રાહુલ ગાંધીના જમાવટ જોક્સ { PART:1 }

New Delhi: Congress Vice President Rahul Gandhi during a press conference at Parliament in New Delhi on Wednesday. PTI Photo by Subhav Shukla (PTI12_14_2016_000052B)

ચૂંટણીઓ દરમિયાન એક દિવસ વરુણ અને રાહુલ એક પ્રવાસે હતા. વરુણ એક ભાજપ્ના નેતાને ત્યાં ઊતર્યો હતો અને રાહુલ કોંગ્રેસના નેતાને ઘેર. બેઉનાં ઘર સાવ અડોઅડ. નેતાઓએ પોતાનાં ઘરમાં મરઘી રાખી હતી અને દરરોજ જે તાજા ઈંડાં એ આપે તેમાંથી તેમનાં બ્રેકફાસ્ટ માટે આમલેટ બનતી હતી. એક દિવસ ભાજપ્ના નેતાની મુરઘી પડખેનાં કોંગ્રેસી નેતાનાં ફળિયામાં ઈંડાં મૂકી આવી. વરુણ વંડી કૂદીને ઈંડા લેવા પહોંચ્યો ત્યાં રાહુલ ઈંડા વીણતો હતો. વરુણે દાવો નોંધાવ્યો- કહ્યું કે, મરઘી અમારા ભાજપવાળાની છે. રકઝક ચાલી. વરૂણે કહ્યું કે, સંઘમાં અમને આવી સ્થિતિમાં નિર્ણય લેવા માટે એક પદ્ધતિ શિખવાડવામાં આવતી. એક જણે બીજાને નાજુક ભાગ પર પૂરેપૂરા જોરથી લાત મારવાની. એ ઊભો થઈને પેલાને લાત મારે.

બેમાંથી જેને ઊભા થવામાં ઓછો સમય લાગે એ જીત્યો ગણાય. બહુ સરસ ! પહેલા તું મને લાત માર ! રાહુલે કહ્યું. કોઈ ફાસ્ટ બોલરની જેમ રન-અપ લઈને વરૂણે ઉપાડીને રાહુલને એક લાત મારી. રાહુલ ચત્તોપાટ પડી ગયો. દર્દથી તેનાં મોંમાંથી ફીણ નીકળવા માંડયા. અર્ધો કલાક સુધી બેહોશ રહ્યા પછી એ ઊભો થયો અને વરુણને તેણે કહ્યું : હવે મારો વારો ! વરુણે સ્મિત વેર્યંુ અને કહ્યું : એની જરૂર નથી, ઈંડા તું જ રાખી લે !*

*રાહુલ એક વખત યુ.પી.ના પ્રવાસે ગયો. શાળાનાં બાળકો સાથે એક નાનકડા ગામમાં તેનો સંવાદ ગોઠવવામાં આવ્યો. કાર્યક્રમ શરૂ થયો અને જાહેરાત થઈ કે, જે બાળકને જે સવાલ પૂછવા હોય તે રાહુલને પૂછી શકે છે. એક બાળક ઊભો થયો અને પૂછયું : પાણીમાં હોડી કેવી રીતે તરી શકે છે? રાહુલે કહ્યું : બહુ ખ્યાલ નથી, બેટા! ફરી એ બાળકે સવાલ કર્યો : પાણીની અંદર હોવા છતાં માછલી કેવી રીતે શ્ર્વાસ લે છે? ફરી એ જ જવાબ : બહુ ખ્યાલ નથી !

