બહુ ચર્ચિત એપ્લિકેશન આધારિત જકડી રાખતી નવલકથા – રહસ્યમય સારાહાહ – ભાગ ૩

- Advertisement -

જો તમે ભાગ એક અને બે નહિ વાંચ્યો તો આ રહી લીંક : ભાગ – ૧ , ભાગ – ૨

ક્રૃતિકાનું વોશરુમમાં કોઈએ માથા પાછળ બોથડ પદાર્થ મારીને ખુન કરી દીધું હોય છે. સંજનાની બુમો સાંભળીને બીજા લોકો પણ દોડી આવે છે.જેન્ટ્સ વોશરુમમાંથી બહાર આવેલો શિવાંશ ટોળું વળેલું જોઈને એ બાજું જાય છે. ટોળામાંથી શિવાંશ જગ્યાં કરતો આગળ આવે છે ને વિશાલ એને કહે છે કે ક્રૃતિકાનું ખુન થઈ ગયું. આ સાંભળી શિવાંશનો બધો જ નશો ઉતરી જાય છે ને જડ બની ઉભો રહી ગયો.

આ બાજુ વિશાલ રડી રડીને બેહાલ થયેલ સંજનાને મનાવી રહ્યો હોય છે. મેનેજરે પોલીસને કોલ કરી દીધો હોય છે. થોડીવારમાં પોલીસ કાફલો ત્યાં પહોંચી જાય છે.ક્રૃતિકાનાં ડેડબોડી ને અને આજુબાજુનાં ઘટનાસ્થળને બરાબર તપાસીને પોલીસ ઈન્સપેક્ટર દેસાઈ મેનેજરને પુછે છે કે લાશ કોને સૌથી પહેલાં જોઈ હતી. મેનેજર સંજના તરફ ઈશારો કરે છે.
‘એક્સ કયુઝ મી મેમ. તમને કેવી રીતે ખબર પડી આ લાશ વિશે? શું તમે ઓળખો છો આ છોકરીને?’

‘હું જેવી વોશરુમનો દરવાજો ખોલીને અંદર ગઈ તો મે ક્રૃતિકાને ફલોર પર ઉંધા માથે પડેલી જોઈ. એનાં માથામાંથી લોહી વહી રહ્યું હતું. મેં એને હાથ પકડી હલાવી પણ એ કંઈ ના બોલી.’ આટલું કહેતાં સંજના ફરી રડવા લાગી. વિશાલ એને શાંત પાડવાની કોશીશ કરવાં લાગ્યો.
‘ઓકે. એટલે કે તમે લોકો સાથે જ હતાં. બીજું કોણ કોણ છે તમારી સાથે?’
‘હું, ક્રુતિકા,સંજના અને આ શિવાંશ. અમે ચારેય સાથે હતાં. ક્રુતિકાને વોશરુમમાંથી આવતાં મોડું થયું એટલે મેં જ સંજનાને એને કેમ મોડું થયું એ જોવા મોકલી હતી.’ સંજનાની જગ્યાએ વિશાલએ જવાબ આપ્યો.
‘કોઈએ ઠંડાકલેજે બેરહમીથી માથા પાછળ લોખંડ કે પછી એનાં જેવાં જ કોઈ બોથડ પદાર્થ મારીને ક્રૃતિકાનું ખુન કર્યૃ હોય એવું પ્રાથમિક તપાસ કરતાં લાગી રહ્યું છે. તમને કોઈનાં પર શંકા છે?’ ઇન્સપેક્ટર દેસાઈએ વિશાલ તરફ જોઈને પુછયું.

સંજના આંખ લુછતાં લુછતાં શિવાંશ તરફ જોવાં લાગી. ઈન્સપેક્ટર દેસાઈની પારખું નજરથી આ વાત છુપી ના રહી. એમને શિવાંશ તરફ જોઈને પુછયું, ‘ આ બનાવ બન્યો ત્યારે તું કયાં હતો?’

‘સર,હું તો વોશરુમમાં હતો.બહાર આયોને ભીડ જોઈ એટલે ખબર પડી કે કોઈએ ક્રૃતિકાનું મર્ડર કરી નાંખ્યું છે.’ શિવાંશ અચકાતો અચકાતો બોલ્યો.
‘તે દારુનો નશો કર્યો છે ને? સાચ્ચું બોલ તું કયાં હતો? ઈન્સપેક્ટર દેસાઈ શિવાંશની નજીક જઈને બોલ્યાં.

