ દૃષ્ટિએ આપણે આવી હરિફાઈ કરી શકીએ તેમ નથી. આખા યુરોપની વાત તો બહુ દૂરની છે: જર્મની, ફ્રાન્સ જેવી મહાસત્તાઓ પણ ભલભલા દેશને ગળી જાય તેમ છે. અમૂલ બેબી આવી છોકરમત કર્યે રાખે અને પછી આપણે આંકડાઓ અને તથ્યો દ્વારા પોલ ખૂલી કરવા કવાયત કરવાની ! બહુત નાઈન્સાફી હૈ ! રાજકુમારે કહ્યું હતું : ‘વીસમી સદી ભલે ઓઈલનાં કારણે સાઉદી અરબની રહી, એકવિસમી સદી ભારતની હશે!’ જો વચ્ચે દસ વર્ષ વડા પ્રધાન વગરની સરકાર ન આવી હોત તો કદાચ આ સપનું વાસ્તવિકતા પણ બની શક્યું હોત. બીજું : સાઉદી અરબ અને ભારતના કદ-કાઠી, નીતિ-વસતી અને અર્થતંત્ર… બધું જ નોખાં પ્રકારનું છે. આ સરખામણી જ અસ્થાને છે. રજનીકાન્ત અને નરેશ કનોડિયા… બેઉ વચ્ચે કમ્પેરિઝન શું શક્ય છે? હમણાં જ એક ટુચકો વાંચ્યો હતો :

મનમોહન વડા પ્રધાન હતાં ત્યારે રાહુલ એક વખત યુ.પી.નાં પ્રવાસે ગયો. ગામડાનાં વિદ્યાર્થીઓને તેણે તેમની સમસ્યા રજૂ કરવા કહ્યું. એક બાળક આગળ આવ્યો અને કહ્યું : ‘સાહેબ, અમારી સ્કૂલમાં કોઈ શિક્ષક નથી, કોઈ ભણાવતું નથી, પરીક્ષાઓ લેવાતી નથી, પીવા પાણી નથી અને મધ્યાહન ભોજન ચાંઉ થઈ જાય છે. પ્રિન્સિપાલ મરવાનાં વાંકે જીવે છે અને એમનું કોઈ સાંભળતું જ નથી.’ ફરિયાદ સાંભળીને રાહુલે એકદમ ચિંતિત સ્વરે પૂછયું : ‘બેટા, તો તારી સ્કૂલ ચાલે છે કેવી રીતે?’ પેલાએ જવાબ આપ્યો : ‘જે રીતે આપણો દેશ ચાલે છે!’

ખરેખર એવું જ છે. ચોમેર અંધકાર છે અને અંધકાર ફેલાવનાર જ પાછા સૂર્યનું તેજ ધરાવતા હોય એવો ડોળ કરે છે. એમની પાસે લોકોની સમસ્યાઓનું સમાધાન તો નથી જ હોતું, સમસ્યાને સમજવાની આવડત પણ નથી હોતી. આકાશ ટેબ્લેટની તોપગોળા જેવી વાતો કરતી વખતે એક પ્રશ્ર્નોપનિષદમાં આઈઆઈટીના એક સ્ટુડન્ટે શાહજાદાને પૂછયું : ‘તમે ઈન્ટરનેટનાં માધ્યમથી ગ્રામ્ય ભારતનાં બાળકોને કેવી રીતે શિક્ષિત કરશો?’ જેણે આખી જિંદગી ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતા રમતા અન્ડરઆર્મ બોલિંગનો જ સામનો કર્યો હોય તેની સામે કોઈ કાળઝાળ ફાસ્ટ બોલરએ બોડી લાઈન બાઉન્સર ફેંક્યો હોય એવી યુવરાજની હાલત હતી.

બાઘા થઈને તેણે પેલા વિદ્યાર્થી સામે થોડી ક્ષણો નિરખ્યા કર્યું અને પછી કંઈ ન સૂઝયું તો પેલાને સવાલ કર્યો : ‘એ માટે તુ શું કરી શકીશ? આપણે માત્ર સવાલો જ કરવા છે કે, રસ્તાઓ પણ સૂઝાડવા છે!’ ભારતીય રાજનીતિના ટોપ-૧૦ ફની પ્રસંગોમાં સ્થાન પામે એવો એ પ્રસંગ હતો. બાબા કંઈ અમસ્તા જ મશહૂર નથી બની ગયા. ટોપ-ટેન રમૂજી પ્રસંગોમાંથી વીસ-ત્રીસ પ્રસંગો તો આ પ્રિન્સને નામે બોલે છે.