બાળકે ફરી એક સવાલ કર્યો : આકાશનો રંગ ભૂરો કેમ હોય છે? ફરી એક વખત રાહુલે કહ્યું : મને એ વિશે બહુ ખ્યાલ નથી !થ પેલો બાળક શરમાઈ ગયો. તેને થયું કે આટલા મોટા માણસને ક્યાંક એવું ન લાગે કે, હું તેમનું અપમાન કરી રહ્યો છું તેણે નિર્દોષતાથી રાહુલને કહ્યું : સર ! તમને મારા સવાલોથી માઠું તો નથી લાગ્યું ને?થ બિલકુલ નહીં, બેટા ! રાહુલે બહુ હેતપૂર્વક તેના માથા પર હાથ ફેરવતા કહ્યું અને વાત આગળ વધારી… એમાં માઠું શાનું લાગે ! જો તું કશું પૂછીશ જ નહીં તો જીવનમાં કશું શીખી નહીં શકે !*

*રાહુલને એક વખત ઈચ્છા થઈ, ભારત દર્શન પર નીકળવાની… પરંતુ તેને ખ્યાલ હતો કે, દેશનાં મહત્તમ લોકોને તેનાથી નફરત છે. એટલે એ નરેન્દ્ર મોદીનું મહોરું પહેરી ભારતભ્રમણ પર નીકળ્યો. બિહારના એક ગ્રામ્ય વિસ્તારમાં તેણે એક ભરવાડને ઢોર ચરાવતા જોયો. એ ભરવાડ પાસે ધસી ગયો અને કહ્યું : નમારું નામ નરેન્દ્ર મોદી છે. સાંભળો, જો હું તમને પળવારમાં તમારા ઘેટાની કુલ સંખ્યા જણાવી દઉં તો તમે મને તેમાંથી એક ઘેટું આપશો? ભરવાડે હા ભણી.

રાહુલે ઢોરનાં ટોળા પર ઊડતી નજર ફેરવી અને કહ્યું : કુલ ઘેટા છે, ૨૩૫. ભરવાડે કહ્યું : સાચું… તમે શરત જીતી ગયા… લઈ જાઓ. રાહુલ પેલા ઢોરને લઈ પોતાના વાન તરફ જવા લાગ્યો… પાછળથી ભરવાડ દોડતો આવ્યો અને હળવેકથી કહ્યું : જો હું એ ઓળખી બતાવું કે અસલમાં તમે ક્યા નેતા છો તો મહેરબાની કરીને તમે મને મારી ગાય પાછી આપશો?!*

કેટલાંક લોકો તેને ભારતનો મોસ્ટ એલિજિબલ બેચલર પણ કહે છે. દરબારીઓ માટે આ ખુશામત છે, લોકો માટે રમૂજ. કેમ કે, દેશની તમામ પેઢી તેને એક ફની કેરેકટર સમજે છે. એ જ્યારે ભાષણ કરે છે ત્યારે તેના ચહેરાના હાવભાવ કોઈ પ્રખર પંડિત જેવા હોય છે પણ જ્યારે એ બોલે છે ત્યારે વટાણા વેરાઈ જાય છે. કહો કે, પૈસા પડી જાય છે. તેનાં અનકવોટેબલ કવોટ્સ સાંભળીને કોંગ્રેસીઓ ઝૂમી ઉઠે છે અને રાજનીતિની જેને થોડીઘણી પણ સમજ છે તેવાં લોકો માથુ કૂટે છે. તેની વાણીમાં એક અદ્ભુત અને વિરલ કહી શકાય તેવી અણસમજ છે. દરબારીઓ તેને નયી સોચ કહે છે અને પોઝિટિવ વિચારધારા ધરાવતા લોકો તેને ભોળપણ કહે છે. વાસ્તવિકતા એ છે કે, એ ભોટ પણ છે.

દેશના કાર્ટૂનિસ્ટો માટે રાહુલબાબા એક ફેવરિટ સબ્જેક્ટ છે. હમણાં જ એક અદ્ભુત કાર્ટૂન ક્યાંક જોવા મળ્યું. બાબલા જેવાં દેખાતા રાહુલને એક વડીલ કોંગ્રેસી નેતા મેડમજી પાસે લઈ ગયા છે અને હાથ જોડીને મેડમજીને કહી રહ્યા છે : મેડમજી, અમે ગમે તેમ કરી ચૂંટણી જીતી લઈશું પરંતુ (બાબા તરફ આંગળી ચીંધીને…) આને ઘરમાં રાખો, પ્લીઝ ! વાત સાચી છે. કારણ કે, કોંગ્રેસની પરંપરાગત વોટબેન્કને પણ ખતમ કરી નાંખવાની આ બાબામાં ગજબનાક આવડત છે. આજકાલ આ બાબાની બહુ ચર્ચા છે. નેગેટિવ કારણોની જ સ્તો. કહેવાય છે કે, બોલે તેમાં જ બોર વેંચાય છે પરંતુ વડવાઓ તો એમ પણ કહી ગયા છે કે, નહીં બોલવામાં પણ નવ ગુણ છે. આપણને કઈ કહેવત માફક આવે છે એ આપણે નક્કી કરવું પડે છે.

