રહસ્યમય ડાયરી – એક રોમાંચક પ્રેમ કહાની….એક વાર અચૂક વાંચજો !

અવની આજે ખૂબ જ ખુશ હતી કારણ કે આવતીકાલથી તેની કોલેજમાં દિવાળી વેકેશનની રજા પડવાની હતી.અવની કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, ભણવામાં ખુબજ હોશિયાર અને તેજસ્વી હતી, યુનિવર્સિટીની દરેક પરીક્ષામાં તે દર વર્ષે ફર્સ્ટ કલાસ સાથે પોતાના કલાસમાં પ્રથમ નંબરે પાસ થતી હતી.

અવની ભણવામાં તો હોશિયાર હતી જ, આ ઉપરાંત તે એકદમ સરળ અને સુંદર દેખાતી હતી.અવનીને જોતા એવું લાગે કે કોઈ ફૂલની એક કળી જાણે ખીલવા જઇ રહી હોય,અવની જેટલી સુંદર હતી તેટલી જ નમણી તેની કાયા હતી,લાંબા કાળા રેશમી ચમકદાર વાળ, અણીયારી તેની આંખો કોઈ ચપ્પુની ધારથી ઓછી ન હતી,તેના ભરાવદાર ગાલ તેની મોહકતા માં વધારે આકર્ષણ જમાવી રહ્યાં હતાં,તેના ગુલાબી હોઠ જાણે ગુલાબની પાખડી લગાવી હોય તેવી રીતે ચમકદાર લાગી રહ્યા હતા,તેના શરીરનો બાંધો મનમોહી ને પ્રેમાઅંધ બનાવી દે તેવો હતો.

અવની ને ભણાવાના સિવાય વાંચવાનો પણ ખૂબ જ શોખ હતો, આથી તેણે આ વખતે રજાનાં દિવસોમાં વિવધ પ્રકારનાં પુસ્તકો વાંચવાનું અગાવ થી જ નકકી કરી રાખેલ હતું.

સવારના 9 કલાકની આસપાસ અવની અને તેની ફ્રેન્ડ માધવી પોતાની કોલેજ પર પહોંચી ગયાં, બધા વિધાર્થીઓ આજનો દિવસ કેવી રીતે પૂરો થાય તેનો વિચાર કરી રહ્યા હતાં.

કોલેજ માં વિવિધ લેક્ચર તેના રાબેતા મુજબ શરૂ થઈ ગયા અને એક પછી એક એમ બધા જ લેકચર પુરા થઈ ગયાં અને અંતે સાંજના 5 વાગી ગયા જેની બધા જ વિધાર્થીઓ ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.

સાંજે અવની અને માધવી તેના ફ્રેંન્ડ સાથે કોલેજની કેંટીનમાં એકઠા થયા અને બધાની એડવાન્સમાં જ હેપી દિવાલી અને હેપી ન્યુ યર ની શુભેચ્છા પાઠવી અને ધીમે-ધીમે બધા જ મિત્રો એકબીજાને બાય ! આવજો કહીને છુટ્ટા પડયાં

અવની અને માધવી રિક્ષા કરીને તેની હોસ્ટેલ પર પહોંચી ગયાં, માધવી એ અવનીની એકદમ અંગત ફ્રેન્ડ હતી,જે હરહંમેશ અવનીની સાથે જ ઉભી રહેતી હતી પછી એ સુખનાં કે દુઃખના દિવસો હોય તો પણ.અવની અને માધવી બંનેવ અલગ-અલગ ગામનાં હોવાં છતાંપણ તે બંને ને જોતા એવું લાગતું હતું કે તેઓ કોઈ એક જ ફેમીલી માંથી હોય તેવું, માધવી પણ પોતાના સુખ-દુઃખની વાતો અવની સાથે શેર કરતી હતી.

અવની અને માધવી એટલી વારમાં હોસ્ટેલ પર પહોંચી ગયાં હોસ્ટેલ પર પહોંચી બંનેવ પોતાનાં પેકીંગ કાર્યમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે 7 કયાં વાગી ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો.આથી બંનેવ પોતપોતાનું પેકીંગ પૂરું કરીને હોસ્ટેલની મેસમાં જમવા માટે ગયાં.
મેસમાં ભોજન લીધાં બાદ, હોસ્ટેલની બધી જ છોકરીઓ પ્રાર્થના કરવા માટેનાં હોલમાં એકત્ર થયા,પ્રાર્થના પૂરી કર્યા બાદ બધાએ એકબીજાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.ત્યારબાદ બધાં પોત પોતાના રૂમમાં ચાલ્યા ગયાં.