‘અરે સર સાચ્ચેમાં હું વોશરુમમાં જ હતો.હા, મેં દારુ પીધો છે. હું બાર કાઉન્ટર પર જ બેઠો હતો. ત્યાંથી હું સીધો જેન્ટ્સ વોશરુમમાં ગયોને બહાર આયો ત્યારે આ ભીડ જોઈ.’ શિવાંશ રડમસ અવાજે બોલ્યો.
હેડ કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટર દેસાઈનાં કાનમાં કંઈક કહ્યું. એ સાંભળી દેસાઈની આંખોમાં ચમક આઈ ગઈ.

‘તો, મહાશય શિવાંશ. તમે આજે આ મરનાર ક્રૃતિકાને પ્રપોઝ કર્યૃ હતું. જેનો ક્રૃતિકાએ અસ્વિકાર કર્યો હતો. જેનાં બાદ તમારી બંને વચ્ચે રકઝક થઈ હતી. અને પછી ક્રૃતિકા રડતી રડતી વોશરુમ તરફ ગઈ હતી ને તું એની પાછળ પાછળ ગયો હતો કે નહીં?’

‘હા, મે પ્રપોઝ કર્યૃ હતું એને અને ક્રૃતિકાએ ના પણ પાડી હતી. એ આ બાજું આવાં નિકળીને હું બારકાઉન્ટર પર જઈને વ્હીસ્કીનાં પેગ મારવાં ગયો હતો. વિસ્વાસ ના આવતો હોય તો આ બારટેન્ડરને પુછી લો.’ શિવાંશ ખુણામાં ઉભેલાં બારટેન્ડર તરફ ઈશારો કરતો બોલ્યો.

‘હા સર, આ ભાઈ વ્હીસ્કીનાં લાર્જ પેગ પર પેગ મારી રહ્યાં હતાં.’ બારટેન્ડર બોલ્યો.

‘તારું ધ્યાન ના હોય ત્યારે એ ઊભો થઈને ખુન કરી આયો હોય એમ પણ બની જ શકે છે ને? આમેય બારકાઉન્ટરથી વોશરુમનું અંતર નહીવત છે. કોઈ પણ વ્યક્તિ આસાનીથી દોડીને ત્યાં પહૌંચી શકે છે.’ ઈન્સ્પેક્ટર દેસાઈ ક્રોસ કવેશ્ચન કરતાં બોલ્યાં.

‘ના સર, એ વખતે બહું ઓછાં લોકો ત્યાં હાજર હતાં.અને શિવાંશભાઈ અહીં રેગ્યુલર આવતાં હોય છે. એમને મુડલેસ જોઈને હું વારંવાર એમની તરફ જોતો રહેતો હતો. એ એક જ વાર અહીંથી ઉભા થયાં હતાં ને વોશરુમ તરફ ગયાં હતાં.’ બારટેન્ડર વિસ્વાસથી બોલ્યો.

‘અત્યારે તો શંકાની સોય શિવાંશ તરફ જ છે. શિવાંશ તારે વધું પુછપરછનાં માટે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.
‘પણ સર, મેં કશુ નથી કર્યૃ. હું શું કામ મારું ક્રૃતિકાને? હું તો એની સાથે જીંદગી વિતાવા માંગતો હતો.વિશાલ,સંજના પ્લીઝ યાર તમે કંઈક તો બોલો !! હું ક્રૃતિકા સાથે આવું શું કામ કરું?’ શિવાંશ હવે રડવા લાગ્યો હતો.એકતો એ જેને લવ કરતો હતો એનું ખુન થઈ ગયું હતું ને ઈન્સ્પેક્ટર એનાં પર ખુનનાં ઈલ્જામ લગાવી રહ્યાં હતાં ને બીજું વિશાલ કે સંજના એનાં બચાવમાં કંઈ જ નહોતાં બોલી રહ્યાં.