અને સ્મરણ રહે : હજુ તો હમણા જ એ બહાર નીકળતો થયો છે! આટલા ટૂંકા ગાળામાં તેણે કેવા-કેવા અદભુત કૂવાક્યોની ભેટ આપી છે! એક વખત તેણે કહ્યું કે, ભારત એક મધપૂડો છે. ક્યાંક તેણે ફરમાવ્યું કે, રાજકારણ ક્યાં નથી? એ તમારા શર્ટમાં પણ હોય છે અને પેન્ટમાં પણ હોય છે! કોંગ્રેસના મીડિયા વર્કશોપમાં તેણે કહ્યું કે, ભારત જો કમ્પ્યુટર છે તો કોંગ્રેસ તેનો ડીફોલ્ટ પ્રોગ્રામ છે! અમેરિકાના રાજદૂત પાસે તેણે એવો બકવાસ કર્યો હતો કે, ભારતમાં ઈસ્લામિક આતંકવાદીઓ કરતા પણ મોટી સમસ્યા હિન્દુ કટ્ટરવાદી સંગઠ્ઠનોની છે! આજકાલ યુવરાજની ચર્ચા ગરમ છે.

હજુ થતી રહેવાની છે. એ કદાચ આજે જ પોલિટિકસમાંથી નિવૃત્તિ લઈ લે તો પણ ચિરકાળ સુધી તેનાં બફાટની ચર્ચા ભારતમાં થતી રહેશે. કહે છે કે, રાહુલ અને મોદી વચ્ચે ટક્કર છે. હા! રાજકુમાર એક યુધ્ધમાં મોદીને ચોક્કસ હરાવી શકે છે : ટુચકાઓનાં યુદ્ધમાં. રાહુલ પર જેટલા જોક્સ રચાયા છે તેટલાં તો મનમોહન પર પણ બન્યા નથી. આવી જ કેટલીક ઉમદા કૃતિઓ સાથે લેખનું સમાપન કરીએ. કારણ કે તેની સ્પીચ કરતાં તેનાં પર લખાયેલા જોકસ વધુ મનોરંજક- તર્કસંગત હોય છે:

ભારતને જાણવા- સમજવા માટે રાહુલ એક વખત ટ્રેનમાં ભારતભ્રમણ પર નીકળ્યો. સીટ પર લાંબા થતા તેની આંખો ઘેરાવા લાગી. સામેની સીટ પર બેઠેલા એક સજ્જનને તેણે પચાસની નોટ આપી અને કહ્યું કે, ‘આગલું સ્ટેશન આવે ત્યારે મને જગાડી દેજે.’ પેલા સજ્જન હજામતનો વ્યવસાય કરતા હતા. તેમને થયું કે, માત્ર જગાડવા માટે પચાસ રૂપિયા લેવા એ વધુ પડતું કહેવાય. પેલાએ રાહુલની દાઢી કરી નાંખી કારણ કે, એ પચાસ રૂપિયા વસૂલ કરાવવા માંગતો હતો. આગલા સ્ટેશને તેણે યુવરાજને ઉઠાડી દીધો. રાહુલ ઘેર પહોંચ્યો અને ફ્રેશ થાવા બાથરૂમમાં ગયો. અરીસામાં મોં જોતાવેંત એણે ચીસ પાડી. મેડમજી દોડતાં આવ્યાં અને પૂછયું કે ‘શું થયું, બેટા?’ રાહુલે જવાબ આપ્યો : ‘પેલો ચીટર… મારા પચાસ રૂપિયા લઈ ગયો અને જગાડી દીધો કોઈ બીજાને !’

રાહુલ એક વખત પ્લેનમાં ન્યૂ યોર્ક જઈ રહ્યો હતો. એટેન્ડન્ટે તેની ટિકિટ ચેક કરીને કહ્યું કે, તેની ટિકિટ બિઝનેસ ક્લાસની નથી પણ ઈકોનોમી ક્લાસની છે અને તેણે સીટ ચેઈન્જ કરવી પડશે. રાહુલે જવાબ આપ્યો : ‘હું કોણ છું, ખબર છે? રાહુલ ગાંધી. હું યુવા નેતા છું ભારતનો…’ પેલાએ કહ્યું : ‘બહુ સારું, સર ! પણ તમારી સીટ આ નથી !’ રાહુલ : ‘હું કોણ છું ખ્યાલ છે?…’ ફરી એ જ ડાયલોગ… રકઝક બહુ ચાલી. વાત પાઈલટ પાસે પહોંચી કે, કોઈ ઉતારુ બહુ જિદૄ કરી રહ્યો છે. પાઈલટએ એટેન્ડન્ટને પૂછયું કે મામલો શું છે અને ઉતારુ કોણ છે?

પેલીએ નામ કહ્યું એટલે પાઈલટ રાહુલની નજીક ગયો અને તેના કાનમાં કશું ગણગણ્યો. રાહુલ તત્ક્ષણ સીટ છોડીને પોતાની જગ્યા પર જતો રહ્યો. એટેન્ડન્ટને બહુ નવાઈ લાગી. પાઈલટને તેણે પૂછયું કે એવું તે એણે રાહુલનાં કાનમાં શું કહ્યું હતું ! પાઈલટએ જવાબ આપ્યો : ‘કંઈ ખાસ નહીં… મેં માત્ર એટલું જ કહ્યું કે તમે વિમાનનાં જે ભાગમાં બેઠા છો એ ન્યૂ યોર્ક નથી જતો… બસ, તેણે જગ્યા બદલાવી નાંખી !’*

લેખક : કિન્નર આચાર્ય

ટીપ્પણી