જો ખોટી કહેવત અપ્નાવી લઈએ તો લોકો પછી બાબા કે અમૂલ બેબી કે શાહજાદા જેવી ઉપમાઓથી નવાજવાનાં જ. ટેકનોલોજીનાં આ યુગમાં નેતાઓ જલદીથી છટકી શકતા નથી. અગાઉ જ્યારે વિવાદ થતો, નેતાઓ કહેતા : ન મેરે બયાનોં કા ગલત મતલબ નીકાલા ગયા હૈ…! એ યુગ હવે આથમવામાં છે. હવે યુ ટયુબ, ચેનલો, સોશિયલ મીડિયાથી લઈ અનેક જગ્યાએ તમારાં બયાનોના પુરાવાઓ- રેકોર્ડિંગ્સ મોજુદ હોય છે. અને છટકવાનાં પણ કેવી રીતે? એક વખત છટકી જશો તો બીજા દિવસે પકડાઈ જશો અને બીજા દિવસે બહાનું કાઢશો તો ત્રીજી વખત પકડાઈ જશો. બફાટ જેની પ્રકૃતિ છે અને કોમન સેન્સ ઓછી તેવાં માટીપગા નેતાઓ સાણસામાં આવતા જ રહેવાનાં. ઉદાહરણ તરીકે લઈએ તો, ગરિબી એક માનસિક અવસ્થા માત્ર છે. તેને ભોજન, પૈસા કે ભૌતિક બાબતો સાથે કશી જ લેવાદેવા નથી…

એવું ઐતિહાસિક સ્ટેટમેન્ટ આપ્યા પછી અમૂલ બેબી તેમાંથી છટકી કેવી રીતે શકે? એમ જોઈએ તો યુદ્ધ પણ એક સરહદી અવસ્થા છે, તેને ગોળીબાર, હત્યા કે રક્તપાત સાથે શો સંંબંધ? અચ્છા, બાબાનું માનીએ તો સેકસ એક શારીરિક અવસ્થા છે, તેને રોમાંચ કે ફોરપ્લે કે આફટર પ્લે સાથે શી લેણદેણ? લગ્ન એક સાંસારિક અવસ્થા ગણાય અને સમજદારી, હૂંફ કે પ્રેમ તેમાં ગૌણ બની જાય. અને પ્રેમ? એ કોલેજ અવસ્થા કે શેરી-ગલી અવસ્થા છે, તેને લાગણી, લગ્ન કે ભગ્ન વગેરેથી શાનો નાતો? રાજકુમાર ખરેખર અજબ છે. એ કોઈ અજાયબીથી કમ નથી. કોંગ્રેસની જયપુર ચિંતન શિબિરમાં તેણે આપેલું સ્ટેટમેન્ટ યાદ છે? : કોંગ્રેસ એકદમ ફની રાજકીય પક્ષ છે. એ જગતનું સૌથી મોટું રાજકીય સંગઠન છે પરંતુ તેને ચલાવવા માટે કોઈ જ નીતિ-નિયમ નથી. એકપણ રૂલ નથી. આપણે દર બે મિનિટે એક નવો નિયમ બનાવીએ છીએ અને તેને કચરાટોપલીમાં પધરાવી દઈએ છીએ! આટલું કહ્યા પછી બાબા મંદ-મંદ હાસ્ય વેરે છે અને દેશની ચિંતા કરતા કહે છે કે, દેશનાં કલ્યાણ માટે આપણે પ્રતિબદ્ધ બનવું પડશે.