‘હા સર, તમારી ગલતફહેમી થતી લાગે છે. શિવાંશ કોઈનું ખુન ના કરી શકે. તમે એને છોડી દો.’ જો શિવાંશને પોલીસ પકડી જશે તો એ રહસ્યમયી મેસેજ વિશે પોલીસને ખબર પડી જશે ને તપાસનું પગેરું જો એ ભુતકાળની બનેલ ઘટના સુધી જશે તો પોતે પણ ભરાશે એમ જાણીને વિશાલ તરત જ શિવાંશ નાં બચાવમાં કુદી પડયો અને બોલ્યો.

‘તમે ત્રણેય જણાં તો આ મર્ડરમાં સામેલ નથીને?’ ઈન્સ્પેક્ટર દેસાઈ શક કરતો બોલ્યો.

‘હું એન.જી કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી અને બિઝનેસમેન રાજીવ મહેતાનો પુત્ર વિશાલ મહેતા છું.તમે આમ અમારી પર આવો આરોપ ના મુકી શકો’ વિશાલ બોલ્યો.
‘હા તો !!! તું રાજીવ મહેતાનો છોકરો હોય તો મર્ડર ના કરી શકે એવું છે? હવે વચ્ચે કંઈ ના બોલતો નહીંતર તને પણ અંદર બેસાડી દઈશ સમજયો.’ ઇન્સ્પેક્ટર દેસાઈ ગુસ્સે થતાં બોલ્યો.
વિશાલએ એનાં ડેડ રાજીવ મહેતાને કોલ કરીને બધી વાત કહી દીધી. થોડીવારમાં જ ઈન્સ્પેક્ટર દેસાઈનો ફોન ધણધણી ઉઠયો.

દેસાઈ ફોન પર જવાબ આપી રહ્યો હતો ને જી સર, જી સર કરી રહ્યો હતો.
‘જુઓ હું શિવાંશને અત્યારે પોલીસ સ્ટેશન નથી લઈ જઈ રહ્યો પરંતુ જયારે જરુર પડશે ત્યારે શિવાંશને પુછપરછ કરવા બોલાવામાં આવશે. ત્યાં સુધી શિવાંશ આ શહેર છોડીને કયાંય પણ જઈ શકશે નહીં.’ દેસાઈએ સુચન આપતાં કહ્યું.

બીજા દીવસે ત્રણેય મિત્રો કેન્ટીનમાં ભેગાં થયાં.
‘શિવાંશ સાચ્ચું બોલ તે જ ક્રૃતિકાનું ખુન કર્યૃ છે ને?’ સંજના રોષ સાથે બોલી.

‘શું તમને હજું પણ એમ જ લાગે છે કે હું ક્રૃતિકા સાથે આવું કરું?’ શિવાંશ પોતાની જાતને નિર્દોષ સાબીત કરવાં મથામણ કરતો બોલ્યો.
‘ના, ક્રૃતિકાનું ખુન શિવાંશે નથી કર્યૃ પણ પેલાં રહસ્યમયી સારાહાહ મેસેજ કરનારે કર્યૃ છે.સંજુ તું ભુલી ના જા કાલે એને જ મેસેજ કરીને ઘમકી આપી હતી આપણને.’ વિશાલ બોલ્યો.
‘કયો મેસેજ? એને નવો મેસેજ કર્યો હતો કાલે? તમે મને કહ્યું કેમ નહીં? શિવાંશ બોલ્યો.

‘અરે હું તને એ કહેવાનો જ હતો પણ તે પહેલાં ક્રૃતિકાને પ્રપોઝ માર્યૃ એમાં રહી ગયું કહેવાનું અને જયારે હું તને એનાં વિશે કહેવાં આયો ત્યારે તું બારકાઉન્ટર પર હાજર નહોતોં. તને શોધવા જ તો હું વોશરુમ તરફ આયો હતો. હું તને કંઈ કહું એ પહેલાં જ એ ખુનીએ એનો ખેલ પાડી દીધો.’ વિશાલ ખુલાસો આપતાં બોલ્યો.