અવની ને પોતાના ગામ જવા માટે સવારનાં 10 કલાકની બસ હતી આથી તે પોતાની હોસ્ટેલ પરથી સવારનાં 9 વાગ્યાની આસપાસ રિક્ષા કરીને બસ સ્ટેશન પર જવા માટે નીકળી.
રિક્ષા થોડું ટ્રાફિક હોવાને લીધે બસ સ્ટેશનથી થોડી દૂર ઉભી રાખી,આથી અવની રિક્ષાવાળા ને રિક્ષા ભાડું આપી,પોતાના થેલા ઉઠાવી બસ સ્ટેશન તરફ ચાલવા લાગી.

એવામાં અચાનક જ અવનીનું ધ્યાન બસ સ્ટેશનની બહાર ઉભેલ એક જુનાં પુસ્તકોથી ભરેલ એક લારી પર પડ્યું, આમપણ અવનીને વાંચનનો શોખ હોવાથી પુસ્તકો તેની નજરથી થોડી દૂર રહી શકવાના હતાં…??…એવામાં અવનીનું ધ્યાન એક ખાસ પ્રકારની ઘેરા કથ્થાઇ રંગની અને ચમકદાર એક ડાયરી પર પડ્યું, તેનાં મનમાં આ જોઈ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા….આવી સરસ ડાયરી શાં માટે કોઈએ પસ્તીમાં આપી દીધી હશે ? આ ડાયરીમાં શું લખેલું હશે ?…એવા અનેક પ્રશ્નો સાથે તેનાં મનમાં તે ડાયરી વિશે જાણવાની એકદમ આતુરતા અને જિજ્ઞાસા જાગી…અવની પોતાની જાતને ના રોકી શકી અને પેલી પસ્તીની લારી પાસે ગઈ.

“ભાઈ ! આ ડાયરી વેચવાની છે?”
“હા ! બેન ..આ લારીમાંથી તમને જે ગમે તે ખરીદી શકો છો.”
“અચ્છા ! તો મારે પેલી ડાયરી ખરીદવી છે”
“કેટલા રૂપિયા થશે તેનાં” – અવની એ ખુબજ આતુરતાપૂર્વક પુછયું.
“બેન ! બોણી નો સમય છે, તમને જેટલા ઠીક લાગે તેટલાં આપી દો”
“તમે કહો ! હું કેટલા રૂપિયા આપું”
“બેન ! 30 રૂપિયા આપી દો”

અવની રાજી-રાજી ખુશીથી 30 રૂપિયા આપી દીધા, અને બસ સ્ટેશનની અંદર પ્રવેશી,પોતાનાં ગામમાં જતી બસમાં બેસી ગઈ.બસમાં બેઠાં-બેઠાં અવનીએ વિચાર્યું કે હું આ ડાયરી અત્યારે નહીં વાંચીશ હું શાંતિથી ઘરે પહોંચીને પૂરેપૂરી ડાયરી એકસાથે જ વાંચી લઈશ.

અવનીએ ડાયરી તો ખરીદી લીધી પરંતુ તે ડાયરી એ શાં માટે અવનીને જ પસંદ કરી…? અથવા હવે પછી અવની સાથે શું થવાનું હતું તે બાબતે અવની ને જરાપણ ખ્યાલ કે વિચાર પણ હતો નહિ પરંતુ જે થવાનું હતું તે આપણાં બધાંની સમજ બહાર હતું.

7 કલાકની મુસાફરી પૂર્ણ કરીને અવની પોતાનાં ગામનાં બસ સ્ટેશને પહોંચી ગઈ, અવની ને તેડવા માટે તેનો નાનો ભાઈ રવિ આવ્યો હતો.અવની તેના ભાઈને મળી તેની બાઇક પર બેસી ગઈ અને થોડીવારમાં તેઓ પોતાનાં ઘરે પહોંચી ગઈ.