બાબા નિત્ય આવી ગૂઢ વાતો કહે છે. કોઈને પણ સમજાય નહીં એવી ઊંડી ! જનલોકપાલ આંદોલન વખતે તેમણે સંસદમાં આપેલી સ્પીચનો અર્થ શો હતો એ આજ સુધી કોઈને સમજાયું નથી. શું તેઓ લોકપાલની તરફેણમાં હતા? કે વિરુદ્ધમાં હતા? તેઓ ખરેખર કોઈ સુધારો આણવા ઈચ્છતા હતા? કે તેઓ વોહી રફતાર સ્વીકારી બધું જેમનું તેમ ચલાવવા માંગતા હતા? જો કોઈ એ ભાષણનો સાર સમજી શકે તો જાણવું કે એ વીરલો સમુદ્રની ઊંડાઈનો અને આસમાનની ઊંચાઈનો તાગ મેળવી શકશે.

બાબા એક ઈન્સ્ટિટ્યૂટ છે. અમેરિકામાં જ્યોર્જ ડબલ્યુ બુશ વિશે જેટલાં ટુચકા ચાલતા હતા, સદ્દામ અને લાદેન વિશે જેટલા જોકસ પ્રચલિત નહોતા એટલાં ભારતમાં અમૂલ બેબી માટે બનતા રહે છે. લેખની શરૂઆતમાં જે ટુચકા ટાંકયા છે એ પણ આવી જ રચનાઓ છે. બન્યું છે એવું કે, દરેક પ્રકારનાં ટુચકામાં બાબાનું વ્યક્તિત્વ એકદમ ફીટ બેસતું હોવાથી અનેક પરંપરાગત ટુચકાઓ પણ બાબાનાં નામે ચડી ગયા છે. નોંધનીય વાત એ છે કે, આ બધા જ ટુચકાઓ જાણે તેનાં માટે જ લખાયા હોય એટલી હદે એમાં તેનું કેરેકટર જામે છે. જુઓ :

*એક સવારે રાહુલ પોતાની જોબ પર ગયો. તેની નોકરી એક પેટ્રોલ પંપ પર હતી. પમ્પ્ના માલિકે જોયું તો રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. પમ્પમાલિકે કારણ પૂછયું. રાહુલે કહ્યું : નઆજે સવારે જ મારા બનેવીનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે તેમનાં પિતાએ આત્મહત્યા કરી લીધી છે. મારા માટે આ સમાચાર બહુ આઘાતજનક છે! આટલું કહેતા એ ફરી રડી પડયો. શેઠએ તેને સાંત્વના આપી, કહ્યું કે જીવનમરણ તો એક લીલા છે- જે નિત્ય ચાલ્યા કરે છે. તાત્વિક જ્ઞાન આપ્યા પછી એ વિદાય થયા.

લંચ ટાઈમમાં એ ફરી પમ્પ પર આવ્યા અને જોયું તો બાબો બમણા જોરથી રડી રહ્યો હતો. શેઠ તેની પડખે ગયા અને તેનાં ખભા પર હાથ મૂકી કહ્યું : ભાઈ ! હજુ તું દુ:ખ ભૂ્લ્યો નથી? તારે રડવાનું બંધ કરી સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ ! રાહુલે જવાબ આપ્યો : ના…ના.. બોસ ! હવે એ માટે હું રડતો નથી. એ દુ:ખમાંથી માંડ બહાર આવ્યો હતો ત્યાં મારી એકની એક બહેનનો ફોન આવ્યો- તેણે કહ્યું કે તેનાં સસરાએ પણ આપઘાત કરી લીધો છે ! ફરી એ ચોધાર આંસુએ રડવા લાગ્યો.*

સવાલ એ છે કે, એક ભારતીય તરીકે આપણે આ સ્થિતિ ભાળીને રડવું કે હસવું? કે પછી બાબાનાં શેઠની સલાહ માનીને મન મનાવી લેવું : સઘળો ખેલ નિયતિનો છે, ભારતનાં કપાળે કોઈ આવા યુવરાજ પણ લખાયા હશે ! (ક્રમશ:)

લેખક – કિન્નર આચાર્ય

ટીપ્પણી