‘ઓહ માય ગોડ ! એટલે આપડે જેને મજાક સમજતાં હતાં એ મજાક નહોંતી. કોઈ સાચ્ચેમાં જ આપડા સૌને મારી નાંખવાની ફીરાકમાં છે. હરનિશનો એક્સિડેન્ટ એ માત્ર એક્સિડેન્ટ નહોતો પણ એક મર્ડર જ હતું.અને હવે આપડો પણ એ જ અંજામ થશે.’ આટલું બોલતાં શિવાંશનાં રુવાંટા ઊભા થઈ ગયાં અને એનો ચહેરો સફેદ પડી ગયો.

‘શું થયું શિવાંશ? કેમ અચાનક બોલતાં બોલતાં અટકી ગયો?’ ગભરાઈ ગયેલી સંજના બોલી.
‘મારે પણ સારાહાહ પર મેસેજ આયો. એમાં લખ્યું છે કે હું તને ક્રૃતિકાનાં ખુનમાં ફસાવીને આટલી આસાનાથી માફ નહીં જ કરું.સંજોગો એવાં ઘટી ગયાં કે ક્રૃતિકાનાં ખુની તરીકે તારાં પર જ શંકાની સોય ટંકાઈ ગઈ. એનીવે ઘીનાં ઠામમાં ધી રહ્યું એ સારું થયું. હવે હું મારો બદલો આસાનીથી લઈ શકીશ.હવે ગમ્મે ત્યારે તમારાં દરેકનું એક પછી એક ખુન થશે. ખૌફ બરકરાર રહે.હાહાહાહા.’ શિવાંશ પરસેવો લુછતો બોલ્યો.

‘આ કોણ છે યાર? અને આપણને મારવાં કેમ હાથ ધોઈને પાછળ પડી ગયો છે? આપડે એનું શું બગાડયું છે?’ સંજના રડમસ અવાજે ડુમો ખાતાં બોલી.
‘આ જે કોઈ હોય એ પણ એનો સંબંધ પેલાં હાઈવે પરનાં એક્સિડેન્ટ સાથે સંબંઘ હોય એવું લાગી રહ્યું છે.’ અત્યારસુધી હલ્ક બનીને રહેનાર વિશાલ ચિંતાતુર સ્વરે બોલ્યો.

‘તે પેલો પ્રાઈવેટ ડીટેક્ટિવ હાયર કર્યો હતો એનું શું થયું? તું તો કહેતો હતોને કે એ ડીસ્કોથેકમાં હાજર રહેવાનો છે તો પણ એની હાજરી હોવાં છતાં પણ ક્રૃતિકાનું મર્ડર થઈ ગયું !’ સંજના વિશાલને ટોંટ મારતાં સ્વરે બોલી.
‘ખબર નહીં કેમ પણ કાલે એ ડીટેક્ટિવ ડીસ્કોથેકમાં હાજર જ નહોતોં.’ વિશાલ આષ્ચર્ય સાથે બોલ્યો.

‘હું તો કહું છું આપડે કોઈ ડીટેક્ટિવ ને હાયર નથી કરવો અને પોલીસને એ રહસ્યમયી સારાહાહ વાળાં મેસેજ વિશે બધું કહી દેવું જોઈએ.’ શિવાંશ બોલ્યો.
‘ના, આજ સાંજે એ ડીટેક્ટિવ મને મળવાંનો છે. એ મને કોઈક ઈમ્પોરટંટ માહીતી આપવાનો છે એમ કહેતો હતો.’ વિશાલ રાઝ ખોલતો બોલ્યો.

સાંજે વિશાલ એનાં આલીશાન બંગલાની છત પર ડીટેક્ટીવનાં આવવાંની રાહ જોતો બેઠો હોય છે.ટેબલ પર વ્હીસ્કીની બોટલ અને બરફ પડયાં છે ને વિશાલ એમાંથી પેગ બનાવીને પી રહ્યો હોય છે. બીજા હાથમાં ગાંજો ભરેલી સિગારેટ નશીલા ધુમાડા ઓકી રહી છે. ડીટેક્ટિવને નક્કી કરેલાં સમયે આવામાં વાર થઈ એટલે વિશાલ એને કોલ કરે છે પણ એનો ફોન સ્વિચ્ડ ઓફ હોય છે. ત્યાં વિશાલની નજર મોબાઈલમાં નોટીફીકેશન પર પડે છે જયાં સારાહાહ પર આવેલ મેસેજની નોટીફીકેશન આવેલી હોય છે. વિશાલ ફટાફટ સારાહાહ ઓપન કરે છે જેમાં લખ્યું હોય છે કે, એ ડિટેક્ટિવની રાહ ના જોતો. એ હવે તને કયારેય મળવા નહીં આવે.મેં એને ભગવાનને મળવા માટે મોકલી દીધો છે.શરુઆતમાં તો બહું ધમપછાડાં કર્યા એને પણ આખરે માની ગયો ભગવાનને મળવાં માટે.