ઘરે પહોંચીને બધાંને પગે લાગીને તે બધાને મળી અને ફ્રેશ થઈ પોતાના પરિવાર સાથે સાંજનું ભોજન લીધું.કુટુંબના બધા સભ્યોની સાથે અવની થોડીવાર બેઠી, ખૂબ બધી વાતો કરી, અચાનક અવનીની નજર દિવાલપર ટાંગેલ ઘડિયાળ પર પડી તો રાત્રિના 9 વાગી ચૂક્યાં હતાં, અને અવનીને પણ હવે પેલી ડાયરી વાંચવાની ખૂબ જ ઉતાવળ હતી આથી તે બધાને ગુડનાઈટ વિશ કરીને પોતાનાં રૂમ પર આવી ગઈ, પોતાનાં રૂમનાં દરવાજો અને બારી બંધ કરી, ઝડપથી એકદમ બેબાકળા થઈ અવની એ પોતાનાં થેલા માંથી પેલી ડાયરી કાઢી અને વાંચવાનું શરૂ કર્યું.

અવની પોતાના બેડ પર સુતા સુતા જ પેલી ડાયરી વાંચવાનું શરૂ કર્યું.ડાયરી ખોલી તો પહેલા પેજ પર લખેલ હતું…..સંધ્યા ઓલવેઝ લવ પાર્થ…..લવ યુ પાર્થ…..આટલું વાંચતાની સાથે જ અવની મનોમન એકદમ ખુશ થઈ ગઈ….તેને ખ્યાલ આવ્યો કે આ તો કોઈક ની પર્સનલ ડાયરી છે…મનમાં થયું કે આજે કોઈની રિયલ લવ સ્ટોરી વાંચવા મળશે, આ વિચાર આવતાની સાથે જ અવનીએ ડાયરી આગળ વાંચવાની શરૂ કરી અને મનમાં જ નિશ્ચય કરી લીધો કે આજે આ ડાયરી સંપૂર્ણ વાંચી લઈશ એવો.

અવની એ ધીમે-ધીમે આગળ ડાયરી વાંચવાનું શરું કર્યું,જેમ -જેમ અવની આગળ વાંચતી ગઈ, તેમ-તેમ તેનો ઉત્સાહ વધતો ગયો કે પોતે જે લવ સ્ટોરી વાંચે છે તેનો અંત કેવો હશે..? શુ પાર્થ અને સંધ્યાનો પ્રેમ સફળ થયો હશે કે નહીં ..? વગેરે વિશે જાણવાની આતુરતા થઈ.આથી અવની પોતાના બેડ પર બેઠી થઈ અને સ્ટોરી આગળ વાંચવાનું શરૂ કર્યું ….થોડુક આગળ વાંચ્યા બાદ અવની ને તરસ લાગવાથી પાણી પીવા માટે ઉભી થઇ અને ડાયરીનાં પેઝ નંબર જોઈ તે પાણી પીવા માટે ફ્રીઝ તરફ ગઈ, પાણી પીતા-પીતા અવની નું ધ્યાન ઘડિયાળ પર ગયું…રાત્રિનાં 12 કલાક 10 મિનિટ થઈ હતી પરંતુ અવનીએ કોઈપણ સંજોગોમાં આજે પેલી ડાયરી પૂર્ણ કરવાનું નકકી કરેલ હતું.

અવની ફરી પાછી ડાયરી ખોલી અને આગળ વાંચવાનું શરૂ કર્યું,અચાનક એક જોરદાર પવનની લહેર આવી,અવનીના રૂમની બારી ખુલી ગઈ,વાતાવરણમાં એટલી શાંતિ હતી કે સૂસવાટા મારતો પવનનો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાય રહ્યો હતો ,બારી માંથી ઘસારા સાથે આવતો અવાજ કાનને ચીરી નાખે તેવાં છૂટવાતા મારતો હતો,બારી અને દરવાજા પરના પડદા હવામાં ઉડવા લાગ્યાં,પોતાના રૂમની લાઈટ લબક-ઝબક થવા લાગી.અવની ને એવું લાગ્યું કે કોઈ અજાણ શક્તિ તેને કંઇક કહેવા માગતું હોય તેવું,અવની ખૂબ જ ગભરાય ગઈ તેનાં મનમાં એક શંકા જાગી કે આવું પોતાની સાથે પહેલીવાર જ થયું છે, નક્કી પેલી ડાયરીને કારણે જ આ બધું થતું હશે.