આ વાંચીને વિશાલ ચક્કર ખાઈ ગયો.આને કેવીરીતે ખબર પડી ગઈ કે મેં ડિટેક્ટિવ હાયર કર્યો છે ને એ મને આજે આ મેસેજ કરનાર વિશે ઈમ્પોરટંટ માહીતી આપવાનો હતો? મેં તો આ વાત સંજના અને શિવાંશ સિવાય કોઈને નહોંતી કહી. શું એ ખુની શિવાંશ હશે? શું સંજનાએ ભુલથી કોઈને આ વાત કહી દીધી હશે?કે પછી કેન્ટીનમાં એ ખુનીએ ચોરીછુપી અમારી વાતો સાંભળી લીધી હશે? કોણ છે આ ખુની? કેમ એ અમારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. પહેલાં હરનિશ પછી ક્રૃતિકા અને હવે આ ડિટેક્ટિવ. ત્રણેવને એને એક પછી એક મારી નાંખ્યાં. નક્કી ડિટેક્ટિવને ખબર પડી ગઈ હશે કે એ ખુની કોણ છે એટલે જ એનું પણ ખુન કરી નાંખ્યું એને.

વિશાલનાં મગજમાં અનેક સવાલો ઘુમરીઓ ખાવાં લાગ્યાં હતાં એ ખુની વિશે. હાથમાં આવેલી બાજી છીનવાઈ ગઈ હોય એમ એને લાગી રહ્યું હતું. હતાશ થઈ ગયેલો વિશાલ એક પછે એક વ્હીસ્કીનાં પેગ મારી રહ્યો હતો. એની સાથેને સાથે એ ગાંજો ભરેલી સિગારેટનાં ઉપરાછાપરી દમ પર દમ મારી રહ્યો હતો. એક સિગારેટ પતે એટલે એ બીજી સિગારેટ લાઈટરથી સળગાવીને દમ મારતો હતો. સાલું શું એ દીવસે એ વ્યક્તિ બચી ગયો હશે? કે પછી એનાં કોઈ રીલેટીવ્સને અમારી ખબર પડી ગઈ હશે ને એ ખુન કરી રહ્યુ હશે? કોણ છે આ માણસ ! કંઈ દુશ્મની નીભાવવાં એ આટલી હદે ખુંખાર બન્યો છે? એકવાર સામે આવેતો એને જેટલાં રુપિયા જોઈતાં હોય એટલાં આપી દઉં. પણ સામે આવે તો ખરો એટલીસ્ટ. એ જે કોઈ પણ હોય પણ બહું જ શાતિર દીમાગની વ્યક્તિ છે.સારાહાહ જેવી એપ્લિકેશનનો એ બખુબી ઇસ્તેમાલ કરીને પોતાની જાત ફરતે રહષ્યન જાળ રચવામાં એ શેતાન વ્યક્તિ કામયાબ નીવડી હતી.

વિશાલે આખી બોટલ પતાવી દીધી હતી પણ એનું મન ધરાયું નહોતું. એ હજું પણ દારુ પીવા માંગતો હતો. આથી એ જેમતેમ કરીને ચેર પરથી ઊભો થયોને સિગારેટને એસટ્રેમાં હોલવી લડખડાતી ચાલે નીચે એનાં ઘરમાં બનાવેલાં મીનીબાર તરફ જવાં ગયો.વ્હીસ્કી અને ગાંજાનાં મિશ્ર નશામાં ચકચુર વિશાલનાં શરીર પર વિશાલનો કોઈ જ કાબુ નહોતો.એ દીવાલનાં સહારે ધીમે ધીમે આગળ વઘી રહ્યો હતો પણ ત્યાં જ ફ્લોર પર આવેલી પાણીની પાઈપમાં એનો પગ ફસાયોને એ ઉછળીને પારીની પેલે પાર જઈને ટેરેસ પરથી ચાર માળ નીચે જમીન પર પછડાયો ને માથું ફાટી જવાંથી એનું ત્યાંને ત્યાં જ પ્રાણપંખેરુ ઊડી ગયું.