આથી અવની એ હિંમત કરી અને સૂસવાટા મારતા એ પવનમાં તેણે પેલી ડાયરી એક્દમથી બંધ કરી દીધી, જેવી અવનીએ ડાયરી બંધ કરી, તરત જ બધુ એકદમ શાંત થઈ ગયું, પવનની એ લહેરો પણ બંધ થઈ ગઈ, અવનીએ શાંતિથી એક ઉંડો શ્વાસ લીધો, અવનીને હવે પાકો ખ્યાલ આવી ગયો કે આ બધું પોતાની સાથે જે થઈ રહ્યું છે તે ચોક્કસ પેલી ડાયરીને લીધે જ થાય છે. 5 કે 7 મિનિટ બાદ ફરી પેલાની માફક પવન વહેવા લાગ્યો, ફરી પાછી રૂમની લાઈટ પોતાની મેળેજ ઓન -ઓફ થવા લાગી,ફરી પાછી એ ડાયરીના પેઝ પોતાની જાતેજ આપોઆપ પલટાવા લાગ્યાં.

અવનીએ ડાયરી બંધ કરી અને ડાયરી પોતાનાં ઓશીકા નીચે દબાવી ને રાખી મૂકી, વાતાવરણ ફરી પેહલાં જેવું જ શાંત થઈ ગયું.ગભરાયેલ અવની પોતાના ભગવાનને યાદ કરતા-કરતાં સુઈ ગઈ.

આ આખો બનાવ અવની માટે કોઈ એક ખરાબ સપનાં થી ઓછું ન હતું, પરંતુ એ જે હોય તે, તેણે પોતાને કંઈ નુકસાન પહોંચાડેલ હતું નહીં,અવનીને એવો ભાસ પણ થયો કે કોઈ તેને કંઇક કહેવા કે જણાવવા માટેનાં પ્રયત્નો કરી રહ્યું હોઇ…!!

સવાર પડતાની સાથે જ અવનીની આંખો ખુલી તો પોતાનો રૂમ એકદમ વ્યવસ્થિત અને બરાબર હતો માનો કે રાતે કાંઈ બન્યું જ ન હોય તેવું લાગી રહ્યું હતું,આથી અવની થી રહેવાયું નહીં આથી પોતાના બેડ પર ઓશીકા નીચે રાખેલ ડાયરી ઉપાડી અને ડાયરી ખોલી,ડાયરી ખોલતાની સાથે જ અવની એકદમ આશ્ચર્યમાં પડી ગઈ અને પોતાની આંખોએ જે જોયું તેના પર અવનીને પોતાને પણ વિશ્વાસ આવી રહ્યો હતો નહીં…..કારણ કે ડાયરીના અમુક પેઝના ખુણા કપાયેલા હતાં, તો અમુક પેઝ નંબર લાલ અક્ષરના થઈ ગયા હતાં.

આથી અવની વધુ મૂંઝવણમાં મુકાઈ ગઈ, અને પોતાને ખ્યાલ આવી ગયો કે કોઈકને તેની મદદની ખાસ જરૂર છે.અવની આ રહસ્ય ઉકેળવાનું મનોમન નકકી કર્યુ અને જેટલા પેઝ ના ખૂણા કપાઈ ગયેલા હતાં તે બધાં જ પેઝ નંબર તેણે એક કાગળ પર લખ્યા.બધા નંબર એકસાથે લખતા જ અવની ની આંખો પહોળી થઇ ગઇ કારણ કે….બધા આંકડા ભેગા થઈને જે નંબર બનતા હતા એ હતાં….2972017, આથી અવની એકદમ ઝડપથી ઉભી થઇ અને પોતાના ઘરમાં જે જગ્યા પર જુના છાપાં રાખવામાં આવતા હતાં ત્યાં પહોંચી ગઈ….અને 2972017 નું ન્યુઝ પેપર શોધ્યું, જાણે કોઈ ગૂઢ રહસ્ય ઉકેલવાનું હોય તેવી રીતે આખું ન્યુઝ પેપર વાંચવા લાગી.

પેપર વાંચતા વાંચતા અવનીની નજર ખુણાના ભાગમાં લખાયેલ એક સમાચાર પર પડી…જેમાં લખેલ હતું કે હાઇવે પર એક એકટીવા નો એક કાર સાથે ગંભીર અકસ્માત, જેમાં એક 23 વર્ષની યુવતી ની હાલત એકદમ ગંભીર છે અને હાલ સરકારી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર લઇ રહી છે, યુવતીની હજુ સુધી કોઈ ઓળખ થયેલ નથી પરંતુ તેના જમણા હાથ પર…અંગ્રેજી આલ્ફાબેટ…પી અને એસ નું ટેટુ બનાવેલ છે.

જ્યારે અવનીએ આ ન્યુઝ વાંચ્યા તેને ખ્યાલ આવ્યો કે પેલી યુવતી બીજું કોઈ નહીં પરંતુ સંધ્યા પોતેજ હશે….આથી હવે અવની ને વધારે આશ્ચર્ય થયું એને તે તરત જ પોતાના રૂમમાં આવી અને પેલી ડાયરી પાછી ખોલી અને ડાયરીના જેટલા પેઝ નંબર પર લાલ કલરનું ચિહ્નનો થઈ ગયા હતાં એ બધા પેઝ નંબર ફરીથી એક કાગળમાં લખ્યા, બધા નંબર ભેગા કરતાં જ અવની એકદમ અવાક બની ગઈ કારણ કે એ બધા આંકડા ભેગા થઈને 9727868303 બનતા હતાં, આથી અવની એ પોતાનો ફોન ઉઠાવ્યો અને એકપણ ક્ષણ કે સેકન્ડનો વ્યર્થ કર્યા વગર જ પેલો નંબર ડાયલ કર્યો.

“હેલો !” – અવની એ થોડા ગભરાયેલા અવાજે બોલ્યું.
“હેલો ! હા બોલો”
“આપ કોણ બોલો છો?”

“ જી ! હું પાર્થ બોલું છું” – આટલું સાંભળતાની સાથે જ અવનીના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું પોતાને લાગી રહ્યું હતું, પાર્થ નામ સાંભળતાની સાથે જ અવની હવે કમ્ફર્મ થઈ ગઈ કે આ બીજું કોઈ નહીં …સંધ્યાનો પ્રેમ…..સંધ્યાનો જ પાર્થ હોવો જોઈએ…

“હા પણ તમે કોણ બોલો છો ?” – રેસિવર માંથી અવાજ આવ્યો.
“હું અવની બોલું છું , તમે સંધ્યાને ઓળખો છો ?”
“હા ! હું ઓળખું છું, હું અને સંધ્યા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા..પણ તમે તેને કેવી રીતે ઓળખો છો ?”

“પ્રેમ કરતા હતા મતલબ ?? હવે નહીં કરતા ??”- અવનીએ પૂછુંયું.
“ના એવું નહીં આમારો પ્રેમ સાચો હતો અને અમે એકબીજા વગર રહી પણ શકતા હતાં નહીં પરંતુ એકાએક સંધ્યા કયાં જતી રહી એ મને કે તેનાં પરિવારનાં સભ્યોને પણ ખબર નહીં, અમે તેને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બધા જ વ્યર્થ ”

પાર્થના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા કે કોણ હશે એ અવની ? તે સંધ્યાને કેવી રીતે ઓળખતી હશે ? મને ઓળખતી હશે કે નહીં ? પાર્થે આવા અનેક પ્રશ્નો અવનીને પૂછ્યા..પરંતુ અવની એ જણાવ્યું કે

“અત્યારે મારી પાસે તમારા બધા પ્રશ્નો ના જવાબ આપવાનો સમય નથી…તમારો પ્રેમ સાચો જ હતો અને સાચો જ રહેશે અને સાચા પ્રેમીઓને મળાવવા માટે તો ખૂદ ભગવાન પણ તૈયાર થઈ જાય અને દુનિયાની બધી જ શક્તિ તમને તમારા પ્રેમ સાથે મળાવવા માટે લાગી જાય છે …તમે એક કામ કરો તારીખ 2972017ના રોજનું ગુજરાત સમાચાર પેપર નું 8 નંબરના પેઝ પર એકદમ ખુણા માં લખેલ સમાચાર વાંચો….અને મારો કોન્ટેટેક આ નંબર પર થઈ શકશે”