નીચે કોઈ પડયું છે એનો અવાજ સાંભળી નોકર દોડી આવ્યો. એને વિશાલને લોહીનાં ખાબોચીયાં પડેલો જોઇને માલિકનાં નામની બુમો પાડી. રાજીવ મહેતા અચાનક પોતાનાં નામની બુમો સાંભળી બહાર દોડી આવે છે ને વિશાલને લોહીથી ખદબદ હાલતમાં નીચે પડેલો જુએ છે.રાજીવ મહેતા તુરંત 108 ને કોલ કરે છે. એમ્બ્યુલન્સ વિશાલની બોડી લઈને હોસ્પિટલ પહોંચે છે.રાજીવ મહેતા પણ સાથે સાથે ત્યાં પહોંચી જાય છે. હોસ્પિટલમાં ડોકટર વિશાલને તપાસે છે પણ વિશાલનો જીવ તો નીચે પટકાયા ભેગો જ ઊડી ગયો હોય છે. ડોકટર બહાર આવીને રાજીવ ને કહે છે કે તમારે આવામાં બહું મોડુ થઈ ગયું. હી’ઝ નો મોર. અમે પોલીસને કોલ કરી દીધો છે એ આવતી જ હશે વધુ તપાસ માટે. ઈન્સપેક્ટર દેસાઈનાં પોલીસ સ્ટેશનની હદમાં જ રાજીવ મહેતાનું ઘર હોય છે એટલે એ જ તપાસ કરવાં આવે છે.

‘આઈ એમ સોરી સર વિશાલનાં મૌત થયું છે પણ મારે તમને અમુક સવાલો પુછવા પડશે. પ્રારંભીક તપાસ કરતાં એ માલુમ થાય છે કે વિશાલનું છત પરથી નીચે પડી જવાંથી માથું ફાટી જતાં મૌત થયું છે. વધુ માહીતી તો પોસ્ટ મોર્ટમ થયાં બાદ જ ખબર પડશે. તમને શું લાગે છે આ સ્યુસાઈડ છે કે પછી મર્ડર?’

ઈન્સ્પેક્ટરનાં આવાં સવાલથી ડઘાઈ ગયેલ રાજીવ મહેતા ઈન્સ્પેક્ટર દેસાઈની સામે કતરાઈને જુએ છે.

‘હાઉ આઈ નો ધેટ ! એન્ડ મારો સન વિશાલ એટલો કાચો પોચો તો નહોતોં જ કે એ સ્યુસાઈડ કરે.આ તમારી ફરજ છે કે આ સ્યુસાઈડ છે કે મર્ડર એ શોધી કાઢવું. એન્ડ વન મોર થિંગ. આ વિશાલ રાજીવ મહેતા છે. શહેરનાં ખ્યાતનામ બિઝનેસમેન રાજીવ મહેતાનો એક નો એક વારસદાર.એનાં મૌતની તપાસમાં કોઈ જ ચુક ના થવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ?’
‘સર, તમે બેફીક્ર રહો. અમને અમારી ડ્યુટીનું પુરેપુરુ ભાન છે. બસ તમે અમને તપાસમાં યોગ્ય સહકાર આપજો બસ. મારે ઘટનાસ્થળની જીણવટથી તપાસ કરવી પડશે. ઈફ યુ ડોન્ટ માઈન્ડ. મે આઈ?’

‘તમને પુરો સહકાર મળશે પણ યાદ રહે રાજીવ મહેતાની પ્રતિષ્ઠાને આંચ ના આવી જોઈએ.’
‘ડોન્ટ વરી સર.હવે તો હું જે સત્ય છે એને બહાર લાવીને જ જંપીશ.’

લેખક : કુનાલ જાની

રહસ્યમય સારાહાહ – ભાગ ૪ આવતી કાલે સાંજે ૭ ૪૪ ના પબ્લીશ થશે..

ટીપ્પણી