આટલુ બોલી અવની એ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. પાર્થે અવનીની સૂચના નું પાલન કર્યું અને જેવું તેને 8 નંબરનું પેઝ જોયું તો તે એકદમ આશ્ચર્ય માં અને નવાઇ માં મુકાઈ ગયો કારણ કે …..એ જે અકસ્માતનાં સમાચાર હતા અને એમાં જે ઘાયલ થયું ,જે હાલ સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર લઇ રહ્યું છે એ બીજું કોઈ નહીં……પરંતુ પોતાનો સાચો પ્રેમ……પોતાની ઝીન્દગી કદાચ એનાથી પણ વધુ ….સંધ્યા પોતે જ હતી. પાર્થે સંધ્યાના માતાપિતાને આ વાત ની એકદમ ઝડપથી જાણ કરી.અને એકાદ -બે કલાકમાં તો તેઓ હોસ્પિટલે પહોંચી ગયાં…..

સૌ કોઈ ની ખુશીનો કોઈ પાર ન રહ્યો.બધાએ સંધ્યા ની ખૂબ જ કેર લીધી આથી 10 દિવસમાં તો સંધ્યા ભાનમાં આવી ગઈ…અને 20દિવસમાં તો સંઘ્યા સંપૂર્ણપણે રિકવર થઈ ગઈ અને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ પણ મળી ગયો. સંધ્યા અને પાર્થના પ્રેમેં ફરી પાછું આ જગતમા સાબિત કરી દીધું કે જો તમારો પ્રેમ સાચો હશે તો તે તમને કોઇપણ સંજોગોમાં તમારો પ્રેમ તમને મળશે અને તમારા સાચા પ્રેમની જ જીત થાય છે.

સંધ્યા અને પાર્થ ત્યારબાદ પોત પોતાના માતા-પિતાને લઇ અવનીના ઘરે આવ્યા અને સૌ કોઈ એ અવની અને તેના પરિવારજનો નો હર્દયપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો……અને અવની એ ખૂબ જ સાવચેતી થી ને સાચવી રાખેલ સંધ્યાની ડાયરી …અધૂરી પ્રેમકહાની ને સંપુર્ણ કરવા માટે પાછી સોંપી દીધી.

હવે અવની પણ સમજી ગઈ હતી કે પોતાની સાથે પેલો જે રાત્રિ દરમિયાન જે ઘટના બની તે થવા પાછળ બીજું કંઇ કારણ નહીં પરંતુ સંધ્યાનો પોતાના પ્રેમી પાર્થ પ્રેત્યેનો પ્રેમ જ હતો…કદાચ એવું પણ બની શકે કે સંધ્યા બેભાન અવસ્થામાં હોય અને તેનો આત્મા પોતાના સાચો પ્રેમ જે કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો હોય શકે …પાર્થ અથવા પોતાના માતા-પિતા વગેરે ને મળવા માંગતી હોય.

અવની પણ ખૂબ જ ખુશ હતી કારણ કે પોતે સાચો પ્રેમ કરનાર બે હ્ર્દયો નું મિલન કરાવી શકી.અવની એ પણ ક્યારેય વિચાર્યું ન હતું કે તેનો આ વાંચનનો શોખ ક્યારેક બે દિલો નું સંગમ કરાવી શકશે. અવની ને એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે ખરેખર સાચા અર્થમાં દિવાળી તહેવાર ઉજવ્યો હોય….કારણકે દિવાળી તહેવાર એ પ્રકાશ અને ખુશીઓ નો જ તહેવાર છે….અવની પાર્થની અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવ્યો અને પાર્થ અને સંધ્યા બનેેવના પરિવારને ખુશીઓથી ભરી દીધો………..

સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

મકવાણા રાહુલ.એચ

મિત્રો આ સ્ટોરી આપના હૃદય ને સ્પશે તો આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવજો

ટીપ્પણી